Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સિંહ થઈને તમે ઘેટાની જિંદગી જીવો છો?

સિંહ થઈને તમે ઘેટાની જિંદગી જીવો છો?

28 June, 2020 10:39 PM IST | Mumbai
Kana Bantwa

સિંહ થઈને તમે ઘેટાની જિંદગી જીવો છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક રાજા હતો. પ્રજા વત્સલ અને ન્યાયપ્રિય. રાજ્યની જનતા સુખી અને સંતુષ્ટ હતી. બધી વાતે સુખ હતું, પણ રાજાનો એકનો એક કુંવર તોફાની અને કુસંગે ચડી ગયો હોવાથી થોડો ઉદ્દંડ થઈ ગયો હતો. રાજકુમારની ફરિયાદો વધી જવાથી એક દિવસ તે ન્યાયપ્રિય રાજાએ પોતાના ઉત્તરાધિકારી એવા પુત્રને રાજ્યમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો. આદેશનો અમલ થયો. રાજકુમારને રાજ્યના સીમાડાની બહાર મૂકી આવવામાં આવ્યો. રાજકુમાર અજાણ્યા પ્રદેશમાં ફરવા માંડ્યો. પાસે નાણાં તો હતાં નહીં અને મહેનત કરવાની ટેવ નહોતી એટલે માગીને ખાવા માંડ્યો. આવી રખડપટ્ટીમાં તે એક નગરમાં આવીને ત્યાં સ્થાયી થયો. એ નગરમાં તેને ભીખ મળી જતી. બીજા ભિખારીઓની સાથે કોઈના ઓટલે કે મંદિરે કે રસ્તા પર પડ્યો રહેતો. શરૂઆતમાં તો રાજકુમારને પોતે એક રાજાનો પુત્ર હોવાને લીધે ક્યારેક અપમાન થાય, ધુત્કારી કાઢવામાં આવે તો લાગી આવતું, પણ જેમ-જેમ વર્ષો વીતતાં ગયાં તેમ-તેમ પોતાનું રાજકુમારપણું ભુલાઈ ગયું. હવે તે ખરેખર ભિખારી બની ગયો હતો. કોઈ ગાળ દે તો પણ તેની આંખમાં ચમક આવવાને બદલે, દિમાગમાં ક્રોધનો તણખો ઝરવાને બદલે દીનતા દેખાતી. કોઈ લાત મારે તો પણ દયામણો થઈને આજીજી કરે કે માઈબાપ કંઈક આપોને, બે દિવસથી ભૂખ્યો છું. કોઈ હડધૂત કરીને મોં પર દરવાજો ધડામ કરતો વાસી દે તો પણ તેને અસર ન થાય. સમયના વહેણે તેને પોતાનું રાજકુમારપણું સંપૂર્ણ ભુલાવી દીધું હતું. તેનામાં કોઈ અહંકાર કે આત્મગૌરવ જેવું કશું રહ્યું નહોતું.

 વીસેક વર્ષ વીતી ગયાં. રાજકુમાર રીઢો ભિખારી બની ગયો. બીજી બાજુ રાજા હવે વૃદ્ધ થયો હતો. બીજો કોઈ પુત્ર નહોતો એટલે રાજ્ય કોને સોંપવું એની ચિંતા હતી. અંતે રાજાએ નિર્ણય કર્યો કે રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવેલા કુંવરને શોધીને પાછો લઈ આવો. આજુબાજુનાં રાજ્યોમાં માણસોને મોકલવામાં આવ્યા. બેએક વર્ષનાં ખાંખાંખોળાં પછી એક સૈનિક ખબર લાવ્યો કે દૂરના એક રાજ્યના નગરમાં એક રાજકુમારના ચહેરા-મહોરાને મળતા આવતા દેખાવનો એક ભિખારી છે. સેનાપતિએ રાજકુમારને રમાડ્યો હતો, તાલીમ આપી હતી એટલે એ આટલાં વર્ષો પછી પણ તેને ઓળખી જાય એમ હોવાથી ખુદ સેનાધ્યક્ષ એ ભિખારી જો રાજકુમાર હોય તો તેને લેવા માટે રવાના થયા. દૂર દેશના નગરમાં જઈને ભિખારીનું નિરીક્ષણ કર્યું. ફાટીને લીરેલીરા થઈ ગયેલાં કપડાં, મોં પર રાજસી તેજનો છાંટો પણ નહીં. એકદમ દયામણો અને બાપડો બિચારો. પગમાં પહેરવાનાં જૂતાં પણ નહીં. કોઈ ધમકાવે તો પણ પગે પડીને ભીખ માગતો, કાલાવાલા કરતો, છતાં સેનાપતિ અણસાર પરથી ઓળખી ગયો. એ જ ચાલ, એ જ ચહેરો. સેનાપતિ રથ સાથે પહોંચ્યો ભિખારીની નજીક. સૈનિકો, રથ અને સેનાપતિને જોઈને ભિખારી ડઘાઈ ગયો. પોતાને પકડી જશે એવી બીકે પગ પકડીને કાકલૂદી કરવા માંડ્યો. સેનાપતિએ એને ઊભો કરીને કહ્યું, ‘માલિક, હું તમારા રાજ્યનો સેનાપતિ. મને ભૂલી ગયા? રાજાજીએ તમારી સજા માફ કરી છે અને તમને રાજ્ય સોંપવાનું નક્કી કર્યું છે એટલે અમે તમને તેડવા માટે આવ્યા છીએ.’



 બસ આટલું સાંભળતાં તો પેલા ભિખારીએ હાથમાંનું ભિક્ષાપાત્ર ફેંકી દીધું. આંખમાં ચમક આવી ગઈ. અવાજમાં સત્તાનો રણકો સ્પષ્ટ સંભળાયો. સેનાપતિને આદેશ આપ્યો, ‘મારા માટે મોંઘાં કપડાં અને જૂતાંની વ્યવસ્થા કરો, ભોજન અને ઉતારાની ગોઠવણ કરો.’ માત્ર એક ક્ષણમાં જ એ ભિખારીને પોતાના રાજકુમારપણાની સ્મૃતિ થઈ. એક જ ક્ષણમાં બદલાઈ ગયો માણસ. સ્વનું ભાન થઈ ગયું. આવી જ બીજી એક વાર્તા છે‍ સિંહની. એક સિંહણનું બચ્ચું ભૂલું પડી ગયું અને ઘેટાંઓએ એને ઉછેર્યું. ઘેટાંઓ વચ્ચે ઊછર્યું એટલે બધા જ ગુણ ઘેટા જેવા. એવામાં એક દિવસ એક સિંહે ઘેટાંઓના એ ટોળા પર હુમલો કર્યો. બધાં ઘેટાં ભાગ્યાં. પેલો ઘેટા સાથે ઊછરેલો સિંહ પણ ભાગ્યો. હુમલો કરનાર સિંહને આશ્ચર્ય થયું કે ઘેટાંઓ તો નાસે, પણ આ સિંહ કેમ ભાગી રહ્યો છે. એણે તરાપ મારીને પેલા સિંહને પકડ્યો અને પૂછ્યું કે તું શા માટે ભાગે છે? ‘હું તો ઘેટું છું મહારાજ, મારા પર દયા કરો, મને મારશો નહીં.’ ભાગેડુ સિંહે વિનંતી કરી. હુમલાખોર સિંહે એને સમજાવ્યો કે ‘તું ઘેટું નથી, સિંહ છે’, પણ પેલો માનવા તૈયાર જ ન થાય. અંતે હુમલો કરનાર સિંહ એને પકડીને એક તળાવના કાંઠે લઈ ગયો અને કહ્યું, ‘જો પાણીમાં, તું મારા જેવો જ લાગે છે કે ઘેટા જેવો?’ પેલા સિંહને થોડો ભરોસો બેઠો એટલે આતતાયી સિંહે કહ્યું, ‘મારી જેમ ત્રાડ પાડી જો.’ એમ કહીને તેણે ત્રાડ પાડી. ઘેટા જેવા સિંહે પણ ત્રાડ પાડી. પોતાની ત્રાડ સાંભળીને તેને ખાતરી થઈ ગઈ કે હું સિંહ જ છું. તેણે છાતી ટટ્ટાર કરીને ફરી ગર્જના કરી અને વન તરફ ડગલાં માંડ્યાં.


 બન્ને વાર્તાઓ સમાન છે અને બન્નેનો મેસેજ પણ સરખો જ છે. તમારી જાતને ઓળખો. તમે ભૂલી ગયા છો કે તમે કોણ છો. તમને વિસ્મૃતિ થઈ ગઈ છે કે તમે કેટલા શક્તિશાળી છો. તમને સ્મૃતિભ્રંશ થઈ ગયો છે તમારી પહોંચનો. તમને તમારા આત્મબળની સ્મૃતિ રહી નથી. તમારી અંદરની સંભાવનાઓની તમને જ ખબર નથી રહી. સફળ માણસોને પોતાની શક્તિઓનો પરિચય હોય છે એટલા પૂરતા જ તેઓ અન્ય કરતાં અલગ હોય છે. તમને તમારી તાકાતનો સાચો પરિચય થઈ જાય તો તમને સફળ થતાં કોઈ રોકી શકે નહીં. આપણે નાહક જ ઘેટાં બનીને જીવ્યા કરીએ છીએ. છીએ સિંહ અને માત્ર અજાણપણાને લીધે જ ઘેટાંઓ જેવી જિંદગી જીવતા રહીએ છીએ. માણસ અસીમ સંભાવનાઓથી ભરેલો છે. ઈશ્વરે પોતાના આ શ્રેષ્ઠ સર્જનમાં અમાપ શક્યતાઓ મૂકી છે. માનવ ઈશ્વરને પણ અડી શકે એટલો શક્તિશાળી છે. ઈશ્વર જેવો બની શકી એટલો સમર્થ છે. પોતાની જાતને એક્સપ્લોર કરવામાં થોડો પાછો પડે છે એટલું જ. ત્રીજી એક વાર્તા પણ કહી જ દઉં...

 રાવણે સીતાજીનું હરણ કરીને લંકામાં રાખ્યાં હોવાના સગડ ભગવાન શ્રીરામને મળ્યા એટલે સમુદ્રની વચ્ચે આવેલા લંકાદ્વીપ પર કોઈને તપાસ કરવા મોકલવાનું નક્કી થયું. એવું કોણ હોય જે સમુદ્રને ઉલ્લંઘીને લંકા સુધી એક જ કૂદકામાં પહોંચી શકે? રામે સુગ્રીવ સામે જોયું. સુગ્રીવ મહાસમર્થ વાનરરાજ હતો, પણ તેણે પોતાની અસમર્થતા દર્શાવતાં કહ્યું કે ‘હવે ઉંમર થવાથી હું એટલો તાકાતવાન નથી રહ્યો.’ બીજી દૃષ્ટિ અંગદ પર પડી. પછીથી લંકામાં જેનો પગ કોઈ હટાવી નહોતું શક્યું એવા અંગદે કહ્યું કે ‘હું હજી નાનો છું, મારાથી આવડો મોટો કૂદકો મારવો સંભવ નથી.’ એટલે બધાએ હનુમાન સામે જોયું. હનુમાને કહ્યું કે ‘આવું કોઈ કાર્ય મેં ક્યારેય કર્યું નથી, આવડો મોટો કૂદકો મારાથી મારી જ ન શકાય.’ ત્યારે રામચંદ્રજીએ હનુમાનને કહ્યું કે ‘તમે તમારી તાકાતને પિછાણતા નથી. તમે તમારી પૂર્ણ શક્તિથી કૂદકો મારો તો લંકાને પણ ઉલ્લંઘી જાઓ એટલા સમર્થ છો.’ રામના વચન પરનો હનુમાનનો વિશ્વાસ અટલ એટલે તેમણે મૈનાત પર્વત પરથી કૂદકો માર્યો.


 દરેક માણસ હનુમાન છે અને સમસ્યા પણ હનુમાન જેવી જ છે, પોતાની જ શક્તિને જાણતા નથી. પોતાની સંભાવનાઓથી અપરિચિત હોય છે. સંભાવનાઓના સીમાડા આપણે નક્કી કરી લઈએ છીએ. જે સીમાડાને ક્યારેય જોયો નથી, જે ક્યાં છે એનો અંદાજ નથી એને આપણે નક્કી કરી લઈએ છીએ અને એ મર્યાદા બાંધતી વખતે આપણી અંદરનો ભય, આપણી અંદરની શંકા, આપણી અંદરનું દ્વંદ્વ, આપણી અંદરની લઘુતાએ ભાગ ભજવ્યો હોય છે. અસીમનું સીમાંકન કરીને આપણે નસીબને દોષ દઈએ છીએ. આપણી શક્તિનું પણ વિડિયો-ગેમ જેવું છે. તમે એક જ એક લેવલ પાર કરતા જાઓ તેમ-તેમ તમને વધુ ને વધુ પાવર મળતો રહે અને કઠણાઈ વધતી જાય. ડિફિકલ્ટી-લેવલ જેટલું ઊંચું એટલા જ પાવર તમને મળ્યા હોય એટલે એને પણ તમે પાર કરી લો. જિંદગીમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે જો બહુ મુશ્કેલીનો સામનો નથી કરતા તો તમારી શક્તિ પણ એટલી વિકસતી નથી. જે વ્યક્તિ વધુ મોટા ટાસ્કને ફેસ કરે છે એ એમાં સફળ થવાની શક્તિ પણ મેળવે છે. જે નાના-નાના ટાસ્ક પર કામ કર્યા કરે છે તેની શક્તિ પણ એટલી જ ખીલે છે. એટલે જીવનમાં મુશ્કેલીઓ આવે તો એમ ન સમજવું કે આ મને હટાવવા આવી છે. એવું સમજવું કે મારી શક્તિ વધુ ખીલે એ માટે આ મુશ્કેલી મારી સામે આવી છે.

 આપણે હનુમાનની જેમ પૂરી શક્તિથી કૂદકો મારતા નથી. થોડી ઊણપ રહી જાય છે, રાખી દઈએ છીએ. કશુંક બચાવી રાખવાની ટેવ અહીં નડે છે. સમગ્ર હોમી દેવાથી જ શ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકાય. જ્યાં સુધી સમગ્રને દાવમાં મૂકી દેવાની તૈયારી ન હોય ત્યાં સુધી ક્ષુદ્ર જ મળે, વિરાટ નહીં. શ્રેષ્ઠની કામના બધા કરે છે, પણ શ્રેષ્ઠ માટે સર્વોચ્ચને દાવમાં લગાડવાની હિંમત બધા નથી કરતા કે નથી કરી શકતા. ક્યારેક તો આપણે સર્વોચ્ચને, સમગ્રને જાણતા જ નથી હોતા પછી દાવમાં લગાવવાની તો વાત જ ક્યાંથી આવે? જે જાણતા હોઈએ તો દાવમાં મૂકવી કે નહીં એ નક્કી કરીએ એટલે પોતાના ટિમ્બરને જાણવું એ પ્રથમ પગથિયું છે. ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, ‘તને જ્યારે તારા રિયલ સેલ્ફની સ્મૃતિ થશે ત્યારે તને નહીં લડવાની આસક્તિ નહીં રહે. સ્મૃતિ થવી એ શબ્દપ્રયોગ ગીતાકારે અદ્ભુત કર્યો છે. સ્વની ઓળખ અંદર તો છે જ, બસ વિસ્મૃતિ થઈ ગઈ છે. ઢંકાઈ ગયું છે સ્વનું ભાન. એને માત્ર ઉઘાડવાનું જ છે. માત્ર યાદ જ કરવાનું છે. પેલા રાજકુમારને જેમ યાદ આવી ગયું હતું એક ક્ષણમાં જ એ રીતે.

 હવે તમે તમારી જાતને પ્રશ્ન પૂછી જુઓ. તમે પૂરેપૂરા જાણો છો તમને પોતાને? તમારી તમામ પ્રકારની શક્તિઓને પિછાણો છો? તમે જે કામ કરી રહ્યા છો, તમે જે વ્યવસાયમાં છો, જે નોકરીમાં છો, જે ક્ષેત્રમાં છો એના સિવાયની તમારી શક્તિઓને તમે પૂરી જાણો છો? તમે ભલે માર્કેટિંગમાં હો, મૅનેજમેન્ટમાં તમારા કૌશલને માપ્યું છે? તમે વેપારમાં હો પણ મૅન્યુફૅક્ચરિંગમાં કે ડિઝાઇનમાં તમારી આવડત વિશે ક્યારેય વિચાર્યું છે? જાત વિશે જેટલું વિચારશો, જેટલું વધુ જાણશો એટલા તમે પોતાની બાબતમાં વધુ સ્પષ્ટ થશો. એક દિવસ તમને સમજાશે કે તમે સિંહ છો, અત્યાર સુધી ઘેટાની જિંદગી જીવ્યા.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 10:39 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK