બદલાઈ ગયું વર્ષ, હવે બદલો તમારી વિચારધારા

Published: 16th November, 2020 22:19 IST | Rashmin Shah | Mumbai

પ્રાણ અને પ્રકૃતિ સાથે જોડાઈ ગયેલી વિચારધારામાં ચેન્જ લાવવાનો છે અને એ ચેન્જ લાવવા માટે તમારે નવા વર્ષના પહેલા દિવસે નક્કી કરવાનું છે કે હવે કોઈ પણ બાબતમાં સીધો નિર્ણય નથી લેવો, પણ

બદલાઈ ગયું વર્ષ, હવે બદલો તમારી વિચારધારા
બદલાઈ ગયું વર્ષ, હવે બદલો તમારી વિચારધારા

હા, આ વર્ષે આ કામ કરવાનું છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જોડાઈ ગયેલી વિચારધારામાં ચેન્જ લાવવાનો છે અને એ ચેન્જ લાવવા માટે તમારે નવા વર્ષના પહેલા દિવસે નક્કી કરવાનું છે કે હવે કોઈ પણ બાબતમાં સીધો નિર્ણય નથી લેવો, પણ નિર્ણય લેતાં પહેલાં વિચારવું છે કે આવી સિચુએશનમાં જો મુકેશ અંબાણી મુકાયા હોય તો તેઓ શું કરે, આ પરિસ્થિતિ નરેન્દ્ર મોદીની સામે આવી હોય તો એનો નિર્ણય કેવો હોય અને આવા સંજોગો જો અમિતાભ બચ્ચન સામે ઊભા થાય તો એનું રીએક્શન કેવું હોય?

ક્યારેય વિચાર્યું છે ખરું કે નરેન્દ્ર મોદીનું દિમાગ કઈ દિશામાં ચાલતું હશે, કોઈ કામ ન હોય એવા સમયમાં તેઓ શું કરતા હશે? ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે અમિતાભ બચ્ચન પાસે અભિષેક અને ઐશ્વર્યાના પ્રશ્નો લઈને જયાભાભી જતાં હશે? વિચાર્યું છે કે મુકેશ અંબાણી નવરાશના સમયમાં પોતાની ફૅમિલી સાથે બેઠા હશે ત્યારે કેવી વાતો કરતા હશે? કોશિશ કરો કે એ વાતો કેવી હોતી હશે અને કોશિશ કરો કે બિગ બીના ઘરમાં આરાધ્યાની ચર્ચા કેવા પ્રકારની થતી હશે? એક વાર ટ્રાય કરો, એક વખત પ્રયાસ કરી જુઓ એ મનમાં જવાની, એ વિચારધારાને સમજવાની જે તમારા આઇડલ છે એ આઇડલ પોતાની કફોડી પરિસ્થિતિમાં શું વિચારતા હશે અને સમય અને સંજોગો સામે કેવી રીતે લડત આપતા હશે? વિચારો, ઍટ લીસ્ટ કોશિશ કરો એ સમજવાની કે જે સમયે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ‘લહુ કે સૌદાગર’ કહ્યા હશે એ સમયે નરેન્દ્ર મોદીના મનમાં કેવા ભાવો જાગ્યા હશે અને પ્રયાસ કરો એ પરિસ્થિતિમાં જાતને મૂકવાની જે સમયે મહાનાયકની સંપત્તિ બૅન્ક કબજામાં લેતી હશે અને મહાનાયકને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં દેખાતો હોય. કેવી હશે મનોસ્થિતિ, કેવા હશે એ સંજોગો, કેવી હશે એ વિટંબણા અને એ પછી પણ વર્તમાન આ સૌનો શ્રેષ્ઠતમ દિશામાં છે.
વર્ષ બદલાયું છે અને નવા વર્ષના પહેલા દિવસે, શરૂઆતના કલાકોમાં જ તમારે પણ આ જ દિશામાં આગળ વધવાનું છે અને વિચારધારા બદલવાની છે. તકલીફને કે પછી પીડાને, મુશ્કેલીઓને કે પછી અડચણોને હવે તમારે તમારી જાતને સામે રાખીને હૅન્ડલ નથી કરવાની, પણ એને હૅન્ડલ કરવાની છે આ વહેંતઊંચેરાઓના દૃષ્ટિકોણથી અને એ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે એ પણ નક્કી છે. યાદ રહે કે ગ્રહ અને નક્ષત્ર કામ કરે એ પહેલાં કર્મની કુંડળી ઍક્ટિવ થતી હોય છે અને આ વર્ષે એને ઍક્ટિવ કરવાની છે. ભલામાણસ આંખ સામે છે આ મહાનુભાવો, કોઈનાં ઉદાહરણ અને દાખલા લેવાની જરૂર નથી. કોઈને પૂછવા જવાની જરૂર નથી અને કોઈનું ગાઇડન્સ પણ માગવાની જરૂર નથી.
ધારદાર મહેણાં સાંભળવા પડતાં હોય ત્યારે એક વખત મોદી બનીને એ મહેણાંઓને સાંભળવાની કોશિશ કરો. વિચારો એક વાર નરેન્દ્ર મોદીની જેમ કે જ્યારે તેમને વિરોધીઓ ફોલી ખાતા હશે ત્યારે તેમના મનમાં કેવો વલોપાત ચાલતો હશે, એ વલોપાતને કલ્પવાની કોશિશ કરો અને સાથોસાથ એ પણ સમજવાની કોશિશ કરો કે એ મહેણાંઓનો જવાબ તેમણે કેવી રીતે આપ્યો હશે? એ પણ વિચારો કે જે સમયે અમિતાભ બચ્ચનને કામ મળતું બંધ થઈ ગયું હશે અને જે સમયે બિગ બીના ફોન ઉપાડવાનું લોકોએ છોડી દીધું હશે એ સમયે તેમના પર કેવી વીતી હશે અને તેમના મનમાં એ સમયે કેવો ઉદ્વેગ પ્રસર્યો હશે?
નહીં વિચારો, કૉમનમૅનની જેમ જો બનવું હોય અનકૉમન તો. નહીં વિચારો એ સામાન્ય લોકોની જેમ. જો સામાન્ય વિચારશો તો સામાન્ય રહેશો, જો અસામાન્ય વિચારધારા હશે તો અસામાન્ય પરિણામ લાવી શકશો અને આ વર્ષે અસામાન્ય પરિણામ લાવવાનું છે. અસામાન્ય વિચારધારા કેળવીને, એને વિક્સાવીને. દરેક વાતમાં, દરેક તબક્કે અને દરેક સંજોગો વચ્ચે વિચારવાની જે રીત હતી એમાં બદલાવ લાવવાનો છે. વિરોધી બોલે તો પહેલાં સહજ રીતે જવાબ મનમાં આવી જતો અને કેમિકલનો અવતાર ધારણ કરીને તરત જ રીઍક્શન આપવામાં આવી જતું, પણ હવે એવું નથી કરવાનું. હવે આંખ સામે આઇડલ, જેની પણ સફળતા તમને સ્પર્શી હોય, જેની પણ સક્સેસ પર તમે ઓવારી ગયા હો એને આંખ સામે લઈ આવવાના છે અને એની વિચારધારા સમજીને તાદૃશ્ય કરવાનું છે કે તેણે, તમારી સામે મુકાયેલા સંજોગો વચ્ચે કેવું પગલું ભર્યું હોત? માત્ર તકલીફમાં જ નહીં, સામાન્ય સંજોગોમાં પણ આ જ રીત અપનાવવાની છે આજથી શરૂ થતાં નવા વિક્રમ સંવતથી. જ્યારે અકારણ સમયની બરબાદી ચાલતી હોય ત્યારે યાદ કરવાનું છે કે મુકેશ અંબાણી આ રીતે સમય પસાર કરતા હશે ખરા? પત્ની સાંજે જમવાનું શું બનાવું એવું પૂછવા ફોન કરે ત્યારે યાદ કરવાનું છે કે આવો ફોન બિગ બીને આવતો હશે. ધારો કે આવતો પણ હોત તો એ ફોનકૉલ બિગ બીએ બંધ કરાવી દીધા હોય એ પણ સહજ છે. જેણે ઊંચે જવું છે, આગળ વધવું છે અને જેને નવી ઊંચાઈઓ હાંસલ કરવી છે એ ક્યારેય આવી ક્ષુલ્લક વાતોમાં અટવાયેલો ન રહે એ સહેજ તમારી જાણ ખાતર. આજે આ જાણકારી આપી, પણ હવે એ જાણકારી જાતે જ બળવત્તર બનાવવાની છે અને તમારે જ નક્કી કરવાનું છે કે સૌકોઈની પાસે સમાન સમય અને સંજોગો છે ત્યારે કૉમન બનીને વિચારવું અને આચરણ કરવું છે કે પછી અનકૉમન બનવાનો આરંભ કરી દેવો છે?
યાદ રહે કે અનકૉમન બનવામાં સાર છે, બાકી બીજી પેઢી પછી ઘરમાં ફોટોને પણ સ્થાન હોતું નથી. જોવું હોય તો જોઈ લો ઘરની દીવાલો પર દાદાના પપ્પાનો ફોટો ક્યાંય જોવા નહીં મળે તમને. બહેતર છે નવા વર્ષે નવી વિચારધારા અપનાવીએ, એવી વિચારધારામાં જેમાં માત્ર અપ્લાઇડ આર્ટનો ઉપયોગ કરવાનો છે. અપ્લાઇડ આર્ટનો આરંભ પણ અહીંથી કરો. વિચારો, શું નરેન્દ્ર મોદીએ આર્ટિકલ વાંચ્યા પછી પાનું ફેરવી નાખ્યું હોત કે એના પર ચિંતન કર્યું હોત, એમાંથી કશું લેવાની કોશિશ કરી હોત?
બૉલ ઇઝ ઇન યૉર કોર્ટ સાહેબ.
વિક્રમ સંવત ૨૦૭૭ તમારા નવા અવતારની રાહ જુએ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK