લાડુમાં ત્રણ-ચાર દિવસમાં સ્મેલ આવતી હોવાની શંકાના આધારે ફરિયાદ કરી ડાકોર મંદિરના પૂજારીએ
ડાકોર મંદિર
લાડુમાં ત્રણ-ચાર દિવસમાં સ્મેલ આવતી હોવાની શંકાના આધારે ફરિયાદ કરી ડાકોર મંદિરના પૂજારીએઃ જોકે મંદિરના સત્તાવાળાઓએ ફરિયાદને ફગાવતાં કહ્યું કે બરાબર ખ્યાલ રાખીએ છીએ, કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય
મધ્ય ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રસાદનો વિવાદ ઊઠ્યો છે. મંદિરમાં ભક્તોને અપાતા લાડુના પ્રસાદમાંથી સ્મેલ આવતી હોવાની ફરિયાદ મંદિરના પૂજારીએ કરી છે. જોકે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓએ આ ફરિયાદને ફગાવીને કહ્યું હતું કે પ્રસાદના હાઇજીનનો ખ્યાલ રાખવામાં આવે છે અને કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય.
ડાકોર મંદિરના પૂજારી આશિષ સેવકે પ્રસાદના મુદ્દે આક્ષેપ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને શંકા જઈ રહી છે કે પ્રસાદમાં વપરાતા ઘીના કારણે લાડુના પ્રસાદમાં ત્રણ-ચાર દિવસમાં સ્મેલ આવે છે. ઘી બદલાયા પછી આ મુશ્કેલી શરૂ થઈ છે. આ મુદ્દે છેલ્લા પાંચ-છ મહિનાથી રજૂઆત કરી હતી. સેવક અને ટ્રસ્ટીઓની મીટિંગ મળી હતી એમાં પણ સેવક આગેવાને રજૂઆત કરી હતી કે ઘીનું કંઈક કરો, લાડુમાં સ્મેલ આવે છે. પહેલાં લાડવા બનતા હતા એ મહિના સુધી ચાલતા હતા.’
ADVERTISEMENT
લાડુના પ્રસાદમાં ઊઠેલી ફરિયાદના મુદ્દે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ચૅરમૅન પરીન્દુ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરના પ્રસાદમાં અમૂલ ઘીનો ઉપયોગ થાય છે અને ઘીનો જે લૉટ આવે છે એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મંદિરમાં પ્રસાદના હાઇજીનનો ખ્યાલ રાખવો પડે, નહીં તો કોઈ ભક્ત આવે નહીં અને પ્રસાદ લે નહીં. અમારી જવાબદારી બને છે કે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય. બીજું એ કે મંદિરને લોકોનાં ફીડબૅક મળ્યાં છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે એમાં એક-એક વર્ષ સુધી કંઈ થતું નથી. સામાન્ય સંજોગોમાં કોઈ પોતાને ત્યાં પ્રસાદ લાવે તો બે-ચાર દિવસમાં વપરાઈ જાય છે અને પ્રસાદ ઘરે હોય તો વહેંચી દેવામાં આવે છે.’