Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે નવા વર્ષનું તો કર્યું હશે, નવા દાયકા માટે શું રેઝોલ્યુશન કર્યું છે?

તમે નવા વર્ષનું તો કર્યું હશે, નવા દાયકા માટે શું રેઝોલ્યુશન કર્યું છે?

06 January, 2020 05:50 PM IST | Mumbai Desk
falguni jadiya bhatt

તમે નવા વર્ષનું તો કર્યું હશે, નવા દાયકા માટે શું રેઝોલ્યુશન કર્યું છે?

તમે નવા વર્ષનું તો કર્યું હશે, નવા દાયકા માટે શું રેઝોલ્યુશન કર્યું છે?


હાલ ફક્ત ભારત જ નહીં, દુનિયાના અનેક મોટા દેશો દુર્ગમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવું હશે તો પોતાના અંગત નાના-મોટા સ્વાર્થથી ઉપર ઊઠીને હવે સમાજના તથા દેશના હિતનો વિચાર કરવો પડશે. તો આવો, આ નવા દાયકાની શરૂઆતમાં એક જવાબદાર નાગરિક બનવાનું રેઝોલ્યુશન લઈએ અને વ્યક્તિગત સ્તરથી માંડીને સામાજિક ધોરણ સુધી દેશના વિકાસ માટે નક્કર પ્રયત્ન કરીએ

તાજેતરમાં નાતાલની રજાઓ દરમ્યાન બહારગામ ફરવા જવાનું થયું. વિચાર તો હતો કે ટ્રેનના પ્રવાસ દરમ્યાન પરિવારજનો સાથે ગપ્પાં મારતાં-મારતાં મજામસ્તી કરતા જઈશું, પરંતુ ટ્રેનની અસાધારણ ગિરદીએ બધા ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું. ૬ માણસોની જગ્યામાં ૮ માણસો બેઠા હતા, આરએસી (રિઝર્વેશન અગેઇન્સ્ટ કૅન્સલેશન)વાળી સીટ પર બેના સ્થાને ચાર જણ ઠાંસોઠાંસ ભરેલા હતા. અરે, કેટલાંક સ્થાનો પર તો એક બર્થ પર બે-બે જણ સૂતા હતા. આખા ડબ્બામાં રેલવેના કર્મચારીઓ સાથે છેલ્લી ઘડીએ પ્રવાસીઓએ પાડેલો બે નંબરનો મેળ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.
આ દૃશ્ય જોતાં વિચાર આવ્યો કે ૨૦૨૦ની શરૂઆત સાથે આપણે નવા દાયકામાં પ્રવેશ કરી તો રહ્યા છીએ, પરંતુ શું આપણી માનસિકતા તથા વાણી, વર્તન અને વિચારોમાં હજી પણ કોઈ ફરક આવ્યો છે ખરો? અત્યારે સેકન્ડરી સ્કૂલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ આ નવો દસકો પૂરો થશે ત્યાં સુધીમાં કૉલેજો પૂરી કરી પોતાના રોજગાર માટે દેશની જૉબ-માર્કેટમાં કદમ મૂકશે. બે વર્ષ બાદ આ જ દાયકામાં ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થશે, પરંતુ એક વિકાસશીલમાંથી વિકસિત દેશ તરફ આગળ વધી રહેલા ભારતના નાગરિક તરીકે આપણામાં કોઈ પરિવર્તન આવ્યું છે ખરું? વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવતાં-ચલાવતાં બેવડ વળી ગયા અને તેમના અથાક પ્રયત્નોનાં પરિણામો કેટલાક અંશે શહેરોથી માંડી ગામડાંઓ સુધી ઠેર-ઠેર જોઈ પણ શકાય છે, પરંતુ દેશના નાગરિકો તરીકે આપણા મનમાં રહેલી ગંદકી આજેય યથાવત્ છે. આજેય આપણે નિયમોનું ઉલ્લંઘન કરવામાં, કાયદા-કાનૂનની આંટીઘૂંટીનો ગેરલાભ ઉઠાવવામાં તથા પૈસા આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાને પોતાનું શાણપણ ગણાવવામાંથી વાજ નથી આવતા.
આમેય આ નવા દાયકામાં ભારતની એન્ટ્રી જોઈએ એવા ઉત્સાહ સાથે થઈ નથી. એક તરફ આર્થિક મંદીને પગલે દેશમાં રોજગાર અને વિકાસની તકોની ગંભીર સમસ્યા છે, તો બીજી તરફ દેશઆખામાં સીએએનો વિરોધ હજી પણ પૂર્ણતઃ શમ્યો નથી. દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બીજેપી વિધાનસભાની ચૂંટણીમાં અનેક સ્થાને ધોબીપછાડ ખાઈ રહ્યો છે. પાકિસ્તાન તથા ચીન સાથેના આપણા સંબંધો ઉપરથી ભલે શાંત દેખાતા હોય, પરંતુ અંદરખાને એમાં અનેક બાબતોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વર્તાઈ રહી છે. ૨૦૨૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બનાવવાના મોદીના સ્વપ્નને વધુ ને વધુ લોકો અવાસ્તવિક માની રહ્યા છે. એક સંયુક્ત પ્રયત્નના સ્થાને દેશમાં રાજનૈતિક વાતાવરણ ખેંચતાણ તથા સંઘર્ષનું દેખાઈ રહ્યું છે. એકાદ-બે નેતાઓને બાદ કરતાં નવા દાયકા માટે દૂરદૃષ્ટિ તો ઠીક કોઈ નક્કર વિધાન પણ આપણા કોઈ નેતા પાસેથી સાંભળવા મળી રહ્યું નથી.
પોતપોતાના જીવનના કૂવામાં કૂપમંડૂકની જેમ ભરાઈને બેઠેલા આપણે જરા પોતાના કોચલામાંથી ડોકિયું બહાર કાઢીને જોઈએ તો ચારે બાજુ હાહાકાર મચી ગયો હોવાની લાગણી થયા વિના રહે નહીં. વિશ્વના અન્ય દેશોની પરિસ્થિતિ પણ એટલી જ ખરાબ છે. ચીનની ધમધોકાર આર્થિક તેજીનો દોર શાંત થઈ રહ્યો છે. અમેરિકા ડોનલ્ડ ટ્રમ્પને ફરી ચૂંટવા કે નહીં એની ગડમથલમાં છે. યુરોપનો નકશો આ મહિનો પૂરો થતાં સુધીમાં બ્રેક્ઝિટ બાદ બદલાઈ જશે. જર્મની મંદીમાં સરી પડવાની અણી પર ઊભું છે. મધ્ય-પૂર્વ તથા અખાતના દેશોમાં અવારનવાર છમકલાં થઈ રહ્યાં છે. આ સાથે વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવી રહેલા ગ્લોબલ વૉર્મિંગનાં ગંભીર પરિણામો પર્યાવરણની ઊથલપાથલના સ્વરૂપે સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક બાજુ આ વર્ષે થયેલી અતિવર્ષાને પગલે વધી ગયેલા કાંદાના ભાવે લોકોની આંખમાં પાણી લાવી દીધાં છે તો બીજી બાજુ ૨૦૩૦ સુધીમાં એ જ પાણીની અછત દિલ્હી જેવાં શહેરોને ડ્રાય સિટીમાં ફેરવી દેવાની આશંકા પણ સેવાઈ રહી છે. ચારે બાજુ શું ચાલી રહ્યું છે એ એક સામાન્ય માણસની સમજની બહાર છે, પરંતુ એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે વર્લ્ડ ઈઝ ફાર ફ્રૉમ અ બેટર પ્લેસ ઍટ ધિસ પૉઇન્ટ.
તમને પ્રશ્ન થશે કે આ કટારમાં સામાન્ય રીતે આપણે માનવીય સંવેદનાને લગતા વિષયોની વાતો કરતા હોઈએ છીએ તો આજે આ શું ચર્ચા ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં આ ચર્ચા આપણી સંવેદના સાથે જ જોડાયેલી છે. જરા ધ્યાનથી આસપાસ નજર કરીએ તો આજે અસુરક્ષિતતા તથા ભવિષ્યની ચિંતા અનુભવતા લોકોની સંખ્યા વધી ગઈ છે. ભારતમાં દર ચારમાંથી એક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારના ડિપ્રેશન તથા હાઇપર ટેન્શનનો શિકાર છે. દુર્ભાગ્યે આજની તારીખે ભારતના કોઈ પણ નેતા ભારતની પ્રજાને વધુ ખુશાલ કે તાણમુક્ત બનાવવા વિશે વાત કરતો નથી. હકીકત એ છે કે આગામી દાયકામાં દેશની અનેક પેઢીઓનું ભવિષ્ય આપણે જ બનાવવાના કે બગાડવાના છીએ. આ દાયકામાં ભારતને તથા ભારતના દરેક નાગરિકને સફળ બનાવવાની જવાબદારી પણ આપણી જ છે. આપણે સમાજ પાસે, નેતાઓ પાસે, રાજકીય પાર્ટીઓ પાસે કઈ બાબતોની અપેક્ષા રાખીશું એના પર દેશનું, તમારા પરિવારનું તથા તમારા સંતાનનું ભવિષ્ય નિર્ભર છે. જો આ દાયકામાં ભારત શિક્ષણ વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ, રોજગારી, સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પબ્લિક હેલ્થ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઈઝ ઑફ લિવિંગ, ઈઝ ઑફ બિઝનેસ વગેરે જેવી બાબતોમાં નક્કર વિકાસ નહીં કરે તો આ જ એ દાયકો છે, જે ભારતને રિવર્સ ગિયરમાં મૂકી શકે છે.
૧૩૦ કરોડની આબાદી ધરાવતા ભારતને (જેની મહત્તમ આબાદી યુવાન છે) આ ક્ષણે પોતાની ગાડી રિવર્સમાં મૂકવાનું પોસાય એવું નથી, પરંતુ એવું ન થાય એની તકેદારી રાખવાની જવાબદારી ફક્ત પ્રશાસન પર છોડી દેવાથી પણ કામ પતી જતું નથી. થોડી પરિપક્વતા આપણે બધાએ દાખવવી પડશે. પોતાના અધિકારો સાથે પોતાની ફરજો પણ બજાવવી પડશે. નાની-મોટી ટૅક્સચોરી, નિયમો તોડવા, ટેબલ નીચેથી લાંચ આપી પોતાનું કામ પતાવી દેવા જેવી બાબતો ભારતીયોની ખૂબી મનાય છે. લોકો પણ પોતાની આ ગેરવર્તણૂકને પોતાની સ્માર્ટનેસ ગણતા હોય છે, પરંતુ પોતાની બુદ્ધિપ્રતિભાનો ઉપયોગ આવા ખોટાં કામોમાં કરવાને બદલે સાચા અર્થમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું પડશે અને ફક્ત દેશના રસ્તા જ નહીં, પરંતુ આપણા અભિગમમાં રહેલી ગંદકીને પણ દૂર કરવાનો સજાગ પ્રયત્ન કરવો પડશે. દરેક વ્યક્તિ, સમાજ, કંપની, રાજ્ય કે દેશના જીવનમાં એક દાયકો એવો આવતો હોય છે, જે સૌથી પ્રોડક્ટિવ તથા પૉઝિટિવ પુરવાર થતો હોય છે. ભારત માટે આ દાયકો એવો બનાવવો એ હવે માત્ર મહત્ત્વાકાંક્ષા જ નહીં, આવશ્યક્તા બની ગઈ છે અને આ જરૂરિયાતને આપણે સમાજના સભ્ય તરીકે, દેશના નાગરિક તરીકે કેવો પ્રતિભાવ આપીએ છીએ એના પર આપણી પેઢી, આવનારી પેઢી, દેશનું ભવિષ્ય તથા આપણા પોતાના ભવિષ્યનો દારોમદાર રહેલો છે.
તો આવો, આ નવા વર્ષે તથા નવા દાયકાએ પોતાનું વજન ઘટાડવું, સ્વાસ્થ્ય સુધારવું, વધુ પૈસા કમાવાની સાથે એક સભ્ય સમાજના સદસ્ય તરીકે તથા દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે શું શું કરવાની જરૂર છે અને એ માટે આપણે વ્યક્તિગત ધોરણે તથા સામાજિક ધોરણે શું શું કરી શકીએ એનો ઊંડાણપૂર્વક વિચાર કરીએ તથા આખો દાયકો એને વળગી રહીએ. જો પ્રત્યેક વ્યક્તિ પોતાના તરફથી સમાજને તથા દેશને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે તો આવનારું ભવિષ્ય આપણું જ છે, આપણું જ છે અને આપણું જ છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:50 PM IST | Mumbai Desk | falguni jadiya bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK