Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બહોત બડી આગ હૈ, કુછ કરો...

બહોત બડી આગ હૈ, કુછ કરો...

02 May, 2021 07:53 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આઇસીયુ કોવિડ વૉર્ડમાં ૧૮નો ભોગ લેનાર આગ લાગ્યા પછી ત્યાં રહેલા દરદીઓએ મોબાઇલમાં વૉઇસ-નોટ મોકલી, જેમાં પાછળ ભયાનક ચિચિયારી અને દેકારાઓ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે,

જ્યાં આગ લાગી હતી એ ભરૂચની હૉસ્પિટલ. એ.એફ.પી.

જ્યાં આગ લાગી હતી એ ભરૂચની હૉસ્પિટલ. એ.એફ.પી.


ભરૂચની વેલ્ફેર હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં સારવાર લઈ રહેલા દરદીઓ અને હૉસ્પિટલના સ્ટાફ માટે શુક્રવારે મોડી રાત કાળમુખી પુરવાર થઈ. મોડી રાતે હૉસ્પિટલમાં લાગેલી આગમાં ૧૨ કોવિડ પેશન્ટ્સ અને આઇસીયુ વૉર્ડની બે નર્સ સહિત કુલ ૧૮ લોકો જીવતાં સળગી મર્યા. જે હૉસ્પિટલમાંથી બહાર આવીને નવેસરથી જીવનની શરૂઆત કરવાના સપનાં જોવાતાં હતાં એ જ હૉસ્પિટલના બિછાના પર કેટલાક દરદી તો જીવતાં ભૂંજાઈ ગયા. કેટલાક પેશન્ટે રાતના સમયે જ મોબાઇલ મેસેન્જર દ્વારા વોઇસ-નોટ મોકલીને કહ્યું હતું, ‘બહોત બડી આગ હૈ, કુછ કરો...’



શુક્રવારે રાતે લાગેલી આગને કારણે બળી ગયેલાં મેડિકલ ઇક્વિપમેન્ટ.  એ.એફ.પી.


વેલ્ફેર હૉસ્પિટલમાં લાગેલી આગ કેટલી ભયાવહ હશે અને એ ક્ષણો કેટલી બિહામણી અને દર્દનાક હશે કે વિચલિત કરી દેતી એ સમયની તસવીરો જોવાની હિંમત પણ ગઈ કાલે ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ કરી નહોતા શક્યા. ભરૂચ-જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હૉસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી, જેને કારણે ભરૂચના કોરોના પૉઝિટિવ દરદીઓને આ હૉસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવતી હતી. શુક્રવારે આગ લાગી એ સમયે મોટા ભાગના પેશન્ટસ સહિત ત્યાં હાજર રહેલા વૉર્ડ ઇન્ચાર્જ પણ સૂઈ ગયા હતા. રાતના સમયે અચાનક ગૂંગળામણ શરૂ થતાં બધા જાગી ગયા અને દોડધામ મચી ગઈ.  આગની આ ઘટનામાં ૧૬ કોવિડ પૅશન્ટ અને બે નર્સો સહિત કુલ ૧૮ લોકોના મોત નિપજ્યાં છે. અવાજમાં રહેલી વેદના, પીડા અને એ અવાજની પાછળથી આવતા દેકારાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે એ સમયે કેવી ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ હશે. ગુજરાત સરકારે આગની આ ઘટના માટે તપાસનો આદેશ આપીને કમિટી બનાવી છે. ભરૂચ જિલ્લાના કલેક્ટર એમ. ડી. મોદિયાએ ગઈ કાલે સવારે કહ્યું હતું કે ‘તમામ પ્રકારના પુરાવાઓ એકઠા કરવામાં આવે છે પણ અત્યારે અમારું પહેલું ધ્યાન આ હૉસ્પિટલમાંથી શિફ્ટ થયેલા પેશન્ટ્સ પર છે, જે અમે કરીએ છીએ.’


આગને કારણે બળી ગયેલો બેડ. એ.એફ.પી.

આગનું પ્રાથમિક કારણ
ભરૂચની હૉસ્પિટલમાં આગ લાગવાનું પ્રાથમ‌િક કારણ શૉર્ટસર્કિટ માનવામાં આવે છે. હૉસ્પિટલ દ્વારા ઇમર્જન્સીમાં ઊભા કરાયેલા ન્યુ કોવિડ સેન્ટર માટે ફાયર ડિપાર્ટમેન્ટનું એનઓસી નહીં હોવાનું પણ બહાર આવ્યું છે. વેલ્ફેર હૉસ્પિટલમાં બે ડિપાર્ટમેન્ટ છે. ફ્રન્ટ સાઇડ પર આવેલા મુખ્ય બિલ્ડિંગ પાસે ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ છે પણ પાછળના આ નવા ‌બિલ્ડ‌િંગ માટે કોઈ એનઓસી લેવામાં નહોતું આવ્યું. સિટી ફાયર ઑફિસર દીપક મખીજાનીએ કહ્યું હતું કે હૉસ્પિટલ મૅનેજમેન્ટે ભરૂચ પાલિકા પાસે એનઓસી માટે અરજી પણ કરી નથી. 
આટલું ઓછું હોય એમ હૉસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલી ઇલેક્ટ્રિસિટી સપ્લાયનું કનેકશન પણ ટેમ્પરરી હોવાનું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કહે છે.

ગુજરાતની પાંચમી ઘટના
ભરૂચની હૉસ્પિટલમાં લાગેલી આગ એ પહેલી ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં આ પાંચમી ઘટના ઘટી છે જેમાં કોવિડ પેશન્ટ્સે જીવ ગુમાવ્યા હોય. અમદાવાદની શ્રેય હૉસ્પિટલ, રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલ, સુરતી આયુષ હૉસ્પિટલની આગ દરમ્યાન કુલ અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા તો વડોદરાની સયાજી અને વ‌િજય વલ્લભ હૉસ્પિટલ તથા જામનગરની જીજી હૉસ્પિટલમાં પણ આગ લાગી હતી પણ સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગની ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ખેદ વ્યક્ત કર્યો હતો તો ગુજરાત સરકારે મરનારના ફૅમિલીને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2021 07:53 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK