Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાન પર ઝાકળ લખું છું

પાન પર ઝાકળ લખું છું

15 November, 2020 02:19 PM IST | Mumbai
Hiten Anandpara

પાન પર ઝાકળ લખું છું

પાન પર ઝાકળ લખું છું

પાન પર ઝાકળ લખું છું


સર્વ માનવંતા અને ધ્યાનવંતા વાચકોને દિવાળી અને બેસતું વર્ષ મુબારક. આપની સાથેનો નાતો એક દાયકાથી બરકરાર રહ્યો છે એનો આનંદ છે. આપણે એક એવા મોડ પર ઊભા છીએ જ્યાં નેપથ્યમાં ઘાવ ઝીલેલી હયાતી છે તો આંખોની સામે સપનાં આંજીને ઊભેલું અસ્તિત્વ દેખાય છે. દીવાનો ઉજાસ આપણને અચૂક રાહ બતાડશે. સમયનું ચક્ર શિક્ષકની જેમ ઘણુંબધું શીખવાડતું ગયું. આ દિવાળી એવી છે કે સ્વજનોને પણ બોલાવી શકાય નહીં. સુધીર પટેલ કહે છે એ વાત ઘર સાથે આ વર્ષને પણ લાગુ પડે છે...
બસ દેહ નહીં, દિલ પણ મળે ને જાન પણ મળે
ઓળખ દઉં પોતાની એ પહેચાન પણ મળે
કોઈ બનાવે ઘર અહીં એ પૂરતું નથી
ચાહું કે એ ઘરને કોઈ મહેમાન પણ મળે
અનેક સમજણના સેતુ નવા રચાયા છે. રૂઢ થયેલી માન્યતાઓ તૂટી છે અને પરિવર્તનના પવનને સૌ સ્વીકારતા થયા છે. સંવતમાં વસંત તો જ પ્રવેશે જો આપણે જાતનું નિરીક્ષણ કરતા રહીએ ને આપણી ખામીઓ સુધારતા રહીએ. જિંદગીનો પ્રવાસ જિંદગી તરફ જ રહેવો જોઈએ. મનસુખ નારિયા સમજણના ઓરસિયે દીવો મૂકે છે...
છોડ તુલસીના ઉગાડ્યા તોપના કૂંડા કરી
આગ ઝરતી લાગણી લીલાશમાં પાછી વળી
રક્તરંગી દૃશ્ય હું જોઈ નથી શકતો હવે
જ્યારથી આ સાત રંગોની સમજ આંખે ભળી
લીલાશની આવશ્યકતા ધરતીને પણ છે અને આંખોને પણ. પ્રકૃતિના દરેક તત્ત્વને રીચાર્જ કરવાનું કામ દૈવી શક્તિ કરે છે. એના કારણે જ જીવવાનું મન થાય છે. સળગતો રહીને પણ સૂરજ પ્રકાશ આપે છે. હજારો કિલોમીટરનો પથ કાપીને નદી આપણને જળની જાજરમાન લહાણી કરે છે. વૃક્ષ પોતાની જગ્યાએ જ ઊભાં રહીને સૃષ્ટિને પલ્લવિત રાખે છે. રાજુ રબારીનો શેર પ્રકૃતિનાં આ તત્ત્વોને અર્પણ...
પંખીઓના રોજ મેળા થાય છે
એટલે તો સાંજવેળા થાય છે
સાંજના પંખીઓના કલકલાટથી મહેકતું વાતાવરણ આપણને ઊર્જા પૂરી પાડે છે. પંખીને માળો બનાવતાં જોઈએ તો થાય કે માત્ર પોતાના શ્વાસ જ નહીં, આવનારા વાત્સલ્યની પણ દરકાર કરવાની છે. માળો તૂટે તો હામ ગુમાવ્યા વગર ફરી બનાવે છે. આ મક્કમતા જિંદગી ટકાવવાની છે. રવીન્દ્ર પારેખ આવી જ આશાભરી વાત કરે છે...
સૂર્ય સામે છે છતાં હું જળ લખું છું
હું સળગતા પાન પર ઝાકળ લખું છું
કુદરતનું કુતૂહલ સનાતન અને સદાબહાર છે. માનવીય સૃષ્ટિ તરફ વળીએ તો આ કુતૂહલમાં કરામત અને ગણતરી ઉમેરાઈ જાય. એટલે મૂળ તત્ત્વ ઝાંખું પડતું જાય. પોતાપોતાનો કક્કો ખરો ઠરાવવા માટે થતી હુંસાતુંસી છાપ અને વ્યાપ બન્ને બગાડે છે એ આપણે અમેરિકાની ચૂંટણીમાં જોયું. અમેરિકાની જે ઇમેજ જગત આખામાં હતી એ આ ચૂંટણીના કાવાદાવાને કારણે ઝાંખી પડી. ખેર, ડૉ. મહેશ રાવલ કહે છે એ વાત સાથે સંમત થવું પડશે.
ગળે આશ્ચર્યને ઉતારવાની ટેવ પાડી લ્યો
ન ધાર્યું હોય એ પણ ધારવાની ટેવ પાડી લ્યો
કરો સાબિત અસત્યોની તમે આપેલ વ્યાખ્યાઓ
અને કાં સત્યને સ્વીકારવાની ટેવ પાડી લ્યો
પરાજય સ્વીકારવો સહેલી વાત નથી. અહંકારમાં આઠ માળ ઊંચા ગોબા પડે. જિંદગીની આથમતી સંધ્યાએ સ્વભાવ જે સ્વીકારવા રાજી ન હોય તો એને ઠામઠેકાણે પાડવા હકીકતો સામે આવીને ઊભી રહે છે. શૂન્ય પાલનપુરીની ચેતવણી ધ્યાનમાં લેવા જેવી ખરી...
દેખ તૃષ્ણાઓ પગભર બની જાય ના
ક્યાંક મૃગજળ મુકદ્દર બની જાય ના
શૂન્ય ઈશ્વર થવાની મથામણ ન કર
મોક્ષ મુશ્કેલ અવસર બની જાય ના
જિંદગીના અર્થો એવા સમયે સમજાય છે જ્યારે શ્વાસ સંકેલવાની ઘડીઓ નજીક આવી હોય. મોડી ઉંમરે સમજણનાં લગ્ન થાય તો કોઈ અર્થ સરતો નથી. સમયસર હાથ લાગેલું સત્ય ચોવીસ કૅરેટ સોના કરતાં પણ વધારે મૂલ્યવાન હોય છે. એ તમારાં અનેક વર્ષો શું દાયકાઓ વેડફાતા અટકાવી શકે. જયવદન વશી આવું જ એક સત્ય રજૂ કરે છે...
કોઈને કંઈ કામ આવો જિંદગી એ
પળ બધીયે ઝળહળીને ગુંજતી રહે
જાત માટે ફાયદો શું? સૌ વિચારે
મનતણી પીડા વધીને ગુંજતી રહે
ક્યા બાત હૈ
એક ઝાંઝવું જીવનનું કથાનક બની ગયું
ને રૂપભર્યું વિશ્વ અચાનક બની ગયું

એવી તો ઝંખનાઓ સાથ સાથ સળવળી
પ્રત્યેક દૃશ્ય દૃષ્ટિનું ચાહક બની ગયું



કેવું હસી રહ્યું હૃદય મર્ત્યોના માર્ગ પર
રે દર્દ ભવોભવનું જ્યાં પાવક બની ગયું


સરગમ અગમ્યની મળી અંતરના ગીતને
જીવતરની અલ્પતાઓનું તારક બની ગયું

થાકી ગયાં હતાં નયન તીરથ ફરી ફરી
હર ચિત્ર હવે પુણ્યનું સ્થાનક બની ગયું


વિશ્રામ ક્યાં? ચરણ ક્યાં? કરું કાં હવે ફિકર
એક સ્વપ્ન સૌ વ્યથાઓનું શામક બની ગયું
- નરેન્દ્રકુમાર શુક્લ ‘ગોરખ’

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2020 02:19 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK