વહેંચો તો વધશે

Published: Sep 08, 2020, 15:24 IST | Sejal Patel | Mumbai

બીજાને મદદ કરવાથી, શૅર કરવાથી અને હૅપીનેસ સ્પ્રેડ કરવાથી આપનારને જે ખુશી, સંતોષ અને હકારાત્મક લાગણીઓની સરવાણીનો અનુભવ થાય છે એ તેના સ્વાસ્થ્ય અને આયુષ્યને પણ લાંબું કરે છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

બીજાને મદદ કરવાથી, શૅર કરવાથી અને હૅપીનેસ સ્પ્રેડ કરવાથી આપનારને જે ખુશી, સંતોષ અને હકારાત્મક લાગણીઓની સરવાણીનો અનુભવ થાય છે એ તેના સ્વાસ્થ્ય અને આયુષ્યને પણ લાંબું કરે છે. આવું તાજેતરમાં જર્મનીની મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડેમોગ્રાફિક રિસર્ચના નિષ્ણાતોનું કહેવું છે. શું આ માત્ર ડાહી-ડાહી વાતો જ છે કે પછી ખરેખર એની પાછળ પણ કંઈક વજૂદ છે એ જાણીએ

sonu

કવિ મકરંદ દવેની કવિતા હતી – ગમતું મળે તો ગૂંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.’ આપણી પાસે જે છે એને ગાંઠે બાંધી રાખવાને બદલે એ ચીજની જેને જરૂર છે તેમની સાથે મળીબાંટીને વાપરવાથી વધુ મજા આવે છે. અનેક ધર્મો પણ દાન દ્વારા બીજાને મદદ કરવાની પ્રેરણા આપે છે અને હવે તો વિજ્ઞાન પણ કહે છે કે વહેંચીને વાપરશો તો તમારું આયુષ્ય વધશે, વહેંચીને વાપરશો તો તમારું સ્વાસ્થ્ય સુધરશે અને વહેંચીને વાપરશો તો તમારી જીવવાની મજા પણ વધશે. અલબત્ત, શૅરિંગ, ગિવિંગ કે કૅરિંગ પર કંઈ પહેલી વાર અભ્યાસ કે તારણ નથી નીકળ્યાં. અનેક વર્ષોથી આપવાની અને મદદ કરવાની ભાવનાથી શરીર પર શું અસર થાય છે એનાં સંશોધનો વિશ્વભરમાં થયેલાં છે. ૨૦૧૭માં થયેલા અભ્યાસમાં તો કહેવાયું છે કે ગિવિંગ નેચર હોય તો બ્લડપ્રેશર ઘટે છે અને ઊંઘ સારી આવે છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં પણ બીજાને મદદ કરવાથી ફીલગુડ અને સંતોષ ફીલ થાય છે.
રાષ્ટ્રીય સ્તરે અસર દેખાય
ઉપર ગણાવેલા ફાયદા માત્ર વ્યક્તિગત ધોરણ સુધી જ સીમિત નથી. તાજેતરમાં અમેરિકાની સાયન્ટિફિક જર્નલમાં જે રિસર્ચના તારણો નોંધાયા છે એ આશ્ચર્યજનક છે. અભ્યાસકર્તાઓએ પશ્ચિમના કેટલાક દેશોમાં ઓવરઑલ શૅરિંગની ભાવના ધરાવતા લોકો અને તેમના આયુષ્યને સાંકળતી કડી તપાસી છે. નોંધાયેલા ડેટા મુજબ યુરોપિયન દેશોમાં સૌથી વધુ શૅરિંગ જોવા મળ્યું છે અને આશ્ચર્યજનક રીતે ત્યાંનો મૃત્યુદર સૌથી ઓછો છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પોતાની કમાણીમાંથી સૌથી ઓછું શૅરિંગ આફ્રિકન દેશોના વાસીઓ કરે છે અને અહીં મૃત્યુદર સૌથી વધારે છે. અફકૉર્સ, માત્ર આ જ એક કારણ તો ન ગણી શકાય કેમ કે બન્ને વિસ્તારોની આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યલક્ષી સુવિધાની ઉપલબ્ધતા જેવા ફૅક્ટર્સને ધ્યાનમાં રાખવા જ પડે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને જર્મનીના રસ્ટોકમાં આવેલી મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડેમોગ્રાફિક રિસર્ચના ફૅની ક્લગ અને ટોબિયસ વૉટની સંશોધક જોડીએ ૩૪ દેશોના ડેટા મેળવીને એનું વિશ્લેષણ કર્યું છે. એ ઍનલિસિસ મુજબ ચીજવસ્તુઓની એકબીજા સાથે વહેંચણી કરવાનું કલ્ચર જે-તે વિસ્તારના મોર્ટલિટી રેટ એટલે કે મૃત્યુદર પર આડકતરી અસરો ધરાવે છે. ફ્રાન્સ અને જપાનનો ઍવરેજ નાગરિક તેની જીવનભરની કમાણીમાંથી લગભગ ૬૮થી ૬૯ ટકા જેટલી રકમ બીજા લોકો સાથે શૅર કરે છે. અહીંનો મૃત્યુદર નોંધપાત્ર રીતે ઓછો છે અને અહીંના રહેવાસીઓની સરેરાશ આયુ પણ સૌથી વધારે છે. શું આ આંકડાકીય તારણોમાં કોઈ તથ્ય છે? તો શું જે લોકો મોટા પાયે દાનધરમ કરે છે તેમનું આયુષ્ય વધી જાય છે? આપણે ત્યાં તો લોકસેવા માટેની હજારો સંસ્થાઓ કાર્યરત છે તો કેમ આપણે ત્યાં ઉદારવાદીપણાની અસર આયુષ્ય અને સંતોષ પર કેમ નથી પડતી? ચાલો, દાનધરમને કારણે થતી સાઇકોલૉજિકલ અસરો અને એ અસરોની કાયા અને પ્રાણશક્તિ પર પડતી અસરો વિશે સાઇકોલૉજિસ્ટ પાસેથી જાણીએ.
સામાજિક હૂંફ ઇમ્પોર્ટન્ટ છે
ઉદારતા, વહેંચીને રહેવું અને બીજાની કાળજી કરવી એ માણસજાતના અસ્તિત્વની ઘણી પાયાની બાબતોમાંની એક છે. અંધેરીમાં વીસ વર્ષથી પ્રૅક્ટિસ કરતા સાઇકોલૉજિસ્ટ અને ભારતના ફર્સ્ટ ટ્રૉમા થેરપિસ્ટ ડૉ. અમિતાભ ઘોષ માણસની સામાજિક હૂંફની જરૂરિયાત સમજાવતાં કહે છે, ‘દરેક જીવમાત્ર પાસે પોતાના સ્વબચાવ માટે ખાસ અંગો આપેલા છે. કોઈક પાસે નહોર છે, કોઈક પાસે કાંટાળા પીંછા છે તો કોઈક પોતાની દોડવાની, સૂંઘવાની, સાંભળવાની વિશિષ્ટ શક્તિઓ દ્વારા પોતાનું રક્ષણ કરી લે છે. જ્યારે માણસ એ સામાજિક પ્રાણી છે. જ્યારે તે બધાની સાથે હોય ત્યારે સિક્યૉર ફીલ કરે છે. સંબંધોની હૂંફ તેના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે. જ્યારે માણસને લાગે છે કે કોઈક તેની સાથે છે, તેની કાળજી લે છે અથવા તો તેણે કોઈકની કાળજી લેવાની છે ત્યારે આપમેળે એ અંદરથી બહુ પૉઝિટિવ ફીલ કરે છે. સોસાયટીમાં એકસાથે રહીને લેવડદેવડ દ્વારા તેને ઘનિષ્ઠતા મહેસૂસ થાય છે જે તેના શરીરમાં અત્યંત સૂક્ષ્મ માત્રામાં પૉઝિટિવ કેમિકલ ચેન્જિસ લાવે છે.’

આમ જોવા જઈએ તો વારતહેવારે સગાસંબંધીઓને ભેટ આપવી, ઘરમાં કંઈક સારું બનાવ્યું હોય તો પાડોશમાં વાટકીવહેવાર કરવો જેવી નાની-નાની વાતો આપણા કલ્ચરમાં કદાચ એટલે જ વણાયેલી હશે. અનેક પરિવારોમાં કમાણીનો ચોક્કસ ભાગ ભગવાનના કામ માટે જુદો રાખવામાં આવે છે એ પણ કદાચ સ્વસ્થ રહેવાની ચાવી જ હશેને?
જેટલું વધુ દાન એટલું વધુ આયુષ્ય?
ના. આવું કોઈ સંશોધનમાં નોંધાયું નથી. જર્મનીના અભ્યાસુઓની વાત માનીએ તો મોટું દાન નહીં, વારંવાર કરેલું નાનું-નાનું શૅરિંગ વધુ ઇમ્પોર્ટન્ટ છે. સાઇકોલૉજિસ્ટ ડૉ. અમિતાભ ઘોષ કેવું દાન વધુ મહત્ત્વનું છે એ સમજાવતાં કહે છે, ‘કેટલું દાન કરો છો એના કરતાં તમે કેવા મોટિવથી દાન આપો છો અને કોને આપો છો એ મહત્ત્વનું છે. ક્યાંક તકતીઓ મૂકવા માટે અપાયેલા દાનથી અહંકાર મોટો થાય, આયુષ્ય નહીં. આપ્યા પછી મેં આટલું આપ્યું, આટલા લોકોને મદદ કરી, આટલા લોકોને એનાથી ફાયદો થયો… જેવી વાતોની જાહેરાતો કરવામાં આવે તો એનાથી સમાજમાં મોભો વધે, સંતોષ નહીં. તમે કોઈને મદદ કરી એની ત્રીજાને ખબર પણ ન પડે અને જેને મદદ મળી તેને માટે એ અત્યંત ઉપયોગી અને રાહતભરી મદદ હોય ત્યારે જ તેના ચહેરા પર ખુશી આવે. આપવું એ વધુ મહત્ત્વનું નથી, પરંતુ આપવાને કારણે બન્ને પક્ષે જે હૅપિનેસ આવે છે એ વ્યક્તિના મનને પ્રફુલ્લિત કરે છે. બીજાના ચહેરા પર સ્મિત ફરકાવવામાં નિમિત્ત બનવાથી વ્યક્તિને જે આનંદ અને આત્મસંતોષ થાય છે એ શરીરમાં પૉઝિટિવ વાઇબ્રેશન્સ પેદા કરે છે. આ વાઇબ્રેશન્સ શરીરના પ્રત્યેક કોષને અસર કરે છે. એને કારણે સ્ટ્રેસ ઘટવો, પ્રેશર નૉર્મલ થવું, મન શાંત થવું અને શરીરના કોષોનું આપમેળે હીલ થવું જેવી પ્રક્રિયાઓ થઈ શકે છે.’
આપવા, આપવામાં ફરક છે
ઉદારતાને કારણે ફાયદો થાય છે એવી ગણતરી ન હોવી જોઈએ, પણ શૅરિંગ એ સ્વભાવ હોવો જોઈએ. અંગત ફાયદા માટે કોઈકને કંઈક આપવું એ ઉદારતા નહીં, સ્વાર્થ છે અને એવા સ્વાર્થીપણાથી ફિઝિકલ-મેન્ટલ કોઈ ફાયદા નથી થતા એમ જણાવતાં ડૉ. અમિતાભ કહે છે, ‘તમારે શું આપવું છે એ નહીં, સામેવાળાને શું જોઈએ છે એ સમજીને આપેલું હોય તો જ પૉઝિટિવ વાઇબ્રેશન્સની ચેઇન પેદા થાય. બાકી, મને કામની નથી એવી ચીજો હું જેને જરાય કામની નથી એવી વ્યક્તિને આપી દઉં તો એ વ્યર્થ છે. બીજું, આપતી વખતે સામેવાળી વ્યક્તિના વિકાસને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. કોઈ પરિવારને ક્યારેક રાશન ભરી આપવાની વાત ઠીક છે, પણ સાચું દાન તો એ કહેવાય કે જેમાં એ પરિવારને પોતાનો રોટલો રળતા શીખવવા માટે તમે કંઈક કરો. વિકાસલક્ષી ગિવિંગની આદત કેળવાય તો એનાથી એક આખા સમાજનું સ્વાસ્થ્ય સુધરી શકે છે.’
દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના નિષ્ણાતોએ બે વર્ષ પહેલાં કરેલા અભ્યાસમાં તો ત્યાં સુધી કહેવાયેલું કે ગિવિંગ, શૅરિંગનો નેચર હોય તો વ્યક્તિમાં આપમેળે પ્રોબ્લેમ સૉલ્વિંગ અટિટ્યુડ પણ કેળવાય છે.

હાલના સંજોગોમાં આપવું કેવી રીતે?
મદદ હંમેશાં પૈસાથી જ થઈ શકે છે એવું નથી. તમને કોઈ આર્ટ, ક્રાફ્ટ કે અન્ય કોઈ સ્કિલ આવડતી હોય તો એ પણ તમે શૅર કરો. આવા શૅરિંગથી મનમાં હકારાત્મક વાઇબ્રેશન્સ પેદા થશે જે ડિપ્રેસિવ માહોલથી બચાવશે.
તમારો કિંમતી સમય આપીને, કોઈકનું નાનું-મોટું કામ કરી આપીને પણ તમે મદદ કરી શકો છો.
ધારો કે તમારી રોજિંદી જરૂરિયાતની ચીજ તમારે ખરીદવી છે તો તમે એવી વ્યક્તિ પાસેથી ખરીદો કે જેના વેચાણ દ્વારા તે વ્યક્તિને અંગત રીતે ફાયદો થતો હોય. ઑનલાઇન, મોટા સ્ટોરમાંથી ચીજો લેવાને બદલે ગૃહઉદ્યોગોને સપોર્ટ કરવો એ પર એક પ્રકારની મદદ જ છે.
વારતહેવારે લોકો એકબીજાને ગિફ્ટ આપે છે. એ ગિફ્ટને બદલે તમે લોકોને તેમને પસંદ હોય એવા સામાજિક કાર્યમાં દાન આપવા પ્રેરો.

કેટલું દાન કરો છો એના કરતાં તમે કેવા મોટિવથી દાન આપો છો અને કોને આપો છો એ મહત્ત્વનું છે. ક્યાંક તકતીઓ મૂકવા માટે અપાયેલા દાનથી અહંકાર મોટો થાય, આયુષ્ય નહીં. આપ્યા પછી મેં આટલું આપ્યું, આટલા લોકોને મદદ કરી, આટલા લોકોને એનાથી ફાયદો થયો... જેવી વાતોની જાહેરાતો કરવામાં આવે તો એનાથી સમાજમાં મોભો વધે, સંતોષ નહીં.
- ડૉ. અમિતાભ ઘોષ, સાઇકિયાટ્રિસ્ટ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK