Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુડ મૉર્નિંગ મુંબઈ....! રેડિયોની કલ ભી, આજ ભી

ગુડ મૉર્નિંગ મુંબઈ....! રેડિયોની કલ ભી, આજ ભી

13 February, 2021 05:56 PM IST | Mumbai
Jigisha Jai

ગુડ મૉર્નિંગ મુંબઈ....! રેડિયોની કલ ભી, આજ ભી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૯૨૨માં પહેલી વાર ભારતમાં રેડિયોની શરૂઆત થઈ હતી. એ સમયે રેડિયો મનોરંજન મેળવવાનું, માહિતી પ્રાપ્ત કરવાનું અને વ્યક્તિને દુનિયા સાથે જોડતું એકમાત્ર માધ્યમ હતું જેથી એ લોકોના જીવનનું અતિ મહત્ત્વનું અંગ હતું અને આજે એ મનોરંજનનાં અનેક જુદાં-જુદાં માધ્યમોમાંનું એક માધ્યમ બનીને રહી ગયું છે. આજે વર્લ્ડ રેડિયો દિવસ પર મળીએ રેડિયોની કાલમાંથી આવતા વિવિધ ભારતીના રિટાયર્ડ સિનિયર અનાઉન્સર કમલ શર્માને અને રેડિયોની આજમાંથી આવતા ગુજરાતીઓના અતિ લોકપ્રિય એવા RJ ધ્વનિતને અને તેમના દ્વારા પ્રયત્ન કરીએ રેડિયોની કાલને અને આજને નજીકથી જાણવા અને સમજવાનો

મને લાગે છે કે ભવિષ્યમાં કદાચ



રેડિયોનું શરીર બદલાઈ જાય પણ આત્મા તો જળવાઈ જ રહેશે: RJ ધ્વનિત


‘આપણે ત્યાં જેટલા પણ માસ મીડિયમ છે જેમ કે વર્તમાનપત્રો કે ટીવી એમાં જે પણ કન્ટેન્ટ બનાવવામાં આવે છે કે જે એન્ટરટેઇનમેન્ટ પીરસવામાં આવે છે એ રાષ્ટ્રીય સ્તરનું હોય છે. એમાં લોકલ સ્તરની વાત હોતી નથી. કમ્યુનિકેશનમાં એ કડી ખૂટતી હતી. એક સમયે જ્યારે લાગતું હતું કે રેડિયો હવે નાશવંત બની જશે એ સમયે એ ખૂટતી કડી જોડીને રેડિયોએ ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંત અનુસાર પોતાને ઍડ્વાન્સ રૂપમાં રજૂ કરવામાં સફળતા મેળવી છે અને લોકોને આ જ વાત ખૂબ સ્પર્શી છે.’

આ શબ્દો છે અમદાવાદના જ નહીં, સમગ્ર ગુજરાતના અને ગુજરાતીઓના લાડલા બની ગયેલા RJ ધ્વનિતના. છેલ્લાં ૧૭ વર્ષથી લોકોને ફક્ત મનોરંજન જ નહીં પરંતુ લોકલ લેવલ પર રેડિયોના માધ્યમથી ધરખમ પરિવર્તનો લાવનાર ધ્વનિત માને છે કે રેડિયો એક અત્યંત પાવરફુલ માધ્યમ છે.


રેડિયોની શક્તિની ઓળખ તેને સૌથી પહેલાં કઈ રીતે થઈ એ જણાવતાં ધ્વનિત કહે છે, ‘૨૦૦૬ની આસપાસ મને એક લિસનરનો ફોન આવ્યો કે અમારા એરિયામાં ૧૮ ઝાડ કપાઈ રહ્યાં છે, એને રોકવાનો પ્રયાસ કર્યો પણ કંઈ થઈ નથી રહ્યું. ત્યારે મેં તાત્કાલિક કમિશનરસાહેબને ફોન કર્યો અને સાતમી મિનિટે ઝાડ કપાતાં અટકી ગયાં. એ દિવસે મને લાગ્યું કે વાહ! આ માઇક્રોફોન જેના પર હું બોલી રહ્યો છું એની તો તાકાત જ જુદી છે. એ પછી રિસેશન આવ્યું અને ઘણાબધા લોકોની નોકરી જતી રહી હતી. રેડિયોના માધ્યમથી મેં ઘણા લોકોને નોકરી અપાવડાવી. બાકી ૨૦૦૫થી દર ચોમાસે હું આખા અમદાવાદમાં વૃક્ષ રોપાવું છું. આને એક પીપલ્સ મૂવમેન્ટ તમે કહી શકો જેને કારણે આજ સુધીમાં આખા અમદાવાદમાં પ્રાઇવેટ લૅન્ડ પર એક લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.’

આ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ ટીવી કે છાપાં દ્વારા આટલી સફળ રીતે પાર પાડી શકાતી નથી એવું કેમ? રેડિયોમાં આ પ્રકારની મૂવમેન્ટ સરળ કઈ રીતે બને છે? આ પ્રશ્નોનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘એક રીતે એ ઘણું જ અઘરું છે કે તમે ફક્ત અવાજથી લોકોના મન સુધી પહોંચો અને એમના જીવન પર અસર કરી શકો. પરંતુ હકીકત એ છે કે રેડિયો અત્યંત જીવંત માધ્યમ છે. ટીવીમાં ગમે તેટલું લાઇવ બતાવો, પણ એમાં રેકૉર્ડેડ જેવી જ ફીલ આવ્યા કરે. રેડિયોની જીવંતતાને કારણે જ લોકો આટલી સરળતાથી એની સાથે જોડાય છે અને કોઈ પણ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ કે જાગૃતિ લાવવી શક્ય બનતી હોય છે.’

રેડિયો એક બ્રૉડકાસ્ટર-ડ્રિવન મીડિયમ રહ્યું છે. જે વ્યક્તિ એને પ્રેઝન્ટ કરી રહી છે એનું મહત્ત્વ ઘણું છે, કારણ કે રેડિયોમાં શ્રોતાઓ અવાજને ઓળખે છે. એટલે જ RJ અને અનાઉન્સર્સનો લોકોને આટલો ક્રેઝ રહે છે, એમને ઘણી જ ખ્યાતિ મળે છે. જોકે એ વ્યક્તિ પર એટલી જ રિસ્પૉન્સિબિલિટી રહેલી હોય છે એ વાત સમજાવતાં ધ્વનિત કહે છે, ‘સમયની સાથે લોકો અને માધ્યમો પણ બદલાય છે. પહેલાં જેટલું ધ્યાન આજકાલ લોકો આપતા નથી - પછી એ કોઈની વાતમાં હોય કે કોઈ વાંચનમાં કે પછી જીવનના કોઈ પણ પહેલુમાં. મોટા પાયે લોકોના જીવનમાંથી ધ્યાન ઓછું થઈ ગયું છે ત્યારે તમને કોઈ સાંભળે એ અપેક્ષા અઘરી છે. જો એવું કરવું હોય તો તમારે કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ રાખવું ખૂબ જરૂરી છે. કેટલું બોલવું, કેમ બોલવું અને શું બોલવું એ બધી જ બાબતોનું મહત્ત્વ છે. રેડિયો પર RJ બોલે અને લોકો એ વાત માની લે એ અમારી એટલાં વર્ષોની મહેનતની પૂંજી છે. લોકોનો વિશ્વાસ જીતવો એટલો પણ સહેલો નથી હોતો.’

ડિજિટલ યુગમાં જ્યાં કેટલાંય OTT પ્લૅટફૉર્મ, સોશ્યલ મીડિયા, ટીવી પણ હવે મૃત:પ્રાય થવાની કક્ષાએ છે ત્યારે રેડિયો જેવાં માધ્યમો કઈ રીતે ટકશે? આ પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘પહેલાં તો આપણે એ સમજવાનું છે કે હાર્ડવેરનું અસ્તિત્વ જોખમાય શકે છે, સૉફ્ટવેરનું નહીં. લોકો આજે પણ રેડિયો સાંભળે છે, પણ એમના ફોનમાં કે ફોનમાં ડાઉનલોડ થયેલી ઍપમાં સાંભળે છે. લોકોને આજે પણ શ્રાવ્ય મીડિયમ પસંદ છે એનો દાખલો છે આપણા દેશમાં હાલમાં નવી ચાલુ થયેલી પોડકાસ્ટ ફૉર્મેટ. પોડકાસ્ટ બીજું કંઈ નથી, રેડિયોની જેમ એક શ્રાવ્ય માધ્યમ છે. આમ જો કોઈ કહે કે રેડિયો નહીં રહે તો એમ કહી શકાય કે ભવિષ્યમાં કદાચ રેડિયોનું શરીર બદલાઈ જાય પણ આત્મા તો જળવાઈ જ રહેશે. છતાં પણ એ સમજવું જરૂરી છે કે સમય સાથે સતત બદલાતું મીડિયમ જ ટકી શકે છે. તેથી સમયને માન આપીને ચાલવું જરૂરી છે.’

આજકાલ ચાલતી FM રેડિયો ચૅનલ્સમાં RJ એકદમ લોકલ ભાષામાં વાત કરતો માણસ જ હોવો જોઈએ જેથી એ લોકો સાથે જલદી કનેક્ટ થઈ જાય એવી ફૉર્મ્યુલા અપનાવાઈ છે જે ઘણી હદે સફળ રહી છે. એટલે જ રાજકોટમાં કાઠિયાવાડી, અમદાવાદમાં પાક્કા અમદાવાદી, દક્ષિણ ગુજરાતમાં સુરતી કે કચ્છમાં કચ્છી લહેજામાં વાત કરતા રેડિયો જૉકી જોવા મળે છે. જોકે અહીં સમજવા જેવું એ છે કે રેડિયોનો અતિ મહત્ત્વનો ભાગ જે મ્યુઝિક છે એ બધે એકસરખું, પૉપ્યુલર, બૉલીવુડી મ્યુઝિક વગાડવામાં આવે છે. આવું કેમ? ગુજરાત અને ગુજરાતીઓમાં ગુજરાતી લોકસંગીત કે સુગમ સંગીત પણ એટલું જ પૉપ્યુલર છે છતાં રેડિયો પર એ કેમ વગાડવામાં નથી આવતું? એનો સ્પષ્ટ જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘ઘણાં રેડિયો-સ્ટેશનોએ એ પ્રયાસ કર્યા છે, પણ એ સફળ રહ્યા નથી. પ્રાઇવેટ રેડિયો-સ્ટેશન માટે કમાણી પણ અગત્યની જ વસ્તુ છે. પ્રાઇવેટ ચૅનલ્સનું ટાર્ગેટ ઑડિયન્સ યુથ છે - ૧૮થી ૩૦ વર્ષના લોકો. તેમના પર થયેલા રિસર્ચમાં એ જ જાણવા મળે છે કે તેમને પૉપ્યુલર બૉલીવુડ મ્યુઝિક જ સાંભળાવું છે. એક રિસ્પૉન્સિબલ માધ્યમ તરીકે અમારે બીજું સારું મ્યુઝિક પણ વગાડવું જોઈએ જેથી લોકોને બીજું કંઈ પણ સાંભળવાની આદત પડે. જોકે એ વ્યક્તિગત રીતે RJ પર આધાર રાખે છે કે તે આ બાબતે કેટલો સભાન છે. હું એવા પ્રયત્નો ચોક્કસ કરું છું જેથી લોકોને વધુ સારું સાંભળતા કરી શકું. જોકે મને એવી કોઈ આશા લાગતી નથી કે નજીકના ભવિષ્યમાં બીજા કોઈ પણ પ્રકારનું મ્યુઝિક FM રેડિયો ચૅનલ્સ પર સાંભળવા મળે.’

રેડિયો આમ તો ઘણાબધાના જીવનનો એક ભાગ હોય છે, પરંતુ એક RJના જીવનમાં એ ભાગ અતિ મહત્ત્વનો બની જતો હોય છે, કારણ કે એ તેનું કામ છે. આ એ માધ્યમ છે જેના દ્વારા તે લોકોના મન સુધી પહોંચે છે. આ માધ્યમે તને શું શીખવ્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘રેડિયો થકી હું મારી જાતને ઓળખતાં શીખ્યો. હું જેટલું બોલતો ગયો એટલું જ જાતને સમજતો ગયો, ઓળખતો ગયો. રેડિયોને કારણે મારા વ્યક્તિત્વનાં ઘણાં જુદાં-જુદાં બધાં જ પાસાં મેં જોયાં. મને ખુદને મળાવવા માટે હું રેડિયોનો ઋણી રહીશ.’

દર અઠવાડિયે દસેક હજાર ચિઠ્ઠીઓ દેશના જુદા-જુદા ભાગમાંથી આવતી જેમાં લોકો દિલ ખોલીને મૂકી દેતાં: કમલ શર્મા, રિટાયર્ડ વિવિધ ભારતી સિનિયર અનાઉન્સર

‘રેડિયોએ આપણા દેશના વિકાસમાં પાયાનું કામ કર્યું છે. જે શ્વેત અને હરિત ક્રાંતિની વાતો આપણે કરીએ છીએ એનું એક નાનકડું શ્રેય પ્રચાર-પ્રસાર કરનાર રેડિયોને પણ જાય છે. સમાજિક કુરીતિઓ સામે લડવામાં, આપણી ગંગા-જમુનાની સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખવામાં, કોમી એકતાને જાળવી રાખવામાં, ક્રિકેટ જેવી રમતને જોઈ ન શકવા છતાં એની પાછળ લોકોને ઘેલા કરવામાં, લોકોના જીવનમાં ખૂટતું પૂરું કરવામાં રેડિયોનો ખૂબ મોટો ફાળો છે.’

આ શબ્દો છે વિવિધ ભારતીના અત્યંત લોકપ્રિય એવા સિનિયર અનાઉન્સર કમલ શર્માના. તેઓ હાલમાં ૨૦૧૭માં જ રિટાયર્ડ થયા. ૧૯૮૩માં તેમણે આકાશવાણી રાયપુરથી પોતાની શરૂઆત કરી અને ૧૯૯૨માં તેઓ મુંબઈ વિવિધ ભારતીમાં જોડાયા. વિવિધ ભારતીના ‘ત્રિવેણી’, ‘છાયાગીત’, ‘ચિત્રભારતી’, ‘પત્રાવલી’, ‘ઉજાલે ઉનકી યાદોં કે’ અને ‘હેલ્લો ફરમાઇશ’ જેવા કાર્યક્રમો કમલ શર્મા થકી જ જાણીતા બનેલા કાર્યક્રમો છે એમ કહી શકાય. એ સમયના રેડિયોની તાકાત વર્ણવતાં કમલ શર્મા કહે છે, ‘કારગિલ વૉર દરમ્યાન અમે ‘હેલ્લો કારગિલ’ કરીને એક પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે ચાર મહિના સુધી દરરોજ એક કલાક પ્રસારિત કરવામાં આવતો હતો. આ કાર્યક્રમમાં આપણા સૈનિકો, તેમના ઘરના લોકો, છૂટીછવાઈ છાવણીમાં રહેલા સિપાઈઓ અમને સંદેશ મોકલતા, ચિઠ્ઠી લખતા કે પછી ફોન કરતા. આ કાર્યક્રમમાં એક દિવસ મને એક મિલિટરી હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. ત્યાં અમે આપણા જવાનો સાથે વાત કરી. એમાંથી કોઈનો હાથ તૂટી ગયો હતો, કોઈનો પગ તો કોઈને માથામાં ખૂબ વધારે વાગ્યું હતું અને એ બધા એવું કહેતા હતા કે બસ, એક વાર તમે બોલો તો અમે ફરીથી સરહદ પર લડવા માટે જતા રહીશું, તમારો અવાજ જ અમારા માટે પ્રેરણા છે. અમે આ વાત સાંભળીને ગદ્ગદ થઈ ગયા હતા. મને એ દિવસે લાગ્યું કે મારી નોકરી સાર્થક થઈ ગઈ.’

રેડિયોની લોકોના જીવન પર કેટલી ઊંડી અસર હતી એનો એક કિસ્સો જણાવતાં કમલ શર્મા કહે છે, ‘વિવિધ ભારતીમાં દરરોજ સવારે દિવસ પ્રેરણા અને સકારાત્મકતા સાથે શરૂ થાય એ માટે પ્રેરણાદાયી કે આશાવાદી હોય એવાં ત્રણ ગીતોનો એક પ્રોગ્રામ આવતો અને હજી પણ આવે છે જેનું નામ છે ત્રિવેણી. એક દિવસ હું મારા સ્ટુડિયોમાં હતો ત્યારે મને એક મૅડમનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે તેમણે ખાસ ધન્યવાદ કહેવા માટે ફોન કરેલો. તેઓ એક દિવસ આત્મહત્યા કરવા જઈ રહ્યાં હતાં અને ત્રિવેણી સાંભળીને રોકાઈ ગયાં. તેમના જીવનને બચાવવા બદલ તેઓ રેડિયોનાં ઋણી હતાં. આવો જ એક બીજો કિસ્સો છે જેમાં બાંદરામાં રહેતાં એક બહેન તેમની લંડનમાં રહેતી મિત્ર માટે અહીં અમારા પ્રસારિત પ્રોગ્રામ રેકૉર્ડ કરતાં. એ રેકૉર્ડ પહેલાં હૉન્ગકૉન્ગ મોકલતાં અને પછી ત્યાંથી એ લંડન પહોંચાડતાં. એનું કારણ એ હતું કે તેમની મિત્રને કૅન્સર હતું અને એની સામે લડવા માટે અમારા પ્રોગ્રામ્સ તેમને મદદરૂપ થતા હતા.’

એ સમયના રેડિયોની આજની તારીખે સરખામણી કરીએ તો એક જ સ્ટેશન હતું. ફક્ત સરકારી રેડિયો જ હતો. લોકો પાસે સાંભળવાના અને એન્ટરટેઇનમેન્ટના સ્રોત ખૂબ ઓછા હતા. તો શું એ સમયે રેડિયોમાં કામ કરવું સહેલું હતું એમ માની શકાય? આ પ્રશ્નના જવાબમાં હસીને કમલ શર્મા કહે છે, ‘હરીફાઈ નહોતી, પરંતુ ચૅલેન્જિસ ખૂબ હતી. એ પણ ટેક્નિકલ ચૅલેન્જિસ. આજના જેવી સગવડ નહોતી. બધું કમ્પ્યુટરાઇઝ્ડ નહોતું એટલે બધું મૅન્યુઅલ હતું અને યાદ રાખવું પડતું હતું. પહેલાં વિવિધ ભારતીમાં ફક્ત રેકૉર્ડેડ પ્રોગ્રામ જ ચાલતા હતા. એ માટે એક ટેપ પર રેકૉર્ડ થતું. એવી ૧૮૦૦થી ૨૦૦૦ કૉપી રેકૉર્ડ બનાવવામાં આવતી અને એને ભારતના દરેક ખૂણે પહોંચાડવામાં આવતી જેથી એકસાથે બધાં સ્ટેશનો પર પૂરા ભારતમાં એકસરખા પ્રોગ્રામો આવી શકે. આ અત્યંત મહેનત માગી લેતું અને સાથે-સાથે ખર્ચાળ પણ એટલું જ હતું. આજે ફક્ત એક લિન્ક અપલોડ કરવાની હોય છે.’

પહેલાંના અને આજના રેડિયોનો મુખ્ય તફાવત જણાવતાં કમલ શર્મા કહે છે, ‘આજના સમયમાં રેડિયો ભલે ફક્ત એન્ટરટેઇનમેન્ટનું જ સાધન હોય, પરંતુ પહેલાં રેડિયો લોકોના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલું પરિબળ હતું, જેને કારણે રેડિયોમાં એટલી શક્તિ હતી કે એ તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલી શકતો હતો. એ સમયનો રેડિયો ઇન્ફોટેઇનમેન્ટથી ચાલતો જેમાં ઇન્ફર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ બન્ને મહત્ત્વનાં હતાં. વળી ફક્ત યુવાનો જ નહીં; સ્ત્રીઓ, બાળકો, ઘરડાઓ, સૈનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ સમાજના બધા જ વર્ગો માટે એ રેડિયોમાં જગ્યા હતી. બધાને ધ્યાનમાં લઈને જ પ્રોગ્રામ્સ બનતા અને એટલે જ દર અઠવાડિયે દસેક હજાર ચિઠ્ઠીઓ દેશના જુદા-જુદા ભાગમાંથી અમારી પાસે આવતી જેમાં દરેક વ્યક્તિએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું હતું.’

આજના સમયના રેડિયોથી તમને કોઈ ફરિયાદ ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘આજના લોકો પણ ખૂબ મહેનત કરે છે અને એટલે જ આટલા લોકપ્રિય છે. લોકપ્રિયતા એમ ને એમ નથી મળતી. જોકે તેઓ ફક્ત યુથને ટાર્ગેટ રાખે છે એ મને યોગ્ય લાગતું નથી. એમાં પણ જાણે કે રાષ્ટ્રીય સમસ્યા પ્રેમ જ હોય એમ એના પર જ વાતચીત ચાલતી હોય છે. મારું માનવું છે કે રેડિયો ફક્ત યુવાનો સાંભળતા નથી. છતાં જો યુવાનો માટે જ કાર્યક્રમ કરતા હો તો પણ એનું કન્ટેન્ટ થોડું રિચ રહે એવી મારી અપેક્ષા છે. ટેક્નિકલી આજનો રેડિયો ખૂબ સરસ છે. જોકે આ એના જેવું છે કે રસોડું તમે એકદમ સેવનસ્ટાર ફૅસિલિટીવાળું રાખો છો, પણ રસોઇયામાં કંઈ દમ નથી તો એનો શું અર્થ? આજના રેડિયોનું કન્ટેન્ટ થોડું સુધરે એવી આશા રાખી શકાય.’

જો રેડિયોએ ટકી રહેવું હશે તો એણે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે? આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘જુનો યુગ સુવર્ણ હતો એ બાબતે કોઈ શંકા નથી, પરંતુ એને પકડીને આગળ નહીં વધી શકાય. એમાંથી ચોક્કસ ઘણું શીખી શકાય, પરંતુ બદલાવ દરેક માધ્યમ માટે જરૂરી છે એ ન ભૂલીએ. લોકો બદલાય છે, એમની જરૂરતો પણ બદલાય છે અને એ જ આધારે માધ્યમે પણ બદલાવું જ રહ્યું. નવું કન્ટેન્ટ, નવા વિચારો, નવી ટેક્નિક અને નવી શૈલીઓ સતત અપનાવતાં-અપનાવતાં સમયની સાથે ચાલતા રહીશું તો ચોક્કસ ટકી શકીશું એવી મને આશા છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 05:56 PM IST | Mumbai | Jigisha Jai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK