આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે બીજેપી ઍક્શન મોડમાં : ગુજરાતમાં બીજેપીનો ૨૨ લાખ ૬૦ હજારથી વધુ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક ઃ ૫૦ લાખથી વધુ પરિવારો સુધી પહોંચશે બીજેપી

સી.આર.પાટીલ
અમદાવાદ ઃ ‘ભારત વિશ્વગુરુ છે, જો ને ભાજપ એની શાન..., મારો પરિવાર, ભાજપ પરિવાર...’ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત બીજેપી ઍક્શન મોડમાં આવી છે અને પક્ષના સભ્ય બનાવવાના અભિયાનમાં ગઈ કાલે આ ગીત લૉન્ચ કર્યું હતું. આ વખતે ગુજરાતમાં બીજેપીએ નવા ૨૦ ટકા સભ્યો જોડવાનું આયોજન હાથ ધરતાં અંદાજે ૨૨ લાખ ૬૦ હજારથી વધુ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ગુજરાતના ૫૦ લાખથી વધુ પરિવારો સુધી બીજેપીએ પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.
બીજેપી સદસ્યતા અભિયાન અંતર્ગત બીજેપીના સાંસ્કૃતિક સેલ દ્વારા રચવામાં આવેલા ગીતનું લૉન્ચિંગ ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કર્યું હતું. સી.આર. પાટીલે કહ્યું હતું કે ‘બીજેપીમાં નવા કાર્યકરોને જોડવા માટેનું અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં એક કરોડ ૧૩ લાખથી વધુ પ્રાથમિક સદસ્ય છે અને ૬૭ લાખથી વધુ પેજ કમિટીના સભ્યો નોંધાયા છે. દર અભિયાન વખતે ૨૦ ટકા સભ્યો વધુ જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. નવા કાર્યકરોને બીજેપીમાં જોડવાના અભિયાનમાં ગુજરાત આગળ છે. ખૂબ ઓછા સમયમાં વધુમાં વધુ સભ્યો જોડવામાં આવશે એવો પ્રયાસ કરવામાં આવશે. જન સંપર્ક માટે પ્રેસિડન્ટ ડેશ બોર્ડ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી ઘરે-ઘરે જઈ વ્યક્તિઓના અભિપ્રાય લેવાશે. આશરે ૫૦ લાખથી વધુ પરિવારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. સદસ્યતા અભિયાન ગીત લૉન્ચ કરવામાં આવ્યું છે એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલાં કામોની ઝલક દર્શાવવામાં આવી છે.’