Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માનવવસ્તીને કાબૂમાં રાખવાનું કામ કુદરત હાથમાં લે છે ત્યારે....

માનવવસ્તીને કાબૂમાં રાખવાનું કામ કુદરત હાથમાં લે છે ત્યારે....

11 July, 2020 09:58 PM IST | Mumbai
Sanjay Pandya

માનવવસ્તીને કાબૂમાં રાખવાનું કામ કુદરત હાથમાં લે છે ત્યારે....

માનવવસ્તીને કાબૂમાં રાખવાનું કામ કુદરત હાથમાં લે છે ત્યારે....


વસ્તી વિસ્ફોટ અનેક વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે અને કુદરત જ્યારે એને અંકુશમાં લેવાનું શરૂ કરે છે ત્યારે સર્જાય છે ખતરનાક સંહાર. છાશવારે કુદરત મહામારીઓ દ્વારા માનવસંખ્યાને નાથવાની કોશિશ કરી છે. હાલમાં કોરોનાની બીમારીએ આખી માનવજાતનો જીવ તાળવે ચોંટાડી દીધો છે ત્યારે એક નજર ઇતિહાસમાં વણાયેલી એવી તવારીખો પર કરીએ. ભૂતકાળની ભયાવહ મહામારીઓ, એનાં આકરાં લક્ષણો અને મરણાંક જોતાં એક વાત નિશ્ચિત છે કે આજે આપણે વધુ બહેતર સ્થિતિમાં છીએ. અનેક વાર રોગ કયો છે એ સમજાય એ પહેલાં જ મોત ભરખી જતું હતું એની બદલે અત્યારે આપણે આ મહામારી માટે ઘણેઅંશે સજ્જ થઈ શક્યા છીએ. મેડિકલ સાયન્સ એનો બહુ જલદી તોડ કાઢીને ફરી એક વાર સુરક્ષિત વાતાવરણ ઊભું કરે એ દિવસો બહુ દૂર નથી. ભૂતકાળના આ બનાવોમાંથી શીખવા જેવું શીખીને આજે વર્લ્ડ પૉપ્યુલેશન ડે નિમિત્તે ખાસ આશા રાખીએ કે માનવ વધુ લાંબુ જીવે એના કરતાં સ્વસ્થ જીવે.

કાન્હેરી કેવ્ઝનાં પગથિયાંની હારમાળા જ્યાંથી શરૂ થાય છે એ સ્થળે એક અજબ છતાં રસપ્રદ દૃશ્ય જોયું હતું. એ સ્થળે વાંદરાઓ ઘણા છે અને પગથિયાં ચડવાનું શરૂ કરતાં પહેલાં માણસોએ પોતાના હાથમાંની વસ્તુઓ તથા મહિલાઓએ પોતાનાં પર્સ સાચવવાં પડતાં હોય છે. માણસોને હેરાન કરતા વાંદરા પર એ દિવસે એક કૂકડો ભારે પડતો હતો. કૂકડાના વીસ ફીટના વિસ્તારમાં આવતા વાંદરા પર એ સામે દોડીને હુમલો કરતો હતો અને વાંદરો મોઢું વકાસી નજીકના ઝાડની ડાળે ચડી જતો હતો. વિષમ પરિસ્થિતિમાં કે ભય નજીક હોય ત્યારે માનવી હોય કે પશુ હોય કે પછી પક્ષી હોય, દરેક સજીવ પોતાની પૂર્ણ તાકાતથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે છે.



કોવિડ-19ની આ મહામારીમાં પણ આપણે સમગ્ર મનુષ્યજાતિને એક થઈ આ રોગચાળાનો સામનો પોતાની પૂર્ણ ક્ષમતાએ કરતી જોઈ શકીએ છીએ. આપણી આજુબાજુ પણ કોરોના વૉરિયર્સને તથા આ બીમારીથી લડીને ફરી સાજા થઈ જતા દરદીઓને જોઈને હૃદયને એક શાતા મળે છે. આજે ૧૧ જુલાઈના વર્લ્ડ પૉપ્યુલેશનના દિવસે આપણે વિશ્વની માનવજાતિ હચમચાવી નાખતી કેટલીક મહામારી, કેટલાંક યુદ્ધો, કેટલીક કુદરતસર્જક આફતો જેવી બાબતો પર નજર નાખીએ.


કોવિડ-19નો ઉદ્ભવ જેમ ચીનમાં થયો છે એમ સૌથી જૂની મહામારી પણ ચીન સાથે સંકળાયેલી જોવા મળે છે. આઝાદી અગાઉના ભારતમાં જેમ મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિ ઉત્ખનન દ્વારા આપણી સામે આવી એમ પાંચ હજાર વર્ષ અગાઉ એક મહામારીમાં સેંકડો લોકો ચીનના ઉત્તર પ્રાંતના એક ગામમાં મૃત્યુના મુખમાં હોમાઈ ગયા હતા. આ લોકોમાં બાળકો, યુવાનો, વૃદ્ધો બધાં જ હતાં. મહામારીમાં ભોગ બનેલા બધાને કેટલાંક ઘરોમાં સામટા રાખવામાં આવ્યા હશે કે તેમનાં શબનો ત્યાં ઢગલો કરવામાં આવ્યો હશે. ત્યાંના પુરાતત્ત્વ વિભાગે આ સ્થળને જાળવ્યું છે અને એ સ્થળનું નામ છે ’હમીન મંઘા’! પુરાતત્ત્વ વિભાગનું સંશોધન જણાવે છે કે મહામારી એટલી ઝડપથી ફેલાઈ હશે કે શબની અંતિમક્રિયાનો અવકાશ પણ નહીં મળ્યો હોય અને વર્ષો સુધી એ સ્થળ ત્યજી દેવામાં આવ્યું હશે.

ચીનમાંના જ બીજા એક સ્થળે પણ ઉત્ખનન દરમ્યાન મહામારીનો આવો ઇતિહાસ પાંચ હજાર વર્ષ સુધી જળવાયેલો મળી આવ્યો હતો, જેના દ્વારા સિદ્ધ થયું કે આ રોગચાળાએ ઘણા મોટા વિસ્તારની માનવવસ્તીને હતી-નહોતી કરી નાખી હતી.


ગ્રીસના ઍથેન્સ શહેરની મુલાકાતે ગયેલા પ્રવાસીઓએ અઢી હજાર વર્ષ ગર્વથી ઉન્નત મસ્તકે ઊભેલાં એક્રોપોલિસનાં ખંડેરોને જોયાં જ હશે. ઈસુના ૪૩૦ વર્ષ અગાઉના સમયની મહામારી-પ્લેગને પણ આ એક્રોપોલિસે જોયો છે! એ વખતના ગ્રીક ઇતિહાસવિદોએ લખ્યું છે, ‘સારું સ્વાસ્થ્ય ધરાવનાર લોકો પણ આ રોગચાળામાં તાવથી ધખતા હતા. તેમની આંખો લાલ થઈ સૂઝી જતી હતી, તેમનાં ગળાં છોલાઈને લોહી બહાર આવતું હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

ઘણા વિદ્વાનો માને છે કે એ વખતે સ્પાર્ટા અને ઍથેન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. સૈનિકો યુદ્ધને કારણે સ્વાભાવિક રીતે એકબીજાની નિકટ વધુ સમય રહેતા હતા, જેને કારણે રોગચાળો વધુ ફેલાયો અને ખુવારી વધતી ગઈ. રોગચાળા દરમ્યાન પણ ગ્રીસનાં આ બન્ને રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલુ હતું, જેમાં છેવટે ઍથેન્સ સ્પાર્ટા સામે ભાંખોડિયે પડ્યું. પણ એ અગાઉ રોગચાળાએ જ એક લાખ જેટલા લોકોને ભરખી લીધા હતા.

ત્યાર બાદ વિશ્વે એક મોટી મહામારી ઈ. સ. ૧૬૫ પછીના દાયકામાં જોઈ જે એન્ટોનાઇન પ્લેગ તરીકે ઓળખાઈ. ઇતિહાસવિદો નોંધે છે કે પાર્થિયા સાથેના યુદ્ધમાંથી પરત ફરેલા સૈનિકો દ્વારા રોગચાળો રોમન એમ્પાયરમાં પ્રવેશ્યો. આ રોગચાળો સ્મૉલપોક્સ જેવી બીમારીનો હતો, જેણે પચાસ લાખ લોકોનો ભોગ લીધો હતો.

ઈ. સ. ૨૫૦ની આસપાસ સાઇપ્રિઅન પ્લેગ તરીકે ઓળખાતી બીમારીએ ફક્ત રોમમાં જ રોજના ૫૦૦૦ દરદીઓને સ્વર્ગનો રસ્તો દેખાડ્યો હતો. અહીં પણ સામૂહિક દફનની જગ્યાઓ સચવાયેલી મળી આવી હતી. માનવ અવશેષોના અભ્યાસ દ્વારા જણાયું કે એ બીમારી મરડા જેવી હતી જેમાં માનવનાં આંતરડા નબળાં પડી ગયાં અને તેમનાં મોઢાંમાં છાલાં પણ પડ્યાં હતાં. જે મૃતદેહો મળી આવ્યા એ બધાને એ સમયે ચૂનાના આવરણથી ઢાંકીને દફનાવવામાં આવ્યા હતા.

હવે પ્રવેશીએ છઠ્ઠી સદીમાં!

ઈ. સ. ૫૪૧માં આવેલી મહામારીને નામ આપવામાં આવ્યું હતું, જસ્ટિનિયન પ્લેગ. એક આખા સામ્રાજ્યને ભોંયભેગું કરવામાં આ મહામારીનો મોટો ફાળો હતો. આ મહામારીને નામ મળ્યું બાયઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયનના નામ પરથી! મધ્યપૂર્વના દેશોથી લઈને છેક પશ્ચિમ યુરોપ સુધી એનું સામ્રાજ્ય હતું. એણે એ કૅથીડ્રલ બનાવ્યું હતું ‘હેગીઆ સોફિયા’ નામનું જે કૉન્સ્ટન્ટિનોપલમાં હતું. કૉન્સ્ટન્ટિનોપલ એટલે આજનું ઇસ્તાનબુલ! મહામારીના કાળ દરમ્યાન સમ્રાટે પોતાના સામ્રાજ્યના વિવિધ વિસ્તારો પરનો અંકુશ ગુમાવ્યો અને અંતે એ વિસ્તાર ગુમાવ્યા.

ઈ. સ. ૧૩૪૬થી ૧૩૫૩ દરમ્યાન ફરી એક વાર યુરોપ રોગચાળાના સકંજામાં ફસાયું. બ્લૅક ડેથ તરીકે ઓળખાતા રોગચાળાએ ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા જેટલી યુરોપની માનવ વસ્તીને મૃત્યુના મુખમાં ધકેલી દીધી હતી. વાય પેસ્ટીસ તરીકે ઓળખાતા બૅક્ટેરિયા માનવ અને પશુ દ્વારા એકબીજામાં સંક્રમિત થતા હતા. ચીન અથવા મધ્ય એશિયામાંથી આ રોગ યુરોપમાં ફેલાયો હતો એવું માનવામાં આવે છે. ઑક્ટોબર, ૧૩૪૭માં સિસિલીના મેસિના નામના પોર્ટ પર બ્લૅક સીમાંથી આવેલાં બાર જહાજ લાંગર્યાં હતાં. પોર્ટ પરના સ્થાનિક લોકોએ ત્યારે એક ભયાનક દૃશ્ય જોયું હતું. જહાજ પરના મોટા ભાગના ખલાસીઓ મૃત્યુ પામ્યા હતા અને બાકીના કોઈક અજાણ્યા રોગ સામે ઝઝૂમી રહ્યા હતા. સિસિલિયન સત્તાધીશોએ આ જહાજોને પોર્ટથી દૂર કરી દેવાના આદેશ આપ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ રોગે યુરોપમાં ફેલાઈને બે કરોડ લોકોનો ભોગ લીધો હતો. આ રોગમાં દરદીઓને ગળામાં, બગલની નીચે મોટા કદની ગાંઠો થતી અને એમાંથી લોહી અને પરુ વહેતાં. આવી ગાંઠો સાથે તાવ, ઊલટી, ઝાડા, શરીરનું કળતર બધાં જ લક્ષણો દેખાતાં અને દરદી ટૂંક સમયમાં મૃત્યુને ભેટતો. આ ચેપી રોગ પ્લેગ તરીકે જાણીતો થયો. માનવથી માનવ દ્વારા, ઉંદર દ્વારા અને એક નાની જીવાત દ્વારા આ રોગ સમાજના મોટા વર્ગમાં ફેલાતો. શહેરથી ભાગીને લોકો ગામ તરફ દોડ્યા, ત્યાં પણ આ રોગે એમનો ભોગ લીધો; કારણ કે માનવીમાં જ નહીં પણ ગાય, ઘેટાં-બકરાં, ડુક્કર, મરઘી એમ બધાં જ માનવીની નજીક રહેતાં પશુ-પક્ષીઓમાં ફેલાયો હતો.

એ દરમ્યાન વેનેશિયા દ્વારા સંચાલિત રાગુસા નામના બંદરે ખલાસીઓને ક્વૉરન્ટીન કરવાની શરૂઆત કરી. બહારથી આવતા આ સેઇલર્સને શરૂમાં ૩૦ દિવસ અને પછીથી ૪૦ ક્વૉરન્ટીનમાં રાખવાની શરૂઆત થઈ. ઈ. સ. ૧૩૫૦ની આ મહામારી બાદ પ્લેગ અંકુશમાં તો આવ્યો, પણ સદીઓ વીત્યા છતાં ક્યારેક આ રોગ માથું ઊંચકતો રહ્યો છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાના હિસાબે હજી પણ દર વર્ષે ૧૦૦૦થી ૩૦૦૦ કિસ્સા પ્લેગના નોંધાય છે. જોકે આધુનિક ઍન્ટિબાયોટિક દવાઓથી આ રોગ કાબૂમાં રહ્યો છે.

ઈ. સ. ૧૫૪૫થી ૧૫૪૮ વચ્ચે કોકોલિજલી નામની મહામારીએ મેક્સિકો અને મધ્ય અમેરિકાને ભરડામાં લીધાં હતાં. આ મહામારીમાં દોઢ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા.

સોળમી સદી અમેરિકા ખંડ માટે આફત લઈ આવી. સામ્રાજ્યનો ફેલાવો કરવા માગતા યુરોપિયન્સ અમેરિકા ખંડ ફરી વળ્યા અને તેમણે સ્મૉલપોક્સ રોગ ત્યાંના સ્થાનિક લોકોમાં ફેલાવ્યો. ત્યાંના સ્થાનિક લોકોનું લશ્કર પણ આ રોગનું ભોગ બન્યું અને એક અંદાજ પ્રમાણે સ્થાનિક લોકોની ૯૦ ટકા વસ્તીને આ રોગ ભરખી ગયો.

સત્તરમી સદીમાં ઈ. સ. ૧૬૬૫માં લંડન તથા બ્રિટનના અન્ય ભાગ પર પ્લેગના સંકજામાં આવ્યા. ઉંદરો અને નાની જીવાત દ્વારા રોગ લાખો લોકોમાં પ્રસર્યો. એક લાખ લોકોનાં મોત બ્રિટનમાં નોંધાયા, જેમાં લંડનની ૧૫ ટકા વસ્તી ખતમ થઈ ગઈ!

અઢારમી સદીમાં ઈ. સ. ૧૭૭૯ અને ૭૨ વચ્ચે રશિયામાં પણ પ્લેગ ફેલાયો. મૉસ્કોમાં રમખાણો થયાં. આર્કબિશપે લોકોને એકબીજાથી દૂર રહેવા સૂચવ્યું અને સમૂહ પ્રાર્થના માટે ન આવવાનું સૂચવ્યું તો લોકોએ તેમની હત્યા કરી નાખી. રશિયાની એ સમયની રાજકુંવરી કૅથરીન બીજીએ આ મહામારી કાબૂમાં રાખવા ખૂબ પ્રયત્ન કર્યા, એક સમયે તો તેણે મૉસ્કોની બધી ફૅક્ટરીઓને મૉસ્કોની બહાર શિફ્ટ થવાનું કહી દીધું. આ બધું છતાં એ સમયે એક લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા.

ઈ. સ. ૧૭૯૩માં ફિલાડેલ્ફિયામાં યલો ફીવર ફેલાયો. ફિલાડેલ્ફિયા એ વખતે યુ.એસ.નું પાટનગર હતું. ઉનાળાની મોસમમાં મચ્છરોને પોતાનો પ્રભાવ વધારવા યોગ્ય વાતાવરણ મળતું. આ મહામારી મચ્છરો દ્વારા ફેલાતી. ત્યાં શિયાળાની શરૂઆત થઈ અને આ મચ્છરો મરવા માંડ્યા ત્યાર બાદ આ રોગચાળો કાબૂમાં આવ્યો.

ઈ. સ. ૧૮૯૦માં ફ્લુ દ્વારા રશિયામાં અને ૧૯૧૬માં પોલિયો દ્વારા અમેરિકામાં ઘણાં મૃત્યુ નોંધાયાં હતાં.

જોકે વીસમી સદીના બીજા દાયકામાં એટલે કે ઈ. સ. ૧૯૧૮ અને ૧૯૨૦ વચ્ચે મોટી ખુવારી માનવજાતિના લમણે લખાઈ હતી! સ્પૅનિશ ફ્લુએ એ સમયે પાંચ કરોડ લોકોનો ભોગ લીધો હતો. આ નામ કે રોગ સાથે સ્પેનને કંઈ લેવાદેવા નહોતી. પ્રથમ વર્લ્ડ વૉર વખતે સ્પેન ન્યુટ્રલ હતું, એણે કોઈનો પક્ષ લીધો નહોતો. બાકીના દેશોએ યુદ્ધ સમયની સેન્સરશિપમાં અખબારો મુક્ત હતાં એટલે વિશ્વના અન્ય દેશોમાં એવી છાપ પડી કે આ મહામારી સ્પેન પૂરતી જ છે એટલે નામ પડ્યું સ્પૅનિશ ફ્લુ! એચવનએનવન નામના વાઇરસથી આ ફ્લુ અનેક દેશોમાં ફેલાયો હતો. મોટા ભાગે યુવાનો મહામારીમાં વધુ ઇમ્યુનિટી ધરાવતા હોય છે પણ આ રોગચાળાએ વધુ સંખ્યામાં યુવાનોને મૃત્યુના ખપ્પરમાં ધકેલી દીધા હતા.

ચીનમાંથી ઉદ્ભવેલો આ રોગચાળો એટલે એશિયન ફ્લુ, જેણે ૧૯૫૭માં સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને યુએસએના દરિયાકિનારાનાં શહેરોને અસર કરી. ફક્ત અમેરિકામાં જ ૧,૧૬,૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં.

૨૦૦૯-૧૦ મેક્સિકોમાંથી સ્વાઇન ફ્લુએ માથું ઊંચક્યું જેણે ૧૪૦ કરોડ લોકોને બીમારીમાં પટક્યા. ત્રણથી પાંચ લાખ લોકો આ બીમારીમાં મૃત્યુ પામ્યા એવું આંકડાઓ કહે છે. પાંચેક વર્ષ અગાઉ આફ્રિકાના ત્રણ દેશોને ઈબોલાએ પરેશાન કર્યા. આ વાઇરસ પણ ચામાચીડિયામાંથી ઉદ્ભવ્યો છે.

 

આ બધી મહામારીઓએ તો વર્લ્ડ પૉપ્યુલેશનના ગ્રાફમાં વસ્તીનું નિશાન નીચે તરફ લાવવામાં ભાગ ભજવ્યો છે, પણ એ ઉપરાંત પણ કેટલાંક પરિબળો છે જેણે માનવવસ્તીના આંકડાને પછાડ આપી છે.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતની ખુવારીનો આંકડો દોઢથી સવાબે કરોડ માનવજિંદગીનો મુકાય છે, જેમાં સૈનિકો તથા સામાન્ય નાગરિકો બન્નેનો સમાવેશ થાય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ન્યુક્લિયર પાવર, મિસાઇલ્સ, સબમરીન્સ વગેરેના ઉપયોગને કારણે ખુવારીનો આંકડો ખૂબ વધ્યો.

કુદરતી આપદાઓ પણ થોડા-થોડા સમયમાં વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાં આવતી રહે છે જ્યાં મૃત્યુનો આંકડો હજારો ને લાખો સુધી જાય છે. ૧૯૩૧માં ચીનમાં ભયાનક પૂર આવ્યાં હતાં અને ૪૦ લાખ લોકો તણાઈ ગયાનો અંદાજ છે. એ અગાઉ પણ ૧૮૮૭માં ચીનની યલો રિવરે વીસ લાખ લોકોને મૃત્યુના દ્વારે પહોંચાડ્યા હતા. ચીનમાં ઈ. સ. ૧૫૫૬માં આવેલા ધરતીકંપે ૮ લાખ ત્રીસ હજાર લોકોને મૃત્યુના મુખમાં હોમી દીધા તો ૧૯૭૬માં છ લાખ પંચાવન હજાર લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા.

આ ઉપરાંત વાવાઝોડાં, સુનામી, પૂર, જ્વાળામુખી જેવી કુદરતી આપદાઓ માનવીને પોતાનું કદ દેખાડતી રહે છે.

આ બધી મહામારીઓ અને આપદાઓ પછી પણ માનવી ફરી ઊભો થયો છે. કચ્છમાં ભૂકંપ પછીનું નવસર્જન આપણી નજર સામે છે તો બીજી તરફ યુરોપમાં પ્લેગની મહામારી પછી કામદાર વર્ગ ઓછો થતાં ટેક્નિકલ ઇનોવેશન અને ઑટોમાઇઝેશનની દિશા ખૂલી હતી.

તાજેતરમાં કોવિડ-19ની મહામારી સામે પણ માનવી ઝઝૂમી રહ્યો છે અને ન દેખાતા દુશ્મન સામે લડવા પોતાની ઇમ્યુનિટી વિવિધ રીતે વધારી રહ્યો છે. બીજી તરફ એવી પણ અનુભૂતિ થાય છે કે પ્રકૃતિ સાથે ચેડાં કરતા માનવીની સાન ઠેકાણ લાવવા અને એક જાતનું બૅલૅન્સિંગ કરવાના કુદરતના આ ખેલ તો નથીને!

બૉક્સ

માનવવસ્તીનું જાણવા જેવું

૧. ૧૧ જુલાઈને યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ પૉપ્યુલેશન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

૨. આ દિવસે વિશ્વની સમગ્ર વસ્તીને લગતા મુદ્દાઓ પર ફોકસ કરવાનો યુએનનો હેતુ છે, જેમાં માનવીની સાથે પર્યાવરણ અને વિકાસના મુદ્દાઓ પણ સાંકળી લેવાયા છે.

૩. ૧૧ જુલાઈ, ૧૯૯૦થી આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા વિશ્વના ૯૦થી વધુ દેશો માનવવસ્તી, પર્યાવરણ, વિકાસ વગેરે મુદ્દાઓ પર ચિંતન કરે છે અને રિસર્ચના આંકડાઓ રજૂ થાય છે. ફૅમિલી પ્લાનિંગ પણ આમાંનો એક મુદ્દો છે.

૪.  વર્ષ ૨૦૧૯ના આંકડાઓ મુજબ વિશ્વની હાલની વસ્તી ૭ અબજ કરોડ જેટલી છે અને યુએનનો હાલનો અંદાજ ૭ અબજ ૮૦ કરોડનો છે.

૫. ચીન એક અબજ ચાલીસ કરોડ સાથે પ્રથમ સ્થાને છે તો ભારત એક અબજ છત્રીસ કરોડની વસ્તી સાથે બીજા સ્થાને છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 09:58 PM IST | Mumbai | Sanjay Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK