કોરોનાના માહોલમાં પણ સ્ત્રીઓની દશા એની એ જ વર્ક ફ્રૉમ હોમ અને વર્ક ફૉર હોમ

Published: Aug 03, 2020, 12:19 IST | Falguni Jadia Bhatt | Mumbai

કેટલીક સ્ત્રીઓને પરિવારમાંથી સપોર્ટ મળી રહ્યો છે, પણ અનેક કિસ્સા એવા છે જ્યાં ઘરના પુરુષો જ નહીં, સિનિયર મહિલાઓ પણ વર્કિંગ વુમનની વ્યથાને સમજતી નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે ઘરેથી કામ કરતી મહિલાઓની દશા અત્યંત કરુણ બની ગઈ છે. તેમણે ઘરેથી ઑફિસનાં કામ ઉપરાંત ઘરનાં બધાં કામ પણ કરવાં પડી રહ્યાં છે. કેટલીક સ્ત્રીઓને પરિવારમાંથી સપોર્ટ મળી રહ્યો છે, પણ અનેક કિસ્સા એવા છે જ્યાં ઘરના પુરુષો જ નહીં, સિનિયર મહિલાઓ પણ વર્કિંગ વુમનની વ્યથાને સમજતી નથી. આવામાં અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં? ચાલો જરા વિચારી જોઈએ...

કોરોનાએ તો હવે અતિ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં મનુષ્યજાતિ તરીકે આપણે ખરેખર ક્યાં ઊભા છીએ એ જ સમજાતું નથી. લૉકડાઉન પણ ચાલુ છે કે પૂરું થઈ ગયું છે એનોય ખ્યાલ આવતો નથી. લોકો આજેય ઘરની બહાર પગ મૂકતાં ડરે છે. કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને હાથ લગાડતાં ગભરાય છે. છોકરાઓની રમતગમત વિના મકાનો બધાં સૂમસામ થઈ ગયાં છે. સ્કૂલો બધી ઑનલાઇન ચાલે છે. રસ્તે નીકળો તો દુકાનો અડધી ખુલ્લી હોય છે અને અડધી હજી પણ બંધ છે. સરકારી ઑફિસો અડધા સ્ટાફ સાથે કામ ચલાવવાનો પ્રયત્ન કરી રહી છે તો બાકીની કંપનીઓ બને એટલા લોકો પાસે ઘરેથી કામ કરાવીને પોતાનું ગાડું ગબડાવવા મથી રહી છે. મિત્રો વિના બાળકો સૂનાં થઈ ગયાં છે, કામધંધા ઠંડા પડી જવાથી પુરુષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને કામવાળી વિના સ્ત્રીઓ હવે થાકીને ઠૂસ થઈ ગઈ છે.
અલબત્ત આ બધામાં સૌથી કપરી સ્થિતિ વર્ક ફ્રૉમ હોમ કરી રહેલી વર્કિંગ વુમનની થઈ છે. તેમની તો બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ છે. ઘરે રહીને પણ આખો દિવસ ઑફિસનું કામ કરવું પડે છે તો બીજી બાજુ કામવાળી અને રસોઈવાળીના અભાવમાં ઘરનું પણ બધું કામ જાતે જ કરવું પડી રહ્યું છે. જોકે આ પરિસ્થિતિમાં પહેલી વાર ભારતીય પુરુષોની સહિષ્ણુતા અને સંવેદનશીલતા પણ બહાર આવી છે. પહેલી વાર ભારતીય પુરુષો ઘરના સ્ત્રીવર્ગને ઘરકામમાં મદદ કરવા સામે ચાલીને આગળ આવ્યા છે અને પહેલી વાર તેમને પોતાના જ ઘરનું કામ કરવામાં તથા ઘરની સ્ત્રીઓને મદદ કરવામાં શરમ નહીં, પરંતુ ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. જે ભારતીય સમાજ હંમેશાં પુરુષપ્રધાન હોવા માટે બદનામ થતો આવ્યો છે એમાં આ એક અત્યંત ચોંકાવનારું છતાં હકારાત્મક તથા ઉમળકાભેર વધાવી લેવા જેવું કહી શકાય એવું પરિવર્તન છે.
જ્યાં આખો સમાજ પોતાનાં વાણી, વર્તન અને વિચારો સંબંધી પ્રત્યેક બાબતમાં એક ધરખમ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે ત્યાં આજેય કેટલાક પરિવારો એવા છે જેઓ પોતાના જૂના રીતરિવાજોનું પૂંછડું પકડીને બેઠા છે. જ્યાં ઘરની મહિલાઓ પાસે છેલ્લા ચાર-ચાર મહિનાથી કામધંધા વગર ઘરે સાવ નવરા બેઠેલા પુરુષને આજેય પાણીનો ગ્લાસ હાથમાં આપવાનો આગ્રહ કરવામાં આવે છે. આખો દિવસ ટીવી સામે પોતાના પલંગ પર પડી રહેતા પુરુષને આજેય તેમનું ભાણું બેડરૂમમાં પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે અને છેક ૧૨ વાગ્યે ઊઠતા પુરુષને પહેલાં ગરમાગરમ નાસ્તો અને પછી સાંજે ચાર વાગ્યે ગરમાગરમ રોટલી બનાવી આપવાનો હુકમ ફરમાવવામાં આવે છે. એવાય પરિવારો છે જ્યાં ઘરના પુરુષો પત્ની, બહેનો અને ભાભીઓને ઘરકામમાં મદદ કરવા તત્પર છે; પરંતુ સાસુ, કાકીસાસુ અને દાદીસાસુ જેવી ઘરની મોટી સ્ત્રીઓ તેમને મહેણાંટોણાં મારીને જબરદસ્તી ટીવી સામે બેસી રહેવા માટે મજબૂર કરી દે છે. તો વળી એવાય પરિવારો છે જેમને મન ઘરેથી આખો દિવસ ફક્ત ઑફિસનું કામ કરતા દીકરાઓ તો બિઝી છે, પરંતુ ઘરેથી આખો દિવસ ઑફિસનું તથા ઘરનું કામ કરતી વહુઓ નવરીધૂપ છે. પરિણામે તેમને માટે લગભગ રોજિંદા ધોરણે જલેબી-ગાંઠિયા, સમોસાં અને રસગુલ્લા તથા પાતરાં અને બાસુંદી જેવી વાનગીઓ બનાવવાનું ફરમાન છોડવામાં આવે છે.
આવા કિસ્સા સાંભળીએ ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. શું આવા લોકો આંધળા છે, બહેરા છે કે પછી તેમના શરીરમાં હૃદય નામનું કોઈ અંગ જ નથી? શું તેમને ઘરની અને બહારની બન્ને જવાબદારીઓ પૂરી કરવા રીતસરના પોતાનાં હાડકાં ભાંગી રહેલી સ્ત્રીઓની પીડા દેખાતી નથી? શું તેમને એ ખબર નથી કે સ્ત્રીનું શરીર પણ શરીર જ છે, જેને પણ તમારી જેમ માનસિક અને શારીરિક થાક લાગે છે? શું તેમને એ ખબર નથી કે તેમના ઉપરીઓ પણ તેમના માથે ડેડલાઇનની લટકતી તલવાર લઈને જ ઊભા હોય છે? ઘરનું કામ કરવું કે પરિવારજનોને ખુશ રાખવા એ કંઈ ફક્ત સ્ત્રીઓનો જ ઇજારો નથી. એમાં ઘરના પુરુષોનો પણ સરખો ફાળો હોવો જોઈએ. સ્ત્રી એ બધું કરે છે, કારણ કે એમાં તેના અંતરનો આનંદ અને ખુશી સમાયેલાં છે. તો શું પુરુષોને પરિવારજનોને સ્વસ્થ અને આનંદિત રાખવામાં મજા નથી આવતી? તો પછી એ માટે જોઈતું બધું કરવાની ફરજ ફક્ત સ્ત્રીની જ શા માટે? અને શું તમારા પરિવારજનોમાં તમારા ઘરની સ્ત્રીઓનો સમાવેશ થતો નથી? તો પછી તેમને દુખી કરીને તમે પરિવારજનોને ખુશ કર્યા એવું કેવી રીતે માની શકો?
વળી સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીનું શોષણ કરતી જોવા મળે છે. પરંપરા અને રીતરિવાજના નામે દાદીસાસુ સાસુની, સાસુ પોતાની વહુની, જેઠાણી પોતાની દેરાણીની તકલીફ ન સમજે એટલું જ નહીં, તેનો બોજ હળવો કરવાને બદલે વધારે. ખરેખર તો મનુષ્ય તરીકે આપણે સૌએ એ તકેદારી રાખવી જોઈએ કે જે પીડા આપણને પહોંચી એ બીજા કોઈને ન પહોંચે. આપણી સરખામણીમાં આપણી ભાવિ પેઢીનું જીવન સુખ-સગવડની બાબતમાં આપણે સારું બનાવી શકીએ કે નહીં, પરંતુ સમજદારીની બાબતમાં તો બનાવવું જ જોઈએ. અહીં વર્ષો પહેલાં એક નવપરિણીત સ્ત્રીએ કહેલી વાત યાદ આવે છે. તેણે કહ્યું હતું કે મેં એક ડાયરી બનાવી છે. એ ડાયરીમાં હું એ પ્રત્યેક બાબતોની નોંધ કરી લઉં છું, જેમાં મને લાગતું હોય કે મારી સાસુ કે જેઠાણીએ મારી સાથે ખોટું કર્યું છે. હાલ હું આમાં ફક્ત પ્રસંગો અને વિચારો ટપકાવતી જાઉં છું, પરંતુ મારો ઇરાદો આ ડાયરીનો ઉપયોગ ત્યારે કરવાનો છે જ્યારે મારાં છોકરાંઓ મોટાં થશે અને મારા ઘરે વહુઓ આવશે. એ દિવસોમાં હું આ ડાયરી વારંવાર વાંચીશ અને મારે મારી વહુઓ સાથે કેવું વર્તન નથી કરવાનું એનું ધ્યાન રાખીશ.
અનુભવમાંથી શીખ લેવી આને કહેવાય. એથી રીતરિવાજના નામે સદીઓથી તમારા કુટુંબમાં જેકાંઈ થતું આવ્યું છે એ બધું સાચું જ હોય એ જરૂરી નથી. સમય સાથે સૌએ બદલાવું પડે છે. બલકે આ જ સમય છે જ્યારે તમે હંમેશાં ચાલતી આવેલી ખોટી પરંપરાઓને તોડો અને જે સાચું અને વધારે સારું છે એની નીવ નાખો. કોરોનાનો આ સમય કાયમી નહીં રહે. ક્યારેક ને ક્યારેક માનવજાત એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી જ લેશે, એથી આ સમયને બરબાદ ન કરતાં આજ સુધી તમારા ઘર-પરિવારમાં જેકાંઈ ખોટું થતું આવ્યું છે, જેકોઈ ખોટી આદતો, ખોટી રૂઢિઓ, ખોટી પરંપરાઓ ઘર કરી ગઈ છે એને બદલવાનો આ સમય છે. યાદ રાખો પરિવર્તન ક્યારેય સરળ હોતું નથી. એને માટે ક્યારેક ઉપરવટ પણ થવું પડે, થોડા અળખામણા પણ બનવું પડે છે, ક્યારેક ગુસ્સો પણ કરવો પડે છે અને અતિશય જરૂરી હોય તો ક્રાન્તિ પણ કરવી પડે છે, પરંતુ એ બધું કર્યા બાદ જે આઝાદી મળે છે એમાં બધાનું જ હિત સમાયેલું હોય છે એથી પરિસ્થિતિ અને સંજોગો અનુસાર સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરવો પડે તો કરવો, પરંતુ અન્યાય ન ચલાવી લેવો.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK