(અલ્પા નર્મિલ)
વેલ, કોઈ પણ સામાન્ય બાળકી જેવું જ અંકિતાનું આ સપનું છે; પણ ચોથા ધોરણમાં ભણતી અંકિતાએ આ સપનું તેની નિર્જીવ આંખે જોયું છે, કારણ કે તેની આંખોમાં અમી નથી. અંકિતા જન્મથી જ જોઈ નથી શકતી.
સમય હતો ૨૦ ઑક્ટોબર ૨૦૧૧ની સલૂણી સાંજનો. સ્થળ હતું દાદર (ઈસ્ટ)ના હિન્દમાતા વિસ્તારમાં આવેલી શ્રીમતી કમલા મહેતા સ્કૂલ ફૉર બ્લાઇન્ડ ગર્લ્સ-દાદરનું પ્રાંગણ અને અવસર હતો અહીં ભણતી અને રહેતી જોઈ ન શકતી બાળાઓ માટે આયોજિત રાસ-ગરબાનો. અંકિતા જેવી પાંચથી ૧૮ વર્ષની ૧૬૩ છોકરીઓ જીવનમાં પહેલી વખત નૉર્મલ વ્યક્તિઓની જેમ દોઢ હજાર સ્ક્વેરફૂટના ગ્રાઉન્ડમાં મોટા વતુર્ળમાં બે તાળી, ત્રણ તાળી, હીંચ, ઈવન પોપટ અને ગરબાનાં અવનવાં અર્વાચીન સ્ટેપ્સ પર લયબદ્ધ, રિધમમાં અને ગ્રેસફુલી નાચી હતી.
જોઈ ન શકતી છોકરીઓ ગરબા રમશે એ જાણીને પહેલો સવાલ એ થયો કે કઈ રીતે? રમતાં-રમતાં કોઈનો ધક્કો વાગે, ગ્રુપ તૂટી જાય કે એક જ જગ્યાએ બધા જમા થઈ જાય અને વૉટ અબાઉટ દિશાભાન? ગોળ ફરી તેઓ કયા સ્થળે ઊભી છે એ કઈ રીતે જાણી શકશે?
જોકે આ પ્રશ્નોના જવાબ માતાજીની આરતી બાદ પહેલો ગરબો શરૂ થયો ત્યારે જડી ગયા. પછી તો એક પછી એક ગરબા, પ્રખ્યાત હિન્દી ફિલ્મોનાં ગીતોની ટ્યુન, મિડિયમ-તેજ-અતિ ફાસ્ટ મ્યુઝિક પર તેઓ નાચી, મન મૂકીને નાચી. એમાં ક્યાંય ધક્કામુક્કી ન થઈ કે ન કોઈ પડ્યું-આખડ્યું. સમગ્ર પ્રક્રિયા આયોજનબદ્ધ અને સ્મૂધ્લી ચાલી.
આ કાર્યક્રમના આયોજક અને સ્પૉન્સર નવરાત્રિ ઉત્સવ મંડળ-આગ્રીપાડાના પ્રમુખ ભરત ગડા હતા. તેઓ કહે છે, ‘અહીં બાળાઓ માટે અવનવા ઉત્સવો યોજાય છે. વર્ષના બધા મુખ્ય તહેવારોની ઉજવણી તેમ જ સ્ર્પોટ્સ, નાટ્યપ્રવૃત્તિ, સિન્ગિંગ, વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ પણ થાય છે; પણ આ છોકરીઓ શ્રી શક્તિની ભક્તિરૂપે ગવાતા ગરબાથી વંચિત રહી જાય છે. નૉર્મલ વ્યક્તિઓ વચ્ચે તો તેમને રમાડવાનું શક્ય નથી બનતું એટલે અમે ફક્ત જોઈ ન શકતી બાળાઓ માટે જ રાસ-ગરબાનું આયોજન કરવાનું નક્કી કર્યું; પણ નવરાત્રિ દરમ્યાન તેમની સત્રાંત પરીક્ષાઓ ચાલતી હોવાથી અમે નવરાત્રિ બાદ આ ઉત્સવ યોજ્યો અને જ્યારથી અહીંની બાળાઓને રાસ-ગરબા થવાના છે એવી જાણ થઈ હતી ત્યારથી તેમનો ઉત્સાહ અને થનગનાટ અવર્ણનીય અને અકલ્પનીય હતો.’
હા, તેમનો ઉત્સાહ અને ઉમંગ તો સમસ્ત વાતાવરણમાં ચહેકતો હતો જ. એમાં પણ ચાલીસેક બાળાઓએ તો પારંપરિક રાજસ્થાની-ગુજરાતી ચણિયાચોળી અને એને અનુરૂપ ઘરેણાંઓ પણ પહેર્યા હતાં. આ બાળાઓએ ડાન્સટીચર પાસે સ્પેશ્યલ ટ્રેઇનિંગ લીધી હતી. સ્કૂલનાં નૃત્યશિક્ષિકા પાયલ આડકર કહે છે, ‘જે કન્યાઓને ડાન્સમાં વધુ રુચિ છે તેમને અમે નવાં સ્ટેપ્સ શીખવ્યાં અને કઈ સંજ્ઞા તથા કયા શબ્દોથી ક્યારે સ્ટેપ્સ ચેન્જ કરવાં એ ટેક્નિક પણ શીખવી. ફક્ત સાત દિવસની આ કેળવણી બાદ તેમણે કમાલ કરી નાખી.’
ખરેખર એક જ તાલમાં એકસાથે રાઇટ-લેફ્ટ, આગળ-પાછળ કે ગોળ ફરતી અથવા પછી કૂદકો મારતી તથા ઉપર-નીચે વળતી આ બાળાઓને જોઈને તેમને સલામ ભરવાનું મન થઈ જાય.
જોકે અન્ય છોકરીઓ પણ કંઈ કમ નહોતી. ટીચર્સના સહકારથી તેઓ મનમાં સ્ટેપ્સની ગણતરી કરી ડાબે-જમણે વળી ઊંધા વળી, કેડેથી નીચે નમી તાળીઓના તાલે તરવરાટથી ફુલ એનર્જીથી ગરબે ઘૂમતી રહી. આ ચેતનવંતું દૃશ્ય જોઈને એવું પ્રતીત થતું હતું જાણે જગત જનની જોગમાયા આ નર્દિોષ બાળકીઓ સ્વરૂપે રમી રહ્યાં છે.
અમે પ્રામાણિકતા અને નિષ્ઠાના પાઠ પણ ભણાવીએ છીએ -પ્રિન્સિપાલ ઉમા મુંબઈકર
આ જ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થિની, પછી શિક્ષિકા અને હવે પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ઉમા મુંબઈકર બાળાઓના માનસિક સ્તરને ઊંચું લાવવા કટિબદ્ધ છે. જોઈ ન શકતાં ઉમાબહેન કહે છે, ‘ઈશ્વરે આ બાળાઓનાં નયનમાં જાન નથી મૂક્યો એટલે તેમણે કોઈકને આધીન રહેવું પડે, પણ એથી કંઈ સમાજને ભારરૂપ ન બનાય. સમાજ તેમને મદદરૂપ થાય છે તો તેમણે પણ સમાજના અમુક વર્ગ માટે કશુંક નક્કર કરવું જ જોઈએ એ ન્યાયે અમે અમુક ખાસ દિવસે આ બાળાઓએ બનાવેલી અમુક વસ્તુઓ કે ખાદ્યપદાર્થો વેચાણાર્થે મૂકીએ છીએ અને એ આવકને અનાથાશ્રમ કે માનસિક રીતે અક્ષમ બાળકોની સંસ્થાને દાન કરીએ છીએ. આ કાર્યથી આ બાળાઓમાં સમાજ પ્રત્યે કૃતજ્ઞતા કેળવાય છે.’
ઉમાતાઈ અને અન્ય સ્ટાફ-મેમ્બરો બાળાઓમાં એટલાં પ્રિય છે કે રજાઓ અથવા વેકેશન દરમ્યાન ઘરે જતી બાલિકાઓ ટીચર્સ અને માસીને મિસ કરે છે. આ સંદર્ભે ઉમાબહેન કહે છે, ‘ઘણા કિસ્સામાં મા-બાપ પોતાની જોઈ ન શકતી પુત્રીને ખૂણામાં ધકેલી દે છે તેમ જ તારાથી કંઈ થશે નહીં, તને કંઈ આવડશે નહીં એવું કહીને તેનો આત્મવિશ્વાસ ભાંગી નાખે છે. એવા પેરન્ટ્સનું પેરન્ટિંગ કરીને અમે તેમને સાચી સમજણ અને શીખ આપીએ છીએ. આમ છતાં દરેક વખતે એ શિખામણો પળાતી નથી. અહીં સ્કૂલમાં તેમને સ્વતંત્રતા, મોકળાશ અને મમતા મળવાથી આ બાળાઓ વધુ મજેથી રહે છે.’
ખૂબ રમી રમણીઓ
અંકિતા કામ્બેકર
ત્રણ ચક્કર ફરી ગરબાની અઘરી સ્ટાઇલ પોપટ રમતી અંકિતા કામ્બેકરે ૧૩ વર્ષની ઉંમરમાં પહેલી વખત ચણિયાચોળી પહેર્યા હતાં. તેને પૂછ્યું, ‘તને ચણિયો ફાવે છે? રમતાં-રમતાં પગમાં નથી આવતો?’
હાથનાં ટેરવાં અને હથેળીથી પોતાના પરિધાનને સ્પર્શ કરીને મલકાતી અંકિતાએ કહ્યું, ‘મને આ ડ્રેસ બહુ ગમે છે. એની સાથે ઘરેણાં પહેરીને રમવામાં મને બહુ મજા પડે છે.’
દહિસરની ચાલમાં રહેતા કાર્પેન્ટર પિતા અને ગૃહિણી માતાની પુત્રી અંકિતા આમ તો ૧૩ વર્ષની છે પણ હજી ચોથા ધોરણમાં ભણે છે, કારણ કે તે અહીં મોડી દાખલ થઈ. તે કહે છે, ‘મારાં માતા-પિતા ગરીબ છે એટલે ચણિયાચોળી તો શું મારી પાસે બહુ સારાં કપડાં પણ નહોતાં એટલે હું ક્યારેય નવરાત્રિ જોવા કે રમવા ક્યાંય ગઈ નથી, પણ મને ડાન્સનો બહુ શોખ છે એટલે મોટા થઈને મારે ડાન્સટીચર જ બનવું છે.’
વૈશાલી પાનિયા
લાલ-પીળા લહેરિયા અને તૂઈ પટ્ટીવાળાં ચણિયાચોળીમાં શોભતી વૈશાલી પાનિયા પહેલી વખત ગ્રાઉન્ડ પર રમી. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૨ વર્ષની નાજુક-નમણી વૈશાલીએ કહ્યું, ‘હું રજાઓમાં મારા ઘરે ઉલ્હાસનગર જઉં ત્યારે અમારી ચાલીમાં નીચે નવરાત્રિ થાય ત્યાં જઈને બેસું અને કૅસેટ પર વાગતા ગરબામાં ફક્ત હાથેથી તાળી વગાડું, પણ પગથી ઠેસ આપીને રમવાનું હું પહેલી વખત શીખી. આટલા બધા લોકો વચ્ચે પણ હું પહેલી જ વખત રમું છું. દીદી, તમે તો જોઈ શકો છોને. કહોને હું કેવું રમું છું?’
‘તું બહુ સુંદર રમે છે, મને શીખવીશ?’ એમ સાંભળતાં જ વૈશાલી શરમાઈને ભીડમાં ભાગી ગઈ.
જ્યોત્સ્ના શર્મા
એસએસસીમાં ભણતી જ્યોત્સ્ના શર્માને બહુ મોટી ઑફિસમાં મોટી પોસ્ટ પર કામ કરવું છે. તેને કમ્પ્યુટર પર કામ કરવું બહુ ગમે છે. ૧૫ વર્ષની જ્યોત્સ્નાએ કહ્યું, ‘અત્યારે તો ખૂબ ભણું છું, કારણ કે મારે સારા ટકા લાવવા છે. ભણવાના પ્રેશર વચ્ચે રાસ-ગરબાની પ્રૅક્ટિસ કરવાથી માઇન્ડ ફ્રેશ થઈ ગયું. અમારામાં લગ્ન વખતે આ પ્રકારનાં કપડાં પહેરાય છે. હું પણ આવાં જ રાજસ્થાની ચણિયાચોળી કરાવીશ. તમે મારી હેરસ્ટાઇલ જોઈ? મારી ખાસ સહેલીએ સ્પેશ્યલ બનાવી આપી છે.’
સ્વિમિંગ, મલખંભ અને અન્ય સ્ર્પોટ્સમાં ઍક્ટિવ જ્યોત્સ્નાને રાસ-ગરબા રમવામાં બહુ જ મજા પડી.
સ્નેહનું સરનામું એટલે શ્રીમતી કમલા મહેતા સ્કૂલ ફૉર બ્લાઇન્ડ ગર્લ્સ-દાદર
ઈસવીસન ૧૯૦૦માં શેલ્ટર હોમ તરીકે સ્થપાયેલી આ સ્કૂલ આજે ૧૧૧ વર્ષની થઈ છે. પ્રાચીન શૈલીના જૂના મકાન સાથે નવું મકાન ધરાવતી આ સ્કૂલ દાદરના હાર્દસમા વિસ્તારમાં છે. પાંચ વર્ષથી માંડીને ૧૮ વર્ષની જોઈ ન શકતી છોકરીઓ અહીં રહે છે. આ છોકરીઓ ૧થી ૭ ધોરણનું શિક્ષણ આ કૅમ્પસની સ્કૂલમાં લે છે અને ૮થી ૧૦ ધોરણ નજીકમાં આવેલી સરોજિની સ્કૂલમાં ભણે છે. ત્યાર પછી અગિયારમું અને બારમું ધોરણ તેમની ચૉઇસ અને ક્ષમતા અનુસાર શહેરની કૉલેજોમાં આપવામાં આવે છે. સ્કૂલનાં ટ્રસ્ટી અને એના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર હંસા મહેતા કહે છે, ‘અહીં છોકરીઓને શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત વોકેશનલ ટ્રેઇનિંગ, કમ્પ્યુટર, સંગીત, નાટ્ય, ફિઝિકલ ટ્રેઇનિંગ, કુકિંગ વગેરેની કેળવણી આપવામાં આવે છે. અમે આ બાળકીઓને જૉબ-પ્લેસમેન્ટ નથી અપાવી શકતા, પણ તેમને દરેક ક્ષેત્રે સક્ષમ અને સબળ કરીએ છીએ જેથી તેઓ દુનિયામાં સામાન્ય જનોની સાથે પગભર થઈને ખુમારીથી જીવી શકે. આજે સ્કૂલની કેટલીયે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ ટીચર, પ્રોફેસર, સોશ્યલ વર્કર જેવી પોસ્ટ પર છે તો કોઈકે ડૉક્ટરેટ પણ કર્યું છે.’
દિવસ અને રાત દરમ્યાન શિક્ષક, કૅરટેકર (આયા), કિચન-સ્ટાફ, ક્લીનિંગ-સ્ટાફ, મેટ્રન વગેરે મળી ૫૦ વ્યક્તિનો સ્ટાફ આ બાળાઓની સંપૂર્ણ દેખરેખ રાખે છે.
પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ
28th February, 2021 16:07 ISTમોઢા વડે કૅન ખોલીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો ઑન્ટેરિયોના આ ભાઈએ
21st February, 2021 09:16 ISTઓહાયોની આ વ્યક્તિ ૪૬ દિવસ માત્ર બિયર પીને જ કાઢે છે
21st February, 2021 09:12 ISTMiss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...
20th February, 2021 12:54 IST