વલસાડના દીક્ષિત મહોલ્લા વિસ્તારમાં દયાસાગર અપાર્ટમેન્ટમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા સંજય ભાનુશાલીનો ૧૪ વર્ષનો પુત્ર ભાવેશ (ધ્રુવ) ૨૦૨૨ની ૨૫ જુલાઈથી રહસ્યમય રીતે ગાયબ છે
ભાવેશ (ધ્રુવ) ભાનુશાલી.
વલસાડના દીક્ષિત મહોલ્લા વિસ્તારમાં દયાસાગર અપાર્ટમેન્ટમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા સંજય ભાનુશાલીનો ૧૪ વર્ષનો પુત્ર ભાવેશ (ધ્રુવ) ૨૦૨૨ની ૨૫ જુલાઈથી રહસ્યમય રીતે ગાયબ છે. ધ્રુવ સવારના સમયે દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પણ તે પિતાની દુકાને નહોતો પહોંચ્યો. રાત સુધી ધ્રુવ ઘરે ન પહોંચતાં તેના પિતાએ પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ધ્રુવ પાસે મોબાઇલ હતો, પણ તે એ ઘરે જ મૂકીને ગયો છે એટલે પોલીસ અને પરિવારજનો તેનો સંપર્ક નથી કરી શક્યા. પરિવારજનોએ કહ્યું હતું કે કોઈક બાબતે પિતા સાથે બોલાચાલી થયા બાદ બીજા દિવસે ધ્રુવ ઘર છોડીને નીકળી ગયો હોવાની શક્યતા છે.
વલસાડ અને ગુજરાત તેમ જ મુંબઈમાં રહેતા ભાનુશાલી સમાજ અને સગાંસંબંધીઓ પાસેથી બે વર્ષ ૪ મહિનાથી સતત ધ્રુવની માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ એમાં સફળતા નથી મળી એમ ધ્રુવના પિતા સંજય ભાનુશાલીએ કહ્યું હતું. સંજય ભાનુશાલીએ પુત્ર ધ્રુવને અપીલ કરી છે કે ‘તું ઘરેથી જતો રહ્યો છે એટલે તારી મમ્મી ચિંતામાં મુકાઈ ગઈ છે અને તેની તબિયત પણ બગડી રહી છે. આથી જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જા. તને કોઈ કંઈ નહીં કહે.’


