Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવનારો સમય સ્પોર્ટ્સમાં ગોલ્ડન સમય છે એવી આશા પણ છે અને વિશ્વાસ પણ

આવનારો સમય સ્પોર્ટ્સમાં ગોલ્ડન સમય છે એવી આશા પણ છે અને વિશ્વાસ પણ

22 March, 2019 12:02 PM IST |
વર્ષા ચિતલિયા

આવનારો સમય સ્પોર્ટ્સમાં ગોલ્ડન સમય છે એવી આશા પણ છે અને વિશ્વાસ પણ

પ્રિયા, પૂનમ, જીલ અને કરણ

પ્રિયા, પૂનમ, જીલ અને કરણ


ભારત એટલે માત્ર ને માત્ર ક્રિકેટ. આ સિવાયની કોઈ ગેમ્સમાં તેમને ગતાગમ પડતી નથી એવું માનનારાઓને દેશના યુવા રમતવીરો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે એવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. ફુટબૉલ, જુડો, બાઇકિંગ, જિમ્નૅસ્ટિક, ચેસ, બૅડ્મિન્ટન, વૉલીબૉલ અને કબડ્ડી જેવી રમતોમાં પણ હવે યુવાનો રસ લેતા થયા છે. એટલું જ નહીં, આ ફીલ્ડમાં આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનું નામ રોશન કરી શકે એવી પ્રતિભાઓએ આ વર્ષે ડંકો વગાડ્યો છે. ઉંમરની ચોવીસીને જીવી રહેલા યુવાનો માને છે કે સ્પોર્ટ્સમાં ભારતનું ભાવિ ઉજ્જવળ છે. તેમના ફીલ્ડમાં કેવી તકો છે તેમ જ તેઓ પોતાના ભવિષ્યને લઈને કેટલા આશાસ્પદ છે એ તેમના જ શબ્દોમાં જાણીએ.

મોટરબાઇક રેસ ટુર્નામેન્ટ યોજીને સરકારે એને સ્પોર્ટ્સ કૅટેગરીમાં સ્થાન આપવું જોઈએ



Priya Gala Mangraai


નવી મુંબઈના સર્કિટમાં બાઇકિંગની પ્રૅક્ટિસ કરતા યુવાનો આ સ્પોર્ટ્સને લઈને આશાવાદી છે. અત્યારે તો તેઓ સ્વખર્ચે ટ્રેઇનિંગ લઈ રહ્યા છે, પરંતુ નજીકના ભવિષ્યમાં સરકાર આ દિશામાં વિચારશે એવી તેમને આશા છે. બાઇકિંગ એ ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ હોવાથી યુવાનોને ખૂબ રસ પડે છે. વિદેશમાં આ સ્પોર્ટ્સ બહુ જ પ્રચલિત છે. અહીં પણ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા મૉન્સૂન સ્કૂટર-રૅલી થાય છે, પરંતુ સરકારી ધોરણે એને સ્પોર્ટ્સની કૅટેગરીમાં હજી સ્થાન મળ્યું નથી. ફૉમ્યુર્લા-વન જેવી રેસ આપણા દેશમાં થાય એ યુવા પ્રતિભા માટે જરૂરી છે. ઑફ રોડિંગ (કાચા અને કાદવકીચડવાળા રસ્તા પર બાઇક ચલાવવી) અને મોટો જીપી (ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલા ટ્રૅક્સ પર બાઇક ચલાવવી) ટુર્નામેન્ટનું આયોજન કરીને સરકારે એને પ્રોત્સાહન આપવું જોઈએ. બાઇકર્સને પ્રૉપર ટ્રેઇનિંગ મળે એ માટે અલાયદી જગ્યા ડેવલપ કરવામાં આવે તો આ ફીલ્ડ પ્રત્યે આકર્ષણ વધે. અત્યારે બાઇકર્સ હાઇવે પર બાઇક ચલાવે છે જેને કારણે અકસ્માતનો ભય રહે છે. આપણા દેશમાં બાઇક ચલાવવામાં યુવકોની ઇજારાશાહી હોય એવો માહોલ છે. હું જ્યારે બાઇક લઈને નીકળું છું ત્યારે લોકો આશ્ચર્ય પામે છે. આપણી સામાજિક વિચારધારામાં પરિવર્તન આવે અને સરકાર હસ્તક્ષેપ કરે તો આ સ્પોર્ટ્સમાં ભારત ઘણી પ્રગતિ કરી શકે એમ છે. હવે પછીની ટર્મમાં બાઇકિંગગ પર ફોકસ કરવામાં આવશે એવી આશા છે. - પ્રિયા ગાલા મંગરાઈ, બાઇકિંગ

અન્ય સ્પોર્ટ્સ જેવા બેનિફિટ મળવાના શરૂ થશે તો જુડોનું ભવિષ્ય ઉજ્જવળ


Poonam Shah

ભારતમાં જુડોની રમત નવી નથી, પણ મહારાષ્ટ્રનું કૉન્ટ્રિબ્યુશન ઓછું છે. આ સ્પોર્ટ્સમાં પંજાબ, મણિપુર અને હરિયાણાના પ્લેયર્સ વધારે છે અને તેમને સરકારી ધોરણે ઘણા બેનિફિટ મળવા લાગ્યા છે. એશિયા લેવલ પર સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવનારા પ્લેયરને તો એક કરોડ રૂપિયા જેવી મોટી રાશિ મળવા લાગી છે એ જોતાં આ ગેમ્સનું ભાવિ સુરક્ષિત છે. મારું માનવું છે કે કોઈ પણ સ્પોર્ટ્સમાં વધારાના લાભો મળવા જોઈએ. જો એ ન મળે તો આજીવિકાનો પ્રશ્ન સામે આવીને ઊભો રહે. વર્તમાન સરકારના એજન્ડામાં આ વાતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સમાં પણ ભારત વૈશ્વિક પ્લેયરોને પડછાટ આપી શકે છે એ બાબત હવે લોકો માનવા લાગ્યા છે. જુડોની ટ્રેઇનિંગ માટે આપણે ત્યાં અનેક સેન્ટરો છે. છેલ્લાં વર્ષોમાં લગભગ તમામ સેન્ટર પર પ્લેયર્સના રહેવાની અને ફૂડની સુવિધામાં ખાસ્સો સુધારો થયો છે. રમતવીરો માટે આવી નાની-નાની બાબતો ઘણી મહત્વની હોય છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર પ્લેયર્સને વધારાના લાભો મળે અને ટ્રેઇનિંગનો ખર્ચ ઘટે એ દિશામાં કામ કરશે એવું જણાઈ રહ્યું છે. રમત પર ફોકસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી એ બાબતની નોંધ પણ લેવાશે. - પૂનમ શાહ, જુડોપ્લેયર ઍન્ડ કોચ

૨૦૧૬ની ઑલિમ્પિક્સ બાદ આ ફીલ્ડમાં કરીઅરનાં દ્વાર ખૂલ્યાં છે

Jill Kotak

આપણા દેશમાં ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સમાં પણ હવે અનેક તક ઊભી થઈ છે એ માટે વર્તમાન સરકારની ભૂમિકા મહત્વની રહી છે. બે વર્ષ પહેલાં ઑલિમ્પિક્સમાં ભાગ લઈને ભારતે જે ઇતિહાસ સરજ્યો હતો એ જોઈને આખું વિશ્વ આર્યચકિત થઈ ગયું છે. આજ સુધી લોકો એવું માનતા હતા કે ક્રિકેટ સિવાયના ફીલ્ડમાં ભારતીયોને રસ નથી, પણ હવે સિનારિયો ચેન્જ થયો છે. ઇન્ટરનૅશનલ લેવલ પર જિમ્નૅસ્ટિક માટે સ્કોપ છે જ એમાં કોઈ શંકા નથી. આપણા દેશમાં એવા ઘણા યુવાનો છે જેઓ આ સ્પોર્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ છે. જો સરકાર ઇચ્છતી હોય કે આશાસ્પદ યુવાનો દેશનું નામ રોશન કરે તો ફેડરેશનો વચ્ચેની અંદરોઅંદરની લડાઈ ખતમ કરવી પડશે. આ ફીલ્ડમાં આગળ વધવા માગતા યુવાનોને ખબર નથી કે કોનો કૉન્ટૅક્ટ કરવો? ફેડરેશનો વચ્ચેની હુંસાતુંસીમાં રમતવીરો પીસાય એવો માહોલ કદાપિ ન હોવો જોઈએ. આ દિશામાં સરકારે નક્કર પગલાં લેવાં જ પડશે અને મને વર્તમાન સરકારની ક્ષમતા પર સંપૂર્ણ ભરોસો છે. રાજ્યવર્ધન રાઠોડ જેવા સ્પોર્ટ્સપર્સનના હાથમાં બાગડોર સોંપીને સરકાર પોતાની બીજી ટર્મમાં જિમ્નૅસ્ટને ઇન્ટરનૅશનલ અને કમર્શિયલ બન્ને લેવલ સુધી લઈ જશે એવી મને આશા છે. - જીલ કોટક, જિમ્નૅસ્ટ ઍન્ડ કોચ

આ પણ વાંચો : દેશના રાજકારણને લઈને યુવાનો શું વિચારે છે?

૨૦૨૨માં કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં ભારતને એન્ટ્રી મળશે જ

Karan Veera

અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપનું આયોજન કરીને ભારતે આ સ્પોર્ટ્સમાં પોતાની ક્ષમતા પુરવાર કરી છે. આ ટુર્નામેન્ટમાં ભારતનો પર્ફોર્મન્સ જબરદસ્ત હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની નોંધ પણ લેવામાં આવી છે. અત્યારે વિશ્વમાં આપણે ટૉપ ૧૦૦માં સ્થાન મેળવી લીધું છે. એશિયાઈ દેશોમાં તો આપણે ટૉપ ૨૦માં આવી ગયા છીએ. ભારતનું રૅન્કિંગ જોતાં મને આશા છે કે આગામી ફિફા વર્લ્ડ કપમાં જે આઠ-દસ એશિયન ટીમો રમવાની છે એમાં આપણી ટીમ મજબૂત દાવેદાર હશે. આપણા દેશના યુવા ફુટબૉલપ્લેયર્સનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. ફુટબૉલ વિશ્વપ્રસિદ્ધ ગેમ છે. અન્ય સ્ર્પોટ્સની સરખામણીએ ફુટબૉલના ચાહકોની સંખ્યા અનેકગણી વધુ છે તેથી સરકાર સામે પડકારો ઘણા છે. આટલાં વર્ષોમાં ફુટબૉલ જેવી પૉપ્યુલર ગેમને પ્રોત્સાહિત કરવા કોઈ સરકારે ખાસ પ્રયત્નો કર્યા નહોતા. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા પ્લેયર્સને પ્રૉપર કોચિંગ, ફિટનેસને લગતી સુવિધાઓ અને મેડિકલ હેલ્પ મળી રહે એ માટે વર્તમાન સરકાર જે પ્રયાસો કરી રહી છે એ કાબિલેદાદ છે; પરંતુ હવે પછીની ટર્મમાં હજી વધારે એફર્ટ્સ નાખવા પડશે. ફુટબૉલ એવી રમત છે જેમાં શરૂઆતથી જ મહેનત કરવી પડે છે. સ્કૂલ લેવલ પર આ ગેમને પ્રોત્સાહન મળે તો જ ભવિષ્યમાં આપણે ઇન્ટરનૅશનલ લેવલના ખેલાડીઓ પેદા કરી શકીશું. ફુટબૉલમાં રસ ધરાવતી યંગ ટૅલન્ટને મોટિવેટ કરવા સપોર્ટની જરૂર છે. - કરણ વીરા, ફુટબૉલપ્લેયર

ફિફા - FIFA = ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફુટબૉલ અસોસિએશન

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 12:02 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK