Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કઈ રીતે ટૅકલ કરશો તમારા ભડભડિયાને?

કઈ રીતે ટૅકલ કરશો તમારા ભડભડિયાને?

22 February, 2019 01:25 PM IST |
વર્ષા ચિતલિયા

કઈ રીતે ટૅકલ કરશો તમારા ભડભડિયાને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

સાત વર્ષના યશના સ્કૂલ કૅલેન્ડરમાં નિયમિતપણે એક નોટ લખેલી હોય, ‘યોર ચાઇલ્ડ ઇઝ વેરીમચ ટોકેટિવ, હી ડિસ્ટર્બ અધર સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ!’ ક્લાસ ટીચરની રોજ રોજની ફરિયાદથી એની મમ્મીને બહુ ખરાબ લાગતું. યશને સમજાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ એની જીભડી બંધ થાય નહીં. આવો અનુભવ ઘણાં પેરેન્ટ્સને થયો હશે. આખો દિવસ બડબડ કરતા અને જાતજાતના પ્રશ્નો પૂછતા સંતાનને ટૅકલ કરવું પેરન્ટ્સ માટે ખૂબ ચૅલેન્જિંગ હોય છે. બાળકો વાતોડિયાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ કેટલાંક બાળકો જરૂર ન હોય ત્યાં પણ બોલે છે; જેના કારણે તેઓ પંચાત અને દખલગીરી કરતાં હોય એવી છાપ પડે છે. તાજેતરમાં રજૂ થયેલી ગુજરાતી મૂવી ‘ચાલ જીવી લઈએ’માં પણ દરેક વાતમાં ખણખોદ કરતા હીરોને ફિલ્મની હિરોઇન ભડભડિયો કહીને ચીડવે છે. તમારા સંતાનને કોઈ ભડભડિયો કહીને ન ચીડવે એ બાબતની તકેદારી દરેક પેરન્ટે રાખવી જ જોઈએ. આજે આપણે આવાં જ ટૉકેટિવ કિડ્સની મમ્મીઓને મળીને જાણીએ કે તેઓ પોતાના સંતાનને કઈ રીતે હૅન્ડલ કરે છે.



મોટા વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવાની સ્ટિÿક્ટ વૉર્નિંગ - સ્નેહા ઠાઠાગર, દહિસર


મારાં તો બન્ને સંતાનો ખૂબ વાતોડિયાં છે એમ જણાવતાં આઠ વર્ષના નિમય અને પાંચ વર્ષની નિર્વીનાં મમ્મી સ્નેહા ઠાઠાગર કહે છે, ‘સંતાનની કાલીઘેલી બોલી દરેક પેરન્ટને મીઠી લાગે છે. તેમને ક્યારેય એમ લાગતું જ નથી કે મારાં સંતાનો બહુ બોલે છે. એક માતા તરીકે મારું પણ એમ જ માનવું છે કે મારાં બાળકોની વાતો ખૂબ જ સરસ હોય છે, પરંતુ અમુક જગ્યાએ તેઓ ન બોલે એ જોવાની દરકાર દરેક પેરન્ટે રાખવી જ પડે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે રસ્તામાં સંતાનોના સ્કૂલ ફ્રેન્ડ્સની મમ્મી મળી જાય તો એ લોકો વચ્ચે-વચ્ચે બોલ્યા કરે, કારણ કે વાતો સ્કૂલની હોય. આ બાબત અશોભનીય લાગે છે. મોટા વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલશો એ નહીં ચાલે એવી વૉર્નિંગ પહેલેથી જ આપેલી છે. તેથી વધુ પંચાત કરતાં નથી. જોકે બન્ને બોલકણાં છે એટલે ઘણી વાર એવું બને કે એકસાથે બોલવાનું શરૂ કરી દે. આપણને ખબર જ ન પડે કે કોણ શું કહેવા માગે છે. આવા સમયે હું બન્નેને અટકાવી દઉં અને કહું કે તમે અંદરોઅંદર નક્કી કરી લો કે પહેલાં કોણ બોલશે. આ બાબત હું માથું નથી મારતી. ફાઇટ કરે તો પણ વચ્ચે ન પડું. જો એકની તરફદારી કરું તો બીજાને થાય મમ્મી તેનું જ સાંભળે છે. હું સાંભળું નહીં એટલે થોડા સમય પછી એ લોકો જ વારાફરતી બોલવાનું શરૂ કરે.’

જીભડી એટલી લાંબી છે કે કોઈ પણ વિષય પર નૉનસ્ટૉપ બોલી શકે - મોના સોની, ખારઘર


મારી દીકરી છે તો ટેણકી, પણ બોલવામાં ભલભલાને પછાડી દે છે એવો અભિપ્રાય આપતાં નવ વર્ષની હેત્વીનાં મમ્મી મોના સોની કહે છે, ‘હેત્વીને દરેક બાબતની ખબર હોય. કોઈ પણ વિષય પર બોલી શકે. તેનું ઑબ્ઝર્વેશન એટલું પાવરફુલ છે કે સામેવાળાના શબ્દોને કૅચ કરી મગજમાં બેસાડી દે અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે. તેની પાસે શબ્દોનું એટલું ભંડોળ છે કે આર્ય થાય. ડાન્સમાં તો અવ્વલ છે. મૂવી જોવા ગયા હોઈએ તો થિયેટરમાં પણ ડાન્સ કરવા લાગે. થિયેટરમાં સારું ન લાગે એમ કહીને આંખ કાઢીએ તો પણ જલદી માને નહીં. બાળક બહુ નાનું હોય ત્યારે તેની વાતો અને હરકતો સૌને ગમે, પરંતુ પછી લોકો કંટાળે એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. અમારા સર્કલમાં બધાએ તેનું નામ ચંપા પાડી દીધું છે. હવે હેત્વીએ જંપીને બેસવું જોઈએ એવું મને પણ લાગે છે. તેનામાં લીડરશિપનો ગુણ ઠાંસી-ઠાંસીને ભર્યો છે. બર્થ-ડે પાર્ટીમાં ગયા હોઈએ અને કોઈ બાળકનો ડાન્સ સારો ન લાગે તો તેને મોઢા પર કહી દેતી કે તુઝે કુછ નહીં આતા. હેત્વીના આવા ઍટિટ્યુડમાંથી જ તેને શાંત કરવાનો રસ્તો ખોળી કાઢ્યો છે. અમે તેને સમજાવીએ કે તેને ડાન્સ નથી આવડતો અને તું હોશિયાર છે તો શીખવાડને. પોતાનાથી નાનાં બાળકોને શીખવાડવામાં તેને મજા પડવા લાગી છે. તેની ટૅલન્ટને નવી દિશામાં વાળવાથી હવે બોલવા પર સહેજ કન્ટ્રોલ આવ્યો છે.’

ઘરમાં બહુ બોલે, પણ બહાર મૂંગોમંતર - ખ્યાતિ શાહ, વિલે પાર્લે

પાંચ વર્ષનો અર્ણવ બહુ બોલકણો છે. ખાસ કરીને દાદાજીને ખૂબ પ્રશ્નો પૂછે છે એમ જણાવતાં તેનાં મમ્મી ખ્યાતિ શાહ કહે છે, ‘મારા સસરા એન્જિનિયર છે. તેઓ કંઈ ને કંઈ રિપેરિંગ કામ લઈને બેઠા હોય. અર્ણવને જાણવું હોય કે ફલાણો પાર્ટ આ જગ્યાએ જ કેમ ફિટ કરવામાં આવે છે અને આ વસ્તુ આ જ રીતે રિપેર કેમ થાય? ઘણી વાર રિમોટના સેલ કાઢી નાખે અને પહેલાં આ રિપેર કરો એવી હઠ લઈને પણ બેસી જાય. જ્યારથી બોલતાં શીખ્યો છે તેની જીભડી બંધ નથી રહેતી. કેટલીક વાર તેની બડબડ જીદમાં ફેરવાઈ જતી હોય છે. એ વખતે એમ થાય કે ડિસિપ્લિન જરૂરી છે. હું કંપની સેક્રેટરી છું તેથી ક્લાયન્ટ્સના કૉલ સતત ચાલતા હોય. ફોન ચાલુ હોય ત્યારે પાછળથી બોલ્યા કરે ત્યારે ગુસ્સો આવી જાય. શરૂઆતમાં હું ફોન મૂકતાં વેંત તેને વઢતી હતી. પછી જોયું કે જે વસ્તુની ના પાડો એ ધરાર કરે છે. તેનું કુતૂહલ સંતોષાય અને વધુ પૂછ પૂછ કરવાની ટેવને ટેકલ કરવા અમે નવો માર્ગ શોધી કાઢ્યો છે. વચ્ચે બોલવાની ટેવ બૅડ મૅનર્સ કહેવાય એ સમજાવવા નવી-નવી સ્ટોરી બનાવીને સંભળાવીએ છીએ. જોકે અત્યારે તો તેની આ ટેવ માત્ર ઘર પૂરતી જ સીમિત છે. સ્કૂલમાં ટીચરથી ડરે છે. તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળતાં વાર લાગે છે એટલે જાહેરમાં ફિયાસ્કો નથી થયો.’

પેરન્ટ્સ માટે કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સ

ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ દિશા કડકિયાએ ‘મિડ-ડે’ સાથે શૅર કરેલી કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સ દરેક પેરન્ટે અપનાવવા જેવી છે.

તમારા સંતાનને પૂરતો સમય આપો. તેમની સાથે બેસીને રમવાની ગેમ્સ રમો. એવી ગેમ્સ પસંદ કરો જેમાં કૉન્સન્ટ્રેશન રાખવું પડે અને મગજની કસરત પણ થાય.

ડમશરાડ (આ ગેમમાં એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર ઍક્ટિંગ કરીને ફિલ્મનું નામ કહેવાનું હોય છે.) અને આપણે નાનપણમાં રમતા હતા એવી સ્ટૅચ્યુ-સ્ટૅચ્યુની રમત રમો. જેવું બોલવાનું શરૂ કરે સ્ટૅચ્યુ કહી દો. શરૂઆતમાં બહુ લાંબું ન ખેંચવું. ધીમે-ધીમે સમયમર્યાદા વધારવી.

જો તમને લાગે કે સંતાનને તમારી સૂચનાઓ સાંભળવાની જરૂર છે, પણ એકસરખું બોલ્યા જ કરે છે

તો એકદમ ચૂપ ન કરતાં હળવેકથી કહો કે હું દસ સુધી કાઉન્ટ કરું એટલી વારમાં તારી વાત ખતમ થઈ જવી જોઈએ.

તે તમને કોઈ સ્ટોરી સંભળાવવા માગતું હોય તો કહો કે સ્ટોરીને ચિત્રોના માધ્યમથી સમજાવે. એ જ રીતે સ્ટોરી બુક્સ વાંચીને સંભળાવવા કરતાં પાસે બેસાડી ડ્રૉઇંગ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરો. ચિત્રો જે કામ કરી શકશે એ કામ અક્ષરો નહીં કરી શકે.

પ્રશ્ન પૂછ-પૂછ કરી કામમાં ડિસ્ટર્બ કરતાં હોય તો શાંતિથી કહો કે બેટા, મને ખબર છે તારે ઘણીબધી વાતો કરવી છે પણ અત્યારે હું બિઝી છું, તારી વાત રાતે સાંભળીશ. સૂતા પહેલાં તેને પોતાની વાત કહેવાની તક જરૂર આપો.

બાળકોને કાર્ટૂન જોવાનું ખૂબ ગમતું હોય છે. તેમની સાથે બેસીને મિ. બીન, ચાર્લી ચૅપ્લિન અને ટૉમ ઍન્ડ જેરી જેવા પ્રોગ્રામ જુઓ અને સમજાવો કે બોલ્યા વગર માત્ર બૉડી-લૅન્ગ્વેજ અને અભિનય દ્વારા પણ ઘણુંબધું કરી શકાય છે.

જાહેર સ્થળે અથવા ગેસ્ટની હાજરીમાં પગ વાળીને બેસે એ માટે પહેલેથી કહી દો કે જો શાંતિ રાખીશ તો કૅડબરી કે ગિફ્ટ મળશે. કોઈક વાર બાળકોને લાલચ આપીને પણ સમજાવવાં પડે છે.

આ પણ વાંચો: કહો જોઈએ, તમે દુ:ખને શોધો છો કે દુ:ખ તમને શોધી લે છે?

તેમની ક્રીએટિવિટી ખીલે એવા બીજા માર્ગો શોધી પ્રોત્સાહિત કરો.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 01:25 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK