Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ઊડતાં આઇન્સ્ટાઇન

કૉલમ : ઊડતાં આઇન્સ્ટાઇન

11 May, 2019 11:19 AM IST |
રુચિતા શાહ

કૉલમ : ઊડતાં આઇન્સ્ટાઇન

વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે

વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે


કોઈ પણ જાતના ગૂગલ-મૅપ્સ કે જીપીએસની મદદ વિના હજારો કિલોમીટરનું અંતર સાચા અને નિયત રૂટ મુજબ કાપવાની આવડત માઇગ્રેટરી પક્ષીઓમાં હોય છે. તેમની વિશેષતાઓ સાથે મુંબઈમાં આવનારાં પક્ષીઓની ખૂબી, ખાસિયતો વિશે આજે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે પર વાત કરીએ

એક વાત તો તમે સ્વીકારશો કે આ દુનિયામાં જે પણ જીવસૃષ્ટિ દેખાય છે એ કોષોનો સમૂહ છે. માનવશરીરથી લઈને કીડીઓ પણ સેલ્સ એટલે કે કોષોના બનેલા જ છે. આ સેલ્સ બહુ ઇન્ટેલિજન્ટ છે. એટલે જ આ પૃથ્વી પરના દરેક જીવો ઇન્ટેલિજન્સમાં એક સે બઢકર એક જેવા છે. જોકે મનુષ્યો પોતાને ઇકૉસિસ્ટમનું સૌથી વધુ ચતુર પ્રાણી માને છે. આજે માઇગ્રેટરી બર્ડને લગતી કેટલીક વાતો જાણીને તમને લાગશે કે આપણા કરતાં અનેક ઘણાં ઇન્ટેલિજન્ટ તો આ પક્ષીઓ છે. મુંબઈમાં ઑગસ્ટથી લગભગ એપ્રિલ સુધીનો ગાળો એવો હોય છે જેમાં દેશના અને વિદેશના કેટલાક હિસ્સાઓમાંથી પંખીઓ આપણે ત્યાં આવતાં હોય છે અને ખાઈ-પીને તાજાં-માજાં થઈને પાછાં પોતાને દેશ પહોંચતાં હોય છે. પશ્ચિમ ઘાટ, હિમાલય, સાઇબીરિયા, ઉત્તર ચીન, યુરોપ જેવા કેટલાક હિસ્સામાંથી મુંબઈ આવતાં પંખીઓ હજારો કિલોમીટરનું અંતર કેવી રીતે કાપે છે? તેમને થાક નથી લાગતો? તેમને રસ્તો કોણ દેખાડે છે? તેમનો વિસામો ક્યાં હોય છે? મુંબઈમાં તેઓ ક્યાં ધામા નાખે છે? જેવા અનેક પ્રશ્નોના ઉત્તરો આજે આપણે મેળવીએ મુંબઈના કેટલાક પક્ષીનિષ્ણાતો પાસેથી.



માઇગ્રેટ શું કામ કરે?


માઇગ્રેશન એટલે કે ગુજરાતીમાં સ્થળાંતર. આ અંગ્રેજી શબ્દ લૅટિન ભાષામાં માઇગ્રેટ પરથી આવ્યો છે, જેનો અર્થ છે ચેન્જ. બદલાવ. પર્યાવરણ સંવર્ધક અવિનાશ કુબલ કહે છે, ‘પક્ષીઓ એટલાં સ્માર્ટ છે કે તેઓ પોતાને અનુકૂળ બેસ્ટ સીઝન જ્યાં હોય ત્યાં પહોંચી જવાની ક્ષમતા રાખે છે. અતિશય ઠંડી હોય અથવા અતિશય ગરમી કે વરસાદ હોય અને એ સીઝન પોતાને જોઈતા ખોરાક માટે ઉપયુક્ત ન લાગે તો પક્ષીઓ ત્યાંથી સ્થળાંતર કરીને પોતાને જ્યાં ખોરાકની અને હવામાનની શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ મળવાની હોય ત્યાં પહોંચી જાય છે. આપણે ત્યાં પૃથ્વીની ગતિને કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુ આવે છે. હવે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ખૂબ જ બરફ હોય અને ચારેય બાજુ બરફને કારણે પંખીઓને પોતાનો ખોરાક મળવો બંધ થઈ જવાનો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમનામાં રહેલી સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ તેમને એ જગ્યાએથી સ્થળાંતર કરાવડાવીને વધુ સુરક્ષિત જગ્યાએ જવાની પ્રેરણા કરે. ઇન શૉર્ટ અતિશય ઠંડી અથવા અતિશય ગરમી હોય એવા સ્થળનાં પંખીઓ સીઝન મુજબ માઇગ્રેટ કરતાં હોય છે. મોટા ભાગે માઇગ્રેશન ઉત્તરથી દક્ષિણ તરફ થતું હોય છે.’

પંખીઓને રૂટ કેમ ખબર પડે?


આપણે ત્યાં મુંબઈમાં સાઇબીરિયા, યુરોપ, ઉત્તર ચીનથી પણ પંખીઓ આવે છે. લગભગ ત્રણ-ચાર હજાર કિલોમીટરનું અંતર તેઓ સહજ કાપી લેતાં હોય છે. હવે આ બર્ડ્સને રૂટની કેવી રીતે ખબર પડે? જવાબમાં મુંબઈમાં બર્ડ વૉચર ક્લબ શરૂ કરનારા અને ૨૫ વર્ષથી નૅચર ઇન્ડિયા નામની કંપની દ્વારા લોકોને બર્ડ વૉચિંગ કરાવનારા આદેશ શિવકર કહે છે, ‘પંખીઓને રૂટ્સની કેવી રીતે ખબર પડે છે એનાં કારણો આપણે સાબિત કરી શક્યા નથી. જોકે ત્રણ-ચાર ફેમસ થિયરી વૈજ્ઞાનિકોએ લગાવી છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે પંખીઓ મૅગ્નેટિક વેવ્સને જોઈ શકતાં હોય છે અને એના આધારે પોતાનો રૂટ નક્કી કરતાં હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો સૂરજ અને તારાની કન્ડિશનને સમજીને પક્ષીઓ પોતાનો રૂટ નક્કી કરે છે એવો દાવો કરે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મતે પક્ષીઓ પોતાના ફ્લાયવેમાં (આપણે ત્યાં હાઈવે હોય છે એમ માઇગ્રેટરી બર્ડના ઊડવાના રૂટને ફ્લાયવે કહેવાય છે.) વચ્ચે આવતાં નદી, નાળાં, પર્વતો વગેરે લૅન્ડમાર્કને યાદ રાખીને પોતાનો રૂટ નક્કી કરતાં હોય છે. આ બધી જ થિયરી અંદાજિત છે.’

વજન વધારે પહેલાં

કેટલાંક પંખીઓ ટોળાંમાં તો કેટલાંક એકલાં પણ લાંબો પ્રવાસ ખેડતાં હોય છે. કેટલીક વાર જૂના અનુભવી પક્ષીઓ પાછળ અને તેમની સાથે નવાં પંખીઓ પોતાના ઊડવાના રૂટને સમજતાં હોય છે. પંખીઓ ખાસ અંગ્રેજી આલ્ફાબેટ્સ વી આકારમાં શું કામ ઊડતાં હોય છે, કારણ કે વી આકારમાં ઊડવાથી તેમને હવાનું રેઝિસ્ટન્સ ઓછું સહેવું પડે છે, જેથી તેમની પાંખો દ્વારા એનર્જી ઓછી વપરાય છે. બીજું આ આકરને કારણે દરેક પંખીઓ એકબીજા સાથે આસાનીથી કમ્યુનિકેટ કરી શકે છે. માઇગ્રેટરી બર્ડની બીજી એક ખૂબી એ છે કે તેઓ પોતાનો લાંબો પ્રવાસ શરૂ કરે એ પહેલાં પેટ ભરીને ખાતાં હોય છે. પેટ ભરીને પણ નહીં, પણ પોતાની જરૂરિયાત હોય એનાં કરતાં પણ વધારે ખાતાં હોય છે અને વજન વધારતાં હોય છે. આદેશ શિવકર કહે છે, ‘ધારો કે કોઈ પક્ષીનું વજન સો ગ્રામ હોય તો તે પોતાનું વજન બસ્સો અઢીસો ગ્રામ થઈ જાય એટલી વધારાની ફૅટ જમા કરવા એક્સ્ટ્રા ખોરાક લેતા હોય છે અને વજન વધ્યા પછી લાંબો પ્રવાસ શરૂ કરે અને એ પ્રવાસ દરમ્યાન બાકીની બધી સિસ્ટમ બંધ કરીને પોતાની બધી જ એનર્જી ઊડવામાં અને શ્વાસોશ્વાસ લેવામાં વાપરતાં હોય છે. આ જ કારણ છે કે કેટલાંક પક્ષીઓ એક-એક અઠવાડિયું કોઈ વિસામો લીધા વિના એકધારું ઊડી શકતાં હોય છે અને છેલ્લે જ્યારે તેઓ પોતાના નિયત સ્થાને પહોંચે ત્યારે વધારાની બધી જ ફૅટની એનર્જી વાપરી લીધી હોય અને તેમના મૂળ વજન પર પણ તેઓ પહોંચી ગયાં હોય. બીજું લાંબા પ્રવાસ દરમ્યાન પંખીઓ ઊંઘે નહીં, પણ પાંચ-પાંચ અને દસ-દસ સેકેન્ડની પાવરનૅપ વચ્ચે વચ્ચે લઈ લેતાં હોય છે.’

આ જ સંદર્ભે માઇગ્રેટરી બર્ડની બીજી એક ખૂબી વર્ણવતાં અવિનાશ કુબલ કહે છે, ‘જનરલી બધાં જ પક્ષીઓ સરેરાશ આઠ કલાક સડસડાટ ઊડી શકતાં હોય છે અને ઍવરેજ ત્રણસોથી ચારસો કિલોમીટરનું અંતર કાપતાં હોય છે. મોટા ભાગે તેઓ રાતના સમયે ઊડવાનું પ્રીફર કરતાં હોય છે, કારણ કે એ સમયે તેમના પર હુમલો કરી શકે એવાં શિકારી પક્ષીઓનો ભય ઓછો હોય છે તેમ જ રાતના સમયે હવા પણ થોડીક મંદ હોય છે. રાતે થાક ઓછો લાગે અને તરસ પણ ઓછી લાગે. મોટા ભાગનાં પંખીઓ દરિયા અને જંગલ પરથી પ્રવાસ કરવાનાં આગ્રહી હોય છે. આ પંખીઓ પોતાના વિસામાનું સ્થળ પણ નથી બદલતાં હોતાં. એટલે કે હોલ્ટ કરવાની જગ્યા પણ તેમની ફિક્સ હોય. પંખીઓ મોટા ભાગે ખાવાનો પૂરતો પુરવઠો મળી રહે એવાં સ્થળોએ જ પોતાનો ઉતારો રાખતાં હોય છે.’

જોખમ પણ હોય

કેટલાંક પંખીઓ આ લાંબા માઇગ્રેશન દરમ્યાન મૃત્યુ પણ પામતાં હોય છે. માનવવસાહતો અને પ્રદૂષણનો ભોગ પંખીઓ હવે મોટી માત્રામાં બની રહ્યાં છે. આદેશભાઈ કહે છે, ‘પંખીઓ પોતાની રીતે જ બેસ્ટ સીઝનનો લાભ લેવાનું વિચારે ત્યારે જીવનું જોખમ પણ રહેલું છે એ વાત જાણતાં હોય છે. અત્યારે જ ફેનીમાં પણ આવાં ઘણાં માઇગ્રેટરી બર્ડ્સ સમાપ્ત થઈ ગયાં. આ ઉપરાંત હવે ઓછાં થઈ રહેલાં જંગલો, ઇલેક્ટ્રિક વાયરો અને રેડિયેશનના વધતા પ્રભાવે માઇગ્રેટરી બર્ડ્સ સામે મોટું જોખમ ઊભુ કર્યું છે.’

મુંબઈનાં મહેમાનો

આપણે ત્યાં મુંબઈમાં લગભગ પક્ષીઓની ૩૫૦ પ્રજાતિઓ રેકૉર્ડ થઈ છે, જેમાંથી લગભગ ૩૦ માઇગ્રેટરી બર્ડ્સ છે. મુંબઈમાં આવતાં માઇગ્રેટરી બર્ડ વિશે વિગત આપતા આદેશ શિવકર કહે છે, ‘મુંબઈમાં શિયાળો માઇગ્રેટરી બર્ડનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. ત્રણ પ્રકારનાં માઇગ્રેટરી બર્ડ્સ લગભગ બધે જ જોવા મળતાં હોય છે. આપણે ત્યાં પણ. સૌથી પહેલાં ફૉરેસ્ટ હેબિટન્ટ્સ એટલે કે જંગલોમાં અને હરિયાળીનું પ્રમાણ વધુ હોય એવાં સ્થળોએ. વર્ડિટર ફ્લાય કૅચર, ઇન્ડિયન બ્લુ રોબિન્સ, એશોલી ડ્રોન્ગો જેવાં કેટલાંક ખાસ પક્ષીઓની પ્રજાતિઓ તમને સંજય ગાંધી નૅશનલ પાર્ક, માહિમ નૅચર પાર્ક, ગોદરેજ મેનગ્રોવ્સ, આરે કૉલોની, ફાઇવ ગાર્ડન્સ જેવાં ઘણાં સ્થળો છે જ્યાં આકાશથી આ દેવદૂતો આવીને પોતાની વસાહત થોડાક સમય માટે અહીં સ્થાપે છે અને પછી પાછાં વેધર બદલાય એટલે પોતાના મૂળ સ્થાને પહોંચી જાય છે. જંગલો બાદ વેટલૅન્ડ્સમાં પણ ઘણાં માઇગ્રેટરી બર્ડ્સ આવે છે. સાઇબીરિયાથી આવતા સેન્ડ પાઇપર્સ, , પ્લોવર્સ, પાઇડ એવોસેટ, રેડ શેન્ડ્સ, વિમ્બ્રેલ જેવાં પક્ષીઓ લગભગ દસ-પંદર દિવસનો પ્રવાસ ખેડીને મુંબઈ આવતા હોય છે, જે તમને પવઈ લેક, લોખંડવાલા મેનગ્રોવ્સ, ગોરાઈ, ભાંડુપ પમ્પિંગ સ્ટેશન, થાણે-ઐરોલી ક્રિક, વિક્રોલી મેનગ્રોવ્સ જેવી જગ્યાએ જોવા મળશે. કચ્છથી આવતાં ફ્લેમિંગો વિશે પણ તમે જાણો છો.’

ક્યા બાત હૈ

Bar Tailed Godwit

બાર ટેઇલ્ડ ગોડવિડ નામનું માઇગ્રેટરી બર્ડ ભારતમાં અને ન્યુ ઝીલૅન્ડમાં પણ જોવા મળે છે. આ બર્ડ સાઇબીરિયા અને અલાસ્કાથી માઇગ્રેટ થાય છે. સૅટેલાઇટથી આ પક્ષીના પ્રવાસને ટ્રૅક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અલાસ્કાથી ન્યુ ઝીલૅન્ડનું ૧૫ હજાર કિલોમીટરનું અંતર લગાતાર ઊડીને ૧૧ દિવસના આ નાનકડા પંખીએ પાર પાડ્યું હતું.

ક્યા બાત હૈ

Sanderling Calidaris Alba

સેન્ડર લિંગ્સ નામનું આ સો ગ્રામ વજન ધરાવતા આ પક્ષીએ નોર્વેથી ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં લગભગ છ દિવસમાં સાડા છ હજાર કિલોમીટર અંતર કાપ્યું હતું. એક મટકું માર્યા વિના કે એક ઘડીનો આરામ કર્યા વિના લાગલગાટ આ ચીંટુકડું પક્ષી ઊડી શક્યુ હતું.

આ પણ વાંચો : યાદ કરો છેલ્લે તમે પેટ પકડીને ખડખડાટ ક્યારે હસ્યા હતા?

પતંગિયાંઓ પણ ઓછાં નથી કંઈ

જેમ પંખીઓ માઇગ્રેશન કરે છે એમ પતંગિયાઓ પણ માઇગ્રેશન કરતાં હોય છે. હાર્ડલી એકાદ-બે મહિનાનું સરેરાશ આયુષ્ય ધરાવતા પતંગિયાંઓ દેશ ટુ દેશ નહીં, પણ શહેર ટુ શહેર માઇગ્રેશન કરી શકતાં હોય છે. પતંગિયાના જીવન પર ઊંડો અભ્યાસ કરનારા બૉમ્બે નૅચર હિસ્ટરી સોસાયટીના ભૂતપૂર્વ અધિકારી અને આઇ નૅચરવૉચ ફાઉન્ડેશનના ફાઉન્ડર આઇઝેક ખેઇમકર કહે છે, ‘પશ્ચિમ ઘાટથી પતંગિયાઓ મુંબઈ આવતાં હોય છે. જોકે તેઓ એક જ શૉટમાં પહોંચી શકતાં નથી એટલે તેમનો પ્રવાસ તેમના વંશજો પૂરા કરતા હોય છે. મજાની વાત એ છે કે પતંગિયાંનાં મૂળ ક્યાં છે એ બાબત તેમને જેનેટિકલી ખબર હોય છે. બટરફ્લાયને પણ વધુ પડતો વરસાદ કે વધુ પડતી ગરમી માફક નથી આવતી. જેથી તેઓ સ્થળાંતર કરી દેતા હોય છે અથવા તો કોઈ જગ્યાએ શેલ્ટર લઈ લેતાં હોય છે. સંજય ગાંધી નૅશનલ પાર્કમાં યેઉર કરીને જગ્યા છે જ્યાં સેંકડો બટરફ્લાય રેસ્ટ કરતાં હોય છે. અઠવાડિયા સુધી કોઈ પણ ખોરાક વિના તેઓ ત્યાં રેસ્ટ કરીને વિપરીત વેધરનો સમય પસાર કરી લેતાં હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2019 11:19 AM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK