તમે બ્લડપ્રેશર છેલ્લે ક્યારે ચેક કરાવેલું?

Published: May 17, 2019, 12:47 IST | સેજલ પટેલ | મુંબઈ

જો છેલ્લા છ મહિનામાં ન કરાવ્યું હોય તો એક વાર અચૂક કરાવી આવો. આપણી રહેણીકરણી, ખાણીપીણી અને સ્ટ્રેસફુલ વર્કસ્ટાઇલને કારણે રક્તવાહિનીઓમાં લોહીનું દબાણ ઊંચું હોય અને તમને ખબર પણ ન હોય એવું બની શકે છે.

આપણા શરીરને કાર્યરત રાખવા માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે. ઑક્સિજનના અભાવે ગણતરીની ક્ષણોમાં શરીરની તમામ સિસ્ટમ શટડાઉન થઈ જાય. શરીરના પ્રત્યેક કોષને ઑક્સિજન પહોંચાડવાનું કામ કરે છે લોહી. ચોક્કસ સ્પીડ સાથે આપણા શરીરની લાખો કોશિકાઓમાં લોહી વહે એ માટે હૃદય પમ્પની જેમ ધબકે છે. હૃદયમાંથી લોહી આખા શરીરમાં ધમની દ્વારા વહે છે. 

લોહીના પ્રવાહનું દબાણ વધી જાય

ત્યારે ધમનીની આંતરિક દીવાલ પર પ્રેશર વધુ આવે એને હાઇપરટેન્શન કહે છે. આપણે હાઇપરટેન્શનને રોગ માનીએ છીએ, પણ હકીકતમાં એ રોગ નથી. મેડિકલ સાયન્સ એને રોગ નથી કહેતું, કેમ કે લોહીનું દબાણ વધવું એ અનેક રોગોની શક્યતા દર્શાવતું એક લક્ષણ છે. આ એવી કન્ડિશન છે જે તમને ચેતવે છે કે કાં તો તમારી રક્તભિસરણ વ્યવસ્થામાં ગરબડ છે જે તમારા આંતરિક અવયવોની કામગીરીમાં આજે નહીં તો કાલે દખલ ઊભી કરશે. કાં પછી ઑલરેડી આંતરિક અવયવોમાં ગરબડ થઈ ચૂકી છે જેને કારણે હાઇપરટેન્શન એક લક્ષણ તરીકે ઊભરી આવ્યું છે.

લક્ષણોથી અજાણ

આપણી બદલાયેલી જીવનશૈલીને કારણે છેલ્લા બે દાયકામાં ઉચ્ચ રક્તચાપની સમસ્યામાં લગભગ ત્રણગણો વધારો થયો છે. પાર્લાના ૨૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુનીલ શાહ કહે છે, ‘પહેલાં મોટા ભાગે પચાસ વર્ષ પછી લોકોને બીપીની તકલીફ થતી હતી, પણ હવે ૩૦-૩૫ વર્ષના બીપીના દરદીઓની સંખ્યા વધી ગઈ છે. ચિંતાજનક બાબત એ છે કે હવે ટીનેજર્સમાં પણ સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલને કારણે બીપી જોવા મળે છે. અતિશય ઓબીસ બાળકો પણ હાઇપરટેન્શનની ચપેટમાં આવી ગયા છે. ટૂંકમાં, કોઈ પણ એજની વ્યક્તિ આ કન્ડિશનના ભરડામાંથી બાકાત રહી શકે એમ નથી.’

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ લગભગ ૫૦ ટકાથી વધુ લોકોને બ્લડપ્રેશર હાઈ રહેતું હોવાની જાણ જ નથી. એનું કારણ એ છે કે એનાં દેખીતાં કોઈ લક્ષણો નથી હોતાં. એ જ કારણસર તમે
જોયું હોય તો નાનીમોટી કોઈ પણ ફિઝિકલ ફરિયાદ લઈને તમે ફૅમિલી ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને શું થાય છે એ વિશે વાતચીત કરતાં-કરતાં ડૉક્ટર સૌથી પહેલાં પલ્સ અને બ્લડપ્રેશર માપે છે. માથું દુખે છે, થાક લાગે છે, શ્વાસ ચડે છે, છાતીમાં દુખે છે કે ઈવન પેટમાં દુખે તો પણ બ્લડપ્રેશર માપવામાં આવે છે.

બીપીથી થતી બીમારી

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ બીપીને લગતી બીમારીઓને કારણે દર ત્રણ સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે. એનું નિવારણ કરવું હોય તો જીવનશૈલી સુધારવાની સાથે નિયમિતપણે બ્લડપ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ, નહીંતર બ્લડપ્રેશર છાનામાના શરીરમાં ઘર કરી જાય અને મુખ્ય અવયવોને ખતમ કરી નાખે ત્યાં સુધી ખબર નથી પડતી. બીપી શરીરના કયા અવયવોને કઈ રીતે ડૅમેજ કરી શકે એમ છે એ વિશે ડૉ. સુનીલ શાહ પાસેથી જાણીએ.

૧. ધમનીને નુકસાન

લાંબા ગાળા સુધી ઊંચું બ્લડપ્રેશર રહ્યા જ કરે તો એનાથી ઑક્સિજનવાળું લોહી શરીરનાં વિવિધ અંગોને પહોંચાડતી ધમનીઓની આંતરિત દીવાલના કોષો ડૅમેજ થાય છે. ધમનીની સંકોચન અને પ્રસરણની લવચિકતા ઘટે છે એને કારણે શરીરમાં છેવાડાના ભાગો સુધી જરૂરી લોહી પહોંચવાનું ઘટે છે.

૨. હાર્ટને ડૅમેજ

હાઇપરટેન્શનને કારણે ધમનીઓ ડૅમેજ થવાથી હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ સાંકડી અને કડક થાય છે એને કારણે કોરોનરી આર્ટરી ડિસીઝ થઈ શકે છે. ઊંચું દબાણ હોવાને કારણે આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે હૃદયે વધુ જોરથી પમ્પ કરવું પડે છે. એને કારણે લાંબા ગાળે હૃદયના સ્નાયુઓ નબળા પડે છે અને શરૂઆતમાં હૃદયની ડાબી બાજુની ચેમ્બર પહોળી થઈ શકે છે. લાંબા સમય પછી એની અસર હૃદયના સ્નાયુઓની કાર્યક્ષમતા ઘટાડી દે છે અને હાર્ટ-ફેલ્યરની સંભાવના વધે છે.

૩. મગજને ડૅમેજ

ઊંચા બ્લડપ્રેશરને કારણે અચાનક થોડી ક્ષણો માટે મગજને લોહીનો પુરવઠો મળતો અટકી જાય છે. આવી સ્થિતિમાં મિનીસ્ટ્રોક એટલે કે જેને મેડિકલ ભાષામાં ટ્રાન્ઝિઅન્ટ ઇસ્કેમિક અટૅક આવે છે. આવું થવું એ બતાવે છે કે તમને ક્યારેક મેજર સ્ટ્રોક આવવાની સંભાવના વધુ છે. ઘણી વાર મગજના ચોક્કસ ભાગમાં ઑક્સિજન અને પોષક તkવો પહોંચવાનું અટકી જાય અને બીજી તરફ જો બેકાબૂ બ્લડપ્રેશર હોય તો એવા સમયે સ્ટ્રોક આવે છે. મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ નબળી કે ખરાબ થાય છે જેને કારણે એ સાંકડી થાય અથવા તો ફાટી જઈને હૅમરેજ કરી શકે છે. હાઇપરટેન્શનને કાબૂમાં ન લેવામાં આવે તો ઑક્સિજનના અભાવે ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભંþશ અને યાદશક્તિ ક્ષીણ કરતી સમસ્યા થાય છે.

૪. કિડનીની ખરાબી

લોહીમાંથી વધારાનું ફ્લુઇડ અને નકામાં દ્રવ્યો ગાળીને બહાર ફેંકવાનું કામ કિડની કરે છે. કિડની ફેલ્યર થવાનું સૌથી કૉમન કારણ હાઇપરટેન્શન છે. બીપીને કારણે કિડનીને બેવડો માર પડે છે, કેમ કે
એમાં કિડનીમાં શુદ્ધિ માટે લોહી લાવવાનું કામ કરતી મોટી રક્તવાહિનીઓ પણ ડૅમેજ થાય છે અને કિડનીને કાર્યરત રાખવા માટે જે નાની રક્તવાહિનીઓ હોય છે એ પણ ખરાબ થાય છે. એમાં જો ડાયાબિટીઝની સમસ્યા ભળે તો કિડનીને બચાવવી બહુ મુશ્કેલ છે.

૫. વિઝન

આંખમાં લોહી પહોંચાડતી અતિસૂક્ષ્મ રક્તવાહિનીઓ ડૅમેજ થાય તો એનાથી રેટિના એટલે કે આંખના પડદાને પૂરતો ઑક્સિજન અને લોહી મળતાં નથી જેને કારણે રેટિનોપથી થઈ શકે છે. અતિશય બેકાબૂ બીપી થઈ જાય તો આંખમાંથી લોહી વહે, વિઝન બ્લર થઈ જાય અને ક્યારેક સંપૂર્ણપણે વિઝન જતું રહે એવું પણ બને.

આ પણ વાંચોઃ કૉલમ : રાતે પણ લેન્સ પહેરીને તમે સૂઈ જાઓ છો?

૬. જાતીય સમસ્યાઓ

હાઇપરટેન્શનને કારણે ખાસ કરીને પુરુષોની જાતીય સમસ્યાઓમાં જબરો વધારો થયો છે. આમેય ૫૦-૫૫ વર્ષ પછી પુરુષોમાં ઉત્તેજનાની ઓટ આવે છે. એમાંય જો બ્લડપ્રેશરની સમસ્યા હોય તો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની તકલીફ વધી જાય છે, કેમ કે ઉત્તેજના વખતે જનનાંગોમાં લોહીનો ધસારો થવામાં અવરોધ પેદા થાય છે. સ્ત્રીઓમાં પણ હાઇપરટેન્શનને કારણે જાતીય અડચણો આવે છે જેમ કે ઉત્તેજના વખતે જનનાંગોમાં લોહીનો ધસારો થવામાં અવરોધ થતો હોવાથી વજાઇનલ ડ્રાયનેસ, પેનિટ્રેશન વખતે પીડા અને ઑર્ગેઝમ અનુભવવામાં મુશ્કેલી થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK