સોમનાથ મંદિરમાં સાંધ્ય આરતી સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ભાવિકોએ કર્યાં દર્શન ઃ સુરત, વડોદરા, અમદાવાદ સહિત ઘણાં સ્થળોએ કાવડયાત્રા યોજાઈ
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવભક્તોનો જમાવડો
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ગઈ કાલે ગુજરાતનાં શિવાલયોમાં શિવભક્તોનો દર્શન માટે જમાવડો થયો હતો અને શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે સાંધ્ય આરતી સુધીમાં ૪૦,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દેવાધીદેવ સોમનાથદાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર દર્શન માટે ૨૦ કલાક ખુલ્લું મુકાયું હતું. સોમનાથમાં ગઈ કાલે ૫ણ ધ્વજાપૂજા અને ધ્વજારોહણ થયું હતું. આ ઉપરાંત ૪૫ સોમેશ્વર મહાપૂજન, ૬૨૦ રૂદ્રાભિષેક થયાં હતાં અને ૯૦૦ પરિવારોએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી. શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ગઈ કાલે ૨૭૬૧ જેટલી વિવિધ પૂજાવિધિ થઈ હતી. સોમનાથ મહાદેવને સાંજે ચંદનનો લેપ લડાવીને ૧૦૦ કિલો ફૂલોથી સુશોભન કરાયું હતું. સોમનાથ ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાતનાં શિવાલયોમાં ભાવિકો દર્શન માટે વહેલી સવારથી ઊમટ્યાં હતાં. બીજી તરફ સુરત, વડોદરા, અમદાવાદ સહિત ઘણાં સ્થળોએ કાવડયાત્રા યોજાઈ, જેમાં સુરતમાં ૨૫૦૦ મહિલાઓ કાવડયાત્રામાં જોડાઈ હતી. ૧૦ કિલોમીટરની આ કાવડયાત્રા સિદ્ધ કુટીર મંદિરથી યોજાઈ હતી અને પુણાગામ તળાવ પાસે પહોંચી હતી, જ્યાં મહિલાઓ સહિતના ધાર્મિકજનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી.