ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ તમને પણ છે

Published: 22nd November, 2020 21:03 IST | Kana Bantwa | Mumbai

માણીને પસ્તાવું કે ન માણીને પસ્તાવું? સુખ જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે કોઈને ગમતું નથી

કાશ...! : સીધાસાદા રહેનારને ‘ક્વીન’ની કંગનાની જેમ સરળ રહ્યાનો વસવસો હોય છે અને બિન્દાસ જીવનારને સીધાસાદા નહીં રહ્યાનો.
કાશ...! : સીધાસાદા રહેનારને ‘ક્વીન’ની કંગનાની જેમ સરળ રહ્યાનો વસવસો હોય છે અને બિન્દાસ જીવનારને સીધાસાદા નહીં રહ્યાનો.

ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ. નામ નવું લાગશે આ સિન્ડ્રૉમનું, પણ મોટા ભાગના લોકો એનાથી પીડાય છે. ‘ક્વીન’ ફિલ્મની કંગના રનોટ તેના મંગેતર દ્વારા ડમ્પ થયા પછી એકલી હનીમૂન પર જાય છે અને ત્યાં એક બારમાં દારૂ પીને છાકટી બનીને કહે છે, ‘અમારી કૉલેજની સામેની કૉન્વેન્ટ સ્કૂલની છોકરીઓ આવડા ટૂંકાં સ્કર્ટ ફોલ્ડ કરી-કરીને, ફોલ્ડ કરી-કરીને પહેરતી. મેં આવું કશું જ ન કર્યું. બધાની કહ્યાગરી બનીને રહી. મા-બાપે જેમ કહ્યું એમ કર્યું. વિજયે જેમ કહ્યું એમ કર્યું. અમારા એક ગુપ્તા અંકલ હતા, તેમણે જિંદગીમાં ક્યારેય સિગારેટ નહોતી પીધી કે તેમણે ક્યારેય દારૂ નહોતો પીધો છતાં ગુપ્તા અંકલને કૅન્સર થયું.’ 
કંગનાનો કહેવાનો મતલબ એ હતો કે કશું ન ભોગવીને પણ જો દુખી જ થવાનું હોય તો શા માટે મોજમજા અને જલસા કરી ન લેવા? આ પ્રશ્ન માત્ર ‘ક્વીન’ની નાયિકાનો જ નથી, આખા જગતનો છે. મોટા ભાગના લોકોને આ ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ સતાવે છે. જે મહાપુરુષો છે તે વિરક્ત લોકોની અહીં વાત નથી કરતો, તેમની વાત ન થાય. વાત અહીં સામાન્યજનોની, અદના માનવીની થાય છે, જે આ ક્રૂર દુનિયામાં જીવે છે, જીવવું પડે છે. એ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર વગેરે વૃત્તિઓથી મુક્ત નથી, એ બિચારો આ બધાની વચ્ચે અટવાયેલો છે એની વાત થાય છે. એ પૃથક્ જન સાચું બોલી દે છે, પોતાને જેવો છે એવો સ્વીકારી લે છે, મનની મૂંઝવણ કહી દે છે. પેલા મહાપુરુષો આવું સ્વીકારી નથી શકતા કે તેમને પણ ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ પીડે છે. હકીકતમાં તો તેમને વધુ પીડે છે, પણ ‘બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ’ એ ન્યાયે તેમનાથી કહેવાતું નથી કે બહુ ખૂંચે છે.
  જે ભોગવતા નથી, જલસા નથી કરતા, કન્ટ્રોલ કરતા રહે છે,  સ્વસંયમ રાખે છે તેમને ક્યારેક ને ક્યારેક તો મનમાં થાય જ છે કે આપણે આ બધું ન કર્યું એનો કાંઈ એવડો મોટો ફાયદો ન થયો. આના કરતાં તો માણી લીધું હોત મન ભરીને તો અત્યારે અફસોસ ન થાત. એવું પણ નથી કે જે માણી લે છે, જે જાત પર સંયમ રાખવાને બદલે મોજ કરી લે છે તેમની પીડા અલગ પ્રકારની હોય છે. જિંદગીઆખી સિગારેટ પીધા પછી એમ થાય કે આ ન પીધી હોત તો શરીર વધું સારું હોત. વ્યસનો, બદીઓ, ન કરવાનાં કર્મો કરનારને પણ પીડા હોય છે એટલે તેમને સુખી માની લેવા નહીં. ચાર્વાક સહિતના કેટલાય ભૌતિકવાદીઓએ જલસા કરી લેવાની શિખામણ આપી છે. ‘યાવત્ જીવેત સુખમ્ જીવેત્ ઋણં કૃત્વા ધૃતં પિબેત્. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ્ કુત:’ ચાર્વાકનાં આ વાક્યો પ્રમાણે જીવનારા અસંખ્ય છે. અત્યારે મોટા ભાગના લોકો આ જ સિદ્ધાંત મુજબ જીવે છે. ‘જ્યાં સુધી જીવો સુખથી જીવો, દેવું કરીને પણ ઘી પીઓ, આ નશ્વર દેહનું પુનરાગમન અસંભવ છે...’ જોકે મહત્ત્વની વાત એ છે કે મોટા ભાગના લોકો આ પ્રમાણે જીવતા હોવા છતાં તેમને ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ પણ પીડે છે. આ જ વિટંબણા છે, આ જ તો સાચી સમસ્યા છે, આ જ તો કોયડો છે, પેરાડૉક્સ છે.
  અહીં જ ખરો કૅચ છે, ડિયર રીડર. ગોથું અહીં જ ખાઈ જાય છે બધા. બે ભાગ પાડી નાખવામાં આવે છે, ભોગવનારાઓ અને નહીં ભોગવનારાઓના. વહેંચણીની આ શરૂઆત જ ખોટી છે એટલે આખો દાખલો જ ખોટો ગણી કાઢે છે તેઓ. વાસ્તવમાં આવા બે સ્પષ્ટ ભાગ પાડી શકાય એમ જ નથી. આવા વર્ગ અસ્તિત્વ ધરાવતા જ નથી. એક જ માણસ કેટલુંક ત્યાગે છે, કેટલુંક ભોગવે છે. સંપૂર્ણ ત્યાગ કરનાર આ જગતમાં સંભવ નથી. ત્યાગી પણ જીવનનિર્વાહ કરે છે, હરે છે, ફરે છે, ખાય છે, પીએ છે, ઓઢે છે, પહેરે છે. એ પણ ભોગવે છે અને... ખરું પૂછો તો ત્યાગ મનથી કરવાનો હોય છે, વસ્તુઓથી નહીં. એટલે આ વિભાજન જ ખોટું છે અને એટલે જ ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ દરેકને ક્યારેક તો પજવી જ જાય છે. સીધાસાદા રહેનારને ‘ક્વીન’ની કંગનાની જેમ સરળ રહ્યાનો વસવસો હોય છે અને બિન્દાસ જીવનારને સીધાસાદા નહીં રહ્યાનો. તેમને મન તો સીધાસાદા હોવું, સંયમ રાખવો એ પણ વૈભવ જ છે. તેમને લાગે છે કે સીધા રહેવાનું સુખ અમે ગુમાવ્યું. સુખની સમસ્યા જ આ છે. એ જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે કોઈને ગમતું નથી. સુખ જે રૂપે મળે એ તરત જ નકામું થઈ જાય. સામાન્ય બની જાય. ન મળેલું સુખ જ સુખ છે, જે મળે છે એ સુખ રહેતું નથી.
  ગુપ્તા અંકલ સિન્ડ્રૉમની ખાસિયત જ એ છે કે એ અવાસ્તવિકનો, જે બન્યું જ નથી એનો અફસોસ કરાવે છે. જેને ત્યાં પુત્ર હોય છે તેને દીકરી નહીં હોવાનો અભાવ સતાવે છે અને જેને ત્યાં દીકરી હોય તેને પુત્ર નહીં હોવાની અધુરપ રહે છે. ગરીબને પૈસા નહીં હોવાનું દુ:ખ પીડે છે, શ્રીમંતને ગરીબની શાંતિની અદેખાઈ આવે છે. ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ એટલે અફસોસ. તો ખરેખર ભોગવી લેવું જોઈએ કે ન ભોગવવું જોઈએ? વધુ સ્પષ્ટ રીતે પૂછીએ તો માણીને પસ્તાવું કે ન માણીને પસ્તાવું? મોટા ભાગના લોકો કહેશે કે માણીને પસ્તાવું. સામાન્ય મત આવો જ હોય. અને આજના જગતમાં આ મત હોવો એ કશું ખોટું પણ નથી. અગાઉ જે ચાર્વાકનો ઉલ્લેખ કર્યો છે તે ચાર્વાક આજના વિજ્ઞાનવાદીઓનો પરદાદો હતો. તેમનો આદિપુરુષ હતો. તેનો મત લોકાયત મત કહેવાનો. લોકાયત અર્થાત્ લોકોનો મત. એનો મતલબ એવો કે એ સમયે પણ સામાન્ય લોકો ચાર્વાક જેવો મત ધરાવતા હશે, પણ એ જાહેર નહીં કરતા હોય. ચાર્વાકની પહેલાં પણ લોકાયત મત - નિરીશ્વરવાદી મત હતો. બૃહસ્પતિએ લોકાયત મત શરૂ કર્યો એમ કહેવાય છે. આ એ બૃહસ્પતિ દેવોના ગુરુ જ કે બીજા કોઈ એ બાબતે પણ વિદ્વાનોમાં મૂંઝવણ છે. ચાર્વાકની હયાતીમાં તો એનું દર્શન એટલું પ્રભાવી બની શક્યું નહીં, પણ અત્યારે એ સૌથી વધુ પ્રભાવી છે, પ્રવર્તમાન છે. આજનું વિજ્ઞાન જે માને છે તે વાતો ચાર્વાકે ત્યારે કહી હતી. જીવની ઉત્પત્તિ પૃથ્વી, જળ અને વાયુના સંયોગથી થઈ છે, આત્મા કે પુન:જન્મ જેવું કંઈ છે જ નહીં એવું તે કહી ગયો હતો અને એટલે જ, વેદોનો પ્રખર વિરોધી હોવા છતાં ઈશ્વરનો ઇનકાર કરનાર હોવા છતાં ધાર્મિક પરંપરાઓને નહીં માનનાર હોવા છતાં ભારતીય દર્શને તેમને ઋષિ કહ્યા છે અને પોતાના એક ભાગ તરીકે સમાવ્યા છે.
  ભલે આખી દુનિયાના મોટા ભાગના લોકો ચાર્વાકની જેમ માનતા હોય કે માણી શકાય એટલું માણી લેવું, ભોગવી શકાય એટલું ભોગવી લેવું, પણ આ વલણ ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. ગમે તેટલું માણો, અધૂરું જ રહે છે. ગમે એટલું મળે, ઓછું જ રહે છે. યયાતિએ હજાર વર્ષ વિષયભોગ ભોગવ્યા છતાં તેને તૃપ્તિ નહોતી થઈ. કોઈને નથી થતી. થઈ શકે પણ નહીં. કારણ બહુ સાદું છે, પણ આચરણમાં મૂકવું અત્યંત દુષ્કર છે. સંતોષ ભોગવવાથી નથી મળતો. સંતોષ મળે છે પૂર્ણતાથી અનુભવ કરવાથી, પૂર્ણતાથી પામવાથી. શ્રીકૃષ્ણ દ્રૌપદીએ ધરેલી થાળીમાંના એક પાંદડાથી તૃપ્ત થઈ ગયા હતા અને દુર્વાસા વગેરે ઋષિઓનાં પેટ પણ ભરાઈ ગયાં એ તો રૂપક માત્ર છે. એનો ગહન બોધ એ છે કે એક પાંદડું પણ પરમ તૃપ્તિ આપી શકે, જો એની પૂર્ણતાને પામી શકો તો. અહીં જે મળ્યું છે તેને ગમે તેમ કરીને સ્વીકારી લેવાની વાત નથી, એ ભૂલ ન કરશો. અસંતોષ જ સઘળી સમૃદ્ધિનું કારણ છે. ક્યારેક બહુ જ કનિષ્ઠ માણસના મોઢામાંથી બ્રહ્મવાક્ય નીકળી જતું હોય એમ મહાભારતમાં દુર્યોધનના મોઢામાં વાક્ય મુકાયું છે, ‘અસંતોષ જ લક્ષ્મીનું મૂળ છે’ એટલે તૃપ્તિને આવા સંતોષ તરીકે ન લેતાં જે છે એને પૂર્ણતાથી માણો, ત્યાગો નહીં, પામો. છોડીને દુખી થવાનો કોઈ અર્થ નથી જ. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ નિરૂપેલો પેલો અનાસક્ત પુરુષ છે જે બધું જ ભોગવવા છતાં અલિપ્ત રહે છે. માણો પણ તેના બંધનમાં બંધાઓ નહીં. તમે પણ ક્યારેક ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ ફીલ કર્યું હશે. સ્વાભાવિક છે, દરેકને અનુભવાય છે આ સિન્ડ્રૉમ. પણ હવે આ વિચાર આવે ત્યારે વિચારજો કે તમે ભોગવ્યું પણ કેટલું બધું છે અને હજી જિંદગીમાં કેટલુંય ભોગવવાનું બાકી છે. બસ, એને પૂર્ણતાથી માણજો. એમાં બંધાતા નહીં, તો તમારો વિજય છે, ગુપ્તા અંકલ સિન્ડ્રૉમ પર.

 જે ભોગવતા નથી, જલસા નથી કરતા, કન્ટ્રોલ કરતા રહે છે,  સ્વસંયમ રાખે છે તેમને ક્યારેક ને ક્યારેક તો મનમાં થાય જ છે કે આપણે આ બધું ન કર્યું એનો કાંઈ એવડો મોટો ફાયદો ન થયો. આના કરતાં તો માણી લીધું હોત મન ભરીને તો અત્યારે અફસોસ ન થાત. એવું પણ નથી કે જે માણી લે છે, જે જાત પર સંયમ રાખવાને બદલે મોજ કરી લે છે તેમની પીડા અલગ પ્રકારની હોય છે. જિંદગી આખી સિગારેટ પીધા પછી એમ થાય કે આ ન પીધી હોત તો શરીર વધું સારું હોત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK