આજ કી નારી કો ઇતના ગુસ્સા ક્યોં આતા હૈ?

Published: 22nd August, 2012 05:57 IST

આજની મહિલાઓમાં અગ્રેશન વધ્યું છે. ઋજુતા, સંવેદનશીલતા, કોમળતા અને સહનશીલતા જેવા તેના સ્ત્રીસહજ ગુણો હવે ખોવાતા ચાલ્યા છે. તેની લાગણીઓ કુંઠિત થવા માંડી છે. આ સ્થિતિ નિર્માણ થવા પાછળનાં કારણો તેમ જ એને દૂર કરવા શું કરી શકાય એ જોઈએ

ansika-motwaniબુધવારની બલિહારી - કિરણ કાણકિયા

આજે શિક્ષિત મહિલાઓ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. કોઈ પણ ફીલ્ડ તેના માટે અજાણ્યું નથી રહ્યું, પરંતુ એક બાબત તમે માર્ક કરી છે કે ઋજુ, સંવેદનશીલ સ્વભાવ ધરાવતી મહિલાની લાગણી કુંઠિત થવા લાગી છે? એની કોમળ લાગણીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. પોતાના સ્ત્રીસંબંધી ગુણોને ત્યજીને તેને આખરે શું મળી રહ્યું છે? તે પોતે જ એટલી ગૂંચવાઈ ગઈ છે કે તે પોતે જ જાણે પોતાની જાળમાં ફસાઈ ગઈ છે. દિવસે ને દિવસે ઉત્તેજિત બનવા લાગી છે. તેનામાં અગ્રેશન વધવા લાગ્યું છે. એ માટે કોણ છે જવાબદાર? આવો, જાણીએ.

આર્થિક આત્મનિર્ભરતા

ભણીગણીને આત્મનર્ભિર થવું જરાય ખોટું નથી, પરંતુ આ આત્મનર્ભિરતા કઈ કિંમત પર મળી છે? લક્ષ્યમાં લેવાની આ બાબત છે. હાથમાં પૈસા આવતાં કૉન્ફિડન્સ વધી જાય છે, પરંતુ ક્યારે આ કૉન્ફિડન્સ ઓવર કૉન્ફિડન્સ બની જાય એની જાણ ન રહેતાં વર્તન બદલાવા લાગે છે. પરિણામે સ્વભાવમાં અગ્રેશન વધી જાય છે.

વર્કલોડની અસર

વર્કિંગ વુમન પર બેવડી જવાબદારી હોય છે. કામ વધુ ને સમય ઓછો હોય છે. ઘર, ઑફિસ, પરિવાર અને બાળકોની જવાબદારીને કારણે તેને પોતાના માટે સમય નથી બચતો. એને કારણે તેનામાં ચીડચીડાપણું, કારણ વગરનો ગુસ્સો ધીરે-ધીરે ભળતા જાય છે. ક્યારેક ઑફિસનો ગુસ્સો પતિ અને બાળકો પર ઉતારે છે. ઘર-ઑફિસનું બૅલેન્સ કરતાં ક્યારેક ત્રસ્ત થઈ જાય છે.

વધતી જવાબદારીઓ

વર્કિંગ વુમનને ઘરના સભ્યોની સાથે ઘરના વ્યવહારની જવાબદારી પણ સંભાળવી પડે છે. સારા-માઠા પ્રસંગે જવું, ઘરમાં કોઈ માંદું પડે તો ખડે પગે સેવા કરવી, મહેમાનોની આગતા-સ્વાગતા કરવી, પત્ની તથા માતા અને પુત્રવધૂની બધી ફરજો સંભાળતાં તેના નાકે દમ આવી જાય છે. તો ક્યારેક સાસરિયાંનાં મહેણાંટોણાં તેને અકળાવી દે છે. એથી તેનામાં અગ્રેશન વધી જાય છે. તથા ઘરની પરંપરા, રિવાજો અને રૂઢિગત ખ્યાલોને પોષવા પડે છે અને આ બધું નિભાવવા છતાં પણ જ્યારે તેને સ્વતંત્રતાનો અહેસાસ નથી થતો ત્યારે તેનો દમ ઘૂંટાય છે અને આ ઘૂટન અગ્રેશન બની જાય છે.

વધતી અપેક્ષાઓ

મહિલાઓ પાસેથી આશાઓ પણ બહુ રખાય છે. સંપૂર્ણ સમજદારીની આશા, સંબંધો જાળવી રાખવાની ઉમ્મીદ, સારી પુત્રવધુ, યોગ્ય પત્નીને માતા બની રહેવાની અપેક્ષા ઉપરાંત ઘરના બધા જ સભ્યોના મન સાચવવાની પળોજણને કારણે ક્યારેક ને ક્યાંક તેનો ગુસ્સો અગ્રેશનનું રૂપ ધારણ કરી લે છે.

વધતા ડિવૉર્સ

સ્ત્રી શક્તિ બનતાં કમાતી થઈ. આર્થિક સ્વતંત્રતા મળતાં તેને હવે દબાવું મંજૂર નથી. કોઈ પણ કારણસર તેનું દમન કરવું કે મારઝૂડ કરવી કે મહેણાંટોણાં મારવાં... આવું હવે તે સહન કરતી ન હોવાથી ડિવૉર્સના કિસ્સા વધવા લાગ્યા. તેની પાસે હવે ઑપ્શન છે. તે અન્યાય સહન કરવાને બદલે લગ્નસંબંધથી છૂટી પડવા ઇચ્છે છે. ડિવૉર્સને કારણે લગ્નસંસ્થા ખળભળી ગઈ છે.

સપોર્ટ મળે તો

આજની શિક્ષિત મહિલાને ઘરનો તથા પતિનો પૂરો સપોર્ટ મળે અને ઘરનું વાતાવરણ પ્રેમાળ હોય તો મહિલાની કુંઠિત થયેલી લાગણીઓ જરૂર બહાર આવશે. આમ પણ તે મૂળે સંવેદનશીલ છે અને તેણે પણ પોતાનો ઍટિટ્યુડ બદલવો પડશે

આપણે જ ચેતવું પડશે

વાસ્તવમાં અગ્રેશન ગુસ્સાનો જ એક પ્રકાર છે અને ગુસ્સો જ એનું મૂળ કારણ છે. છતાંય અગ્રેશન ઘણાંય કારણોસર આવે છે.

જ્યારે મનમાં સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સની ભાવના ઘર કરી જાય કે હું બીજાથી મોટી છું.

વારંવાર અન્યાયનો સામનો કરવાથી અગ્રેશન આવે છે.

કેટલાકનો સ્વભાવ મૂળથી જ ગુસ્સાવાળો હોય છે.

જ્યારે કોઈ સાથે વારંવાર વિશ્વાસઘાત થાય ત્યારે સામેવાળા માટે ગુસ્સાની માત્રા વધી જાય છે.

જીવનમાં દરેક વખતે નિરાશા જ મળતી હોય ત્યારે નિરાશા અગ્રેશનનું રૂપ ધારણ કરે છે.

જો લાંબા સમય સુધી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી ન શકે તો એનું ફ્રસ્ટ્રેશન અગ્રેશન બની જાય છે.

સ્ટ્રેસ પણ અગ્રેસિવ બનાવે છે.

લાંબા સમય સુધી મનમાં ઘૂંટાઈને લાગણીઓને દબાવતાં અગ્રેશનના રૂપમાં બહાર આવે છે.

આજે પણ ઘરમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછી આંકવામાં આવે છે. તેના નિર્ણયને ઝાઝું મહત્વ નથી આપવામાં આવતું. આવું થાય ત્યારે તેનામાં હીન ભાવના જન્મે છે. અન્યાય સામે બોલી ન શકતાં અગ્રેશન પ્રગટ થાય છે. બીજી મહત્વની વાત એ છે કે આજની છોકરીઓ સારું કમાય છે. સમાજમાં તેનું સ્ટેટસ વધ્યું છે. એવામાં તે કોઈ પણ પ્રકારની સમજૂતી નથી કરી શકતી. તે સીધી જ નનૈયો ભણે છે. પરંતુ આપણો સમાજ કે પરિવાર છોકરીનો આવો વર્તાવ જોવા ટેવાયેલો નથી અને ન તો માનસિક રૂપે તૈયાર છે. છોકરીની વર્તણુકમાં તેમને અગ્રેશન દેખાય છે.

વાસ્તવમાં જે ઘરોમાં દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી રાખવામાં આવતો અને સમાન વર્તન થાય છે, સમાન પ્રેમ અને સન્માન મળે છે; પરંતુ આવી દીકરીઓ પરણીને જે પરિવારમાં જાય છે ત્યાં તેને પૂરતું સન્માન કે પ્રેમ નથી મળતો અને પળે-પળે ભેદભાવ થાય છે ત્યારે તેનો ગુસ્સો અગ્રેશનનું રૂપ ધારણ કરી લે છે.

એક બીજું એ પણ કારણ છે કે વર્કિંગ વુમનને માથે બધી જ જવાબદારી થોપવામાં આવે અને તેનો પતિ જરા પણ તેને મદદ ન કરે. ઉપરથી અપેક્ષા રાખે અને હુકમો છોડે ત્યારે સ્ત્રીથી સહન થતું નથી અને તેનો ગુસ્સો ક્યારે જ્વાળા બની અગ્રેશન બની જાય છે એ કહેવું મુશકેલ બની જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK