Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રચાઈ રહેલા ઇતિહાસને જીવી રહ્યા છો તમે

રચાઈ રહેલા ઇતિહાસને જીવી રહ્યા છો તમે

10 May, 2020 09:50 PM IST | Mumbai Desk
Kana Bantwa

રચાઈ રહેલા ઇતિહાસને જીવી રહ્યા છો તમે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


પડ્યા પછી ઊભા થઈ જવાની તાકાતને લીધે જ મનુષ્ય આ પૃથ્વી પર રાજ કરી રહ્યો છે. માણસ પરાજયને પચાવી જાણે છે. પરાજયથી ડરી જતો નથી, તૂટી જતો નથી, ભાગી જતો નથી. સર્કસમાં સિંહને તારીન કરવા માટે ઇલેક્ટ્રિક કરન્ટવાળી ચાબુક એને સતત અડાડતા રહેવું પડે છે. સિંહના મનમાં ચાબુકનો ડર બરાબર બેસી જાય ત્યાં સુધી એને ફટકારતા રહેવામાં આવે છે અને પછી કરન્ટ વિનાની ચાબુકથી પણ સિંહ ડરવા માંડે છે. પછી સિંહ જિંદગીભર ચાબુકથી બીતો જ રહે છે. પછી એ ક્યારેય ચાબુક સામે થવાનો પ્રયત્ન જ નથી કરતો. જોકે માણસ ડર પર કાબૂ મેળવતાં શીખ્યો છે. માણસ પરાજયને ભૂલતાં શીખ્યો છે. હારમાંથી બોધપાઠ લેતાં શીખ્યો છે એટલે જ માનવજાતે અસંખ્ય પરાજય સામે અગણિત વિજય મેળવ્યા છે. કોરોના સામે પણ જીતશે માનવજાત, કારણ કે માનવ પરાજયથી પલાયન નથી કરતો. ધૂળમાં મળી ગયા પછી પણ તે ઊભો થાય છે. સમુદ્રને સૂકવવા સંભવ છે, પર્વતોને ઉખેડવા શક્ય છે, કિલ્લાઓને ધ્વસ્ત કરવા સંભવ છે, પણ માણસજાતના મનોબળને તોડવું મુશ્કેલ છે. અસંભવ સામેનો સંઘર્ષ માણસના લોહીમાં વણાઈ ગયો છે અને એ માણસની આદત બની ગયો છે. અસંભવને પડકારવાની કુવ્વત માનસમાં દૃઢ થઈ ગઈ છે. જેકાંઈ અસંભવ હોય એને લલકારવાનું માણસજાતને શૂરાતન ચડે છે. પાંખ નહોતી એટલે ઊડવું અસંભવ હતું, માણસે સદીઓ મહેનત કરી ઊડવા માટે અને અંતે વિમાન બનાવી લીધું. એવરેસ્ટ ચડવો અસંભવ હતો ત્યાં સુધી માણસ મથતો રહ્યો, જીવ દેતો રહ્યો, બરફમાં દટાતો રહ્યો, પણ અંતે ટોચ પર પહોંચ્યો ખરો. સમુદ્ર પાર કરતાં કંઈકેટલાયે ડૂબી મર્યા, કંઈક વહાણોએ જળસમાધિ લીધી પણ માણસ સમુદ્રને વટાવી ગયો. પોતાની દોડવાની ઝડપ માર્યાદિત હતી એટલે ઘોડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ કર્યો અને વખત જતાં વાહનો બનાવી લીધાં. અમુક અંતરથી વધુ દૂરનું સાંભળી ન શકાય એ માણસની મર્યાદા હતી, ટેલિફોન બનાવી લીધો. દૂરનું જોવું અસંભવ હતું એની સામે વિજય મેળવવા ટીવી બનાવ્યું. એક દિવસ ચંદ્ર પર પહોંચવું અસંભવ હતું એટલે એને માટે મથતો રહ્યો અને આખરે પહોંચી ગયો. આ જગતમાં માનવસર્જિત જેકાંઈ પણ દેખાય છે એ માણસે લડીને બનાવ્યું છે, મેળવ્યું છે.

કોરોના સામે દુનિયાના દેશો નથી લડી રહ્યા, માનવજાત લડી રહી છે, સંપૂર્ણ માનવજાત. આ લડાઈ મેડિકલ સાયન્સ વિરુદ્ધ બીમારીની નથી. આ લડાઈ માનવજાત વિરુદ્ધ પ્રકૃતિની છે. આ લડાઈ કોઈ એક રાષ્ટ્ર કે કોઈ એક જાતિ કે કોઈ એક લશ્કર કે કોઈ એક વિભાગ કે કોઈ એક ટુકડી કે કોઈ એક વિદ્યાશાખા નથી લડી રહી. આ લડાઈ એક-એક માણસ લડી રહ્યો છે. દરેક વ્યક્તિ આજે લડી રહ્યો છે, ભલે ઘરમાં બેઠો હોય કે હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો હોય. પોલીસ હોય કે કાછિયો હોય, બધા લડી રહ્યા છે. ઘરમાં બેસી રહેનારનું યોગદાન ઓછું નથી, સૌથી મોટું છે. નાગરિકો ઘરમાં ન બેઠા હોત તો કોરોના-સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા બહુ મોટી હોત, અમેરિકાની જેમ.
જે લડી નથી રહ્યા તેઓ પણ લડી રહ્યા છે એવું યુદ્ધ આ જગતના ઇતિહાસમાં પ્રથમ વખત લડાઈ રહ્યું છે. ઘરમાં બેઠેલા પણ લડે અને ફ્રન્ટલાઇન પર ઊભેલા પણ લડે. આ એવું પ્રથમ યુદ્ધ છે જેમાં બચાવ સૌથી મોટો પ્રતિકાર છે. બચાવ જ હુમલો છે. આ એવંા યુદ્ધ છે જેમાં એકઠા થવાને બદલે દૂર રહેવાનું છે. બહુ જ અદ્ભુત લડાઈ છે અને આપણે એક ઇતિહાસ જીવી રહ્યા છીએ. પૃથ્વીના ઇતિહાસમાંથી ક્યારેય નહીં ભૂંસાનારી ઘટનાને આપણે સદેહે જીવી રહ્યા છીએ. આપણી પેઢી માટે કોરોનાની ઘટના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે. પૃથ્વી પર ઘટનાઓ બહુ ઝડપથી ઘટી રહી છે. માનવજાતે જેટલી ઝડપ પકડી છે એટલી જ ઝડપથી હવે સૃષ્ટિમાં બનાવ બની રહ્યા છે. અગાઉ દુર્ઘટનાઓ, કુદરતી આપત્તિઓ સદીઓમાં એકાદ આવતી. સુનામી એકાદ આવતી. મહામારી એક સદીમાં એકાદ આવતી. ઘટનાઓની વચ્ચે સદીઓ કે દાયકાઓનું અંતર રહેતું. ધીમે-ધીમે બહુ જ સમયના અંતરાલ પછી ઘટનાઓ ઘટતી. હવેના સમયમાં ઘટનાઓ બહુ ઓછા સમયમાં ઘટે છે. આપણી જ પેઢીએ સુનામી જોઈ. આપણી પેઢીએ વિશ્વયુદ્ધ જોયાં. આપણી પેઢીએ મહાસંહાર જોયો. આપણી પેઢીએ મહાવિનાશક ભૂકંપ જોયા. આપણી પેઢીએ સૌથી તારાજી ફેલાવનાર પૂર જોયાં, અતિવૃષ્ટિ જોઈ, અનાવૃષ્ટિ જોઈ. આપણી પેઢીએ માણસને ચંદ્ર પર જતો જોયો અને આપણી જ પેઢીએ કોરોના પણ જોયો. અત્યાર સુધીની કોઈ પેઢીએ આટલુંબધું એકસાથે જોયું નથી. ઘણી પેઢીઓ તો કોઈ મોટી ઘટના જોયા વગર જ જીવન જીવીને પૃથ્વી પરથી વિદાય થઈ ગઈ. આપણી પેઢી નસીબદાર કે કમનસીબ છે કે અન્ય પેઢીઓએ જે હજારો વર્ષમાં જોયું એ આપણે છેલ્લાં ૫૦-૭૫ વર્ષમાં જોઈ લીધું.
આપણે રચાઈ રહેલા ઇતિહાસમાં જીવી રહ્યા છીએ એટલે કંઈક એવું કરી લેવું જોઈએ જે આ ઇતિહાસમાં નોંધાય. એવું ન બને કે તમે જ્યારે આજથી ૨૫-૫૦ વર્ષ પછી કોરોનાની કહાની તમારાં પૌત્ર-પૌત્રીઓને કહેતા હો ત્યારે તમારે પોતાના પ્રદાન વિશે કે પોતે એ સમય દરમ્યાન કેવું ક્રીએટિવ કામ કર્યું, કેવા શોખ પૂરા કર્યા એ બાબતે કશું કહેવા જેવું જ ન હોય અને અન્યોએ શું કર્યું એની જ વાતો કરવી પડે. બહુ ઓછી પેઢીઓને એવી તક મળે છે જે લખાઈ રહેલા ઇતિહાસમાં પાત્ર તરીકે જીવતી હોય. આઝાદીની લડતનો સમય એવો હતો જ્યારે હિન્દુસ્તાનની પ્રજા રચાઈ રહેલા ઇતિહાસની સાક્ષી બની હતી. એ વખતે જે લોકોએ કશુંક યાદ રાખવા જેવું કર્યું એ હજી સુધી યાદ કરાય છે, બાકીના માત્ર પોતે જોયેલી લડતની વાતો કરે છે. હવે તો એવી વાતો કરનાર કે લડત લડનાર પણ બચ્યા નથી, પણ જેમણે યોગદાન આપ્યું હતું તેમને ઇતિહાસમાં સ્થાન મળ્યું છે.
કોરોના સામેની લડાઈમાં તમે કઈ રીતે યોગદાન આપી રહ્યા છો, કઈ રીતે આપવાના છો એ તમારે નક્કી કરવાનું છે. માણસજાત જીતવાની જ છે, તમારું યોગદાન એ જીતની ઝડપને વધારી શકે. થોડા હજાર મોતથી માનવજાત પાછી પડી જવાની નથી. પ્રકૃતિની દરેક પ્રતિકૂળતાને માણસે પચાવી છે, એને અનુરૂપ બદલાઈને પોતાનામાં લાવવાની કોશિશ કરી છે. પોતાના શરીરમાં પરિવર્તન ન આવ્યું ત્યારે બહારનાં સાધનો દ્વારા એની ઊણપ પૂરી કરી છે. એસ્કિમો પોતાના શરીર પર વાળ ન ઉગાડી શક્યા એટલે ઊનનાં કપડાં પહેરવા માંડ્યા. ભારે ગરમીમાં રહેવા માટે શરીર અનુકૂળ ન થયું તો ઘર બનાવ્યાં, કપડાં બનાવ્યાં. જે અનુકૂલન માણસે સાધ્યું એને પોતાની રહેણીકરણીમાં, રીતભાતમાં, ધર્મમાં, વિધિઓમાં, પરંપરાઓમાં સ્થાન આપ્યું, જેથી એ પરિવર્તન સચવાઈ રહે, પેઢી દર પેઢી ઊતરતું રહે. કોરોના પછીના સમયમાં પણ આવું જ કરવું પડશે. માણસે પોતાની રહેણીકરણી, રીતભાત બધું જ બદલવું પડશે. માણસે પ્રથાઓ અને પરંપરાઓ બદલવી પડશે. સામાજિક વિધિઓમાં પરિવર્તન લાવવું પડશે. કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે. એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જ્યાં પરિવર્તન નહીં લાવવું પડે. ઘરથી માંડીને ઑફિસ સુધી અને અંગત સંબંધોથી માંડીને સામાજિક સંબંધો સુધી, ધંધાથી માંડીને નોકરી સુધી, મજૂરથી માંડીને વડા પ્રધાન સુધી બધા માટે પરિવર્તન અનિવાર્ય થઈ પડશે. જે પરિવર્તન નહીં લાવી શકે તેઓ મુશ્કેલીમાં મુકાશે. અનુકૂલન સાધવામાં જે સૌથી ઝડપી હશે તેને સૌથી વધુ લાભ થશે. જે અનુકૂળતા સાધવામાં ધીમા હશે અથવા નહીં સાધી શકે તેઓ વંચિત રહી જશે. જ્યારે પણ પરિવર્તન આવ્યું છે ત્યારે તેને જેમણે સપોર્ટ કર્યો છે, પરિવર્તનમાં મદદરૂપ થયા છે તેમને લાભ થયો છે. સામાન્ય રીતે માણસનો સ્વભાવ પરંપરાવાદી હોય છે, રૂઢિને નહીં બદલવાનો હોય છે. પરિવર્તન વિરુદ્ધ હોય છે. નવું સ્વીકારવાને બદલે જૂનું એટલું સોનું એવું માનનાર વર્ગ બહુ મોટો હોય છે. નવું કરનાર નાનો વર્ગ હકીકતમાં આર્ષદ્રષ્ટા હોય છે. તેને ભવિષ્ય દેખાતું હોય છે. તે બીજા કરતાં ઘણો વહેલો ઊગી રહેલા સૂર્યને જ્યારે તે ક્ષિતિજથી ઘણો નીચે હોય ત્યારે જ ઓળખી લે છે. બીજાને જ્યારે એક કિરણ પણ ન દેખાતું હોય ત્યારે તેને ઉજાશ દેખાઈ જાય છે. એટલે તેઓ બીજાથી આગળ રહે છે. અન્યોને જ્યારે ડર લાગતો હોય છે સાવ નવી દિશામાં પગલાં ભરવામાં ત્યારે આવા લોકોને અજાણી દિશામાં જવામાં તક દેખાતી હોય છે, એમાં તેમને ગૌરવ જણાતું હોય છે. માણસ હંમેશાં વણખેડાયેલાને ખેડતો રહ્યો છે. માત્ર વણખેડાયેલાને જ નથી ખેડતો, ખેડવું અસંભવ હોય એને પણ ખેડવાનો પ્રયાસ નથી છોડતો. અણુને ભાંગી ન શકાય એવું કોઈ કહે ત્યારથી જ માનવી એવું વિભાજન કરવાના પ્રયત્નમાં લાગી જાય અને એમાં જ્યારે સફળતા મળે ત્યારે પરમાણુ ઊર્જા જેવી પ્રચંડ સફળતા મળે. અસંભવની વિરુદ્ધ જવામાં માણસને મજા આવે છે. સંભવમાં છબછબિયાં કરતા રહેવાની તેની ફિતરત નથી અને એટલે જ માણસ હવે અગાઉની જેમ બીમારીઓને દૈવી પ્રકોપ કે દેવ-દેવી માનીને એની પૂજા નથી કરતો, તેની સામે લડે છે, તેને ખતમ કરવા દવા શોધે છે, રસી શોધે છે અને અંતે એના પર વિજય મેળવીને જ રહે છે. પહેલાંના જમાનામાં માણસ બીમારીઓને દેવ-દેવીનો પ્રકોપ માનતો અને બીમારીઓને દેવી પણ બનાવી દેવામાં આવતી. શીતળાની બીમારી એવી અસાધ્ય હતી કે શીતળામાતાની પૂજા આખા ભારતવર્ષમાં શરૂ થઈ ગઈ હતી. શિતળા નાબૂદ થઈ ગયો છે, આપણે શીતળા સાતમ હજી ઊજવીએ છીએ અને શીતળામાતાના મંદિરે દર્શન પણ કરીએ છીએ. શીતળાના રોગ સામે માણસ સદીઓ સુધી લડ્યો. રસી શોધાયાના દાયકાઓમાં જ માણસે પૃથ્વી પરથી શીતળાના વાઇરસને ખતમ કરી નાખ્યો. આવું જ કોરોનામાં પણ થવાનું છે, પણ કોરોના સામેની લડાઈ વધુ અઘરી છે. મુશ્કેલ સમય હજી પૂરો થયો નથી. હજી સમય કાઢવાનો છે. લડવાનું છે. લડાઈ ચાલુ રાખવાની છે, લૉકડાઉન ખૂલ્યા પછી પણ.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 09:50 PM IST | Mumbai Desk | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK