શું તમે રેડ, બ્લુ, વાઇટ ગોલ્ડ કે ગ્રીન હેરકલર કરાવશો?

Published: Feb 27, 2020, 20:12 IST | varsha chitaliya | Mumbai Desk

આજકાલ યંગસ્ટર્સમાં આવા હેરકલર્સનો ટ્રેન્ડ ચાલે છે. આ પૉપ્યુલર ટ્રેન્ડની પાછળ તમે પડો એ પહેલાં કલર કરીને વાળની સંભાળ કઈ રીતે રાખી શકશો એ પણ જાણી લો

યંગ ગર્લ્સમાં રેડ, બ્લુ, ગ્રીનિશ બ્લુ જેવા કલર્સ પૉપ્યુલર છે. લેટેસ્ટમાં વાઇટ ગોલ્ડ કલર ખૂબ ચાલે છે. એમાં સફેદ કલરમાં ગોલ્ડન શાઇનિંગ દેખાય. મધ્યમ વયની મહિલાઓ ડાર્ક બ્રાઉન, ગોલ્ડ કૅરેમલ, લાઇટ બ્રાઉન વધુ પસંદ કરે છે. તેઓ સામાન્ય રીતે ગ્લોબલ એટલે કે માથાના તમામ વાળ પર કલર કરાવે છે. કેટલીક ફૅશનેબલ મહિલાઓ ગ્લોબલ કલર કરાવ્યા બાદ ઑફબીટ કલરની હાઇલાઇટ્સ કરાવી ટ્રેન્ડમાં રહે છે. હેરકલરને વાળમાં ટકાવી રાખવા કલર માટેનાં શૅમ્પૂ અને કન્ડિશનર જ વાપરવાની સલાહ છે. 

આ ઉપરાંત નિયમિતપણે હેરકલર માટેનો વિશેષ સ્પા કરાવવાથી રિઝલ્ટ સારું આવે છે. - સીમા દોશી, બ્યુટી ઍન્ડ હેર એક્સપર્ટ

છેલ્લાં થોડાં વર્ષથી હેરકલરનો ટ્રેન્ડ ખાસ્સો પૉપ્યુલર બન્યો છે. વર્કિંગ મહિલા હોય, કૉલેજ ગર્લ કે હાઉસવાઇફ બધાં જ આ ટ્રેન્ડને ફૉલો કરે છે. લેટેસ્ટમાં વાળને જુદા-જુદા કલર્સ વડે રંગવાની ફૅશન બ્યુટી વર્લ્ડમાં ટૉપ પર છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. લુક ચેન્જ માટે હેરકલર બેસ્ટ ઑપ્શન માનવામાં આવે છે. જોકે મોટા ભાગની મહિલાઓની ફરિયાદ હોય છે કે કલર માટે આટલાબધા રૂપિયા ખર્ચ્યા બાદ પણ વાળમાં કલર ટકતો નથી. અત્યારે કેવા કલર ચાલે છે, કલરની પસંદગીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેમ જ લાંબા સમય સુધી કલરને ટકાવી રાખવા શું કરવું જોઈએ એ જાણીએ.

ટીનેજ ગર્લ્સથી લઈ ૩૦ વર્ષની યુવતીઓ કલર્સમાં વેરિએશન ટ્રાય કરે છે, જ્યારે મધ્યમ વયની મહિલાઓ કેટલાક ટ્રેડિશનલ અને નૅચરલ લુક આપે એવા કલર્સ પસંદ કરે છે એમ જણાવતાં દહિસરનાં બ્યુટી ઍન્ડ હેર એક્સપર્ટ સીમા દોશી કહે છે, ‘યંગ ગર્લ્સમાં રેડ, બ્લુ, ગ્રીનિશ બ્લુ, ગ્રીન જેવા કલર્સ ઘણા વખતથી પૉપ્યુલર છે. લેટેસ્ટમાં વાઇટ ગોલ્ડ કલર ખૂબ ચાલે છે. વાઇટ ગોલ્ડ એવો કલર છે જે દેખાવમાં સફેદ વાળ કરાવ્યા હોય એવું લાગે. ગોલ્ડના કારણે એમાં શાઇનિંગ દેખાય. અહીં તમને થશે કે મહિલાઓ માથામાં એક સફેદ લટ જુએ તોય તેમને યુવાની ઢળતી હોય એવો અહેસાસ થતો હોય છે. માથામાં ધોળા વાળ જોઈને કોઈ પણ મહિલા હતાશ થઈ જાય છે, જ્યારે આ છોકરીઓ પોતાના કાળા વાળને સફેદ કરાવવાના વાહિયાત અખતરાઓ કેમ કરતી હશે? કાશ, અમારા વાળ કાળા હોત તો? અમે ક્યારેય આવો પ્રયોગ ન કરીએ. વાસ્તવમાં યંગ ગર્લ્સમાં હટકે ટ્રેન્ડ ફૉલો કરવાનો ક્રેઝ છે. કેટલીક યુવતીઓ ફૅશનના મામલામાં સાહસિક હોય છે. તેમને એવું કરવું હોય જે બીજા કરવાની ડેરિંગ ન કરે. વાઇટ ગોલ્ડ કલર કરાવીને નીકળો એટલે લોકો પૂછશે કે તારા વાળ આટલા જલદી સફેદ થઈ ગયા? આવા પ્રશ્નનો સામનો કરી શકે એવી યુવતીઓ આ ટ્રેન્ડને ફૉલો કરી રહી છે. જોકે તેઓ બધા વાળમાં આવા અખતરા કરતી નથી. આગળના થોડા વાળ અથવા વાળના છેવાડે કરાવે છે. વાઇટ ગોલ્ડ કલરમાં સફેદ વાળમાં ગોલ્ડન કલરની ઇફેક્ટ પડે છે. જે યુવતીઓ એને કૅરી કરી શકે છે તેઓ જ પ્રિફર કરે છે.’

આજકાલની સ્ટ્રેસફુલ લાઇફ-સ્ટાઇલમાં ત્રીસ-પાંત્રીસની ઉંમર સુધી પહોંચતાં મોટા ભાગની મહિલાઓના વાળ પાકી જાય છે તેથી કલર કરાવ્યા વિના ચાલે એમ નથી એવો મત વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘આ ઉંમરની મહિલાઓમાં ડાર્ક બ્રાઉન, ગોલ્ડ કૅરેમલ, લાઇટ બ્રાઉન વધુ ચાલે છે. તેઓ સામાન્ય રીતે ગ્લોબલ એટલે કે માથાના તમામ વાળ પર કલર કરાવે છે. કેટલીક ફૅશનેબલ મહિલાઓ ગ્લોબલ કલર કરાવ્યા બાદ ઑફબીટ કલરની હાઇલાઇટ્સ કરાવે છે. એનાથી ચહેરાનો લુક બદલાઈ જાય છે. મધ્યમ વયની મહિલાઓમાં હાઇલાઇટ્સની ફૅશન છે. તેઓ કલરફુલ વાળ પ્રિફર કરતી નથી.’

યંગ જનરેશનમાં ડિફરન્ટ કલર્સનો ટ્રેન્ડ છે. ઘણી યુવતીઓ વાળમાં જુદા-જુદા ત્રણ-ચાર કલર્સ કરાવે છે. બ્લૉન્ડથી લઈ ઇન્દ્રધનુષના રંગો કરાવવાની ફૅશન વિશે વાત કરતાં સીમા કહે છે, ‘છોકરીઓ જુદા-જુદા કલર્સ કરી આપવાની ડિમાન્ડ કરતી હોય છે, પરંતુ તેમની મમ્મીઓ ના પાડે છે. મારી ઘણી ક્લાયન્ટ્સ આવી ફરિયાદ કરે છે. હું તેમને એમ જ કહું કે તમારે મમ્મીની વાત માનવી જોઈએ. આ ઉંમરે વાળના રૂટ્સમાં જુદા-જુદા કલર કરવાની આવશ્યકતા નથી. ટ્રેન્ડને ફૉલો કરવા માટેના અન્ય વિકલ્પો છે. અમે તેમને વાળના છેવાડે કલર્સ ટ્રાય કરવાની સલાહ આપીએ છીએ. ટ્રાયલ બેઝ પર વાળના છેવાડેથી ઉપરની તરફ ત્રણ ઇંચની લેન્ગ્થમાં ડિફરન્ટ શેડ્સના કલર્સ લગાવી આપીએ. જો કૅરી ન કરી શકે અથવા કરાવ્યા પછી ન ગમે તો વાળને નીચેથી ટ્રિમ કરાવી લે એટલે પત્યું. આમ કરવાથી વાળ ખરાબ નથી થતા તેમ જ ટ્રેન્ડમાં પણ રહી શકો છો. ઇચ્છો તો લેન્ગ્થ વધારી શકો.’

હેરકલર એક ખર્ચાળ ફૅશન છે. બે હજાર જેટલા રૂપિયાનો ખર્ચ કર્યા બાદ કલર બે અઠવાડિયાં પણ ટકતો નથી એવો કકળાટ આપણે અનેક મહિલાઓના મોઢે સાંભળ્યો હશે. આ સંદર્ભે વાત કરતાં સીમા કહે છે, ‘હેરકલરના પૈસા વધુ થાય છે એ વાત સાચી છે, પરંતુ પૈસા બચાવવા માટે વાળ સાથે ચેડાં કરો તો વાળ ડ્રાય થઈ જાય છે. તૂટવા લાગે છે. કેટલીક મહિલાઓને ડાઇની ઍલર્જી થઈ હોવાનું સામે આવ્યું છે. હેરકલર ઘણા પ્રકારના આવે છે. ડાઇ ફૉર્મમાં મળતાં‍ કલર્સ કરવાની અમે સ્પષ્ટ ના પાડીએ છીએ. હવે તો શૅમ્પૂ ફૉર્મમાં પણ કલર્સ ઉપલબ્ધ છે. જોકે એ પણ ડાઇ જ છે. એનો અર્થ એ નથી કે અમોનિયા-ફ્રી કલર્સ બેસ્ટ છે અને એનાથી ક્યારેય વાળ ખરાબ નહીં થાય. જો સંભાળ ન રાખો તો એનાથી પણ નુકસાન તો થાય જ છે. એટલું જ કહેવાનું કે કલર કરવો જ હોય તો ડાઇની તુલનામાં હેરકલરથી નુકસાન ઓછું થાય છે.’

હેરકલર ટકતો નથી એનું કારણ છે વારંવાર ચહેરો ધોવો. આગળ વાત કરતાં સીમા કહે છે, ‘લગભગ દરેક મહિલા દિવસમાં ત્રણથી ચાર વાર ચહેરો સ્વચ્છ કરે છે. ચહેરો ધોતી વખતે આગળના વાળ ભીના થાય છે. વારંવાર વાળ ભીના થવાથી રંગ ઊડી જાય છે. ફ્રન્ટ કલર્સ જલદી ન ઊડે એ માટે ચહેરો ધોવા સાબુની જગ્યાએ માઇલ્ડ ફેસવૉશ વાપરવો. શક્ય હોય ત્યાં સુધી ભીના ન થાય એનું ધ્યાન રાખો. બીજું, ઉંમરના કારણે નવા વાળ ઊગે છે એ ધોળા હોય છે. નિયમિતપણે ટચઅપ કરાવતા રહો તો બહુ વાંધો આવતો નથી. યાદ રાખો, જે મહિલા વાળમાં મેંદી અને કલર્સ બન્ને વાપરે છે તેમના વાળમાં કલર બિલકુલ ટકવાનો નથી. મેંદી લગાવવાનું ટોટલી બંધ કર્યા બાદ પણ લાંબા સમય સુધી આ સમસ્યા રહે છે.’

હેરકલરને ખરેખર લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો હેરકલર સ્પા કરાવતા રહેવું જોઈએ એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘હેરસ્પા વિશે મહિલાઓને પૂરતું જ્ઞાન હોતું નથી. બ્યુટિશ્યન પણ આ વિશે વધુ જાણકારી આપવાનું ટાળે છે અથવા તેઓ આ ફીલ્ડમાં એક્સપર્ટ હોતી નથી. હેરસ્પા એટલે માત્ર વાળની માવજત કરવી એવું નથી. વાળની માવજત કઈ રીતે કરવી એ હેરસ્પાનો મુખ્ય હેતુ છે. ડૅન્ડ્રફ, ડ્રાયનેસ, હેરકલર એમ આઠ જાતના સ્પા થાય છે. જે મહિલાઓના વાળમાં કલર ટકતો નથી તેમણે હેરકલરને ફોકસમાં રાખી સ્પા કરાવવું જોઈએ. કલરવાળો સ્પા કરાવવાથી રિઝલ્ટ સારું આવે છે. સ્પા ઉપરાંત સીરમ, શૅમ્પૂ અને કન્ડિશનર પર પણ ખાસ ધ્યાન આપવું. દરેક મહિલાના વાળની ક્વૉલિટી અને કલરની ચૉઇસ જુદી હોય છે. હેરકલર કરાવતા હો તો તમારો શૅમ્પૂ જુદો રાખો. સામાન્ય શૅમ્પૂથી વાળ ધોવાથી કલર જલદી ઊડી જાય છે. એ જ રીતે શૅમ્પૂ કરવાની ફ્રીક્વન્સી પણ મહત્ત્વની છે. સામાન્ય રીતે અઠવાડિયામાં બે વાર શૅમ્પૂ કરવામાં વાંધો નથી, પરંતુ હેરિડિટી, ઉંમર અને હેરગ્રોથના લીધે ધોળા વાળ જલદી દેખાવા લાગતા હોય તો અઠવાડિયે એક વાર શૅમ્પૂ કરવું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK