આજની નારી સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ થતી જાય છે

Published: 25th December, 2011 09:35 IST

મોડે સુધી બહાર રહેવું, કરીઅર-કૉન્શિયસ થઈ જવું, સંબંધો તોડી નાખવાની હિંમત કરવી, વ્યસનતરફી થઈ જવું - આ બધું ક્યારેય એક મહિલાને શોભે નહીંઆ મુદ્દે વાત કરતાં પહેલાં મારે એક પ્રસંગ કહેવો છે. ઈસવીસન ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દેશના બધા નાગરિકો જશન મનાવતા હતા; પણ દિલ્હીના એક ખૂણામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ જેવા મહાનુભાવો સહેજ ચિંતાગ્રસ્ત હતા. આ ચિંતા હતી હવે શું કરવું એની, કારણ કે વષોર્ સુધી આઝાદી મેળવવા માટે જંગ ચાલ્યો હતો એટલે કોઈના ધ્યાન પર એ વાત તો આવી જ નહોતી કે આઝાદી મેળવી લીધા પછી શું કરવું. અમુક અંશે એવું જ મહિલાઓ સાથે થયું છે એવું કહું તો કંઈ ખોટું નથી.

તેમને કામ કરવાની કે બહારના સંપર્કમાં રહેવાની પરવાનગી નહોતી મળતી ત્યારે તેમની પાસે એવી ફરિયાદ હતી કે તેમને આઝાદી આપવામાં આવતી નથી, પણ જેવી તેમને પરમિશન આપી દેવામાં આવી કે એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો. આ વાત દરેક કિસ્સામાં લાગુ નથી પડતી, પણ મોટા ભાગના કેસમાં જરૂર લાગુ પડે છે.

હું માનું છું કે નારીસ્વાતંત્ર્યની વાત કરતાં પહેલાં આપણે આ નારીસ્વાતંત્ર્ય વિશે વિસ્તૃતપણે જાણી લેવું જોઈએ. હું એક પ્રસિદ્ધ અને વેલ-ડેવલપ્ડ નાગર ફૅમિલીમાંથી આવું છું. લખવા-વાંચવા અને બોલવા પર ક્યારેય કોઈ પ્રતિબંધ મેં જોયો કે સાંભળ્યો નથી એટલે વધુ સારી રીતે કહી શકીશ કે નારીગુલામીની કે નારી પર અંકુશ મૂકવામાં આવ્યો હોવાની જે વાતો હતી એ વાતો અઢારમી સદીના ઉત્તરાર્ધ સુધી જ સીમિત રહે તો વધુ સારું છે, કારણ કે ત્યાર પછી તો જરૂરિયાત મુજબ અને સંજોગોને ધ્યાનમાં લઈને નારીઓને છૂટછાટ આપવામાં આવી જ છે. ઇન્દિરા ગાંધી આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે જ. બીજાનું હું શું કામ જોવા જઉં, મારી જ વાત કરું તો મારો જન્મ ૧૯૬૦માં થયો છે. જો આજે નારીસ્વાતંત્ર્યની વાત ચાલતી હોય તો એનો અર્થ એ થયો કે સાઠના દાયકામાં તો નારી આઝાદ હતી જ નહીં, પણ મેં એવું કંઈ જોયું નથી. મને લાગે છે કે નારી પહેલાં પણ આઝાદ જ હતી, પણ આ આઝાદીની તેની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા મુજબનું જીવન તેને હવે મળવાનું શરૂ થયું છે.

હવે તે બિનધાસ્ત બહાર ફરી શકે છે, પ્રોફેશનલી કરીઅર બનાવી શકે છે, વ્યસનની તલબ લાગે તો એ પણ જાહેરમાં પૂરી કરી શકે છે. આ બધાને કારણે હવે તેને એવું લાગી રહ્યું છે કે હવે અમે હવે સંપૂર્ણ આઝાદ છીએ, પણ મારું માનવું છે કે આ બધામાં ક્યાંક થોડી સ્વચ્છંદતા પણ ભળી ગઈ છે. મોડે સુધી બહાર રહેવું, કરીઅર-કૉન્શિયસ થઈ જવું, સંબંધો તોડી નાખવાની હિંમત કરવી, વ્યસનતરફી થઈ જવું - આ બધું ક્યારેય એક મહિલાને શોભે નહીં. આ આઝાદી નથી, નથી અને નથી જ. મને લાગે છે કે મારા ઘરમાં બીજા તમામ ગુજરાતીઓ કરતાં સૌથી વધુ આઝાદી આપવામાં અને લેવામાં આવતી હશે, પણ એમ છતાં મારી દીકરી ખુશાલી રાતે દસ વાગ્યા પછી ઘરની બહાર તમને જોવા ન મળે. અંધારું થાય કે તેના પગ ઘર તરફ ફરી જાય. જો દસથી મોડું થવાનું હોય તો તેણે મને કહી જ દીધું હોય. આ રિસ્ટિક્શન નથી, સેલ્ફ-ડિસિપ્લિન છે જે હોવી જોઈએ.
મારાં નાટકોના શો દરમ્યાન કે જાહેર ફંક્શનમાં લોકો મને મળે ત્યારે કહેતા હોય છે કે તમારે તો જલસા છે. ના, એવું સહેજ પણ નથી. મારું આ પ્રોફેશન છે, પણ આ પ્રોફેશન વચ્ચે પણ મારામાં ડિસિપ્લિન સાચવવાની સમજણ તો છે જ. આ સમજણ મને મારાં મમ્મી-પપ્પા પાસેથી મળી છે. હું જોઉં છું કે કરીઅર-ઓરિયેન્ટેડ થઈ ગયેલી આજકાલની છોકરીઓ મન પડે ત્યારે જાગે છે અને જો એકલી રહેતી હોય તો ઘરમાં રસોઈ કરવાને બદલે બહારથી ફૂડ મગાવી લેશે.

આવું શું કામ કરવાનું બહેન?
એક ઍક્ટ્રેસને મેં આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેણે મને જવાબ આપ્યો હતો કે છોકરાઓ એકલા રહેતા હોય તો તેમની લાઇફસ્ટાઇલ પણ આવી જ હોય છેને?

આ કમ્પેરિઝન ખોટી છે. મારી દૃષ્ટિએ કદાચ ઊતરતી છે, કારણ કે મને હંમેશાં લાગ્યું છે કે મહિલાઓ પુરુષો કરતાં ચડિયાતી રહી છે. આપણે બેસ્ટમાં બેસ્ટ રસોઈ બનાવી શકીએ છીએ. ઘર સાચવવાથી માંડીને ઘરનાં કામોમાં સર્વોત્તમ છીએ. સંબંધો અને વ્યવહારો પુરુષો કરતાં સારી રીતે સાચવી શકીએ છીએ. બાળકોના ઉછેરમાં પણ એ લોકોથી ચડિયાતી છીએ જ. પુરુષો મા નથી બની શકતા, કુદરતે એ શક્તિ પણ માત્ર આપણને એટલે કે મહિલાઓને આપી છે. પુરુષો કમાઈ શકતા, હવે એમાં પણ મહિલાઓ અગ્રેસર બનતી જાય છે અને ઘરમાં પોતાનું કૉન્ટિબ્યુશન આપતી થઈ છે. જો આમ બધા અલગ-અલગ ફીલ્ડમાં આપણે આંતરિકપણે ચડિયાતી હોઈએ તો ‘છોકરાઓ ક્યાં રસોઈ બનાવે છે’ કે ‘બૉય્ઝ પણ આવું જ કરતા હોય છે’ની દેખાદેખી કરીને શું કામ નિમ્ન સ્તર પર જવું જોઈએ.

આવી દેખાદેખીને કારણે જ હવે ધીમે-ધીમે ડિવૉર્સનો રેશિયો પણ ઊંચો આવી રહ્યો છે. હવે છોકરા કે છોકરીને એકલા રહેવામાં સહેજ પણ સંકોચ નથી થતો. મને લખતાં-લખતાં પણ હસવું આવે છે કે હવેનાં માબાપ પણ પોતાની કરીઅર-ઓરિયેન્ટેડ કે કમાઉ દીકરીને એવી સલાહ આપતાં ખચકાતાં નથી કે ગમે નહીં તો તું તારે ચિંતા કર્યા વિના પાછી આવી જજે. મજાની વાત એ છે કે છોકરીઓ પણ પાછી તેમની આ સલાહને યાદ રાખે છે. મુદ્દો એ છે કે નારીસ્વાતંત્ર્યના નામે આ પ્રકારની જે માનસિકતા ઊભી થઈ રહી છે એ બહુ ખરાબ છે. સ્વાતંત્ર્ય અને સંબંધો વચ્ચે કોઈ સંબંધ ન હોવો જોઈએ. સંબંધોમાં જતું કરવાની ભાવના હોવી જ જોઈએ. જો આ ભાવ ન હોય તો સંબંધોમાં અંટસ વધે અને તિરાડ પડવી શરૂ થઈ જતી હોય છે. આ વાત હું વિનાકારણ નથી કહેતી.

આ પ્રકારે લગ્નજીવન તૂટતાં મેં જોયાં છે. શરૂઆતમાં મૅરેજ-લાઇફ બગડે છે અને પછી એવું પણ બનતું હોય છે કે આઝાદીના ભોગે ફૅમિલી સાથે રહેવાનું પણ ગમતું નથી અને એટલે પછી એકલા રહેવાની આદત પડવી શરૂ થાય છે. આ બહુ ખરાબ છે. આંખ સામે અઢળક કિસ્સાઓ એવા છે કે એકાંત વચ્ચે તેમનો ભયાનક અંત આવ્યો છે. એમ છતાં પણ આજકાલનાં આ છોકરા-છોકરીઓ એકલા રહેવા માટે એકઝાટકે તૈયાર થઈ જાય છે. શૂટિંગમાં કે સેટ પર અનેક લોકો મને મળે છે જેમણે એક સમયે મૅરેજ-લાઇફ સરસ માણી હોય અને અત્યારે તે બન્ને છૂટા પડીને પોતપોતાની રીતે ફ્લૅટ રાખીને એકલા રહેતા હોય. મને આવા લોકોની ખરેખર દયા આવે છે. કહેવાનું મન પણ થઈ આવે કે આવી આઝાદીની ક્યાં જરૂર હોય છે તમને?
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK