યોગા અને વેઇટલૉસ સેન્ટરો પર કાયદાકીય અંકુશ આવશે

Published: 1st December, 2011 08:40 IST

જો રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટને સફળતાપૂર્વક લાગુ પાડવામાં આવે તો શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલાં યોગા સેન્ટર તથા વેઇટલૉસ ક્લિનિકનું પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. એના પર લોકલ ઑથોરિટીનો અંકુશ આવશે.

 

આગામી ૧૨ ડિસેમ્બરે નાગપુરમાં યોજાઈ રહેલા વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે. પબ્લિક હેલ્થ મિનિસ્ટર સુરેશ શેટ્ટીના જણાવ્યા મુજબ સંસદ દ્વારા ગયા વર્ષે પાસ કરવામાં આવેલા કાયદાના મહારાષ્ટ્રમાં અમલ માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે.

આ કાયદા મુજબ ઍલોપથી, યુનાની, આયુર્વેદ, હોમિયોપથી, સિદ્ધા, નેચરોપેથી તથા યોગા તમામને આવરી લેવામાં આવ્યાં છે. જોકે અત્યાર સુધી કોઈ પણ જાતનાં અંકુશ કે નિયંત્રણ વગર ચાલતાં યોગા સેન્ટર તથા  વેઇટલૉસ ક્લિનિકો દ્વારા એમને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શેટ્ટીના જણાવ્યા મુજબ આ કાયદો દરદીઓ માટે લાભકારક છે તેમ જ હેલ્થ સેક્ટરમાં પાયાગત ફેરફાર લાવશે. અત્યારે રાજ્યમાં માત્ર નર્સિંગ તથા મૅટરનિટી હોમનું જ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

કાયદામાં શું હશે?

તમામ ઉપચાર પદ્ધતિઓને આવરી લેવામાં આવશે.

આરોગ્ય કેન્દ્રોએ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ વર્તવું પડશે.

આમ નહીં કરનારને અત્યારે ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે એ વધારીને ૧૦,૦૦૦થી માંડી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી કરવામાં આવશે.

કોઈ પણ હૉસ્પિટલ કે ક્લિનિક ઇમર્જન્સી દરમ્યાન કોઈ પણ પેશન્ટને ઍડ્મિટ કરવા માટે ના નહીં પાડી શકે. વધુ સારવાર માટે અન્ય ઠેકાણે મોકલતાં પહેલાં દરદીની હાલતમાં સુધારો કરવો આવશ્યક છે.

ડિસ્ટ્રિક્ટ તથા સ્ટેટ ઑથોરિટી નૅશનલ કાઉન્સિલના હાથ નીચે કામ કરશે તેમ જ એણે કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલાં ધારાધોરણોનું પાલન કરવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK