ક્યારે મળશે મુંબઈના હૉકી-ખેલાડીને ઘર?

Published: 4th November, 2014 02:54 IST

૨૦૧૧માં એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતને જિતાડ્યું ત્યારે પૃથ્વીરાજ ચવાણે ઘર અને ક્લાસ ટૂના ઑફિસરનું પદ ઇનામમાં આપવાની જાહેરાત કરી હતી : હવે નવા મુખ્ય પ્રધાન પર મીટ


yuvraj walmikiરાષ્ટ્રીય રમત હૉકીના એક ખેલાડી યુવરાજ વાલ્મીકિએ ૨૦૧૧ની એશિયન ચૅમ્પિયનશિપમાં ગોલ કરી ભારતને જિતાડ્યું હતું એ વખતે તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે તેને એક ઘર અને ક્લાસ ટૂના ઑફિસરનું પદ ઇનામમાં આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે મુખ્ય પ્રધાનપદ પર ચવાણ નથી અને ચાર વર્ષ વીતી ગયાં હોવા છતાં વાલ્મીકિને ઘર અથવા નોકરી મળ્યાં નથી. હવે વાલ્મીકિ નવી  સરકાર પર મીટ માંડી બેઠો છે. દેવેન્દ્ર ફડણવીસના શપથવિધિ કાર્યક્રમમાં પણ વાલ્મીકિ હાજર રહ્યો હતો.

 વાલ્મીકિએ જણાવ્યું હતું કે હું પૃથ્વીરાજ ચવાણને ત્રણ વાર મળ્યો હતો, પરંતુ તેમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બાબતે પ્રક્રિયા ચાલુ છે અને એમાં થોડો સમય લાગશે.

મ્હાડાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને ફાઇલ શોધતાં સમય લાગશે, કારણ કે આ કિસ્સો ૨૦૧૧નો છે. જોકે આ અઠવાડિયાના અંત સુધીમાં વાલ્મીકિની ફાઇલનું શું થયું એની જાણ થશે.’

વાલ્મીકિનું કુટુંબ નીલકંઠ નિરંજન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાર દાયકાથી એક સાંકડા ઘરમાં રહે છે. માત્ર ૧૦૦ ચોરસ ફૂટનું આ ઘર તેના કુટુંબને નાનું પડે છે. વાલ્મીકિના મોટા ભાઈનાં તાજેતરમાં લગ્ન થયાં છે. વાલ્મીકિ, તેનો નાનો ભાઈ અને મમ્મી-પપ્પાને આ નાના ઘરમાં રહેવાની ફરજ પડી છે.

વાલ્મીકિએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મને ઘરનું વચન આપ્યા બાદ હું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ઑફિસમાં ગયો હતો, પરંતુ આજ સુધી મને ઘરની ચાવી મળી નથી. નવા મુખ્ય પ્રધાનની શપથવિધિમાં મને આમંત્રણ મળ્યું હતું. મને આશા છે કે હું તેમને મળવા જાઉં ત્યારે તેઓ મારી વાત સાંભળી મને ઘર ફાળવશે. એ જ પ્રમાણે હું કલાસ ટૂ ઑફિસરની નોકરીની પણ માગણી કરીશ. મને ખાતરી છે કે મારી માગણી પૂરી થશે.’

આજ સુધી વાલ્મીકિએ લગભગ ૬૦ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ૨૦૧૧માં ભારતીય ટીમમાં તે એકમાત્ર મુંબઈનો ખેલાડી હતો. હવે તેનો ભાઈ પણ રાષ્ટ્રીય હૉકી ટીમમાં છે.

‘મિડ-ડે’એ આ વિશે પૃથ્વીરાજ ચવાણની ઑફિસનો સંપર્ક કયોર્ ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો અને નવા રમતગમત પ્રધાન વિનોદ તાવડેના મદદનીશે જણાવ્યું હતું કે તાવડે શહેરમાં નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK