Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે : નરેન્દ્ર મોદી

આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે : નરેન્દ્ર મોદી

20 April, 2022 09:45 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જામનગરમાં મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વના સૌપ્રથમ જીસીટીએમનું ભૂમિપૂજન કર્યું હતું.

જીસીટીએમના ભૂમિપૂજનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો.

જીસીટીએમના ભૂમિપૂજનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો.


અમદાવાદ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કરીને કહ્યું હતું કે આયુર્વેદને જીવનના જ્ઞાનના રૂપે સમજાય છે ત્યારે આ સેન્ટર ‘વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા’ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે. 
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જામનગરમાં મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વના સૌપ્રથમ જીસીટીએમનું ભૂમિપૂજન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેટલી પ્રતિષ્ઠા ચાર વેદોની છે એમ ચાર વેદોની જેમ આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે. આજે આધુનિક દુનિયાની જે લાઇફસ્ટાઇલ છે, નવી-નવી બીમારીઓ જોઈ રહ્યા છીએ એને પાર પાડવા માટે ટ્રેડિશનલ નૉલેજ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. સારી હેલ્થનો સીધો સંબંધ બૅલૅન્સ ડાયટથી છે. ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર– મનનું સંતુલન તેમ જ યોગ પ્રાણાયમયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. ૧૦૦ વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે. આજથી પાંચ દશકા પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકૅર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર ‘વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયા’ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે. 
નરેન્દ્ર મોદીએ આ તબક્કે કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. એ દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સૉલ્યુશન આપવામાં મદદરૂપ થશે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારાં પચીસ વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્ત્વની બની જશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાનો સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા અને મહેન્દ્ર મુંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2022 09:45 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK