Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભંગાર, જૂનાં કપડાં, નકામાં રમકડાં અને ન ગમતી ઘટના

ભંગાર, જૂનાં કપડાં, નકામાં રમકડાં અને ન ગમતી ઘટના

06 December, 2019 12:59 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભંગાર, જૂનાં કપડાં, નકામાં રમકડાં અને ન ગમતી ઘટના

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કોઈ અતિશિયોક્તિ નથી આમાં. કહેવત જ ખોટી રીતે ગોખી નાખી છે. સંઘરેલો સાપ પણ કામ લાગે. બસ, પછી આ જ વાત મગજમાં ભરી લીધી. સાપ ભરવાનું શરૂ કરી દીધું. ફૂંફાડો મારતો અને ઝેર ઓકવા તત્પર રહેતો સાપ. એકધારા લબકારા લેતો અને ભરડો આપવા આતુરતા સાથે જોતો સાપ. સમજાવાનું પણ શું, સમજાવવાનું કામ તો લોકસાહિત્યકાર કરી જ ગયા. સંઘરેલો સાપ પણ કામ લાગે, પણ ભલા માણસ સમજાવે કોણ તમને કે સાપને સંઘરવાનો ન હોય. કહેવાનો ભાવાર્થ એવો છે કે જો ઝેર ભરીને રાખો તો એ પણ કામ લાગી જાય. નકામી વસ્તુ કામ લાગી જવાની હોય તો પછી કામની વાત અને વસ્તુનો ખપ ઊભો થશે જ થશે. પણ ના, સારું યાદ રાખવું નથી અને ખરાબ ભૂલવાની તસ્દી લેવી નથી. ઘરમાં હોય કે મન, સંસાર હોય કે સમાજ. મનમાં જે છે એ અકબંધ રાખવું છે. ભલે એમાંથી સારી વાતો અને સારી યાદોનું બાષ્પીભવન થઈ જતું. છો થાય, આપણને કોઈ ફરક નથી પડતો.

તમે જુઓ, ઘરમાં એક વખત નજર ફેરવજો. તમને ઠેર ઠેર એવી ચીજવસ્તુઓ દેખાવી શરૂ થશે જેની આવશ્યકતા નથી. કબાટ ખોલશો તો એક મોટી થપ્પી બહાર આવશે. પહેલાં ઇચ્છા થશે કે ફિટ થતાં એ શર્ટ હવે આપી દઈએ, પણ પછી તરત જ દલીલ સૂઝશે. ના, જરા વજન ઊતરશે એટલે કામ લાગશે. નહીં ઊતરે વજન હવે. ભૂલી જાઓ. માળિયું ખાલી થવાનું શરૂ થાય એ પહેલાં આખું માળિયું ખાલી કરી નાખવાનો વિચાર મનમાં હોય છે, પણ માળિયું ખાલી થયા પછી એ ફરીથી ભરાતું જાય છે. આ કામનું છે, આ પણ કામનું છે. અરે, આ તો બહુ કામનું છે. નકામું કંઈ છે જ નહીં. બધું કામનું જ છે. યાદોના નામે કેટલીક ચીજો સચવાઈ રહે છે તો કેટલીક ચીજો જરૂરિયાતના નામે સંઘરાયેલી રહે છે. અમુક સંભારણાના ટૅગ સાથે તો અમુક આવશ્યકતાના સૂર સાથે પણ આ જે ટૅગ છે, આ જે સૂર છે એ જાતે ઊભા કરેલા છે. કોઈ જરૂરિયાત નથી એવું જાતને સમજાવવાનું શરૂ કરશો તો ખરેખર આખું માળિયું ખાલી થઈ જાય અને અડધો વૉર્ડરોબ ખાલી થઈ જાય તો પણ જીવનમાં કોઈ ફરક નથી પડવાનો. પણ ના, એવું કરવું નથી. કારણ, કારણ કે ભરી રાખવાનો સ્વભાવ છે.



કબાટ હોય કે વિચાર હોય, ઘર હોય કે મન હોય; બસ, ભરી રાખવું છે. એક વખત, માત્ર એક વખત આ બન્નેને ખાલી કરવાની માનસિકતા ઘડી લો. ખરેખર જીવન બહુ હળવું ફૂલ લાગશે, ભારમુક્ત લાગશે. તમને પણ ભાર ઉપાડવાની આદત પડી ગઈ છે અને એ આદતને કારણે જ બધું સંઘરી રાખવાનું મન થયા કરે છે. કશું ખાલી કરવું નથી, કંઈ આપવું નથી. બસ, લીધા કરવું છે. બસ, ભરી રાખવું છે. ભરવું શું કામ છે? યાદ રાખજો, સીધો નિયમ છે. જેટલું વધારે ભરશો એટલું જ શોધવાનું કામ કપરું થશે. જેટલું વધારે દાટશો એટલું જ વધારે એ બદબૂ મારશે. વાત સંબંધોની હોય કે સ્વાદની હોય, જો ખટાશ જૂની થઈ તો એ વાસ મારવા માંડશે, સહન નહીં થાય. નહીં કરી શકો. સહન કરવાની વાત તો એક બાજુએ રહી, ઊભા રહેવાની ક્ષમતા પણ નહીં રહે તમારી.


ખાલી કરી નાખો મન, ખાલી કરી નાખો ઘર. બન્નેમાં મોકળાશનો અનુભવ થશે. જરાક તો વિચાર કરો, લાખો-કરોડોની કિંમતના ઘરમાં રહો છો અને એ ઘરની ચાળીસ ટકા જગ્યાને તમે ભંગાર અને નકામી ચીજવસ્તુઓથી ભરી રાખી છે. જરા વિચારો, આ જ ઘરમાં કોઈ દૂરનો સગો આવીને બે દિવસ, માત્ર બે દિવસ રહેવાનું કહેશે તો ભાત-ભાતની અને જાતજાતની દલીલો તમને સૂઝશે, પણ નકામી ચીજવસ્તુઓને સંઘરી રાખવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. યાદ રાખજો, આ જ વાત તમારા મનને, તમારા મગજને પણ લાગુ પડે છે. ઘર લાખો-કરોડોનું હોય તો તમારું મગજ તો અબજોનું છે. આ મગજના મોટા ભાગના એરિયામાં ખોટી વાતો, બિનજરૂરી અહમ અને ગેરવાજબી વર્તનના અનુભવોને ભરી રાખવામાં આવ્યા છે. ટેક્નૉસૅવી થઈ ગયા પણ એ ભૂલી ગયા કે એક માણસ જેમ કામ કરે છે એ જ પ્રક્રિયા પર કમ્પ્યુટરને બનાવવામાં આવ્યું છે. નામ પણ કેટલાં ઉચિત રીતે આપવામાં આવ્યાં છે આ કમ્પ્યુટરના પાર્ટ્‌‌સને. મેમરી બોર્ડ. મગજની જેમ જ બધું સંઘરો કરી શકાય એવું મેમરી બોર્ડ. એમાં જેટલું વધારે ભરશો એટલું જ કમ્પ્યુટર ધીમું ચાલશે. મગજનો સીધો સિદ્ધાંત વાપરવામાં આવ્યો છે અહીં અને એ પછી પણ આપણે આ જ વાત આપણા મનને સમજાવી નથી શકતા. યાદ રહે, મોબાઇલની, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં જેમ ગીગાબાઇટ નક્કી છે એવી જ રીતે મનની હાર્ડ ડિસ્કના ગીગાબાઇટ પણ નક્કી છે. શું ભરવું એમાં એ તમારે નક્કી કરવાનું છે. ખરાબ ભરશો તો એ ખરાબ વાતને આગળ લાવશે, છલોછલ ભરી દેશો તો એ વાંરવાર છલકાયા કરશે, ખોટું ભરશો તો એ વારંવાર ખોટી દિશામાં જવાના સંકેતો આપ્યા કરશે. ધીમું ચાલતા કમ્પ્યુટરની ફિકર હોય તો ધીમું પડનારા મનની ફિકર શું કામ નહીં? વારંવાર રીસ્ટાર્ટ થતા કમ્પ્યુટરને રિપેર કરાવી લેવાની ઇચ્છા થતી હોય તો વારંવાર હૅન્ગ થતા મનને સાફ કરવાની તત્પરતા શું કામ નહીં? ઘર ગંદું ન થાય એની ચીવટ હોય તો પછી મનમાં રહેલો મેલ પણ સમયસર ખાલી થાય એની ફિકર શું કામ નહીં?

વિચારજો એક વાર અને જો વિચાર્યા પછી લાગે કે ઘર અને મન બન્ને સમયસર સાફ થવાં જોઈએ તો એક વખત, માત્ર એક વખત નકામો અને બિનજરૂરી બની ગયો હોય એ સામાન કાઢી નાખજો. મોકળાશ લાગશે, હળવાશ લાગશે.


ગૅરન્ટી.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 12:59 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK