પતિ નપુંસક હોવાનું જગજાહેર કરનાર પત્નીની આત્મહત્યા

Published: 23rd December, 2011 06:13 IST

મલાડ રેલવે-સ્ટેશને આવતી લોકલ ટ્રેનની સામે પડતું મૂકી ૨૩ વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે મલાડ રેલવે-પોલીસને ટ્રેન-અકસ્માતમાં એક યુવતી મૃત્યુપામી હોવાનો ફોન આવ્યો હતો.પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં યુવતીને નૈના પાંડવ તરીકે ઓળખી કાઢવામાં આવી હતી. મલાડ (ઈસ્ટ)માં વઢારીપાડા વિસ્તારમાં આ યુવતીના ઘરે તપાસ કરતાં પતિ અને સાસુ હતાં. નૈનાના પતિને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ સાસુએ નૈનાનાં સુરતમાં રહેતાં માતા-પિતાને કરી હતી.

નૈનાનાં માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નૈનાએ તેનો ૨૮ વર્ષનો પતિ અજય નપુંસક હોવાની જાણ સાસુને કરી હોવાથી સાસુ નૈનાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી તેને માનસિક ત્રાસ આપતી હતી.

નૈનાના પિતા વલ્લભ ગોંડોલિયાએ પોલીસને કહ્યું હતું કે ‘૨૦૧૧માં ફેબ્રુઆરી મહિનામાં નૈનાનાં લગ્ન થયાં હતાં. ત્રણ મહિના બાદ નૈના મુંબઈ આવી ત્યારે તેને જાણ થઈ હતી કે અજય નપુંસક છે. જૂન મહિનામાં નૈનાએ મને બોલાવ્યો હતો અને અમને આ માહિતી આપી હતી. મેં અજયને સુરતમાં યોગ્ય સારવાર માટે આવવા જણાવ્યું હતું. આ માટે મેં અજયનાં માતા-પિતાને સારવાર માટે પૈસા આપવાનું કહ્યું હતું. બાદમાં નૈનાનાં સાસુ અજયની આવી પરિસ્થિતિ માટે નૈનાને કસૂરવાર ઠેરવતી હતી અને તેને માનસિક ત્રાસ આપતી હતી.’

બે મહિના પહેલાં નૈનાની બહેનનાં લગ્ન હોવાથી પિતાએ તેને ઘરે રહેવા આવવા જણાવ્યું હતું એમ જણાવીને નૈનાના ભાઈ પ્રદીપ ગોંડોલિયાએ કહ્યું હતું કે ‘મંગળવારે નૈનાએ મને બોલાવી હતી અને કહ્યું હતું કે મારી સાસુ મને મારી નાખશે. નૈનાએ આવું પહેલી વાર નહીં, ઘણી વાર મને કહ્યું હતું. તે ઘણી ટેન્શનમાં જણાતી હતી. અમે બુધવારે તેને ઘરે લઈ આવવાના હતા ત્યાં જ અમને નૈનાએ સુસાઇડ કર્યું હોવાની જાણકારી મળી હતી.’

દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય કાકડેએ કહ્યું હતું કે ‘અમે અજય અને તેની માતાની પૂછપરછ કરી રહ્યા છીએ. અમારી વધુ તપાસ ચાલી રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK