Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાને રથયાત્રાની પૂર્વસંધ્યાએ મોકલાવ્યો પ્રસાદ

વડા પ્રધાને રથયાત્રાની પૂર્વસંધ્યાએ મોકલાવ્યો પ્રસાદ

01 July, 2022 11:04 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખ્ખો ભાવિકો ઊમટશે, ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં આવશે જગન્નાથજીના શરણે, કૉન્ગ્રેસના આગેવાનોએ ૧૪૫ કિલોનો લાડુ ધરાવી દર્શન કર્યાં તો આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રસાદ ધરાવી લીધા આશીર્વાદ

અમદાવાદમાં આજે ૧૪૫મી રથયાત્રા નીકળવાની છે ત્યારે ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનોએ ૧૪૫ કિલોના લાડુનો પ્રસાદ પ્રભુ જગન્નાથજીને અર્પણ કર્યો હતો

Rath Yatra

અમદાવાદમાં આજે ૧૪૫મી રથયાત્રા નીકળવાની છે ત્યારે ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનોએ ૧૪૫ કિલોના લાડુનો પ્રસાદ પ્રભુ જગન્નાથજીને અર્પણ કર્યો હતો


કોરોનાના કારણે બે વર્ષ પછી આજે ગુજરાતના અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અંદાજે ૧૦ લાખ ભાવિકો જોડાશે અને પ્રભુનાં દર્શન કરી ધન્યતા અનુભવશે ત્યારે આ રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું છે. બીજી તરફ ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાની પહિંદ વિધિની ધન્ય ઘડી કોણ પામશે એ આજે સવારે જોવા મળશે, કેમ કે ગઈ કાલે રાતે પોણાનવ વાગ્યા સુધી પહિંદ વિધિ કોણ કરશે એ નિર્ણય જાહેર થયો નહોતો અને પહિંદ વિધિ કોણ કરશે એ બાબત અનિર્ણિત રહી હતી.

ગઈ કાલે ભગવાન જગન્નાથજી મંદિરમાં સંધ્યા આરતી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા નિમાબહેન આચાર્ય, ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉતારી હતી. સામાન્ય સંજોગોમાં સંધ્યા આરતી ગુજરાતના મુખ્ય પ્રધાન ઉતારતા હોય છે, પરંતુ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાથી તેઓ આવી શક્યા નહોતા.



પહિંદ વિધિ વિશે ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે પહિંદ વિધિનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ લેવાના છે અને રાત સુધીમાં એ પણ નક્કી થઈ જશે.


ગઈ કાલે જગન્નાથજી મંદિરમાં ભગવાનનાં સોનાવેશનાં દર્શન થયાં હતાં. ત્રણ રથોને પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા અને એની પૂજાવિધિ કરવામાં આવી હતી, જેમાં કૉન્ગ્રેસના આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત હાથીઓને મંદિર પરિસરમાં લાવીને પૂજા કરવામાં આવી હતી.


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભગવાનના સોનાવેશનાં દર્શનની ઝાંખી

આજે રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાની પૂર્વસંધ્યાએ જગન્નાથજી મંદિરમાં કેરી, કાકડી, જાંબુ, મગ અને મીઠાઈનો પ્રસાદ મોકલાવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે મંગળા આરતીમાં પ્રભુ જગન્નાથજીનાં દર્શન કરવા આવશે. બે વર્ષ પછી આજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અંદાજે ૧૦ લાખ ભાવિકો પ્રભુનાં દર્શન માટે આવવાની ધારણાના પગલે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ૨૫,૦૦૦ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કર્મચારીઓ તેમ જ આર.પી.એફ., સી.આર.પી.એફ. સહિતની કંપનીઓ તેમ જ હેલિકૉપ્ટર બૉડીવોર્ન કૅમેરા સાથે રથયાત્રા પર બાજ નજર રાખીને સુરક્ષાની જવાબદારી સંભાળશે.

ગુજરાત કૉન્ગ્રેસે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનથી જગન્નાથજી મંદિર સુધી ઢોલનગારા સાથે જય રણછોડ માખણચોર અને જય જગન્નાથજીના નાદ સાથે પદયાત્રા યોજી હતી. ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના આગેવાનો પદયાત્રામાં જોડાયા હતા અને મંદિરમાં પૂજાઅર્ચના કરી અને ૧૪૫ કિલોનો લાડુનો પ્રસાદ અર્પણ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના નૅશનલ જૉઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનોએ પણ પદયાત્રા કરીને જગન્નાથજી મંદિર ગયા હતા અને ભગવાનની પૂજાઅર્ચના કરીને પ્રસાદ ધરાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2022 11:04 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK