° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના આરોપી અમિત શાહને મળી ટિકિટ

29 November, 2012 03:11 AM IST |

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના આરોપી અમિત શાહને મળી ટિકિટ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના આરોપી અમિત શાહને મળી ટિકિટગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે બીજેપીએ ૮૯ ઉમેદવારોની યાદી ગઈ કાલે રાત્રે જાહેર કરી હતી, જેમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરામાંથી અને વધુ એક વખત પોતાની બેઠક બદલીને અમદાવાદના ઘાટલોડિયાની સેફ બેઠક ઉપરથી મહેસૂલપ્રધાન આનંદીબહેન પટેલ ચૂંટણી લડશે.

દિલ્હીમાં ગઈ કાલે સાંજે એલ. કે. અડવાણી, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી સહિતના બીજેપીના હોદ્દેદારો, વરિષ્ઠ નેતાઓ અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના સભ્યોની બેઠક મળી હતી, જેમાં બીજેપીના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. આ બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજર હતા.

બીજેપીના નેતા ભરત પંડ્યાએ કહ્યું કે જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં આઠ મહિલાઓ, ૪૭ વર્તમાન ધારાસભ્યો, ૩૫ નવા ચહેરા, ૭ અનુસૂચિત જાતિના, ૧૧ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તેમ જ આઠ જેટલા પૂર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે પ્રાંતિજ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની બેઠક, દહેગામ અને દાહોદની બેઠક પરના ઉમેદવારોનાં નામ હવે પછી જાહેર કરવામાં આવશે.

જે યાદી જાહેર કરી છે, તેમાં ગુજરાતની બીજેપી સરકારના પ્રધાનમંડળના પ્રધાનો જયનારાયણ વ્યાસ સિદ્ધપુરની બેઠક ઉપરથી, વાસણ આહિર-અંજારથી, ફકીર વાઘેલા-વડગામથી, નીતિન પટેલ-મહેસાણાથી, લીલાધર વાઘેલા-ડીસાથી, પ્રફુલ્લ પટેલ-હિંમતનગરથી, રમણ વોરા-ઈડરથી, પ્રદીપસિંહ જાડેજા-વટવાથી અને સૌરભ પટેલ-વડોદરાની અકોટા બેઠક પરથી ચૂંટણી લડશે. ગુજરાતી ફિલ્મના હીરો હિતુ કનોડિયાને કડી બેઠક પરથી બીજેપીએ ટિકિટ ફાળવી છે, જ્યારે અમદાવાદના પૂર્વ મેયર અમિત પોપટલાલ શાહને વેજલપુર બેઠક પરથી ચૂંટણી લડશે.

હજી સુધી મોદીએ એક પણ મુસ્લિમને આપી નથી ટિકિટ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે આ વખતે નરેન્દ્ર મોદીએ અગાઉ હતા એ બધા દુરાગ્રહ છોડી દીધા છે અને તેમણે જીત માટે બધા પ્રકારની બાંધછોડ કરી છે. જોકે આ બાંધછોડમાં તેમણે એક બાંધછોડ કરી નથી અને એ છે, મુસ્લિમ કાર્યકર્તાને ટિકિટ આપવાની. ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે બીજેપીએ અત્યાર સુધીમાં જે કોઈ કાર્યકર્તાને ટિકિટ આપી એમાં ગુજરાતના એક પણ મુસ્લિમ આગેવાનનું નામ નથી. ઇલેક્શનની શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું કે મોદી આ વખતે ગુજરાત વિધાનસભામાં પાર્ટીના મુસ્લિમ નેતાને લઈ જશે. જાણીતા ફિલ્મ મ્યુઝિક ડાયરેક્ટર ઇસ્માઇલ દરબારને પણ આ બાબતમાં તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું, પણ પછી કોણ જાણે શું થયું કે ઉમેદવારની આખી પ્રોસેસમાંથી મુસ્લિમ નેતાઓ ગાયબ થઈ ગયા. આ બાબતમાં ગુજરાત બીજેપીના એક પણ નેતા જવાબ આપવા માટે રાજી નથી. મોટા ભાગના નેતાઓએ ‘મિડ-ડે’ના આ સવાલના જવાબમાં ‘નો કમેન્ટ્સ’ કહીને સવાલ ટાળી દીધો હતો જ્યારે ગુજરાત બીજેપીના મહામંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘ઉમેદવારી આપવાનું કામ પાર્ટી કરે છે, નરેન્દ્ર મોદી નહીં એટલે આવું કેમ બન્યું એ માટે નરેન્દ્ર મોદી પર દોષારોપણ ન થવું જોઈએ.’

આ અગાઉ ગુજરાતમાં થયેલાં ૨૦૦૨ અને ૨૦૦૭ના વિધાનસભા ઇલેક્શનમાં પણ ગુજરાત બીજેપીએ એકેય મુસ્લિમ આગેવાનને ટિકિટ આપી નહોતી. બીજા તબક્કાના ઇલેક્શનના ઉમેદવારનાં બધાં નામોની યાદી જાહેર થયા પછી જો એમાં પણ કોઈ મુસ્લિમ નેતાનું નામ નહીં હોય તો કહી શકાશે કે મોદીએ મુસ્લિમોને ચૂંટણી નહીં લડાવવાની બાબતમાં હૅટ-ટ્રિક કરી લીધી.

29 November, 2012 03:11 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદમાં ત્રણ જ દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને સર્જરી કરીને બચાવી લેવાઈ

ગુજરાતમાં કોરોનાના કેરથી બાળકો પણ બચી શક્યાં નથી

08 May, 2021 10:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

સૂરતમાં સાધ્વીની અંતિમ યાત્રામાં પાંચ કિમી ચાલ્યો કૂતરો

જ્યારે સાધ્વીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પણ તે કૂતરો નજીક જ ઊભો રહ્યો.

07 May, 2021 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

સુરતમાં મેયરનો વિરોધ થતાં સ્થળ છોડી જતાં રહેવું પડ્યું

પુણાગામ વિસ્તારની વાઇરલ થયેલી વિડિયો ક્લિપમાં લોકો કહેતા દેખાયા કે આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઇન્જેક્શન વગર, એની પહેલા તમે વ્યવસ્થા કરો

07 May, 2021 01:10 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK