Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નીરસ ચૂંટણી પછી પ્રથમ તબક્કાનું ઓછું મતદાન : ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં?

નીરસ ચૂંટણી પછી પ્રથમ તબક્કાનું ઓછું મતદાન : ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં?

03 December, 2022 08:04 AM IST | Ahmedabad
Dilip Gohil | feedbackgmd@mid-day.com

૨૦૧૨માં સૌથી વધુ ૭૧ ટકા મતદાન બાદ ૨૦૧૭ની ધમાલભરી ચૂંટણીમાં મતદાન ઓછું થયું હતું અને આ વખતે નીરસ ચૂંટણીમાં વળી પાંચ ટકા મતદાન ઘટ્યું ત્યારે એના પડઘા કેવાં પરિણામ લાવશે એ સવાલ વધારે અઘરો બની ગયો છે

ફાઇલ તસવીર

ઇલેક્શન સ્પેશ્યલ

ફાઇલ તસવીર


દિલ્હીમાં અણ્ણા આંદોલન બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તનના અણસાર આવવા લાગ્યા હતા. એની અસર ગુજરાતમાં એવી રીતે પડી હતી કે પુનરાવર્તન સાથે નરેન્દ્ર મોદી જીત્યા હતા અને મતદાનની ટકાવારી રકૉર્ડબ્રેક ૭૧ ટકાને પાર કરી ગઈ હતી.

૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. પરિવર્તન કે પુનરાવર્તન એ સવાલ ત્યારે પણ અગત્યનો હતો, પરંતુ આ વખતે મતદાન ઘટ્યું અને ૬૯ ટકા જેટલું રહ્યું. આ વખતે પાંચેક ટકા ઓછા મતદાન સાથે ૬૪ ટકા મતદાન પ્રથમ તબક્કામાં થયું હતું. ગયા વખતના પ્રથમ તબક્કાની સરખામણીમાં પણ ચાર ટકા તો ઘટ્યું જ છે.
આદિવાસી વિસ્તારોમાં ૮૦ ટકા સુધી મતદાન ગયું હતું એ પણ ઘટ્યું છે અને શહેરી વિસ્તારોમાં તો ઘટ્યું જ છે. રાજકોટ, જામનગર અને જેતપુરમાં પણ સાતેક ટકા જેટલો ઘટાડો ધ્યાન ખેંચનારો છે. વરાછામાં પણ સાડાછ ટકા ઘટી ગયું, પણ કતારગામમાં (ગોપાલ ઇટાલિયા) યથાવત્ રહ્યું. દ્વારકા જિલ્લામાં (ઈસુદાન ગઢવી) પણ ઘટ્યું નથી. ઘટવાનાં કારણો અને એનાં પરિણામો શું આવશે એની ચર્ચા થવી સ્વાભાવિક છે. ‘આ વખતની ચૂંટણી નીરસ છે’ – આવી નોંધ સતત લેવાતી રહી અને મતદારોએ પણ નિરુત્સાહ દેખાડ્યો. ત્રણેય પક્ષોએ દાવો કર્યો કે તેમના ટેકેદારો તો બૂથ પર ગયા હતા, માટે જીત નિશ્ચિત છે, પણ ત્રણેયના નેતાઓને ચિંતા થવી સ્વાભાવિક છે. બીજેપીના નેતાઓમાં પણ ચિંતાનાં વાદળો નથી ઘેરાયાં એમ નહીં કહી શકાય.
બીજા તબક્કામાં વધારેમાં વધારે વોટિંગ માટેની વિનંતીઓનું વૉલ્યુમ વધી ગયું છે. બેઠકોના વિક્રમને બદલે હવે પ્રથમ વોટિંગમાં વિક્રમની વાતો થવા લાગી છે, જે હવે શક્ય લાગતી નથી. સૌથી મોટું તારણ એ નીકળી રહ્યું છે કે બીજેપીમાં આંતરિક અસંતોષને કારણે હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ક્રિય રહ્યા. પોતાના જ પક્ષ સામે નારાજગી છે, પણ બીજે મત નાખવો નથી – તો વોટ જ આલવો નથી. આ પ્રકારની માનસિકતાને કારણે – વિશેષ કરીને બીજેપી આ વખતે ત્યાં રિકવર થવા માગતી હતી એ પટેલ બેઠકો પર પણ ઓછું મતદાન થયું છે.



બીજું કે આ વખતે વિવિધ સમુદાયના અગ્રણીઓએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો કે અમારી જ્ઞાતિમાંથી ટિકિટો અપાઈ નથી. મોટા પક્ષો ટિકિટો જ ન આપવાના હોય અને અમુક વોટબૅન્કને જ ઢગલાબંધ બેઠકો આપી દેવાની હોય તો પછી મતદાન કરવા જવાનો કોઈ અર્થ રહેતો નથી. દરેક જગ્યાએ નારાજગી પક્ષી અપક્ષ તરીકે ચૂંટણી લડવી શક્ય નથી હોતી, પરંતુ કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય તો એની અસર મતદાનની ટકાવારી પર પડે.


લગનગાળો હતો; શિયાળો પણ ખરો; આ વખતે સરકારી કર્મચારીઓએ દાઝ કાઢી છે; નિયમો અનુસાર જ કામ કરીને ધીમું મતદાન કરાવ્યું; ધીમું મતદાન હોવાથી સવારે લાંબી લાઇનો લાગી ગયેલી અને લાંબી લાઇનો જોઈને ઘણા પછી આવીશું એમ કહીને જતા પણ રહેલા; લોકોના મુદ્દાઓની તો વાત જ ન થઈ અને ભળતાસળતા મુદ્દાને ચગાવવાની કોશિશો થતી રહી વગેરે જેવાં પરિબળોની પણ ચર્ચા છે. એ વાત પણ એટલી સાચી છે કે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં માથાભારે ઉમેદવારોએ ધાકધમકી આપી હોય, ગોળી મારી દેવાની કે ઠેકાણે પાડી દેવાની ધમકીઓ ખુલ્લેઆમ આપી હોય એવું બન્યું. દારૂ વેચવા દઈશું, મારું નામ આપી દેવાનું એટલે પોલીસ કંઈ નહીં કરે, સરકારી કચેરીએ ભગવી ટોપી પહેરીને જવાનું એટલે તમારું કામ પહેલું થશે એવી બધી વાતો જાહેરમાં થઈ એને કારણે ગુજરાતની શાણી પ્રજાને લાગ્યું કે જાહેરજીવનનું ધોરણ વધારેપડતું નીચે ઊતરી ગયું છે. રાજકારણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માગનારા સમજદાર મતદારોને લાગ્યું કે નેતાઓ કદી સુધરવાના જ નથી ત્યારે આપણે હવે મહેનત કરવાની જરૂર નથી. કોણ જીતે કશો ફરક પડતો નથી, કોઈ જીતી જાય પછી તેને ખરીદી લેવામાં આવે છે, પક્ષ માટે મહેનત કરનારા કોઈની પણ ટિકિટ કાપી નખાય અને જીતી જનારા બહારના ઉમેદવારોને રાતોરાત આવકાર મળે એ બધા મુદ્દા પણ પક્ષના સમર્થકોને અણગમતા લાગ્યા છે. 

હવે બીજા તબક્કામાં મતદાન વધારે થાય એ માટે પ્રયાસો થશે, પણ એનાથી સૌરાષ્ટ્ર અને સુરતમાં જે થઈ ગયું એ સુધરવાનું નથી. વળી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં – ખાસ કરીને વડોદરામાં તો આંતરિક અસંતોષ સૌથી વધારે છે. આ વિસ્તારોમાં સૌથી વધારે અસંતુષ્ટો અપક્ષો તરીકે ઊભા છે. એને કારણે મત પણ કપાય અને તટસ્થ સમર્થકો નિરાશામાં નિષ્ક્રિય રહે તો મતદાન વધે નહીં. ઉત્તર ગુજરાતમાં પણ ચૌધરી, માલધારી સમાજની નારાજગી દૂર થઈ નથી ત્યારે મતદાન વધારવાના પ્રયાસો કેટલા કામના એ પણ સવાલ રહેવાનો.


બીજા તબક્કાના મતદાન પછી કઈ બેઠકો પર કેવો જંગ હતો અને ક્યા કેટલા ટકા મતદાનમાં ફેરફારો થયા એની ગણતરી મંડાશે, પણ ત્યાં સુધીમાં–આઠ ડિસેમ્બરે પરિણામો પણ આવી ગયાં હશે એટલે ધારણા કેટલી સાચી, કેટલી ખોટી એની જ સરખામણી કરવાની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 08:04 AM IST | Ahmedabad | Dilip Gohil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK