સ્ત્રીઓ કેટલી સલામત છે?

Published: 13th October, 2011 18:15 IST

આપણો દેશ સ્ત્રીઓ માટે સલામત સ્વર્ગ નથી. અહીં તેમને માટે ઘણા ખતરાઓ છે ને તેમણે અસલામતીની લાગણીનો સામનો કરવો પડે છે. દિલ્હી મૅરથૉન વખતે ગુલ પનાંગ નામની અભિનેત્રી મૅરથૉનમાં દોડી રહી હતી ત્યારે એક માણસ તેને અણછાજતો સ્પર્શ કરીને ભાગી ગયો ત્યારે ગુલે કહ્યું હતું કે ‘દિલ્હીમાં સ્ત્રીઓ માટે બહુ મુશ્કેલી છે, પણ હકીકત એ છે કે જે દેશમાં ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા અને એવી ઘણી સ્ત્રીઓ થઈ છે ત્યાં આવું થઈ રહ્યું છે.


(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

આપણા દેશમાં સ્ત્રીઓ કેટલી સલામત છે? આ એક સળગતો પ્રશ્ન છે. સ્ત્રી ઘર, બહાર, પડોશ, ટ્રેન અને બસમાં ક્યાંય સલામત નથી. દિલ્હી મૅરથૉન વખતે ગુલ પનાંગ નામની અભિનેત્રી મૅરથૉનમાં દોડી રહી હતી ત્યારે એક માણસ તેને અણછાજતો સ્પર્શ કરીને ભાગી ગયો ત્યારે ગુલે કહ્યું હતું કે ‘દિલ્હીમાં સ્ત્રીઓ માટે બહુ મુશ્કેલી છે, પણ હકીકત એ છે કે જે દેશમાં ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા અને એવી ઘણી સ્ત્રીઓ થઈ છે ત્યાં આવું થઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં છેલ્લા દાયકામાં ૭,૦૦,૦૦૦ છોકરીઓ મિસિંગ છે અને છેલ્લી સદીમાં ૫૦,૦૦,૦૦૦.’

અસલામતી : કડવી વાસ્તવિકતા

તાજેતરમાં થયેલા સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓ માટે ઇન્ડિયા મોસ્ટ ડેન્જર્સ કન્ટ્રી તરીકે ચોથા ક્રમાંકે આવે છે. અફઘાનિસ્તાન ટૉપ લિસ્ટમાં, પછી રિપબ્લિક ઑફ કૉન્ગો અને પાકિસ્તાન પછી ભારત અને સોમાલિયા. આ પાંચ દેશોમાં આર્થિક પાવર મેળવી રહેલો આપણો દેશ સોમાલિયા કરતાં પણ સ્ત્રીઓની અસલામતી ક્ષેત્રે આગળ છે એ કેટલી નવાઈની વાત છે. તાજેતરમાં જ પોલીસ-કમિશનરે કહ્યું હતું કે ‘દિલ્હીમાં સ્ત્રીઓએ મધરાત પછી એકલાં બહાર નીકળવું નહીં. બળાત્કાર કરતાં પણ વધારે ઇનડાયરેક્ટ ડેન્જર્સ છે જે છોકરીઓ અને સ્ત્રીઓને અસર કરે છે. દા. ત. દબાણપૂર્વક લગ્ન કરાવવાં, મજૂરી અને સેક્સ ટ્રૅફિકિંગ ભારતીય સ્ત્રીઓની અસલામતીમાં વધારો કરે છે. યુએન પૉપ્યુલેશન ફન્ડના રિપોર્ટ અનુસાર છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે ધકેલવામાં આવે છે. તેમને ગામડાંઓમાંથી શહેરોમાં લાવવામાં આવે છે અને પછી પ્રોસ્ટિટ્યુશન માટે ધકેલી દેવામાં આવે છે. તેમને ગુલામ તરીકે વેચવામાં પણ આવે છે.’

વિમેન્સ-રાઇટ્સના લૉયર ફ્લેવિયા એગ્નિસ કહે છે, ‘હકીકતમાં તો ભારત કરતાં આફ્રિકા બેટર છે, કારણ કે ત્યાં સ્ત્રીઓને લગ્ન માટે દબાણ કરવામાં નથી આવતું, ત્યાં દહેજપ્રથા નથી અને બાળલગ્નની પ્રથા પણ નથી એટલે ત્યાં સ્ત્રીઓ માટે વધુ સ્વતંત્રતા છે.’

પ્રૉબ્લેમ ક્યાં છે?

સ્ત્રીઓની અસલામતીના મૂળમાં શું છે? પ્રૉબ્લેમ ક્યાં છે? શું પુરુષપ્રધાન સમાજ હજી પણ તેમને માટે પ્રૉબ્લેમ છે? આવો પ્રશ્ન કિરણ બેદીને પૂછવામાં આવતાં તેઓ કહે છે, ‘હા, પછાતપણું, નહીંવત મળતી તકો, સ્ત્રીઓની તંદુરસ્તી, ટાંચાં સાધનો આ બધાંને કારણે આજેય સમાજમાં પુરુષનું પ્રાધાન્ય રહ્યું છે. પુરુષના હાથમાં કન્ટ્રોલ છે. ગામડાંઓમાં રહેતી કેટલીયે છોકરીઓ સ્કૂલમાં નથી જતી, કારણ કે ત્યાં તેમની કોઈ પ્રકારની સિક્યૉરિટી નથી. વિકૃત અને નકારાત્મક પૌરુષત્વ આ એક સિક્કાની બે બાજુ છે. આનું પરિણામ સ્ત્રીઓએ ભોગવવું પડે છે.’

ભારત દેશમાં બહુ જ ઓછા ટકા સ્ત્રીઓ પ્રોફેશનલ્સ છે. મોટા ભાગની મહિલાઓ પુરુષો પર ડિપેન્ડન્ટ છે. તે મહિલાઓ કંઈ કમાતી નથી અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ નથી થતી. મહિલાઓ મુસીબતમાં આવે છે, કારણ કે પ્રૉપર્ટી રાઇટ્સમાં પણ ખાસ સુધારાવધારા નથી થયા. આજે ‘નાનો પરિવાર સુખી પરિવાર’ સ્લોગનને સ્વીકારી લીધા છતાં બધાને દીકરો જ જોઈએ છે. ગમે એટલા કાયદા કરવા છતાં ગર્ભપરીક્ષણ થાય છે અને ગર્ભસ્થ દીકરીને દૂધપીતી કરતાં લોકો નથી અચકાતા.

હથિયાર જરૂરી

મહિલાઓ પ્રત્યે આચરાતી હિંસા પણ ચિંતાની બાબત છે. દિલ્હી, બૅન્ગ્ાલોર અને પુણે જેવાં મેટ્રો સિટીમાં કૉલ-સેન્ટરમાં રાતપાળીમાં કામ કરતી સ્ત્રીઓ પર બળાત્કાર થયાના ઘણા બનાવ બન્યા છે. આવા બનાવો બનતા હોવાને કારણે કેટલીક મહિલાઓએ હથિયારનાં લાઇસન્સ માટે માગણી કરી છે. સ્ત્રીહત્યા એટલે કે સ્ત્રીને મારી નાખવી. એનું કારણ માત્ર અને માત્ર એટલું જ છે કે તે સ્ત્રી છે. નાનાં હથિયારોની માગ વધતી જાય છે અને એ હથિયારોનો ઉપયોગ મહિલા પર હિંસા આચરવા માટે થતો હોય છે. આને જ કારણે આવા અનિચ્છનીય બનાવોનો સામનો કરવા માટે મહિલાઓ પોતાની પાસે હથિયાર રાખવા માગે છે. એકલા દિલ્હીમાં ઘણી સ્ત્રીઓ હથિયારનાં લાઇસન્સ માટે અરજી કરતી હોય છે; સ્પેશ્યલી નોઇડા અને ગુરગાંવ વિસ્તારમાં.

ઉકેલ શું?

નિષ્ણાતોના મતાનુસાર અસરકારક રાજકારભાર સ્ત્રી-સલામતીની ચાવી છે. જોકે નીતિભ્રષ્ટતાને કારણે આવું થઈ નથી શકતું, જેને કારણે સ્ત્રીઓએ બહુ જ ખરાબ રીતે સહન કરવું પડે છે. જવાબદારી અને યોગ્ય કામગીરી પબ્લિક સર્વિસમાં પાછી લાવો તો પછી ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પ્રાથમિકતા બિઝનેસ-ઇન ગવર્નન્સથી સર્વિસ-ઇન ગવર્નન્સ પ્રતિ પરિવર્તિત થવી જોઈએ.

પ્રખ્યાત સ્ત્રીઓ પણ બાકાત નથી

છેડછાડ, હિંસા, મશ્કરી અને અણગમાભર્યા સ્પર્શ સ્ત્રીઓને થતા જ રહે છે. ભીડભાડવાળી ટ્રેન, બસમાં કે રસ્તા પર ગિરદીનો લાભ લઈને સ્ત્રીઓની છેડતી કરવાના બનાવ તો સાવ સામાન્ય થઈ ગયા છે. આ તો બધી સામાન્ય સ્ત્રીઓની વાત થઈ, પણ સેલિબ્રિટીઝ સાથે તો કદાચ સુરક્ષા જવાનો હાજર હોવા છતાં પણ આવા બનાવોના ભોગ બનવાનું સામાન્ય છે. આવી હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટીઝ પણ પબ્લિક સ્થળે હૅરેસમેન્ટનો ભોગ બને છે. થોડા સમય પહેલાં ઍક્ટ્રેસ બિપાશા બાસુ દુર્ગાપૂજા માટે ગઈ હતી ત્યારે તેને હેરાનગતિ થઈ હતી. કૅટરિના કૈફને પણ ભયંકર અનુભવ થયો હતો, જ્યારે એક ટોળું તેની સાવ પડખે આવી ગયું હતું અને એમાંના ઘણા તેને સ્પર્શ કરવા લાગ્યા હતા. આ બનાવોના પ્રત્યાઘાતમાં ઍક્ટ્રેસ મિનિષા લાંબાએ કહ્યું હતું કે આ ખરેખર દુ:ખદ બાબત છે કે ચાર રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન હોવા છતાં આવા બનાવો બની રહ્યા છે અને આપણો દેશ સ્ત્રીઓ માટે અસલામત છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK