° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


નર્મદા વિરોધી પંજાને પાણી બતાવવા પીએમની હાકલ

21 November, 2022 09:41 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ધોરાજીની ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેધા પાટકર અને રાહુલ ગાંધીનાં નામ લીધા વગર વાક્પ્રહાર કરતાં કહ્યું કે કૉન્ગ્રેસવાળા વોટ માગવા આવે તો પૂછજો કે નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકનારા લોકો તમે કયા મોઢે વોટ માગવા આવ્યા છો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વેરાવળમાં ચૂંટણીસભા સંબોધી હતી Gujarat Election

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વેરાવળમાં ચૂંટણીસભા સંબોધી હતી

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સોમનાથદાદાના શરણે પહોંચી શીશ નમાવી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચારનાં શ્રીગણેશ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણીસભા સંબોધી હતી, જેમાં ધોરાજીની ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીએ મેઘા પાટકર અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસવાળા વોટ માગવા આવે તો પૂછજો કે નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકનારા લોકો તમે કયા મોઢે વોટ માગવા આવ્યા છો? ’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથદાદાની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શનિવારથી નરેન્દ્ર મોદીએ તેમના હાથમાં બીજેપીની પ્રચારકમાન સંભાળી લીધી છે. સૌરાષ્ટ્રની વિધાનસભાની બેઠકો સર કરવા નરેન્દ્ર મોદીએ એક પછી એક એમ ચાર શહેરમાં ચાર સભા યોજીને ચૂંટણીપ્રચાર વેગવંતો બનાવ્યો હતો.

ધોરાજીની સભામાં નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર કચ્છમાં એક સમયે ઊભી થયેલી પાણીની સમસ્યા અને નર્મદા યોજના વિશે વાત છેડીને રાહુલ ગાંધી અને મેઘા પાટકરને આડે હાથ લેતાં અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘નર્મદા માટે થઈને કેટલા બધા ડખા થયા. પંડિત નેહરુએ સરદાર સરોવર ડૅમનો શિલાન્યાસ કર્યો અને આ નરેન્દ્ર મોદીએ આવીને એનું ઉદ્ઘાટન કર્યું હતું. તમે વિચાર કરો કે કેટલા રૂપિયા અને કેટલો ટાઇમ બરબાદ થયો. કેવા-કેવા લોકો નર્મદાને આડે આવ્યા હતા. કૉન્ગ્રેસ પાર્ટી કયા મોઢે તમારી પાસે વોટ માગવા આવે છે? જરા પૂછજો. આ નર્મદા અમારા કચ્છ-કાઠિયાવાડના લોકોને પીવાના પાણી માટેની એક જ જગ્યા હતી. એ નર્મદાનું પાણી ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખ્યું, કોર્ટ-કચેરીઓમાં ઢસડી ગયા, મુસીબતો કરી અને પાણી ન પહોંચાડવા માટે આંદોલનો કર્યાં, બદનામ કર્યું ગુજરાતને, દુનિયાભરમાંથી કોઈ પૈસા ન આપે ગુજરાતને, વર્લ્ડ બૅન્ક પૈસા ન આપે; આવું બધું કર્યું. એ બહેન જે આંદોલન ચલાવતાં હતાં તેમના ખભે હાથ મૂકીને ગઈ કાલે કૉન્ગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા. કૉન્ગ્રેસવાળા વોટ માગવા આવે ત્યારે પૂછજો આ નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને તમે દોડો છો. આ નર્મદા ન હોત તો અમારા કચ્છ-કાઠિયાવાડનું શું થયું હોત? તેમના ખભે હાથ મૂકનારા લોકો કયા મોઢે વોટ માગવા આવ્યા છો અમારે ત્યાં? આ સવાલ પૂછજો કૉન્ગ્રેસવાળાઓને કે તમે નર્મદાને અટકાવનારા લોકોના ખભે હાથ મૂકીને પદયાત્રા કાઢો છો? નર્મદાનું પાણી કચ્છ-કાઠિયાવાડમાં પહોંચે એટલા માટે ૨૦ માળ મકાન જેટલું પાણી આપણે ટાંકીમાં ઉપર ચઢાવ્યું, પંપ કામે લગાવ્યા અને એમાંથી પાણી પહોંચાડ્યું.’

યાત્રાધામ સોમનાથમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે ‘હવે દુનિયાની તોલે ગુજરાતને લઈ જવું છે અને એટલા માટે મારે તમારા આશીર્વાદ જોઈએ છે. અમારા સાથીઓ ચૂંટણીના મેદાનમાં આપની સામે આવ્યા છે ત્યારે પૂરા આશીર્વાદ આપીને અમને બધી સીટો પર કમળ ખીલવી આપો.’

આ અગાઉ નરેન્દ્ર મોદીએ વેરાવળમાં ચૂંટણીસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘ગુજરાતની જનતાએ નિરંતર આશીર્વાદ આપ્યા છે. આજે ગુજરાતનો દરિયાકાંઠો ધમધમી રહ્યો છે. ગુજરાતનાં બંદરો હિન્દુસ્તાનની સમૃ​​દ્ધિનું દ્વાર બની ગયું છે. ગુજરાતે સર્વાંગી વિકાસનો રસ્તો અપનાવ્યો છે. વિકાસની હરણફાળ ભરવી છે. પા પા પગલી કરીને હવે આગળ વધવાનો સમય નથી. એના માટે નરેન્દ્ર દિલ્હીમાંથી તમારી સેવા માટે તૈયાર છે. ભૂપેન્દ્ર ગાંધીનગરથી તમારી સેવા કરવા તૈયાર છે. આ નરેન્દ્ર-ભૂપેન્દ્રની જોડી, ડબલ એ​ન્જિનની સરકાર વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જાય, સર્વાંગી વિકાસ થાય એ માટે કામ કરી રહ્યા છે. એટલા માટે જ્યારે દાદાના ચરણોમાં આવ્યો છું, આપ સૌના આશીર્વાદ લેવા આવ્યો છું ત્યારે વધુમાં વધુ મતદાન કરીને બીજેપીને વિજયી બનાવો. તમે બધા ઘરે જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈએ તમને પ્રણામ કહ્યા છે.’

ગઈ કાલે ધોરાજીમાં ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અલ્યા નકામો તમારો વોટ શું કરવા બગાડો છો અમરેલીવાળા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતમાં બૅક-ટૂ-બૅક ચૂંટણીસભાઓ યોજી હતી, જેમાં અમરેલીમાં સભાને સંબોધતાં કૉન્ગ્રેસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનો એક માણસ તમારું ભલું નહીં કરી શકે. અહીં તમે ગઈ વખતે કૉન્ગ્રેસના લોકોને ચૂંટીને મોકલ્યા. અમરેલી જિલ્લાવાળાને ગઈ વખતે બહુ ઊમળકો હતો. લો મોકલ્યા, શું કર્યું? ભાઈ કહો, એક કામ યાદ આવે છે? કંઈ કર્યું ભલું? અલ્યા, નકામો તમારો વોટ શું કરવા બગાડો છો અમરેલીવાળા?’

નરેન્દ્ર મોદી ગઈ કાલે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણીસભામાં એજ્યુકેશન, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનાં ક્ષેત્રોમાં ગુજરાતમાં કરેલા વિકાસની વાતો કરી હતી તેમ જ કૉન્ગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતા. એટલુ જ નહીં, પરંતુ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

બોટાદમાં તેમણે કહ્યું હતું કે ‘એક જ દિવસમાં હું જ્યાં-જ્યાં ગયો છું ત્યાં લોકોનો ઉમંગ-ઉત્સાહ જોયો છે, લોકોના આશીર્વાદ જોયા છે. મારા પ્રવાસ પછી હું કહી શકું છું કે ગુજરાતની જનતાએ અભૂતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કરી દીધું છે. ચૂંટણીનાં પરિણામો લોકોએ નક્કી કરી દીધાં છે. આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ.’

બોટાદમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ‘ભૂતકાળમાં ક્યાંક ભૂલો થઈ છે. ક્યાંક કાચું થયું છે, પણ હવે બધે પાક્કું કરવું છે.’

અમરેલીમાં કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘તમે કૉન્ગ્રેસ પાસેથી અપેક્ષા જ ન કરતા. તમે કોઈ કૉન્ગ્રેસના નેતાને પૂછજો કે વિકાસ કોને કહેવાય? એ કેવી રીતે થાય? એનો રોડમૅપ શું હોય? ક્યાં પહોંચાય?’

ધોરાજીમાં કહ્યું હતું કે ‘ગુજરાત સહિત કોઈ પણ રાજ્યનો વિકાસ કરવો હોય તો બે મોટી જરૂરિયાત હોય છે પાણી અને વીજળીની. પાણી અને વીજળી હોય તો વિકાસ થાય.’

મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરતાં વેરાવળમાં તેમણે કહ્યું હતું કે ‘ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. મતદાન તો કરવું જ જોઈએ. બધા કંઈ કમળનું જ બટન દબાવે એવું આપણે નથી કહેતા, પરંતુ મતદાન બહુ આવશ્યક છે. લોકતંત્રના આ ઉત્સવને એક-એક નાગરિકે ઊજવવો રહ્યો અને એટલા માટે મારો આપ સૌને આગ્રહ છે.’ 

21 November, 2022 09:41 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat Election: પહેલા તબક્કાના મતદાનની મહત્વની 6 બાબતો પર નજર

ગુરૂવારે ગુજરાતમાં જે વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું તેમાંથી આ બેઠકો મહત્વની છે.

02 December, 2022 12:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

‘ગેસ સિલિન્ડરનું શું કરશો, બંગાળીઓ માટે રાંધશો?`: પરેશ રાવલના નિવેદન પર વિવાદ

ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો

02 December, 2022 11:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

૯૬ વર્ષનાં દેવબાઈએ કહ્યું, મેં મત આપીને મારી ફરજ અદા કરી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સિનિયર સિટિઝન વોટર્સે રંગ રાખ્યો અને બીજા મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

02 December, 2022 11:33 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK