સેલ્ફ-ડિફેન્સ માટે સ્ત્રીઓ થઈ જાય સાવધાન

Published: 21st August, 2012 06:15 IST

જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ આપણા કોઈક શબ્દનો, આપણા કોઈક વર્તનનો કે વ્યવહારનો ઊંધો અર્થ ન કરી લે કે ખોટા અર્થઘટનથી ઊંધું પગલું ન ભરી લે એનું ધ્યાન આપણે પોતે જ રાખવું પડશે

priyanka-self-defenceમંગળવારની મિજલસ - તરુ કજારિયા

‘યહ હાદસોં કા શહર હૈ...’ આ વાક્ય મુંબઈ શહેર માટે વારંવાર બોલવું પડે એવું આપણું શહેર બનતું જાય છે. ગયા અઠવાડિયે વડાલામાં રહેતી ઍડ્વોકેટ પલ્લવી પુર્કાયસ્થની તેના ફ્લૅટમાં સોસાયટીના વૉચમૅન દ્વારા હત્યા થઈ એ સમાચારે મુંબઈના સમૃદ્ધ વિસ્તારોમાં વસતી અને હાઇ-ફાઇ મકાનોમાં રહેતી સ્ત્રીઓને ફફડાવી મૂકી છે. તેમના દિમાગમાં એક ઊંડો ભય જન્માવી દીધો છે. શહેરના અપર મિડલ-ક્લાસ અને અપર-ક્લાસના પરિવારો વસે છે એવી સોસાયટીની સલામતી માટે યુનિફૉર્મમાં સજ્જ સિક્યૉરિટી ગાર્ડ્સ, ઇન્ટરકૉમ, કૅમેરા વગેરે સગવડો રાખવામાં આવે છે. સોસાયટીના મેમ્બર્સ આ માટે દર મહિને તગડું મેઇન્ટેનન્સ ભરે છે. આ બધી જોગવાઈઓ કરી લેવાથી મકાનની સલામતી કદાચ જળવાતી હશે, પણ મકાનમાં રહેનારાની સલામતી એટલી જ જળવાશે એની ખાતરી મળે છે? મુંબઈ અને અન્ય મહાનગરોમાંથી આવતા સમાચારો જોતાં આ સવાલનો જવાબ કદાચ ‘ના’ આપવો પડે.

સલામતીનો ભ્રમ

મુંબઈની તાજેતરની ઘટનામાં ૨૬ વર્ષની એક પ્રોફેશનલ યુવતીની રાતે તેના ઘરમાં જઈને મકાનના વૉચમૅને જ અત્યંત ક્રૂરતાથી હત્યા કરી નાખી. સિક્યૉરિટી ગાર્ડ્સ રાખી લીધા એટલે આપણે સલામત થઈ ગયા એવા ભ્રમમાં રહેવા જેવું નથી. ઊલટું આવા કહેવાતા સલામતી રક્ષકો જ ભક્ષકો બનવાની પૂરેપૂરી શક્યતા હોય છે એનો ખ્યાલ આ ઘટના પરથી આવે છે. જે એજન્સીઓ આ રક્ષકો પૂરા પાડે છે એમની કાર્યપદ્ધતિ અને વિશ્વસનીયતા વિશે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પરિણામે સરકારી તંત્ર પણ જાગી ઊઠ્યું છે. પોલીસ દ્વારા હવે ઘરના નોકરો, ડ્રાઇવરો કે સોસાયટીના વૉચમૅન વગેરે લોકોને નોકરી આપતાં પહેલાં તેમનું પૂરું બૅકગ્રાઉન્ડ ચેક કરવાની જોગવાઈ અમલમાં આવે એની તૈયારીઓ ચાલી રહી છે. આ લોકોએ પોતાના ગામથી પોતાનું કૅરૅક્ટર સર્ટિફિકેટ પણ લઈ આવવું પડશે. આ બધી વાતો થઈ રહી છે ત્યારે વિચાર આવે છે કે આપણે ત્યાં નકલી પ્રમાણપત્રો પર મોટી-મોટી કંપનીઓમાં નોકરી મેળવી શકાય છે અને પાસપોર્ટ જેવા ડૉક્યુમેન્ટ્સ પણ બની જાય છે તો આવું કૅરૅક્ટર સર્ટિફિકેટ તો કોઈ ક્યાંયથી પણ પેદા કરી દઈ શકે. માટે જ આમાં લોકોએ ખુદ, એટલે કે આપણે પોતે જ સતર્ક અને સજ્જ થવું પડશે. મકાનની રક્ષા માટે રાખેલા આવા સલામતી રક્ષકો કે અન્ય લોકો પર ભરોસો કરતાં પહેલાં ૧૦૦ ગળણે ગાળીને પાણી પીવું પડશે.

ચેતવણી છે એક

પલ્લવીના હત્યારાએ આવું ગંદું-હલકું કામ શા માટે કર્યું એનાં કારણોમાં એક-બે વાત ઊભરી આવી છે. એક કારણ એવું કહેવાય છે કે પલ્લવીએ તેની સાથે ઉદ્ધતાઈથી વાત કરેલી અને તેનું અપમાન કરેલું એટલે એનો બદલો લેવા તેણે તેની આટલી ઘાતકી રીતે હત્યા કરી નાખી. બીજું એક કારણ એવું અપાય છે કે નાના ગામમાંથી આવતા એ વૉચમૅન સાથે પલ્લવીએ જ્યારે પણ કંઈ કામસર વાતો કરી હશે એના પરથી પેલા બુડથલે એમ માની લીધું કે પલ્લવીને તેનામાં રસ છે. આ ઘટના શહેરીજનોને અને ખાસ તો સ્ત્રીઓ માટે આંખ ઉઘાડનારી છે. હકીકતમાં જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ આપણા કોઈક શબ્દનો, આપણા કોઈક વર્તનનો કે વ્યવહારનો કેવો ઊંધો અર્થ કરી શકે, કેવું ખોટું અર્થઘટન કરી શકે અને એનું કેટલું ભયંકર પરિણામ આવી શકે એની ચેતવણી આ ઘટનામાંથી સાંપડી છે.

આંખ મીંચીને ભરોસો

મુંબઈ જેવાં મેટ્રોપૉલિટન શહેરોમાં માત્ર શિક્ષિત અને પ્રોફેશનલ સ્ત્રીઓ જ નહીં, ઇવન ગૃહિણીઓ પણ ઘરનાં અને બહારનાં કામો સંભાળતી હોય છે. બહાર જતી-આવતી હોય છે અને નવા કે અજાણ્યા માણસો સાથે પણ કામ પાર પાડવામાં તેને કોઈ તકલીફ મહેસૂસ નથી થતી. પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન કે કાર્પેન્ટર જેવા લોકો પાસેથી કામ કરાવવાનું મોટા ભાગે સ્ત્રીઓ જ સંભાળતી હોય છે. ઘરમાં નળમાં પાણી ન આવતું હોય કે પાઇપ લીક થતી હોય તો કેટલીયે ગૃહિણીઓ ઇન્ટરકોમ કરીને વૉચમૅનને ફરિયાદ કરીને બોલાવે છે. ‘ઘરમાં કોઈ નથી, અમારું કુરિયર આવે તો લઈ લેજો’ એવી સૂચના પણ તે બહાર જતાં-જતાં નીચે સિક્યૉરિટી ગાર્ડ્સને આપતી જાય છે. ઘરના પુરુષો બહારગામ ગયા હોય તો તે ઘરના નોકરને જ નહીં, વૉચમૅનને પણ ખબર હોય! વળી કેટલીક સ્ત્રીઓ તો રસોઈ વધી હોય તો વૉચમૅનને ઇન્ટરકોમ કરીને ઉપર બોલાવે કે ‘થોડા ખાના હૈ, આકે લેકે જાના!’ પરંતુ પલ્લવીની હત્યાએ આ બધામાં રહેલા જોખમ પ્રત્યે ખતરાની ઘંટડી વગાડી છે.

અર્થનું અનર્થ

તદ્દન સરળતાથી અને નિખાલસતાથી સલામતી રક્ષકો પર ભરોસો કરનારા આવા લોકોને કદી ખ્યાલ પણ નથી આવતો કે સલામતી રક્ષકના યુનિફૉર્મમાં સામે ઊભેલો શખસ તેમની સરળતા કે નિખાલસતાનો કેટલો ગંદો અર્થ કરી શકે એમ છે. તો જુદા-જુદા સ્તરના અને વર્ગના લોકો સાથે ડીલ કરતી વખતે તેમની માનસિકતાનો અને પરિપક્વતાનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. વળી આપણા વડીલોની કેટલીક સલાહ તો સો ટચના સોના જેવી પુરવાર થઈ શકે, જેમ કે સ્ત્રી એકલી ઘરમાં હોય ત્યારે કોઈ પુરુષને બોલાવવો કે એન્ટરટેઇન કરવો નહીં. જસ્ટ વિચાર કરો કો એ રાત્રે વૉચમૅન કે ઇલેક્ટ્રિશ્યનને બોલાવતાં પહેલાં પલ્લવીને પોતાના પેરન્ટ્સ કે ગ્રૅન્ડપેરન્ટ્સે આપેલી (જો આપી હોય તો!) કોઈ શિખામણ યાદ આવી ગઈ હોત તો! તો કદાચ એ પહેલાં પોતાની પાડોશણને સ્થિતિની જાણ કરત. અને જો તે પાડોશણ પાકટ ઉંમરની કે જુનવાણી હોત તો કદાચ તે તેને સલાહ આપત કે બહેન, આટલી રાતે ઘરમાં કોઈ પુરુષની ગેરહાજરીમાં અજાણ્યા ઇલેક્ટ્રિશ્યનને બોલાવવાને બદલે ઇમર્જન્સી લાઇટ કરીને અને હવા જોઈતી હોય તો બારી ખોલીને સૂઈ જા. સવારે રિપેર કરાવી લેજે. હા, ક્યારેક ઑલ્ડિઝની ઍડવાઇસ કૅન બી ગોલ્ડીઝ ટૂ.

આપણે જ ચેતવું પડશે

આપણા નિર્દોષ શબ્દો કે વર્તનનું મિસઇન્ટરપ્રિટેશન્સ થવાની શક્યતા તો સરખેસરખા લોકોમાં પણ રહેલી છે તો તદ્દન જુદા પરિવેશમાંથી આવતા લોકોમાં તો એની શક્યતા ભારોભાર જ હોઈ શકેને! મને યાદ આવે છે એક ઘટના. મુંબઈની એક યુવતી એક નાના શહેરમાં સેટલ થઈ. ત્યાં જૉબ કરવા લાગી. મુંબઈ જેવા મૉડર્ન સિટીમાં રહેલી તે યુવતી વાતોમાં ઘણી નિખાલસ હતી અને તેના વ્યવહારમાં પણ કોઈ સંકુચિતતા નહોતી. જોકે તે બિલકુલ અસંસ્કારી અને અભદ્ર નહોતી, પરંતુ તેની નિખાલસ વર્તણૂકને તેની ઑફિસના એક કલીગે ‘આમંત્રણ’ સમજવાની ગેરસમજ કરી. એક વાર ઉત્સાહમાં આવી તેણે પેલી યુવતી સાથે કોઈ શારીરિક અડપલું કરવાની કોશિશ કરી. પેલી સ્માર્ટ છોકરી તરત સમજી ગઈ કે નાના શહેરના સંકુચિત માનસમાં તેના નિખાલસ વાણી-વર્તન વિશે ગેરસમજણ થઈ છે. તરત તે ચેતી ગઈ અને સ્પષ્ટ શબ્દોમાં પેલા કલીગને પણ ‘બિહેવ યૉરસેલ્ફ’નું અલ્ટિમેટમ આપી દીધું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK