મહારાષ્ટ્ર રાજ્યની કૅબિનેટમાં ગઈ કાલે બાંધકામ વ્યવસાયિકોને પ્રીમિયમમાં ૫૦ ટકાની છૂટ આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ પગલાથી બિલ્ડરોને મોટી રાહત મળી છે. અગાઉની બેઠકમાં કૅબિનેટના આવા નિર્ણયનો કૉન્ગ્રેસે વિરોધ કર્યો હતો. જોકે બાદમાં સરકારમાં સામેલ ત્રણેય પક્ષમાં આ બાબતે ચર્ચા કરાયા બાદ ગઈ કાલે પ્રીમિયમમાં રાહત આપવાના નિર્ણયને મંજૂરી અપાઈ હતી. બિલ્ડરોને આનાથી લાભ થશે, પણ મહાનગરપાલિકાને મોટું નુકસાન થશે. બિલ્ડર લૉબી આ નિર્ણયથી બહુ જ ખુશ થઈ ગઈ છે. એનું કારણ એ છે કે અત્યારે તેમની પાસે છૂટથી પૈસા નથી અને આ જ કારણસર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પણ અટકીને પડી રહ્યા છે તેમ જ કોઈ બિલ્ડર નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું સાહસ નથી કરતા. શહેરમાં અટકી પડેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને પણ સરકારના આ નિર્ણયનો લાભ મળી શકે છે.
કોઈ પણ બિલ્ડિંગ બનાવવા પાછળ કરોડો રૂપિયાનાં પ્રીમિયમ સુધરાઈને ચૂકવવાનાં હોય છે ત્યારે એક વર્ષ સુધી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જતાં મોટા ભાગના બિલ્ડરો એનો લાભ લેશે એવું રિયલ એસ્ટેટના જાણકારોનું કહેવું છે.
સરકારના નિર્ણય બાબતે અર્બન ડેવલપમેન્ટના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રાજક્ત તનપુરેએ કહ્યું હતું કે ‘કોરોનાને લીધે મહાનગરપાલિકાની આવકમાં ધરખમ ઘટાડો થયો હોવાથી બિલ્ડરોને પ્રીમિયમમાં છૂટ આપવાનો પ્રસ્તાવ લેવાયો હતો. મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય એ માટે કૅબિનેટે ૫૦ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. જેઓ ફ્લૅટ વેચશે એમાં લાભ મળવાની સાથે સ્ટૅમ્પ ડ્યુટી પણ બિલ્ડરોએ ભરવાની રહેશે. પ્રીમિયમ ભરવા માટે બિલ્ડરોને આનાથી લાભ થશે એટલું જ નહીં, ઘરોની કિંમતમાં ઘટાડો થવાની સાથે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ આ નિર્ણયથી લોકોને ફાયદો થશે.’
કોઈ પણ બાંધકામ કરતી વખતે જુદી-જુદી રીતે ડેવલપરોને છૂટ અપાય છે. આ છૂટ અપાતી હોવાથી બિલ્ડરોને પ્રીમિયમ ચાર્જ કરાય છે. આ એક પ્રકારનો ટૅક્સ જ છે. રેડીરેક્નરની ટકાવારી પ્રમાણે ચાર્જ કરાય છે. જુદી-જુદી જગ્યાએ પ્રીમિયમ ચાર્જ અલગ-અલગ હોય છે.
બિલ્ડરોને પ્રીમિયમ પર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી ૫૦ ટકા છૂટ અપાઈ છે તેમ જ જે પ્રોજેક્ટ કે સુવિધાનો લાભ લેશે તેમણે મિલકત ખરીદનારા ગ્રાહકોએ ચૂકવવાની નીકળતી સંપૂર્ણ સ્ટૅમ્પ ડ્યુટી ભરવાની રહેશે. રાજ્યમાં બાંધકામ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે દીપક પારેખની આગેવાનીમાં એક કમિટી સ્થપાઈ હતી. આ કમિટીએ બાંધકામ ક્ષેત્રમાં વધારે રોકાણ આવે અને એ વધારે આકર્ષક બનાવવા તેમ જ મોટા પ્રમાણમાં પરવડી શકે એવાં મકાનો ઉપલબ્ધ કરવાની સૂચના પોતાના અહેવાલમાં સરકારને આપી હતી. કમિટીએ કરેલી ભલામણ મુજબ સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી પ્રીમિયમમાં ૫૦ ટકાની રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. આ સુવિધાનો કોઈ ગેરલાભ કોઈ ગ્રુપ કે યોજનાને ન થાય એ માટે ૧ એપ્રિલ ૨૦૨૦ અથવા ચાલુ વાર્ષિક બજાર કિંમત એ બેમાંથી જે વધુ હશે એ રેટ નક્કી કરવામાં આવશે.
ભિવંડીમાં ગાડી સામસામે આવી જતાં પાછળ લેવાના વિવાદમાં ફાયરિંગ
24th January, 2021 10:02 ISTમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, બીજેપી-એમએનએસનું એક જ લક્ષ્ય ધનુષ્યબાણ
24th January, 2021 09:59 ISTઝવેરીઓને મૂરખ બનાવીને સોનાના નકલી દાગીના વેચતી ટોળકી પકડાઈ
24th January, 2021 09:58 ISTન ચૂકવેલો ૫૦૦૦ રૂપિયાનો પગાર માલિકને પડ્યો પૂરા ૩.૩૦ કરોડ રૂપિયામાં
24th January, 2021 08:35 IST