યેદીયુરપ્પાનો મહેલ બાદ હવે જેલવાસ

Published: 16th October, 2011 19:56 IST

લોકાયુક્ત ર્કોટે જામીન રદ કરતાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાની ગઈ કાલે જમીનકૌભાંડ મામલે ઓચિંતી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમની અરેસ્ટ લૅન્ડ સ્કૅમ મામલે કરવામાં આવી હતી. જે માઇનિંગ કૌભાંડને કારણે તેમને સત્તા છોડવી પડી હતી એ મામલે હજી તેમની સામે પગલાં લેવાવાનાં બાકી છે.

 

૩૧ જુલાઈએ મુખ્ય પ્રધાનપદ છોડનારા યેદીયુરપ્પા માટે ગઈ કાલથી જેલયોગ શરૂ થયો હતો. યેદીયુરપ્પા જેલમાં જનારા કર્ણાટકના પ્રથમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બન્યા છે.

સરકારી જમીનને છૂટી કરવામાં ગેરરીતિ આચરવાના મામલે લોકાયુક્ત જજ એમ. કે. સુધીન્દ્ર રાવે યેદીયુરપ્પાની જામીનઅરજી રદ કરી નાખી હતી. 

અડવાણીની કસોટી

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ૩૮ દિવસની રાષ્ટ્રવ્યાપી જન ચેતના યાત્રા પર છે ત્યારે જ યેદીયુરપ્પાની ધરપકડ થતાં તેમને માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે અડવાણીની જન ચેતના યાત્રા કર્ણાટકમાંથી પસાર નથી થવાની. અહીં એ બાબત પણ નોટિસ કરવા જેવી છે કે બીજેપીને યેદીયુરપ્પાના નેતૃત્વમાં સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રથમ વખત કર્ણાટકમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો.

યેદીયુરપ્પા સાથે આ કૌભાંડમાં કથિત સંડોવણી ધરાવતા તેમના પુત્રો બી. વાય રાઘવેન્દ્ર અને બી. વાય. વિજેન્દ્ર ર્કોટમાં હાજર રહ્યા હતા. તેમના જમાઈ સોહન કુમાર પણ ર્કોટમાં હાજર રહ્યા હતા. આ તમામને જામીન આપી દેવામાં આવ્યા હતા, પરંતુ નાદુરસ્ત તબિયતનું કારણ આપી ર્કોટમાં ઉપસ્થિત ન રહેલા યેદીયુરપ્પાની જામીનઅરજી રદ કરીને તેમની વિરુદ્ધ ર્કોટે વૉરન્ટ જાહેર કર્યું હતું.

કાયદાકીય સર્પોટ આપીશું : બીજેપી

યેદીયુરપ્પાની ધરપકડ બાબતે બીજેપીના પ્રવક્તા જે. પી. નદ્દાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે ત્યારે તેમને યેદીયુરપ્પા વિશે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આ એક કાયદાકીય મામલો છે. અમે યેદીયુરપ્પાને કાયદાકીય સર્પોટ જાહેર કરીએ છીએ. જોકે અમે ભ્રષ્ટાચારને ક્યારેય ચલાવી નહીં લઈ

બાવીસમી સુધી જુડિશ્યલ કસ્ટડી

વૉરન્ટ જાહેર કરવામાં આવ્યા બાદ યેદીયુરપ્પાએ લોકાયુક્ત ર્કોટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ર્કોટે તેમને ૨૨ ઑક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમને બૅન્ગલોરની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે.

શું છે કૌભાંડ?

શ્રીજન બાશા નામના વકીલે મૂકેલા આરોપ અનુસાર યેદીયુરપ્પાએ તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન કર્ણાટકના અગારા, અરાકેરે, દેવરાચિક્કનહલ્લી અને ગેડ્ડાલહલ્લીમાં સરકારી જમીન છૂટી કરવામાં ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

અડવાણીએ કર્ણાટકમાં રથયાત્રા કાઢવી જોઈએ : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ ગઈ કાલે કટાક્ષ કર્યો હતો કે ‘લાલકૃષ્ણ અડવાણી જ્યારે દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી રથયાત્રા યોજી રહ્યા છે ત્યારે જ તેમના ભ્રષ્ટ નેતા યેદીયુરપ્પાની ધરપકડ થઈ છે. અડવાણીએ ખરેખર તો પહેલાં  કર્ણાટક, પંજાબ અને ઉત્તરાખંડમાં રથયાત્રા કાઢવી જોઈએ. આ રાજ્યોમાં બીજેપીના પ્રધાનોથી માંડીને કાર્યકરો સુધીના બધા લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK