Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણી આજ અને આવતી કાલને વધુ બહેતર બનાવવાની મહામારીએ આપેલી એક સુંદર તક

આપણી આજ અને આવતી કાલને વધુ બહેતર બનાવવાની મહામારીએ આપેલી એક સુંદર તક

15 December, 2020 04:11 PM IST | Mumbai
Taru Kajaria

આપણી આજ અને આવતી કાલને વધુ બહેતર બનાવવાની મહામારીએ આપેલી એક સુંદર તક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાના કેટલાક દેશોએ એ મૂડીને બરકરાર રાખવાની અને લૉકડાઉન દરમિયાન પર્યાવરણમાં આવેલા એ પરિવર્તનને પર્મનન્ટ બનાવવાની દિશામાં કદમ ઉઠાવ્યાં છે. આ વરસે યુરોપના લોકોએ પર્યાવરણ ફ્રેન્ડ્લી વાહન સાઇકલને મોટે પાયે અપનાવી છે. ફિનલૅન્ડ, ઇટલી, ફ્રાન્સ, યુ.કે., બેલ્જિયમ, ડેન્માર્ક વગેરે દેશોમાં જનતા કાર કે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવાને બદલે બાઇસિકલ વાપરવા લાગ્યા છે, શું આપણે પણ આવું કરી શકીએ?

 



બાળપણમાં બા પાસેથી ઘણી સરસ વાર્તાઓ સાંભળેલી. એમાંની એક હતી ‘જે થાય એ સારાને માટે’. આ વર્ષની મહામારીએ દુનિયાના હાલહવાલ કરી નાખ્યા એ તો આપણે સૌ જોઈ રહ્યા છીએ, પરંતુ એની સાથે જ એણે કેટલીયે વાતો શીખવી, જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો એ વિશે પણ અનેક સંદેશાઓ ચકરાવો લીધા કરે છે. ૧૦થી માંડીને ૧૦૦ ચીજો શીખવા મળી એવી યાદીઓ તમારા વૉટ્સઍપમાં પણ વાંચી જ હશે. ભલભલી કાળી રાત વચ્ચે પણ પ્રકાશની લકીર શોધી કાઢવાની માનવીની આ ક્ષમતા જ આવા વિચિત્ર અને કપરા કાળને સહ્ય બનાવતી હશે કદાચ!


આ વર્ષના આરંભે કોવિડ-19 ત્રાટક્યો અને દુનિયાભરમાં લૉકડાઉન થોપાયા પછી ઘરોમાં રહેતાં-રહેતાં આપણે આપણા શહેરનું એક સ્વચ્છ અને શાંત સ્વરૂપ જોયું હતું એ યાદ છેને? સવારે ગાડીઓ કે બસ-ટૅક્સી-રિક્ષાના હૉર્નને બદલે પંખીઓના કલરવ સાંભળેલા. શ્વાસ લેતી વખતે ફેફસાંમાં ચોખ્ખી હવાનો સ્પર્શ અનુભવ્યો હતો. રસ્તાઓ પર છવાયેલો સન્નાટો અને ચોખ્ખાચણક આકાશનો વૈભવ આપણા સૌની નજરે પણ ચડ્યો હતો. પછી જેમ-જેમ ધીમે-ધીમે લૉકડાઉનમાં છૂટ મળતી ગઈ તેમ-તેમ સડકો પર ફરી વાહનોની ભીડ જામવા લાગી અને પેલા ચોખ્ખા વાતાવરણ પર પ્રદૂષણનો ભરડો કસાવા લાગ્યો અને લૉકડાઉનના સમયમાં જોવા અને લેવા મળેલા ચંદ શુદ્ધ શ્વાસોની મૂડી ઘસાતી-ઘસાતી ખતમ થઈ ગઈ!

પરંતુ દુનિયાના કેટલાક દેશોએ એ મૂડીને બરકરાર રાખવાની અને લૉકડાઉન દરમિયાન પર્યાવરણમાં આવેલા એ પરિવર્તનને પર્મનન્ટ બનાવવાની દિશામાં કદમ ઉઠાવ્યાં છે. આ વરસે યુરોપના લોકોએ પર્યાવરણ ફ્રેન્ડ્લી વાહન સાઇકલને મોટે પાયે અપનાવી છે. ફિનલૅન્ડ, ઇટલી, ફ્રાન્સ, યુ.કે., બેલ્જિયમ, ડેન્માર્ક વગેરે દેશોમાં જનતા કાર કે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવાને બદલે બાઇસિકલ વાપરવા લાગ્યા છે. આની પાછળ પ્રદૂષણ ન કરવાનો, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનો તેમ જ ફિટ રહેવાનો એમ ત્રિવિધ હેતુ સરે છે.


લૉકડાઉન બાદ લોકો ઘરની બહાર નીકળતા થાય, સલામત રીતે અવરજવર કરી શકે એ માટે સાઇકલના ઉપયોગ વિશે વિચારનાર શહેરોમાં ઇટલીનું મિલાન શહેર મોખરે હતું. મિલાનમાં ૩૫ કિલોમીટર જેટલા રસ્તાઓ ખાસ સાઇકલસવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. ત્યાંના શહેરી વિકાસ આયોજન, હરિત વિસ્તારો અને કૃષિ વિભાગના ડેપ્યુટી મેયર કહે છે કે કોવિડની પહેલાં અમારી મુખ્ય શૉપિંગ સ્ટ્રીટ પર ૧૦૦૦ સાઇકલસવારો હતા, હવે ૭૦૦૦ સાઇકલસવારો છે. સાઇક્લિંગ તરફના આ ઝુકાવને પરિણામે બાઇક ઉદ્યોગમાં મોટી માગ ઊભી થઈ છે! પરંતુ કોવિડના પગલે લાંબો સમય બંધ રહેલા ઉદ્યોગોને કારણે તેમની પાસે સ્પેરપાર્ટ્સની ખેંચ પણ સર્જાઈ છે. આમ તમારી પ્રોડક્ટની માગ હોય છતાં તમે સપ્લાય ન કરી શકો એવી સ્થિતિ થઈ છે. કોવિડને કારણે બંધ પડી ગયેલા વેપાર-ધંધા કરતાં આ તદ્દન જુદી જ પરિસ્થિતિ છે.

મિલાનની એક ૯૨ વર્ષ પુરાણી સાઇકલ ઉત્પાદક કંપનીનો એક કામદાર કહે છે કે ‘મે મહિનામાં અમારો ધંધો ખૂલ્યો ત્યારે અમારાં કારખાનાં અને આઉટલેટ્સની બહાર લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી હતી. પોતાની સાઇકલો રિપેર કરાવવા માટે લોકો કલાકો સુધી ઊભા હતા.’

કોઈ પણ શહેરના સ્વાસ્થ્ય અને તેના નાગરિકોની સુખાકારી માટે પણ સાઇકલસવારીનો આ ટ્રેન્ડ ખાસ્સો ઉપયોગી થઈ રહ્યો છે. એટલે આ બધા દેશોમાં શહેરોની સ્થાનિક સરકારો અને વહીવટી તંત્રો સાઇકલપ્રવાસને સહુલિયતભર્યો બનાવવા માળખાકીય ફેરફારો કરી રહી છે. યુરોપના વિવિધ દેશો સાઇક્લિંગને પ્રોત્સાહન આપવા અને એ માટેની ખાસ સવલતો ઊભી કરવા વધારાના ભંડોળની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. સાઇક્લિંગ માટે આ સરકારોએ પાંચથી આઠ ટકા જેટલું વધારાનું ભંડોળ ફાળવ્યું છે.

જોકે મિલાનની એક પર્યાવરણલક્ષી વકીલ કહે છે કે ‘સાઇક્લિંગ માટે કેટલીક નવી લેન બનાવાઈ છે એ ખરું, પરંતુ જે રીતે લોકોનો સાઇક્લિંગ પ્રત્યેનો ઝુકાવ વધી રહ્યો છે એને પહોંચી વળવા શહેરની જરૂરિયાતના પ્રમાણમાં આ જોગવાઈઓ તો સાગર સામે એક બિંદુ જેવી છે.’ પર્યાવરણવિદો અને પર્યાવરણપ્રેમીઓ માને છે કે આપણાં શહેરોની શકલ બદલવાની આ તક અરસાઓ બાદ ભાગ્યે જ એકાદ વાર મળે એવી તક છે. મિલાનની સ્થાનિક સરકારે સાઇક્લિંગને ઉત્તેજન આપવા ૧૧૫ મિલ્યન યુરો ખર્ચ્યા છે. જાહેર વાહનો અને ગાડીઓનો વપરાશ ટાળવા માટે સરકાર નવી સાઇકલ (બાઇક) કે ઈ-સ્કૂટર ખરીદવા ઇચ્છતા નાગરિકોને ૫૦૦ યુરો સુધીની સબ્સિડી આપે છે.

ફ્રાન્સ તો સાઇક્લિંગનાં મોજાં પર પૂરેપૂરું સવાર થઈ ગયું છે. આ મહામારી પછી પૅરિસમાં સાઇકલનો વપરાશ ૨૭ ટકા વધી ગયો છે. આમાં ફ્રેન્ચ સરકારનો અભિગમ કારણભૂત છે.  જાણીને નવાઈ લાગશે, પણ હકીકત છે કે સાઇકલ યા બાઇક રિપેર કરવા માટે પણ લોકોને ફ્રેન્ચ સરકાર ૫૦ યુરોની સબ્સિડી આપે છે! આ લૉકડાઉન દરમિયાન બીજા વેપાર-ધંધામાં સોપો પડી ગયો હતો ત્યારે પૅરિસના સાઇકલ રિપેર શૉપ્સ ધરાવતા દુકાનદારોની દુકાનો બધો સમય ખુલ્લી હતી. લોકોની નોકરી જતી રહી હતી એ સમયમાં આ દુકાનોમાં કામને પહોંચી વળવા નવા માણસો રાખવા પડ્યા હતા! સાઇક્લ સંસ્કૃતિ કેળવાય એ માટે સરકાર લોકોને સાઇક્લિંગની મફત તાલીમ આપી રહી છે. સીન નદીના કાંઠે સાઇક્લ તાલીમ સ્કૂલ ચલાવતા શિક્ષક કહે છે કે સામાન્ય રીતે અમારે ત્યાં દર વરસે ૧૫૦ જેટલા ઍડલ્ટ્સ સાઇકલ ચલાવતાં શીખે છે, પણ આ વરસે એ આંકડો ડબલ થઈ ગયો છે.’

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં બાઇકનો ઉપયોગ ગયા વર્ષની સરખામણીએ ૪૪ ટકા વધી ગયો છે. ત્યાંના પ્રાદેશિક ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે એપ્રિલ મહિનામાં જ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ઇવન પોતાની ગાડીઓનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સાઇકલસવારો માટે ખાસ માર્ગોની જોગવાઈ કરી. આજે બ્રસેલ્સમાં લગભગ દરેક જણ સાઇકલ વાપરે છે. નવી સાઇકલ ન ખરીદી શકે તેઓ ભાડેથી લઈને સાઇકલ વાપરે છે. સાઇકલ ભાડે આપનારના ધંધામાં લૉકડાઉન દરમિયાન ૬૦ ટકાનો વધારો થયો છે. સાઇક્લિંગને વધુ પ્રોત્સાહન આપવા હવે બ્રસેલ્સ પણ મિલાન અને પૅરિસની જેમ માળખાગત ફેરફારો કરવા તરફ આગળ વધી રહ્યું છે. ઍમ્સ્ટરડેમમાં લોકો પોતાના શહેરને વધુ સુંદર અને વધુ જીવવા લાયક બનાવવા માટે સાઇકલ તરફ વળી રહ્યા છે.

આ બદલાવ કેટલો સમય રહેશે? એવો સવાલ કેટલાક લોકો પૂછી રહ્યા છે, પરંતુ એક વાત સૌ એકમતે સ્વીકારી રહ્યા છે કે આ પ્રદૂષણરુંધક અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ આપણી આજ અને આવતી કાલને વધુ બહેતર બનાવવાની મહામારીએ આપેલી એક સુંદર તક છે.

નથી લાગતું કે આપણે પણ આવું કંઈક પરિવર્તન અપનાવી શકીએ?

 (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 04:11 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK