લૉકડાઉને લોકોને વર્ક ફ્રૉમ હોમની ફરજ પાડી ત્યારે લાગતું હતું કે ઘરેથી તો કામ થઈ જ કેવી રીતે શકે? પણ અમુક ઉત્સાહી લોકોએ તો લૉકડાઉન ખૂલ્યા પછી વર્ક ફ્રૉમ હોમની વ્યાખ્યા પણ સમૂળગી બદલી નાખી. ઘરથી કામ થાય તો ફરવાના સ્થળેથી કેમ નહીં? કેમ હરવું-ફરવું, એક્સપ્લોર કરવું અને સાથે કામનું કામ થતું રહે એવું કેમ ન થાય? એટલે જ વર્ક ફ્રૉમ હૉલિડેનું કલ્ચર હવે ખૂબ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. આજે મળીએ એવા મુંબઈગરાઓને જેમણે પરિવાર સાથે હૉલિડે માણતાં-માણતાં કામ કર્યું છે અને ફરવા અને કામ કરવા વચ્ચે મસ્ત સંતુલન કેળવીને હૅક્ટિક લાઇફને મજ્જાની લાઇફ બનાવી છે
ભક્તિ ડી દેસાઈ
ઘરના એક ખૂણે બેસીને રોજના સાત-આઠ કલાક લૅપટૉપની સામે કામ કરવું એ કેટલું આકરું હોય છે એ તો છેલ્લા છ-આઠ મહિનામાં આપણને સૌને બહુ સારી રીતે સમજાઈ ગયું છે. કામની સાથે કંઈક નવીનતા, ઑફિસમાં અવનવા લોકોને મળવાથી ફીલ થતી ફ્રેશનેસ પણ કેટલી મહત્ત્વની છે એ આ અરસામાં આપણે જાણ્યું. મુંબઈ જેવા મહાનગરમાં નાનકડા ઘરમાં ગોંધાઈને કામ કરતા રહેવાને બદલે ત્રણ મુંબઈગરાઓએ એક એવો મજાનો પ્રયોગ કર્યો છે જે કદાચ આવનારા સમયમાં કામ કરવાની સૌથી હૉટ અને સ્ટાઇલિશ લાઇફસ્ટાઇલ બની જાય તો નવાઈ નહીં. જરાક માંડીને વાત કરીએ. મધ્ય મુંબઈના બેકન જ્યૉર્જ નામના એક યુવાને નવેમ્બરના અંતમાં સાઇકલ લઈને કન્યા કુમારી સુધી ફરવા જવાનું પ્લાનિંગ કર્યું. આ સાહસમાં ટ્વિસ્ટ એ હતો કે તે પોતાની આ ટૂર દરમ્યાન પોતાની ઑફિસમાંથી એક પણ દિવસની રજા લીધી નહોતી. ખરા અર્થમાં જેને કહેવાય કે ઘૂમી-ફરીને હૉલિડે માણતાં-માણતાં કન્યાકુમારી સુધીની ૧,૬૮૭ કિલોમીટરની સફર તેણે પ્લાન કરેલી. આ સફરની શરૂઆત થવાની હતી એના બે દિવસ પહેલાં જ તેના બે મિત્રો ઍલ્વિન જોસેફ અને રતિશ ભાલેરાવે પણ આ સાહસમાં જોડાવાનું પસંદ કર્યું. સાઇકલ પર તમામ જીવન જરૂરિયાતની ચીજો ખડકીને ત્રિપુટી નીકળી પડી. રોજ સવારે ૪ વાગ્યે ઊઠીને સાઇક્લિંગ શરૂ કરી દેવાનું. ત્રણેય જણે એક ટાર્ગેટ નિયત કરેલો હોય એ સ્થળ પર સવારે ૧૧ પહેલાં પહોંચી જવાનું અને પછી ત્યાં જ કોઈ પણ ટપરી, ઢાબા કે રોડસાઇડ પર મજાની જગ્યા સિલેક્ટ કરીને ઑફિસ ખોલીને બેસી જવાનું. ઑફિસની જેમ જ વચ્ચે લંચ કે સ્નેક્સના બ્રેક લેઈને સાંજે સાત વાગ્યે ઑફિસ વધાવી લેવાની. સાંજ પછીનો સમય આસપાસમાં ક્યાંક ફરવું, સ્થાનિકોને મળવું, કોઈ ફેમસ સ્થળ જોવાં અને જો એવું કંઈ ન હોય તો ફરી થોડુંક સાઇક્લિંગ કરીને રાતવાસા માટેના ડેસ્ટિનેશન પર પહોંચી જવું. શહેર કે હાઇવેની કોઈ લોજમાં રાતવાસો કરીને ફરીથી બીજા દિવસે એ જ સાઇકલ-સવારી શરૂ.
આ ત્રિપુટીનું કહેવું છે કે તેમણે આખી સફરમાં એક પણ દિવસ માટે રજા લીધી નથી. એમ છતાં તેમણે તેમના ઑફિસ મૅનેજર્સને પોતાના આ સાહસની જાણકારી પહેલેથી આપી જ રાખેલી. ઑફિસે પણ આ બાબતે વાંધો ઉઠાવવાને બદલે સહકાર આપ્યો. રાધર, તેમની આ ટ્રિપના ફોટા અને અનુભવો સાંભળીને તેમની કંપનીના બીજા લોકો પણ હવે આવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે. આ સાહસ જેટલું એક્સાઇટિંગ લાગે છે એટલું જ અઘરું પણ છે. રોજના ૮૦ કિલોમીટર સાઇક્લિંગ કરીને કામમાં એટલા જ ઍક્ટિવ રહેવાનો સ્ટૅમિના પહેલેથી જ બિલ્ડ કરવો અને રાત પડ્યે ક્યાંક પણ રાતવાસો કરી લેવાની હાડમારી સહન કરી પણ પડે. લગભગ એક મહિનામાં મુંબઈથી કન્યા કુમારીની આ સફર દરમ્યાન ત્રિપુટી પુણે, સતારા, કોલ્હાપુર, બેલગામ, હુબલી, દાવણગેર, બેન્ગલોર, સાલેમ, મદુરાઈ અને તિરુનેલ્વલી શહેરના માર્ગે થઈને કન્યાકુમારીની રાહ પકડી હતી અને આખીય ટ્રિપ એકદમ ઇકોનૉમિક રીતે એટલે જસ્ટ ૨૫,૦૦૦ રૂપિયામાં પાર પાડી હતી.
વર્ક ફ્રોમ રોડનો આ અનુભવ કોઈ આમ વૅકેશન, હૉલિડે કે ઍડવેન્ચર કરતાં થોડોક જુદો હતો કેમ કે રોજના આઠ કલાકના વર્ક શેડ્યુલને કારણે તેઓ જ્યાં-જ્યાં પણ ફરતા હતા ત્યાંના ઘણા ફેમસ સ્થળોને જોવાની તેમની ઇચ્છા પૂરી નહોતી થતી, પણ રોજેરોજ નવા વાતાવરણમાં, નવી જગ્યાએ, નવા લોકોની વચ્ચે કામ કરવાની જે મજા તેમણે પોતાના સોશ્યલ-મીડિયા અકાઉન્ટ્સમાં વહેંચી છે એ વાંચીને ભલભલાને ઇર્ષા થાય એવું તો છે જ.
ત્રણ મુંબઈકરોએ કરેલી વર્ક ફ્રૉમ રોડની આ અનોખી ઍડવેન્ચરસ ટ્રિપ કરનારા કદાચ બહુ ઓછા હશે, પણ વૅકેશન અથવા તો સેકન્ડ-હોમમાંથી રજા માણતાં-માણતાં કામ કરવાનું હવે મુંબઈગરાઓને બહુ જ ફાવી ગયું છે. હાલમાં અલીબાગ, લોનાવાલા, ખંડાલા આમ તમામ ફરવાનાં સ્થળોની અમુક વિલા અને પ્રૉપર્ટી અમુક મહિનાઓ માટે પહેલેથી બુક કરેલી છે. આ ધસારો માત્ર ફરવાવાળાનો નથી, પણ રમણીય જગ્યાએથી એટલે કે વર્ક ફ્રૉમ હૉલિડેવાળા સાહસિકોનો પણ છે. લૉકડાઉન પછી લોકોને જાણ થઈ ગઈ છે કે એક લૅપટૉપ, વાઇફાઇ અને ફોન સાથે રાખ્યો હોય તો ઘરથી જ નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણાથી કામકાજ સંભાળી શકાય છે તો રમણીય જગ્યાએથી કેમ કામ ન કરી શકાય? આનાથી જ આવી છે વર્ક ફ્રૉમ હૉલિડેની સંકલ્પના. કેટલો સુંદર અને રોમાંચક આ અભિગમ છે કામ પ્રત્યેનો! આમાં લોકો બહાર કામ કરવાની સાથે ફરવાની મજા પણ માણી શકે છે.
વર્ક ફ્રૉમ હૉલિડેની નવી પ્રણાલીને હવે કેટલીક કંપનીઓ પણ સ્વીકારવા લાગી છે અને બહારથી કામ કરવાની પરવાનગી આપે છે. આ બદલાવ લોકોને કામ કરવાનો ઉત્સાહ આપી રહ્યો છે અને સ્વાભાવિક છે કે હરવા-ફરવાના સ્થળે માનસિક રીતે અનુભવાતી શાંતિમાં તનાવ ખૂબ જ ઓછો થઈ જાય છે. વર્ક ફ્રૉમ હૉલિડેની વ્યાખ્યાને ખરા અર્થમાં માણનારા લોકો પાસેથી આજે જાણીએ તેમના આ અવનવા અનુભવો વિશેની વાતો.
ધ્યાન અને એકાગ્રતા સાથે વચ્ચે-વચ્ચે બ્રેક લઈને ઓછા સમયમાં વધારે કામ થઈ જાય છે: હેતુલ કોઠારી
અહીં મલાડમાં રહેતા આઇ. ટી. કંપની ચલાવનાર હેતુલ કોઠારીએ આશરે ૨૫ દિવસ ખંડાલાની એક વિલામાં પોતાના મિત્રો અને પરિવાર સાથે રહી પોતાનું કામ સંભાળ્યું. તેઓ આ અવિસ્મરણીય અનુભવ વિશે કહે છે, ‘ફરવા સાથે કામનો અનુભવ મેં પહેલાં ક્યારેય લીધો નહોતો. લૉકડાઉન ખૂલ્યા પછી મારા મિત્રોએ અને મેં વિચાર્યું કે લાંબો સમય સાથે રહેવા માટે અમારે બહાર જવું જોઈએ. સામાન્ય રીતે બધાને અમુક દિવસ સાથે ફરવા જવું હોય તો રજા મળશે કે નહીં, બાળકોની સ્કૂલ, પરીક્ષાની તૈયારી આવી અનેક સમસ્યાઓ હોય છે; પણ આ વખતે આ બધી સમસ્યાઓ નહોતી તેથી અમે ચાર મિત્રોએ નક્કી કર્યું કે બધા પરિવાર સાથે ખંડાલા જઈએ. ખંડાલામાં સવારે બાળકોની સ્કૂલ હોય ત્યારે બે કલાક હું કામ કરતો, બપોરે અમે બધાં સાથે જમવા બેસીએ પછી થોડો આરામ કરી હું પાછો બે-ત્રણ કલાક કામ કરું. આમ ધ્યાન અને એકાગ્રતા સાથે વચ્ચે-વચ્ચે બ્રેક લઈને ઓછા સમયમાં વધારે કામ થઈ જતું હતું. આમાં કામનું ટેન્શન આવતું નહીં, જરાય થાક નહોતો લાગતો અને હું સતત સ્ફૂર્તિ અનુભવી રહ્યો હતો. બધાંની સાથે રહેવાની મજા પણ હું માણી શક્યો. હવે અમે દર વર્ષે એક મહિનો વર્ક ફ્રૉમ હૉલિડેનો અનુભવ લેવાનો નિર્ણય લીધો છે.’
હૉલિડેની મજા તો મળી અને કામ પણ તનાવમુક્ત રીતે થયું: મિતેશ ગોળવાળા
કાંદિવલીમાં રહેતા આઇટી કંપનીમાં કામ કરતા મિતેશ ગોળવાળાને જોડિયાં બાળકો છે અને તેઓ ઘરેથી કામ કરીને કંટાળી ગયા હતા. મિતેશ દેવલાલીમાં હૉલિડે મનાવવા ગયા હતા અને સાથે જ થોડા દિવસ કામ પણ ત્યાંથી જ કર્યું. તેઓ આ વિશે કહે છે, ‘લૉકડાઉનમાં મારાં બાળકો અને પત્ની ઘરના માહોલથી કંટાળી ગયાં હતાં અને જ્યારે કોરોનાનો ડર ઓછો થયો ત્યારે અમે દેવલાલી ફરવા નીકળી ગયાં. મેં બે દિવસની રજા લીધી હતી. લૅપટૉપ સાથે જ રાખ્યું હતું અને અમને ત્યાં રહેવાની પણ મજા આવી તેથી બીજા છ દિવસ રહી ત્યાંથી જ કામ કર્યું. આને કારણે હૉલિડેની મજા તો મળી અને કામ પણ તનાવમુક્ત રીતે થયું. વર્ક ફ્રૉમ હૉલિડેને કારણે અમારે મર્યાદિત સમયમાં મુંબઈ પાછા આવવાની કોઈ ચિંતા નહોતી. મારું સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધી અને પછી ૩.૩૦થી ૬ વાગ્યા સુધીના સમયમાં કામ પતી જતું હતું. બાકીનો સમય ફરવા માટે મળી રહેતો. આગળ પણ જો ઑફિસમાં રજા લઈને ફરવા જઈશ તો આવી રીતે કામ થઈ શકશે જેથી પાછા આવીને કામનું દબાણ ખૂબ ન રહે અને કામ કરવા એક સારો માહોલ પણ મળે.’
કામ હોય તોય માનસિક રીતે મને લાગતું કે હું વેકેશન માણી રહ્યો છું: ભૂષણ ગજરિયા
ઘાટકોપરમાં રહેતા ભૂષણ ગજરિયા સ્ટાર્ટ-અપ કંપનીઝના મેન્ટોર છે. તેમણે પણ ખંડાલામાં રહીને વર્ક ફ્રૉમ હૉલિડે ખાસ્સા દિવસો માટે માણ્યું છે. આ નવા અનુભવ વિશે તેઓ કહે છે, ‘મારું કામ એવું છે કે હું વિડિયો કૉલ્સ અને કૉલ્સ પર કરી શકું છું. લૉકડાઉનમાં મુંબઈમાં ઘરેથી કામ કર્યું, પણ એવું લાગતું કે જાણે એક બૉક્સમાં બેસીને કામ કરી રહ્યો હતો. જ્યારે ખંડાલામાં હું એવી જગ્યાએ રહ્યો જ્યાં જગ્યા તો ખૂબ મોટી હતી જ સાથે જ ઉપર મુક્ત આકાશ, નીચે સુંદર મજાનો બગીચો, એકદમ શુદ્ધ વાતાવરણ, ઠંડી હવા અને સતત એક તાજગી અનુભવાતી હતી. કામ હોય તોય માનસિક રીતે મને લાગતું કે હું વેકેશન માણી રહ્યો છું. કામ પતી ગયા પછી બાળકો, પત્ની, મિત્રો, તેમનો પરિવાર અને હું, અમે બધાં નિરાંતનો સમય માણતાં. આમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ અમને મળી હતી તેથી ફરવાનો શોખ પૂરો કરી શક્યાં અને કોઈના કામમાં પણ કોઈ વ્યત્યય ઊભાં ન થયાં. આમાં વ્યાવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન બન્ને માણી શકાય છે.’
અઢી મહિના સુધી દેવલાલી રહીને મેં વેપારનાં બધાં જ કામ અહીંથી સંભાળ્યાં: શાંતિલાલ કારિયા
ઘાટકોપરમાં રહેતા હોલસેલના વેપારી શાંતિલાલ કારિયાનું સેકન્ડ હોમ દેવલાલીમાં છે. તેઓ કહે છે, ‘આ પહેલાં આખા વર્ષમાં બે કે ત્રણ વાર વધુમાં વધુ પાંચ દિવસ હું દેવલાલીના ઘરમાં રહી શકતો હતો. જોકે દીર્ઘદૃષ્ટિ હોવાથી મેં વેપારની આખી સિસ્ટમ પહેલેથી એવી રીતે બનાવી હતી કે જેમાં ઑનલાઇન પોર્ટલ દ્વારા અને ફોન પર સરળતાથી વેપાર થઈ શકે, પણ આ છતાંય પહેલાં હું ફરવા ગયો હોઉં તો ખૂબ જ થોડા દિવસો માટે મને નિરાંત મળે અને ફરી પાછું ચારેક દિવસમાં તો વ્યસ્ત જીવનશૈલીમાં આવવું જ પડે. કોવિડને કારણે થયેલા લૉકડાઉન પછી અમે આશરે અઢી મહિના માટે દેવલાલી આવી ગયાં અને મારા વેપારનાં બધાં જ કામ મેં અહીંથી સંભાળ્યાં. આમ જોઈએ તો જે લોકો નોકરી કરે છે તેમણે વર્ક ફ્રૉમ હોમ અથવા હૉલિડેની મજા લીધી, પણ એક વેપારી તરીકે આ કુદરતી આફત સામે મારી વેપારની જે આખી પદ્ધતિ મેં બનાવી હતી એમાં મારી હાજરી મહત્ત્વની નહોતી તેથી હું વર્ક ફ્રૉમ હૉલિડેની મજા દેવલાલીથી આટલા મહિનાઓ સુધી લઈ શક્યો. હવે હું આગળ પણ આ જ રીતે કામ કરવાનો અભિગમ કેળવીશ.’
ઘર કરતાં અલગ માહોલ મેળવવા સેકન્ડ હોમ નેરળ જઈને કામ કરેલું એ યાદગાર રહેશે: સોનલ રાવલ
કરી રોડમાં રહેતાં આઇટી પ્રોફેશનલ સોનલ રાવલ કહે છે, ‘લૉકડાઉનની શરૂઆતમાં વર્ક ફ્રૉમ હોમમાં નેટવર્કની સમસ્યા થતી હતી. પછી મને ફાવી ગયું. અમે ઘરમાં પાંચ જણ છીએ અને એમાંથી ત્રણ જણ ઘરમાંથી કામ કરતા હતા અને કંટાળી ગયા હતા. મારા મામાજીનું ઘર માથેરાન પાસે નેરળમાં છે અને મારા સાસરાનું પણ એક ઘર ત્યાં છે અને ત્યાં જગ્યાની છૂટ છે. અમે દસ દિવસ ત્યાંના વાતાવરણની મજા માણવા નીકળી ગયાં. મને મૂળમાં કામ કરવા માટે અલગ માહોલ જોઈતો હતો તેથી અમે નેરળથી ઑફિસનું કામ કર્યું. મને અહીં ઘરની જવાબદારી ઓછી હતી તેથી સવારે મારા પતિ અને હું ચાલવા જતાં હતાં. સાંજે અમે કામ પતાવીને અમારા ઘરની નજીક રહેતા મારા મામાજીને ઘરે જતાં. સૌ સાથે મળીને જમતાં અને પછી ચાલીને ઘરે આવીએ તેથી રાત્રે વૉક પણ થઈ જતો.’