Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંતાનોના સેક્સને લગતા પ્રશ્નો તમને મૂંઝવે છે?

સંતાનોના સેક્સને લગતા પ્રશ્નો તમને મૂંઝવે છે?

12 July, 2019 10:16 AM IST | મુંબઈ ડેસ્ક
રુચિતા શાહ - યંગ વર્લ્ડ

સંતાનોના સેક્સને લગતા પ્રશ્નો તમને મૂંઝવે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

યુરોપિયન દેશો ફ્રી-સેક્સ સોસાયટી છે અને આપણે ત્યાં છે એમ આ દેશોમાં સેક્સને ટૅબુ તરીકે નથી જોવામાં આવતું. જોકે બાળકો માટે એ સમજ સમય સાથે જ આકાર લેશે એ હકીકત ત્યાંના પેરન્ટ્સ પણ સ્વીકારે છે. આજે જે સમયે મીડિયા એક્સપોઝર અતિક્રમી રહ્યું છે અને ખુલ્લેઆમ અમુક પ્રકારનું કન્ટેન્ટ મીડિયા અને સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ થયું છે ત્યારે બાળકોના મનમાં સ્ત્રી-પુરુષના અંગત સંબંધોને લઈને જાગતી જિજ્ઞાસા સહજ છે, પણ એનો ઉકેલ જો સહજ રીતે ન અપાયો તો સમજજો કે એ તેના ઓવરઑલ ગ્રોથ માટે ડૅમેજનું કારણ બની શકે એમ છે.



ત્રણ વર્ષના કુતૂહલે ટીવી પર કિસિંગ સીન જોયો અને તરત તેની મમ્મીને બતાવીને કહ્યું કે મમ્મી, જો આ લોકો લવ કરે છે અને તેની મમ્મી ડઘાઈ જ ગઈ. આટલા નાના બાળકને આ બધી ખબર કેવી રીતે પડી? લિપ-લૉક કિસ પ્રેમ કરનારા લોકો કરે એવી સમજ તેને ક્યાંથી આવી જેવા અનેક પ્રશ્નો તેની મમ્મીની સામે આવી ગયા. જોકે તેને સમજાયું નહીં આવા સમયે શું રીઍક્ટ કરવાનું અને તેણે તેના દીકરાનું ધ્યાન બીજે દોરીને વાતને ટાળી દીધી.


આવી સમસ્યા આજકાલ મોટા ભાગના પેરન્ટ્સ ફેસ કરી રહ્યા છે. અત્યારના સમયમાં એક્સપોઝર વધ્યું છે. ટીવી, ફિલ્મો અને ઈવન પબ્લિક પ્લેસ પર પણ કેટલીક વાર એવાં દૃશ્યો નજર સામે આવી જાય છે જેને અમુક ઉંમરનાં બાળકો માટે સમજવું અઘરું હોય છે. અચાનક તેમના મોઢે કોઈ અનપેક્ષિત સવાલ આવી જાય અને મા-બાપની જીભ જવાબ આપવામાં થોથવાઈ જાય. શું એ યોગ્ય છે? આ પ્રકારની પરિસ્થિતિને પેરન્ટ્સ આદર્શ રીતે કઈ રીતે હૅન્ડલ કરી શકે એના વિશે ચર્ચા કરીએ.

બાળકો અજુગતા પ્રશ્નો પૂછે તો?


આજકાલનાં બાળકો હાઇપર ઍક્ટિવ છે. તેમનામાં સાન પણ પહેલાંના સમય કરતાં જલદી આવી રહી છે અને તેમની સમજશક્તિ પણ નાની ઉંમરે જ ડેવલપ થઈ રહી છે. એટલે જ દરેકેદરેક બાબત તેઓ બરાબર રીતે નોટિસ કરે છે અને જે ન સમજાય એના માટે પેરન્ટ્સને સવાલ પણ પૂછે છે. જોકે મોટા ભાગના ગુજરાતી પેરન્ટ્સ એને ટાળી દે છે. આ બાબત વિશે જાણીતાં સાઇકિયાટ્રિસ્ટ અંજલિ છાબરિયા કહે છે, ‘બાળકના મનમાં પ્રશ્ન આવ્યો એટલે પેરન્ટ્સે એનો જવાબ આપવો જ જોઈએ. દરેક એજના બાળકની સમજશક્તિ પ્રમાણે તેને સમજાવવું જોઈએ. જો તમે બાળકને એજ્યુકેટ નહીં કરો તો બાળક પોતાની રીતે પોતાને સમજાયેલો અડધોપડધો જવાબ મનમાં સંઘરી રાખશે, જે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. વીસ વર્ષ પહેલાં શૉર્ટ કપડાં પહેરેલી કોઈ ફીમેલ જુએ તો બાળકના મનમાં પ્રશ્નો ઊઠતો, જે હવે કિસ કરતાં જુએ ત્યારે ઊઠે છે. એ માટે બાળક જિજ્ઞાસા વ્યક્ત કરે તો એ ફુલફિલ કરવી એ પેરન્ટ્સની જવાબદારી છે.’

ડૉ. અંજલિ એક મમ્મીએ કહેલો કિસ્સો વર્ણવતાં કહે છે, ‘થોડા સમય પહેલાં એક નાનકડી દીકરીએ તેની મમ્મીને પૂછ્યું કે મમ્મા, બેબી બૉર્ન થાય તો બેબીની મૉમને કેવી રીતે ખબર પડે કે તે બૉય છે કે ગર્લ. આ સવાલ તેના મગજમાં ક્યાંથી આવ્યો એ તો મમ્મીને ન સમજાયું, પણ એનો જવાબ કેમ આપવો એ પણ મૂંઝવણ થઈ. આવા સમયે મમ્મી ચાહે તો ઇન્ટરનેટ પરના ફોટો દ્વારા બન્ને વચ્ચેના ડિફરન્સિસ તેની ભાષામાં તેને સમજાવવાનો પ્રયત્ન કરી શકે. યાદ રહે, તમે કપલ તરીકે ક્યારેક તેને એકલી પાડશો તો તે તરત એ નોટિસ કરશે. જે નોટિસ કરશે એના પર સવાલ પણ પૂછશે જ. તૈયાર તમારે રહેવાનું છે.’

જવાબ આપવાની રીત

ઉંમરનો એક તબક્કો હોય છે. ચાર-પાંચ વર્ષની ઉંમર ખૂબ નાની છે એટલે બાળકને સીધેસીધું સેક્સ એજ્યુકેશન ન અપાય એમ જણાવીને ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટ-ચાઇલ્ડ કાઉન્સેલર રાશિ આનંદ કહે છે, ‘આપણે ત્યાં પેરન્ટ્સ બાળકના સવાલ પરથી જ ગભરાઈ જાય છે. જોકે બાળકો ખૂબ શાર્પ હોય છે અને આ વાત પણ તેઓ નોટિસ કરે છે, જે યોગ્ય નથી. બાળક કોઈ પણ સવાલ પૂછે એને શાંતિથી અને કોઈ પણ ઓવર-રીઍક્શન આપ્યા વિના સાંભળવો જોઈએ અને એટલી જ સહજતાથી જવાબ આપીને તેના મનનું સૅટિસ્ફૅક્શન પણ કરવું જોઈએ. જોકે આ પરિસ્થિતિ બેધારી તલવાર જેવી હોય છે. જવાબ અપાય, પણ ક્યાંય વધુપડતી માહિતી બાળકની કાચી ઉંમર હોવાથી તેના સુધી ન પહોંચે એ પણ જોવું જોઈએ. એટલે કહેવાનું છે; પણ એટલું જ જેટલું બાળક સમજે, બાળક ડાઇજેસ્ટ કરી શકે. જેમ કે કિસ કરતો કે હગ કરતો સીન જોઈને જો બાળક સવાલ પૂછે તો મમ્મી કે પપ્પાએ એમ કહેવું જોઈએ કે બેટા, આપણે જેને પ્રેમ કરીએ તેને કિસી કે હગી આપીએ, જેમ મમ્મા તને લવ કરે છે તો આપે છે એમ મમ્મા-પાપા પણ એકબીજાને લવ કરે ત્યારે હગી કે કિસી આપે.’

જો કોઈ પૅશનેટ કિસિંગ સીન કે ખૂબ બોલ્ડ સીન જોયા પછી બાળકના મનમાં ક્યારેક સવાલ ઊઠે તો એનો જવાબ કેવો હોઈ શકે એ જણાવતાં ડૉ. અંજલિ કહે છે, ‘તેને ચોક્કસ એમ કહી શકાય કે બેટા, જ્યારે બેબી મોટા થઈ જાય અને મમ્માની એજ પર પહોંચી જાય અને ડૅડીની એજના બૉય સાથે લગ્ન કરે ત્યારે તે લોકો આવી રીતે કિસી કરે. જોકે એ સાથે બાળકને ગુડ ટચ, બૅડ ટચનો ભેદ સમજાવવો જોઈએ. બૉડીના કયા પાર્ટ પર કોઈ ટચ કરે તો બૂમ પાડવાની, મમ્મીને કહેવાનું જેવી બધી બાબતો પણ તેને તેની ભાષામાં સમયસર સમજાવવી જોઈએ.’

બાળકો સાથેનો ફિઝિકલ ટચ

બાળકો હગ અને કિસ જેવી બાબતો નૉર્મલી લે એ માટે પેરન્ટ્સનો પણ તેમની સાથેનો ફિઝિકલ ટચ હોવો જરૂરી છે. પેરન્ટ્સ પોતે પણ જો બાળક સામે હગ કરતા હોય, કિસ કરતા હોય અને સાથે બાળકને પણ રાખતા હોય જેમ કે હગ કરતા સમયે તેમના બેબીને પણ આવરી લેતા હોય ત્યારે બાળક માટે એ બાબત સામાન્ય બની જતી હોય છે. બાળક સ્પર્શની ભાષા બહુ ઝડપથી સમજે છે અને એટલે પેરન્ટ્સ દ્વારા પણ તેને અવારનવાર બાથમાં ભરવામાં આવે કે તેને કિસ કરવામાં આવે એ જરૂરી હોય છે. એનાથી બાળક ખૂબ સિક્યૉર ફીલ કરે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

એક્સપોઝર ન આપીએ તો?

ન રહેગા બાંસ ન બજેગી બાંસુરીના ન્યાયે એક એવી આગ્યુર્મેન્ટ પણ કરવામાં આવે છે કે બાળક નાનું છે ત્યાં સુધી અમુક પ્રકારના સીન તે ન જુએ એવા પ્રયત્નો કરે છે. આ વિશે જણાવતાં ડૉ. અંજલિ છાબરિયા કહે છે, ‘મમ્મી-પપ્પા બન્ને વર્કિંગ હોય ત્યારે બાળક આ પ્રકારનાં દૃશ્યો ઓછાં જુએ એવા પ્રયત્નો કરવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. જોકે એમ છતાં અમુક પ્રકારનું એક્સપોઝર તો મળવાનું જ છે. અને એ પછી જો બાળકે જિજ્ઞાસા દર્શાવી અને તમે જેટલો સંકોચ અનુભવશો એટલું બાળક કન્ફ્યુઝ થશે. અમુક બાબતો જીવનનો હિસ્સો છે, ફૅક્ટ છે એને જો તમે નૉર્મલી રીઍક્ટ કરશો તો બાળક પણ એને નૉર્મલ રીતે જ લેશે.’

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 10:16 AM IST | મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - યંગ વર્લ્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK