કૉલમ : સંતાનો ઘરમાં જ ગુમસૂમ રહે છે?

પ્રતિમા પંડ્યા - યંગ વર્લ્ડ | Apr 12, 2019, 11:06 IST

બાળક બહાર બધા સાથે વ્યવસ્થિત ભળતું હોય, પણ ઘરમાં તમારી સાથે વાત કરવાનું પણ ટાળે. એવું શા માટે બને વિચાર્યું છે ક્યારેય? એ માટે આપણે કેટલા જવાબદાર? એ પરિસ્થિતિ બદલવા વાલી તરીકે આપણે શું કરી શકીએ?

કૉલમ : સંતાનો ઘરમાં જ ગુમસૂમ રહે છે?
મનીષા અને પંકજ ગાર્ડી

યંગ વર્લ્ડ

ટેક્નૉલૉજી અને સોશિયલ મીડિયાએ હરણફાળ ભરી છે. આજનાં બાળકોની ટેક્નૉલૉજીને આત્મસાત્ કરવાની ક્ષમતા વધી છે, પણ કેટલીક વાર ઘરના સભ્યો કે માતા-પિતા સાથેના સંવાદમાં ઓટ આવી છે. ઘણી વાર કિશોરવયનાં સંતાનો બહારના જગત સાથે, પોતાના મિત્રો સાથે ખુલ્લા દિલે હળેમળે છે, હરેફરે છે, પણ માતા-પિતા સાથે વાત કરવાનું પણ ટાળે છે. આમ થવાનું કારણ શું અને એના ઉપાય શું એ સમજવાનો પ્રયત્ન કરીએ.

અમને શાંતિથી સાંભળો, દર વખતે જજ ન કરો

કૉલેજની વિદ્યાર્થિની અનિપ્રા કારિયા શું કામ સંતાનો ઘરમાં ગુમસુમ રહે છે એ વિશે પુછ્યું ત્યારે સ્મિત સાથે તે કહે છે, ‘મોટું થાય એમ બાળકને સમજાય કે કેટલીક વાતો મમ્મી-પપ્પા કે શિક્ષકો સાથે ન કરાય, એનું કારણ એ હોય કે તેમને એ વાતોનો અણગમો હોય. એવી વાત તેમની સામે કરીએ તો તેમના ગુસ્સાનો સામનો કરવો પડે અથવા બાળક ઉપર ઠાલવે શિખામણનો ઢગલો! સંતાનને હંમેશાં સલાહની જરૂર નથી હોતી, તેમને જરૂર હોય છે કે કોઈ તેમને શાંતિથી સાંભળે, દર વખતે તેમને જજ ન કરે! શિક્ષકો પાસે જતાં પણ બાળક ડરે એટલે કે તેને લાગે કે મોટાં કોઈ આપણી વાત સમજી શકતાં નથી એટલે બધી વાત મિત્રો સાથે થાય. ટૂંકમાં બાળક બોલતું હોય ત્યારે વાલીઓએ કે શિક્ષકોએ તેને ધ્યાનથી સાંભળવાની અને સમજવાની જરૂર છે, તેની વિરુદ્ધ મત બાંધી ગુસ્સે થવાની નહિ!’

વધારે પડતાં બંધનો લાદવામાં આવતાં હોય તો પણ બાળકો પેરન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે

જ્યારે સંતાન માતા-પિતાથી અળગું અળગું રહે ત્યારે સૌથી પહેલાં તેનું કારણ શોધવું ખૂબ જરૂરી છે. આ વિચારધારા ધરાવતા કાંદિવલીના બિઝનેસમૅન વિશ્વેશ ઠાકોર અને તેમનાં પત્ની રિન્કુ કહે છે, ‘એવું બને કે માતા-પિતા પોતાના બાળકને સમય ન આપી શકતાં હોય. માતા-પિતા વચ્ચે ઘરમાં ઝઘડા થતા રહેતા હોય તો એની અસર બાળકો પર થાય છે. બાળક ઉપર વધારે પડતાં બંધનો લાદવામાં આવતાં હોય તો પણ બાળકો પેરન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવા સમયે સૌથી મહત્વનું છે કે પેરન્ટ્સે બાળકોને સમય આપવો જોઈએ. જો બાળક યુવાવસ્થામાં પ્રવેશતું હોય તો તેને સમજણ સાથેની સ્વતંત્રતા આપવી જરૂરી છે. બાળકના ગમતા વિષયોમાં રસ દાખવવો જોઈએ. કોઈ કારણસર જો બાળક કોઈ બાબતમાં મૂંઝાતું હોય તો બાળકને વિશ્વાસમાં લઈને યોગ્ય માર્ગદર્શન આપીને તેની નજીક જઈ શકાય. અંગત રીતે અમારું માનવું છે કે આપણે આપણા સંતાનને સ્પેસ આપવી ખૂબ જરૂરી છે.’

Rinku and Vishveshn Thakor

વાલીઓનાં નકારાત્મક પાસાં પણ બાળકને કુટુંબથી વિમુખ કરે છે

વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં ચેતના ઓઝા કહે છે, ‘વાત છુપાવવી, જુઠ્ઠું બોલવું, ડંફાસ મારવી એવા કેટલાક અવગુણો સંતાન પેરન્ટ્સને જોઈને શીખે છે. આવાં બાળકો સહેલાઈથી સત્યનો સામનો નથી કરી શકતાં. બીજું મહત્વનું કારણ એટલે ટેક્નૉલૉજીનો વધેલો ઉપયોગ. જેના કારણે બાળક મિત્રજૂથ સાથે સતત સંપર્કમાં રહી સારા-નરસાનો વિવેક ભૂલી પોતાની દુનિયામાં રાચતો રહે છે. ત્રીજું કારણ દેખાદેખીમાં પેરન્ટ્સ, બાળકોને વધુ પૉકેટમની આપતાં હોય ત્યારે બાળક ઘરમાં ભલે ‘ઝીરો’ હોય, મિત્રો વચ્ચે પૈસા ખર્ચી ‘હીરો’ બનવાની તક છોડતું નથી. આને કારણે તે સમવયસ્ક વર્તુળ તરફ આકર્ષાયેલું રહે છે. ઘરમાં હૂંફાળા વાતાવરણની ઊણપ, પોતાનાં ન પૂરાં થયેલાં સ્વપ્નો બાળક પર લાદવાં, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો અભાવ એવાં વાલીઓનાં નકારાત્મક પાસાં પણ બાળકને કુટુંબથી વિમુખ કરે છે. બાળકની હકારાત્મક બાબતોને મહત્વ આપવું, એની ઉપલબ્ધિઓની યથાશક્તિ ઉજવણી કરવી, બાળક સાથે સ્નેહસભર વર્તન કરવું જેવી બાબતો બાળકને પરિવાર સાથે જોડી રાખે છે. બીજાના બાળકને ઊતરતી કક્ષાનું ગણાવનાર સખીવૃંદથી ‘મૉડર્ન’ મમ્મીઓએ દૂર રહેવું! બાળકના શિક્ષકો તથા મિત્રો સાથેની સહજ વાતચીતથી માહિતી મેળવી, બાળકોની જરૂરિયાત પ્રત્યે વાલીઓએ સજાગ થવું જોઈએ.’

સંતાન આપણી પાસે સાથ અને હૂંફ ઝંખે છે.... ભૌતિક સુખ નહીં

બિઝનેસમૅન અને એન્જિનિયર એવા પંકજ ગાર્ડી તથા તેમનાં જીવનસંગિની મનીષા ગાર્ડી આ વિશે વાત કરતાં કહે છે, ‘જ્યારે બાળક ટીનએજમાં પ્રવેશે ત્યારે તેનામાં શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર પણ થાય છે. એના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એ બધા જ પ્રશ્નો એ ઘરમાં ચર્ચી શકે એવા નથી હોતા. કેટલાક સેક્સ કે કૌમાર્ય વિશેના સવાલના સાચા ખોટા જવાબો એને મિત્રો પાસે મળી રહે. એ સવાલ એ પેરેન્ટ્સ સાથે ન ચર્ચી શકે. બાળકને ઘણી વાર એવું લાગે કે મારી દરેક ઍક્શનની સામે કરેક્શનની સલાહ આવે છે કે રિજેક્શન આવે છે ત્યારે બાળક ઘરમાં વાત કરવાનું ટાળે છે. માતા-પિતાના પૂર્વગ્રહની સામે બાળક સંકોચાતું રહે છે. માનવીના જીવનમાં સ્પર્શ બહુ મોટો ભાગ ભજવે છે. આપણે એ સ્પર્શથી વિમુખ થતાં ગયા છીએ. દીકરીને વહાલથી ભેટવામાં પણ બાપને સંકોચ થાય એવા સમાજમાં આપણે જીવીએ છીએ. સંતાનોને સ્પર્શની હૂંફ આપવી જોઈએ. ઘરનાં સાથે સંવાદ નહીં હોય તો બાળક બહાર પ્રેમ શોધવાનું શરૂ કરી દેશે. બાળકોને ભૌતિક સુખ કરતાં માતા-પિતાનો પ્રેમ અને સમય અપાય એ જરૂરી છે. બાળકો કિશોરાવસ્થામાં આવે અને પોતાના મિત્રો સાથે વધુ સમય ગાળે એમાં અમને કંઈ ચિંતાજનક નથી લાગતું. સમયની એ માગ છે, પણ હા, એ જ્યારે ઘરના લોકોને વારે વારે ટાળવા માંડે ત્યારે વાલીએ સજાગ થઈ જવું જોઈએ. વાલીએ સમય સાથે બદલાઈને, સંતાનો સાથે સંવાદ રાખીને, સ્પેસ આપીને, તેમની જરૂરિયાત સમજીને તેમના મિત્ર બનીને રહેવું જરૂરી છે. પેરન્ટ્સે બાળકની જગતને ઓળખવાની સમજણને નાનપણથી જ કેળવવી જોઈએ.’

આ પણ વાંચો : કૉલેજમાં ભણતી છોકરી અબૉર્શન કરાવીને આવે, ઘરનાને અણસાર પણ ન હોય એવું બને

માતા-પિતા એક પ્રકારના સામાજિક અને ધાર્મિક ઢાંચામાં ઊછરેલા હોય, પણ યંગ જનરેશન એ ઢાંચાથી પરિચિત ન હોય, એનું વિશ્વ અલગ હોય. સંતાન બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થામાં પ્રવેશે પછી તેને શિખામણ ન અપાય. તેને સજેશન અપાય. કેટલીક બાબતો સંતાન સમજી જાય કે આ વાત ઘરમાં કહીશ તો મારા પર બધાં તૂટી પડશે તેના કરતાં ન બોલવું સારું! બાળક કમ્પ્યુટર ગેમ રમતું હોય તો મા-બાપે એમાં પણ રસ લેવો જોઈએ. તમે બાળકમાં રસ લેશો તો બાળક તમારામાં રસ લેશે. આજે કૉમ્પિટિશનને કારણે બાળકો પણ સ્ટ્રેસમાં હોય છે. માતા-પિતાને ફક્ત રિઝલ્ટમાં રસ હોય છે. દરેક બાળક ફસ્ર્ટ આવે એ પણ જરૂરી નથી. માતા-પિતાએ આ વાત સમજવી બહુ જરૂરી છે. વળી આજે ટેક્નૉલૉજીના એક્સપ્લોઝનને કારણે જે વાતો મોડી સમજાવી જોઈએ એ બાળકોને વહેલી સમજાય છે. સાતમા-આઠમા ધોરણનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ રિલેશનશિપમાં આવે છે. આ વાત તે ઘરે કરી જ ન શકે એટલે પોતાની આસપાસ કવચ ઊભું કરી દે છે. આજે બાળકોને બધા સલાહ જ આપ્યા કરે છે, માર્ગદર્શન કોઈ નથી આપતું એ મોટી તકલીફ છે. બાયોલૉજિકલી તો તમે પેરન્ટ બની ગયાં. તમારું સંતાન છે એટલે તેના અભ્યાસ માટે પણ ખર્ચો કરશો જ, પણ એટલું જ પેરન્ટિંગ માટે પૂરતું નથી. બાળકને સાઇકોલાજિકલી પણ સમજવું જરૂરી છે - દીપેશ ઉપાધ્યાય, પ્રોફેસર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK