Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે એવા જ થશો, જેવા સાથે તમે રહેશો

તમે એવા જ થશો, જેવા સાથે તમે રહેશો

08 March, 2020 07:15 PM IST | Mumbai Desk
bhavya gandhi | feedbackgmd@mid-day.com

તમે એવા જ થશો, જેવા સાથે તમે રહેશો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેમ ન્યુ યર રેઝોલ્યુશન હોય છે એવી જ રીતે આ વખતે ન્યુ લાઇફ રેઝોલ્યુશન પણ હોય છે અને એ જ દિશામાં આપણે આજે વાત કરવાની છે. આ જે ન્યુ લાઇફ રેઝોલ્યુશન છે એ મેં સદ્ગુરુ જગ્ગીજીના વિડિયોમાંથી મેળવ્યાં છે, જીવનમાં અપનાવવા જેવાં આ જે રેઝોલ્યુશન છે એને જો એક વખત સ્વીકારી લેશો તો એ ખરેખર લાભદાયી બનશે. જગ્ગીજીની એક વાત મને બહુ ગમે છે. તમે એવા જ થશો, જેની સાથે તમે રહેશો. તેમણે તો આ એક ટૉપિક પર બહુ લાંબી વાત કરી છે, પણ આ લાંબી વાતને જો સરળતા સાથે સમજવી હોય તો એટલું જ કે જેમની સાથે રહેવું તેમના જેવા બનવું છે અથવા તો જેમની સાથે રહેવામાં સાર નથી એવા લોકોથી અંતર રાખવું. જો એ વ્યક્તિ તમારે માટે કમ્પલ્ઝન હોય, તમારા બૉસ કે પછી કલીગ હોય અને તમારે તેની સાથે રહેવું જ પડે એમ હોય તો એક ચોક્કસ ડિસ્ટન્સ રાખવું અને ખપ પૂરતી જ વાત કરવી. કરવી જ પડે એમ હોય તો જરૂરિયાત પૂરતી વાત કરવી અને એટલો જ વ્યવહાર રાખવો, કારણ કે તમે એવા જ થશો જેની સાથે તમે રહેશો.

ન્યુ લાઇફ રેઝોલ્યુશનની જે વાત કરતા હતા એમાં એક પૉઇન્ટ આ પણ બને જ છે કે તમારે કેવું બનવું છે અને શું કામ એવું બનવું છે. જો એની સ્પષ્ટતા હશે તો તમારું કામ સરળ થઈ જશે અને તમે એ દિશામાં યોગ્ય રીતે આગળ વધી શકશો. હું જોતો હોઉં છું કે આજે મોટા ભાગના લોકો મશીનની જેમ કામ કરતા હોય છે. કામ શું કરે છે એનો જવાબ તેમની પાસે નથી અને કામ શું કામ કરવું પડે એમ છે એનો જવાબ પણ તેમની પાસે નથી. તેમને એ પણ નથી ખબર કે આ બધું કરવા પાછળનો હેતુ શું છે? કામ છે અને એ કામ કરવાનું વળતર મળે છે એટલે એ કામ કર્યા કરે છે. પૈસા મહત્ત્વના છે, જરા પણ ના નહીં અને ક્યારેય એની ના હોઈ પણ ન શકે. અલ્ટિમેટલી જેકોઈ કામ કરવામાં આવે છે એને ઇકૉનૉમિક્સ સાથે સીધો સંબંધ છે એટલે પૈસાને કે ઇન્કમને ઇગ્નોર જરા પણ નથી કરી શકાતી, પણ એની સાથે એ ઇન્કમ ઉપરાંતનું પણ જે વળતર છે એ વળતર તમને દેખાઈ રહ્યું છે કે નહીં એ પણ જોવું જોઈએ. સજાગ રહેશો તો જ તમને તમારા ગમતા કામની દિશા મળશે અને એવું કરી શકશો તો જ તમારું પૅશન તમારું પ્રોફેશન બનશે. મારા કેટલાક ફ્રેન્ડ્સ ખરેખર પોતાના પૅશનને જ પ્રોફેશન બનાવી શક્યા છે. મને તેમની ઈર્ષ્યા આવે અને થાય પણ ખરું કે એવું જ હોવું જોઈએ. શું કરો છો અને શું કામ કરો છો એ વાત જો એક વખત સમજાઈ ગઈ, ખબર પડી ગઈ તો રસ્તો આપોઆપ બનતો જશે અને રસ્તો મળતો પણ જશે અને જો એવું બન્યું તો એક દિવસ ચોક્કસ મંજિલ કે તમારા ધ્યેય સુધી તમે પહોંચી શકશો, પણ એને માટે મંજિલ શું છે એ ખબર હોવી જરૂરી છે.



‘ક્યોં ડરેં જિંદગી મેં ક્યા હોગા
કુછ ના હોગા તો તજુરબા હોગા...’


જાવેદ અખ્તરની આ વાત પર આવતાં પહેલાં જોઈએ પહેલો પૉઇન્ટ, ન્યુ લાઇફ રેઝોલ્યુશનનો પહેલો પૉઇન્ટ. નેવર સે નો.
ક્યારેય ના નહીં કહેવાની. કોઈ કામ માટે, કોઈ સાહસ માટે કે પછી કોઈ નવી શરૂઆત કરવાની વાત આવે ત્યારે. ના સાથે ક્યારેય આગળ વધી નહીં શકાય અને નકાર સાથે ક્યારેય કશું નવું પામી નહીં શકાય. સોરી ટુ સે પણ સતત ના કહેતાં રહેવાની આદત જો કોઈને હોય તો એ નવી જનરેશન નહીં, પણ અગાઉની જનરેશનને છે. બની શકે કે રિસ્ક લેવાની ક્ષમતા ન હોવાને કારણે કે પછી સિક્યૉર રહેવાની માનસિકતાને કારણે એવું બનતું હશે, પણ એમ છતાં હું કહીશ કે નવી જનરેશન એમાંથી સાવ બાકાત નથી. ના કહેવાની આદત છોડવી જોઈએ. એક વખત એક્સપરિમેન્ટના ભાગરૂપે પણ ના પાડવાનું છોડીને હકારાત્મકતા સાથે નવા કામની, નવી દિશાની અને નવા સંબંધોની શરૂઆત કરો. મજા આવશે. રૂટીન છોડવું એ તમારી આદત બનવી જોઈએ. જો નવું કરવાની તૈયારી રાખશો તો જ નવું તમને મળશે. નવું કંઈ પણ કરવાની તૈયારી નહીં હોવાનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ પણ છે કે મનમાં ડર હોય છે કે આપણે ફેલ જઈશું તો?

ફેલ થવાની તૈયારી હશે તો જ સક્સેસ તમારી પાસે આવવાની તૈયારી કરશે. જાવેદ અખ્તરના શબ્દો યાદ કરી લેવાના : કુછ ના હોગા તો તજુરબા હોગા. લાભમાં તો તમે જ રહેશો.


બીજો મહત્ત્વનો પૉઇન્ટ છે એ પહેલા પૉઇન્ટ સાથે જોડાયેલો છે. જ્યારે પણ કોઈ વાતની હા પાડો ત્યારે જાત પર વિશ્વાસ રાખો. જાત પર ભરોસો નહીં હોય અને માત્ર હાએ હા કરવાની માનસિકતા રાખશો તો કંઈ વળશે નહીં. બહુ સરસ એક ક્વોટેશન વાંચ્યું છે. જીતની શરૂઆત પહેલાં મનથી થતી હોય છે. જો મનથી હારેલા હશો તો કશું વળવાનું નથી, જો મનથી મક્કમ નહીં હો તો પણ કંઈ થવાનું નથી અને મનથી બાજી જીતેલી રાખશો તો કોઈ તમને હરાવી શકવાનું નથી. સેલ્ફ ડાઉટનો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો છે. જાત પર શંકા કરવાને બદલે જાત પર વિશ્વાસ રાખો અને એ પછી પણ શ્રદ્ધા ન આવે તો યાદ કરો કે દરેકે પહેલી શરૂઆત તો કોઈ નાની જગ્યાએથી જ કરી હશે.

હવે આવે છે ત્રીજો અને છેલ્લો પૉઇન્ટ. ક્યારેય આપણાં રૂટ્સને નહીં ભૂલતા. માણસ મોટો બને એમ તેના પગ વધુ ને વધુ જમીન તરફ ખેંચાયેલા રહેવા જોઈએ. સિમ્પલ લૉજિક સમજી લેજો. જેટલું મોટું વૃક્ષ હોય છે એટલાં જ એનાં મૂળિયાં ઊંડાં હોય છે. જેમણે એમ્પાયર બનાવ્યું છે એ ક્યારેય પોતાના મૂળને નથી ભૂલ્યા, તે પોતાનાં રૂટ્સને કાપીને આગળ નથી વધી શક્યા. એ શક્ય જ નથી કે તમે તમારાં રૂટ્સ ભૂલીને આગળ વધી શકો, કારણ કે આગળ વધવા માટે, ઊંચે જવા માટે કે ઉપરની દિશામાં ઊગવા માટે પણ સ્ટ્રૉન્ગ રૂટ્સની જરૂર પડે છે. જે રીતે મોટા થવા માટે ઝાડને મૂળિયાં ઊંડાં ઉતારવાં પડે એવી જ રીતે એક એમ્પાયરને પણ મજબૂત થવા માટે પિલરની જરૂર પડે છે. અહીં એક વાત સમજી લેજો કે રૂટ્સ એટલે સંસ્કાર, સંસ્કારને ક્યારેય ભૂલવા નહીં. મોટા થવા માટે નૉન-વેજ ખાવું જરૂર નથી, મોટા થવા માટે આલ્કોહૉલ લેવું કે સિગારેટ અને બીજાં વ્યસન જરૂરી નથી. જરા પણ માનતા નહીં કે હવે એવી બધી જગ્યાએ ખરાબ લાગે એટલે એવી આદતો પાડવી પડે. ના, જરા પણ નહીં. તમે બધા કરી શકો, પણ ક્યારેય આત્મસન્માન વેચીને કામ નહીં કરી શકો અને કરવું પણ ન જોઈએ. જો આત્મસન્માન વેચી શકાતું હોત, જો એનાથી શ્રીમંત બની શકાતું હોત તો એ આપણે પણ બધું ભૂલીને ડ્રગ્સ વેચતા હોત અને મેક્સિકો સેટલ થયા હોત કે કોલમ્બિયામાં જવાના રસ્તા શોધીને અફીણની ખેતી કરવાનાં સપનાં જોતા થઈ ગયા હોત. આપણે એ નથી કરતા અને એનું કારણ છે; આપણાં રૂટ્સ, આપણાં મૂળ, આપણા‍ સંસ્કાર. આ ત્રણ મુદ્દા મહત્ત્વના છે, બહુ મહત્ત્વના. એને ફૉલો કરજો અને સ્ટ્રિક્ટલી પાળવાની કોશિશ કરજો. લાઇફને ખરેખર નવો રંગ મળશે, નવી શરૂઆત થશે.

એક બીજી પણ વાત તમને કહેવાની છે. ભાગવાનું બંધ કરો અને જર્નીનો આનંદ લો. જો જર્ની માણી નહીં શકો તો સફરનો આનંદ ક્યારેય નહીં મળે અને સફર માણવી હશે તો એનો આનંદ લેવો પડશે. આરામથી આગળ વધો અને નિષ્ફળતાને પણ માણો. જો નિષ્ફળતાને માણી શકવાના હશો તો અને તો જ સફળતાને માણવાની તક મળશે. મોટા ભાગના કિસ્સામાં બને છે એવું કે આપણે ભાગતા રહીએ છીએ અને ભાગવાની પ્રક્રિયા પણ એકશ્વાસે કરીએ છીએ. જો તમને એવું લાગતું હોય કે ભાગવું એ જીવન છે તો ના, ભાગવું એ જીવન નથી, માણવું એ જીવન છે. કામ કરો, મજા આવે એવી વ્યક્તિ સાથે કામ કરો અને આનંદ આવે એવી પ્રક્રિયા કરો. આ ત્રણ મુખ્ય હેતુ હોવા જોઈએ. જો આ હેતુને પાર પાડી શક્યા, આ હેતુ મુજબ રહી શક્યા તો અને તો અને તો જ લાઇફ ચેન્જ થશે અને લાઇફ ચેન્જ થશે તો સુખની સાચી વ્યાખ્યા સમજાશે.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 07:15 PM IST | Mumbai Desk | bhavya gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK