Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગંદી ગાળો અને સેક્સ-સીન્સ: એક વાર યંગસ્ટર્સને પૂછો તો ખરા

ગંદી ગાળો અને સેક્સ-સીન્સ: એક વાર યંગસ્ટર્સને પૂછો તો ખરા

18 October, 2020 07:39 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ગંદી ગાળો અને સેક્સ-સીન્સ: એક વાર યંગસ્ટર્સને પૂછો તો ખરા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હમણાં એક ટીવી-કમર્શિયલ જોઈ. ડિજિટલ પ્લૅટફૉર્મની એક કમર્શિયલ છે અને આપણે એ કંપનીનું નામ લેવાની જરૂર નથી. એ ટીવી-ઍડમાં બે ટીનેજર ઘરમાં બેસીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ જોઈ રહ્યા છે. થોડી વાર એ ચાલુ રહે છે ત્યાં જ ઘરમાં ડોરબેલ વાગે છે. એક ટીનેજર દરવાજો ખોલે છે અને મમ્મી અંદર એન્ટર થાય છે. મમ્મી જુએ છે કે બન્ને દીકરાઓ ડિજિટલ પ્લૅટફૉર્મ ઓપન કરીને બેઠા છે. હવે તમને ટીવીની સ્ક્રીન દેખાડવામાં આવે છે. હવે સ્ક્રીન પર તમને મેન્યૂમાં ‘શકુંતલાદેવી’ અને ‘હીચકી’ ફિલ્મનાં પોસ્ટર દેખાય છે. વૉઇસઓવર આવે છે કે અમારી પાસે અઢળક કન્ટેન્ટ છે. પહેલાં બન્ને બાળકો જે વેબ-સિરીઝ જોતાં હતાં એમાં અઢળક ગાળ અને વાયલન્સ છે, પણ જેવી મમ્મી આવી જાય છે કે એ બન્ને એવી ફિલ્મો જોવાની તૈયારી કરતાં હોવાનું દેખાડે છે જે ફૅમિલી સાથે જોવાલાયક છે. ટીવી-કમર્શિયલની દૃષ્ટિએ આ ઍડ પર્ફેક્ટ છે અને મેસેજ પણ એનો એકદમ ઉચિત રીતે પાસ થાય છે, પણ આપણે આપણું જોવાનું છે, આપણે આપણી ફૅમિલીને જોવાની છે અને આપણે આપણા સંસ્કારોને જોવાના છે. આ અગાઉ એક વખત વેબ-સિરીઝમાં આવતી ગાળો પર આર્ટિકલ લખ્યો હતો. અઢળક ગાળો આવે છે વેબ-સિરીઝમાં અને અઢળક ગંદા કહેવાય એવા બીભત્સ સીન્સ પણ એમાં ભર્યા હોય છે. દર બે સીને બે ગાળ હોય અને દરેક ચાર સીને એક બીભત્સ સીન હોય. શરમની વાત એ છે કે એ બધા પછી પણ ફૅમિલીમાં બધા સાથે બેસીને એ વેબ-સિરીઝની વાતો પણ કરતા હોય અને બધા એ સાંભળતા પણ હોય. કબૂલ કે સાથે નહીં જોતા હોય, પણ જોવાઈ રહી છે એ તો ઘરના દરેક સભ્યોને ખબર પડે જ છે અને ખબર પડવાની સાથોસાથ એ પણ સમજાઈ રહ્યું છે કે એમાં આવતી ગાળો કે એમાં આવતા પેલા બીભત્સ સીન્સ પણ જોવાય જ છે, જેની સાચા અર્થમાં કોઈ આવશ્યકતા નથી. કોઈ જરૂરિયાત નથી અને કોઈ એની અનિવાર્યતા પણ નથી.

મેં પપ્પા અને મમ્મી પાસેથી સાંભળ્યું છે કે એક સમય હતો જ્યારે થિયેટરનો ડોરકીપર દરવાજે સ્ટ્રિક્ટ થઈને ઊભો રહે અને ઍડલ્ટ ફિલ્મમાં બાળકને લઈને કોઈ આવે તો તેને રોકવામાં આવે, બહાર કાઢવામાં આવે. જો ભૂલથી પણ બાળક સાથે થિયેટરમાં એન્ટર થઈ જાય તો બાળકને સંતાડી રાખવાનું કામ પણ કરવામાં આવતું. ઍડલ્ટ ફિલ્મ હતી એટલે અને ઍડલ્ટ ફિલ્મને મળેલા સર્ટિફિકેટ માટે જવાબદારી સાથે વર્તવામાં આવતું, પણ હવે તો એ બધું સપના જેવું બની ગયું છે. હવે કોઈ એવી તકેદારી રાખતું નથી. બીજાની શું વાત કરીએ આપણે, ફૅમિલી જ એવી તકેદારી રાખવા તૈયાર નથી.



મોબાઇલ-પૅકેજમાં ડિજિટલ પ્લૅટફૉર્મનાં સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે એટલે તમે એક્સ્ટ્રા બજેટ તમારાં બાળકોને ન આપતા હો તો પણ કન્ટેન્ટ તેની પાસે પહોંચી જાય છે અને ધારો કે એવું પણ ન થઈ શકે તો ડાઉનલોડ કરીને આપનારાઓ પણ ઘણા છે. આ કન્ટેન્ટ તમારા સુધી, તમારા ઘર સુધી પહોંચતું અટકવાનું નથી અને એટલે જ મારું માનવું છે કે પ્રોડ્યુસરની રિસ્પૉન્સિબિલિટી વધે છે કે તેમણે એ જ પ્રકારનું કન્ટેન્ટ ડેવલપ કરવું જોઈએ જે ફૅમિલી માટે તૈયાર થયું હોય.


ઇન્ડિયામાં એન્ટરટેઇનમેન્ટ માટે કશું અવેલેબલ નથી. કંઈ એટલે કંઈ નહીં. આપણો નેચર પણ નથી કે આપણે મનોરંજન માટે બીજી કોઈ દિશામાં જોઈએ. ડેવલપ જ નથી કરવામાં આવ્યો એવો નેચર. અમેરિકન અને ઑસ્ટ્રેલિયન એવો સ્વભાવ ધરાવે છે. તેઓ વીક-એન્ડમાં કશું શીખવા જાય છે, વેકેશનમાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લે છે, ટ્રાવેલિંગ કરે છે. નવી જગ્યા એક્સપ્લોર કરવાનું તેમના ડીએનએમાં વણાઈ ગયું છે, પણ આપણે એ પ્રકારની માનસિકતા નથી ધરાવતા. આપણને નવરાશ મળે એટલે આપણે તરત જ ટીવી સામે ગોઠવાઈ જઈએ છીએ. આપણે ફ્રી ટાઇમમાં નવી ઍક્ટિવિટી તરફ ધ્યાન આપવાને બદલે સીધા મોબાઇલ લઈને બેસી જઈએ છીએ. દુનિયાના સૌથી મૉડર્ન ગણાતા આ દેશો એવા દેશ છે જ્યાં આજે પણ રીડિંગને પ્રાધાન્ય મળે છે. પુસ્તકો વંચાય છે અને વંચાયેલાં પુસ્તકોને જીવનમાં ઉતારવામાં આવે છે. આગળ વધ્યા પછી પણ એ લોકો રીડિંગનું ઇમ્પોર્ટન્સ નથી ભૂલ્યા; જ્યારે આપણે, આપણે આગળ વધવાનાં સપનાં જોતાં માત્ર બાહ્ય દેખાવ અને વર્તનથી જ મૉડર્ન બન્યા છીએ. તમને ન ખબર હોય તો થોડા સમય પહેલાં થયેલો એક સર્વે જાણી લો.

જગતઆખાના મહત્ત્વના દેશોમાં સૌથી વધારે જો ક્યાંય મોબાઇલનો ઉપયોગ થતો હોય તો એ છે ઇન્ડિયા. હા, અમેરિકનોની સરખામણીએ આપણે ૪૪ ટકા વધારે મોબાઇલ વાપરીએ છીએ તો ઑસ્ટ્રેલિયાની સરખામણીએ આપણે ઑલમોસ્ટ ૫૦ ટકાથી પણ વધારે મોબાઇલનો યુઝ કરીએ છીએ. આ વપરાશમાં હવે ડિજિટલ પ્લૅટફૉર્મ ઉમેરાયું છે અને એણે પણ ઘોર ખોદવાનું કામ કર્યું છે. કહો કે, રીતસર વાટ લગાડી છે.


એકદમ અદ્ભુત સબ્જેક્ટ્સ અને એ પછી એમાં ગાળો અને બીભત્સ સેક્સ-સીનનો વઘાર પણ. આ વઘાર પણ એવો કે ઓરિજિનલ કન્ટેન્ટ કરતાં પણ વધારે વઘારનો જ સ્વાદ આવે, વધારે આવે એટલે એ સ્વાદ પણ બેસ્વાદ લાગવા માંડે.

ચારેક દિવસ પહેલાં ન્યુઝ-ચૅનલ માટે હાઈ કોર્ટે એક પ્રશ્ન પૂછ્યો કે આ ન્યુઝ-ચૅનલ પર નજર રાખવા માટે કોઈ પ્રકારની કાઉન્સિલ કેમ નથી? આવતા સમયમાં પણ આવો જ પ્રશ્ન પુછાશે અને એ પ્રશ્ન સરકારે જ પૂછવો પડશે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આપવામાં આવતા કન્ટેન્ટ પર નજર રાખવા માટે કેમ કોઈ બોર્ડ નથી?

આપણે આ કામમાં તમામ લિમિટેશન પાર કરી ગયા છીએ અને એ માટે પ્રોડક્શન-હાઉસ જ જવાબદાર છે. જો એ આપવાનું બંધ કરશે કે પછી જો એ આપવાનું કામ અટકાવી દેશે તો જોનારાઓ આપોઆપ અટકી જ જવાના છે. યાદ કરો પેલું થિયેટરવાળું ઉદાહરણ, ઍડલ્ટ ફિલ્મ છે તમને બાળક સાથે થિયેટરમાં જવા નહીં મળે. રોકવામાં આવતા એટલે લોકો લઈને જ ન જતાં બાળકોને. ઘણા પેરન્ટ્સ એવા હતા જેમણે અનેક ઍડલ્ટ્સ ફિલ્મો જોવાનું રીતસર છોડી દીધું. ઇચ્છા હતી એ જોવાની, મન પણ હતું એ જોવાનું અને એ પછી પણ તેમણે એ જોવાનું ટાળ્યું. મહત્ત્વની વાત, એ ફિલ્મ જોવાય નહીં તો પેરન્ટ્સની બુદ્ધિમત્તામાં કોઈ ફરક ન પડ્યો અને મહત્ત્વની એવી બીજી વાત, ઑડિયન્સ આવી નથી શકતું એ સમજાયું એટલે ધીમે-ધીમે એવી ઍડલ્ટ ફિલ્મ બનવાની જ બંધ થઈ ગઈ. રોહિત શેટ્ટી, ડેવિડ ધવન જેવા ડિરેક્ટરોએ એવી જ ફિલ્મો બનાવી જે ફિલ્મમાં તમે બાળકોને તો શું, ઓલ્ડ એજ કહેવાય એવા વડીલોને પણ લઈ જાઓ અને મજા કરો.

પ્રોડક્શન-હાઉસ નહીં સમજે તો નહીં ચાલે. એક સમય એવો આવીને ઊભો રહેશે કે એમને સોટી પકડીને આ વાત મનાવવી પડશે અને સોટી પકડવાનું કામ ગવર્નમેન્ટ કરશે. એવા સમયે તમે ગવર્નમેન્ટને ગાળો આપવાનું કામ કરશો, પણ સુધારો કરવાની મળેલી તકને અત્યારે ગુમાવી દેશો. મને વેબ-સિરીઝ માટે અનેક સ્ક્રિપ્ટ ઑફર થાય છે. હું સાંભળું પણ ખરો અને એ સાંભળતી વખતે ગણતરી પણ કરું કે એમાં આવતી ગાળોમાંથી ૯૦ ટકા ગાળોની કોઈ જરૂરિયાત નથી, એ ગાળો કાપી નાખવામાં આવે તો પણ એ સીનની, સ્ટોરીની અને સ્ટોરીના ફ્લોની ઇન્ટેન્સિટી અકબંધ રહે છે અને એ પછી પણ ગાળ મૂકવામાં આવી છે. એ ગાળો માત્ર એક જ કારણે ઉમેરાય છે, યંગસ્ટર્સને મજા આવશે. અરે ભલા માણસ, યંગસ્ટર્સને તો પૂછો કે તેમને મજા આવે છે કે નહીં. તમે એવા જ યંગસ્ટર્સને પૂછો છો જે તમારી આજુબાજુમાં છે, જે તમને રાજી રાખવા જવાબ આપી દે છે અને કાં તો જેને તમે તમારા જેવા વિકૃત બનાવી દીધા છે. બાકી યંગસ્ટર્સને કન્ટેન્ટ જોવામાં રસ છે અને એ જ તમારે આપવાની જરૂર છે. બીજું કાંઈ નહીં.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:39 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK