Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > દાદનો આભાર કિન્તુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

દાદનો આભાર કિન્તુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

21 January, 2019 01:40 PM IST |
રજની મહેતા

દાદનો આભાર કિન્તુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

ઓ. પી નૈયર, ગુલશન બાવરા અને આણંદજી ભાઈ

ઓ. પી નૈયર, ગુલશન બાવરા અને આણંદજી ભાઈ


વો જબ યાદ આએ

કવિતા લખવી એટલે આકાશમાં પગલાં પાડવાં...



હવાની લિપિમાં કવિતા ઊપસી આવે તો આવે નહીં તો


બિછાનામાં પડેલા બીમારની જેમ

કણસતી પોતાની સંવેદનાને જોયા કરવાની


નર્સની જેમ

કવિતા લખવી એટલે નીકળી જવું બારાખડીની બહાર...

- જયા મહેતા

હિન્દી ફિલ્મસંગીતના સુવર્ણકાળમાં જે અમર સંગીતનું સર્જન થયું એનું મુખ્ય કારણ હતું બારાખડીની બહાર નીકળીને લખાયેલા અર્થસભર શબ્દો, જે સાત સૂરોની સુરાવલીને અતિક્રમીને સ્વરબદ્ધ થયા હતા. સોનામાં સુગંધ ભળે એમ એમાં મધમીઠી ગાયકીનો ઉમેરો થયો. આ ત્રણેનો ત્રિવેણી સંગમ થયો અને એટલે જ એ સમયે જે ગીતો બન્યાં એ અમરત્વ પામ્યાં. આ ગીતોને જૂનાં ગીતોને જૂનાં ગીતો કહેવાની ભૂલ કરવા જેવી નથી, કારણ કે કાળના પ્રવાહને હંફાવીને આ ગીત-સંગીત વીતવા સાથે વધુ ને વધુ સુરીલું બનતું જાય છે.

એક સમય એવો હતો કે આ ગીતો ફિલ્મની કથાને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવતા. એ સમયે સિચુએશનને ધ્યાનમાં રાખી ગીતો લખાતાં અને એની ધૂન બનતી. આજે લોકેશનને ધ્યાનમાં રાખીને ગીતો લખાય છે અને પãમમાં કયો ટ્રેન્ડ ચાલે છે એને અનુરૂપ ધૂન બને છે. વિખ્યાત અમેરિકન કવિ ટી. એસ. ઇલિયટની વાત યાદ આવે છે. એક વિવેચકને તેમણે કહ્યું હતું, ‘Everyone talks of poetry, but no one offers a poem’ આજે તો જોડકણાં જેવાં ગીતોનું માર્કેટ જોરમાં છે. આજનું સંગીત લગભગ ઘોંઘાટની નજીક પહોંચી ગયું છે. એ દિવસોમાં આ આખી પ્રક્રિયા ‘ક્રીએશન’ની હતી. આજે આ કામ એક ‘મૅન્યુફૅક્ચરિંગ પ્રોસેસ’ બની ગયું છે. અહીં નવા-જૂનાની સરખામણી કરવાનો કોઈ ઇરાદો નથી. હું હંમેશાં કહેતો આવ્યો છું કે દરેક જૂનું ગીત સારું નહોતું અને દરેક નવું ગીત ખરાબ નથી. પરંતુ હકીકતનો સ્વીકાર કરવો એટલો જ જરૂરી બને છે.

એક સારી કવિતા લખવા માટે કવિનું કામ કેવળ એટલું જ હોય છે કે યૌદ્ધા બની શબ્દોના કિલ્લામાં પ્રવેશ કરવો અને લોહીલુહાણ થઈને બહાર નીકળવું. એટલે જ કવિ નલિન રાવળ કહે છે, ‘કવિતા તો પલાંઠી, પાલવે તો લગાવો, નહીં તો છાપરે જઈ પતંગ ચગાવો.’ ફિલ્મસંગીતના આવા અનેક ગીતકાર યોદ્ધાઓ સાથે મળીને કલ્યાણજી-આણંદજીની જોડીએ અસંખ્ય યાદગાર ગીતો આપ્યાં છે. તેમને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘દિલ લૂંટનેવાલે જાદુગર, અબ મૈંને તુઝે પહચાના હૈ’ (મદારી), ‘તુઝ પે કુરબાન મેરી જાન, મેરા દિલ મેરા ઈમાન’ (કુરબાની), ‘સાઝે દિલ છેડ દે, ક્યા હંસી રાત હૈ’ (પાસર્પોટ)ના ગીતકાર ફારુક કૈસરને સિચુએશન આપીએ એટલે ક્યા ક્યા એમ કહેતાં બે-ત્રણ વાર અમારી વાત સાંંભળે. પછી ઊભા થઈને રૂમની બહાર નીકળે. અમે પૂછીએ, ‘શું થયું?’ તો જવાબ મïળે, ‘કુછ નહીં, ઝરા બાહર જા કે સોચતા હૂંં. કુછ આઇડિયા મિલેગા.’ આટલું કહેતાં લૉબીમાં આંટા મારે. થોડી વાર પછી અંદર આવે ત્યારે મુખડું તૈયાર હોય. એ સાથે અમને બીજા ઑપ્શન પણ આપે. એકદમ મ્યુઝિકલ હતા. જો ધૂન પહેલાં બની હોય તો એના પરથી ગીત લખે. પોતે ગીત લખ્યું હોય એની ધૂન પણ તેમની પાસે હોય. તેમની સાથે કામ કરવાની મજા આવતી.

‘‘ડમ ડમ ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા’ અને ‘મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે કે તેરા હાલ ક્યા હૈ’ (છલિયા), ‘પ્યાસે પંછી નીલ ગગન મેં ગીત મિલન કે ગાએ’ (પ્યાસે પંછી) જેવાં ગીતોના ગીતકાર કમર જલાલાબાદી (મૂળ નામ હતું ઓમપ્રકાશ ભંડારી) એકદમ શાંત, સરળ સ્વભાવના હતા. જે કોઈ સિચુએશન પર ગીત લખવાનું હોય એ સાંભïળીને તરત ગ્રાસ્પ કરીને એકદમ મૂડ પકડીને ગીત લખે. પોતે પંજાબી હતા. અમારા મ્યુઝિકલ હૉલ પર આવે ત્યારે ઘેરથી ડબ્બો લઈને આવે. અમારા ઘરની દાળ અને શાક તેમને ખૂબ ભાવે અને મને તેમના ઘરનું શાક ભાવે. આમ અમે શાક એક્સચેન્જ કરીએ. જમવાનું પતાવીને અમે ઝૂલા પર બેઠા હોઈએ ત્યારે તેમને ગીતનાં મુખડાં યાદ આવે અને આમ ગીત તૈયાર થાય.

‘પી. એલ. સંતોષી બહુ સિનિયર ગીતકાર હતા. તેમની એક ખાસિયત હતી. ગીત લખતા પહેલાં તેમને પાન ખાવાની આદત હતી. એ ઉપરાંત રાસબરી શરબતમાં રૉજર્સ સોડા નાખેલો ઠંડો ગ્લાસ તેમને સામે જોઈએ. જેમ-જેમ સિચુએશન સાંભïળતા જાય તેમ-તેમ એક-એક પાન મોઢામાં મૂકતા જાય. ત્યાર બાદ શરબતના ઘૂંટ ભરતાં-ભરતાં ગીત લખતા જાય. એક વાર લખવાનું શરૂ કરે એટલે ફટાફટ ગીત પૂરું કરી નાખે. કાફિયા અને રદીફ જે ઝડપથી તેમના દિમાગમાં આવે એ જોઈને આપણને નવાઈ લાગે.’

એક આડવાત. પી. એલ. સંતોષી એટલે કે પ્યારેલાલ સંતોષી ફિલ્મ ‘ઘાયલ’ અને ‘દામિની’ના સફળ ડિરેક્ટર રાજકુમાર સંતોષીના પિતા. ૫૦ના દાયકામાં તેમણે લખેલાં ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ (શહનાઇ), ‘કોઈ કિસી કા દીવાના ના બને’ (સરગમ), ‘તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોએ’ (શીન શીનાકી બુબલા બુ) અને ‘મેરે પિયા ગએ રંગૂન, વહાં સે કિયા હૈ ટેલિફુન, તુમ્હારી યાદ સતાતી હૈ’ (પતંગા) જેવાં ગીતો બેહદ લોકપ્રિય થયાં હતાં.

‘ફિલ્મ ‘પૂર્ણિમા’ માટે ‘હમસફર મેરે હમસફર, પંખ તુમ પરવાઝ હમ’ અને ‘તુમ્હે ઝિંદગી કે ઉજાલે મુબારક, અંધેરે હમેં રાસ આ ગએ હૈં’ ના ગીતકાર ગુલઝાર એ વખતે નવા-નવા હતા. જોકે તેમની કવિતામાં દમ હતો. એ દિવસોમાં નવોદિત કલાકારો મોહન સ્ટુડિયોમાં આંટા મારતા કે કોઈની નજર પડે. અમને તેમની કવિતામાં રસ પડ્યો. અમે હંમેશાં માનતા કે જો કોઈમાં પ્રતિભા હોય તો તેને મોકો આપવો જોઈએ. નવા ચહેરા સાથે કામ કરવામાં અમને ભય નહોતો લાગતો, ઊલટાનું આ કામ અમને ચૅલેન્જિંગ લાગતું.

‘હસરત જયપુરી એકદમ હાજરજવાબી હતા. તેમનો કન્વિન્સિંગ પાવર જબરો. કોઈ પણ વાત તમને એવા તર્ક આપીને સમજાવે કે તમે ના ન પાડી શકો. તેમની લખવાની શૈલી એકદમ સરળ હતી. તેમનાં ગીતો પણ મોટે ભાગે બોલચાલની ભાષામાં જ લખાય.

‘આપસે હમ કો બિછડે હુએ એક ઝમાના બીત ગયા’ (વિશ્વાસ), ‘યારી હૈ ઈમાન મેરા, યાર મેરી ઝિંદગી’ (ઝંજીર) અને ‘મેરે દેશ કે ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી (ઉપકાર) જેવાં ગીતોના ગીતકાર ગુલશન બાવરા શરૂઆતમાં રેલવેમાં ક્લર્કની નોકરી કરતા. તેમનો દેખાવ જોઈને કોઈ એમ ન કહી શકે તે આવાં રોમૅન્ટિક ગીતો લખતા હશે. લાંબું, ઢીલું પૅન્ટ અને ગાંડીઘેલી બોલવાની સ્ટાઇલ પરથી કલ્યાણજીભાઈએ તેમનું નામ ગુલશન મહેતા પરથી ગુલશન બાવરા કર્યું હતું અને છેવટ સુધી તે એ જ નામે ઓળખાયા. સ્વભાવે ખૂબ જ ઇમોશનલ. અમુક ગીતોના રેકૉર્ડિંગ સમયે તો તે રડી પડે. અમને પોતાના અંદાજમાં કારણ આપતાં કહે, ‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ.’

આણંદજીભાઈની વાત સાંભળી મને થોડાં વર્ષો પહેલાં ગુલશન બાવરાનો એક ઇન્ટરવ્યુ યાદ આવ્યો. એમાં તે કહે છે, ‘મારા અંગત જીવનમાં મને અનેક પીડાદાયક અનુભવ થયા છે. કદાચ આને કારણે મારાં ગીતોમાં આટલું દર્દ આવ્યું હશે. હું રેલવેમાં નોકરી કરતો હતો. શોખથી શાયરી લખતો હતો. એ દિવસોમાં એક યુવતી સાથે મારે લાગણીના સંબંધો બંધાયા અને અમે નક્કી કર્યું કે થોડા સમય બાદ આપણે લગ્ન કરીશું. એ સમયે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તે પૈસાદાર ઘરની હતી. હું સપનાં જોતો હતો કે એક દિવસ હું ફેમસ થઈશ અને ખૂબ પૈસા કમાઈશ. સમય વીતતો જતો હતો અને તે ઉતાવળ કરતી હતી. અચાનક એક દિવસ મને ખબર પડી કે એક પૈસાદાર ઘરમાં તેનાં લગ્ન નક્કી થયાં છે. એ વાતનો મને ખૂબ આઘાત લાગ્યો. વર્ષો બાદ ફિલ્મ ‘વિશ્વાસ’માં આવી જ એક સિચુએશન પર મારે ગીત લખવાનું હતું. મને મારો ભૂતકાળï યાદ આવ્યો અને એ સમયની પીડા કરી એક વાર અનુભવી. એવી મનોદશામાં મેં મારી વ્યથાની વાત આ પંક્તિઓમાં લખી ‘ચાંદી કી દીવાર ન તોડી, પ્યારભરા દિલ તોડ દિયા, એક ધનવાન કી બેટીને નર્ધિન કા દામન છોડ દિયા.’ કલ્યાણજી-આણંદજીના સંગીતમાં મુકેશે આ ગીત ગાયું જે ખૂબ લોકપ્રિય થયું. લોકો મને આ ગીત માટે જ્યારે અભિનંદન આપતાં ત્યારે મનોમન હું મારી પીડાનો આભાર માનતો.’

ગુલશન બાવરાની વાત સાંભળી ગુજરાતના ગાલિબ ‘મરીઝ’ની બે પંક્તિઓ યાદ આવે છે.

દાદનો આભાર કિન્તુ એક શિકાયત છે મને

મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

આણંદજીભાઈ અતીતના એ દિવસોની વાત આગળ વધારતાં કહે છે, ‘ગીતકાર ઇન્દીવરની તો વાત જ અલગ હતી. તેમની સાથેના અનેક મજેદાર પ્રસંગો યાદ આવે છે. લંડનમાં અમારો શો હતો. મુકેશની સાથે ઇન્દીવર પણ આ પ્રવાસમાં સાથે આવવાના હતા. તેમને ઠંડી બહુ લાગે. રૂમમાં બેઠા હોઈએ તો પંખો પણ બંધ કરાવે. અમે કહ્યું, ‘લંડનમાં તો ખૂબ ઠંડી હશે, ત્યાં શું કરશો? ઠંડીની ટેવ પાડો.’ એટલે એક દિવસ આવીને કહે, ‘આજકલ મૈં ઘર મેં ફુલ ખ્ઘ્ કરકે ઔર કાન મેં રૂઈ ડાલકર સોતા હૂં. ઠંડ બહુત લગતી હૈ. ક્યા કરું, આદત તો ડાલની પડેગી.’ અમારી સલાહ મુજબ ઠંડી માટે ગરમ કપડાં અને ચોરબજારમાંથી ૬૦ રૂપિયાનો લાંબો ઓવરકોટ લઈ આવ્યા. અમારી પાસે આવીને કહે, ‘દેખો, અબ મંૈ કૈસા લગતા હૂં ?’ અમે તેમની સાથે ખૂબ મજાક કરતા. અમે કહ્યું, ‘સબ ઠીક હૈ પર યે બાલ ઠીક નહીં લગતે.’ એટલે ખાસ વિગ બનાવી.

‘લંડન જવાના દિવસે માથે વિગ અને લાંબો કોટ પહેરીને પરસેવે રેબઝેબ થતાં ઍરર્પોટ આવ્યા. અમે કહ્યું, ‘લંડન ઊતરો પછી કોટ પહેરજો.’ ના, મને તો અત્યારથી જ ઠંડી લાગે છે. પ્લેનમાં બેઠા. અમને કહેતા જાય, ‘કેટલી ઠંડી છે!’ તેમના ચહેરા પરથી લાગતું હતું કે તે થોડા ગભરાયેલા હતા. મને કહે, ‘દેખો, પહલી બાર હિન્દી કવિ લંડન જા રહે હૈં.’ પ્લેન ઊપડ્યું અને તેમણે હસવાનું શરૂ કર્યું. ઍર-હૉસ્ટેસ પૂછે, ‘ક્યા હુઆ?’ એટલે મેં ઇશારાથી મગજ પાસે આંગળી ફેરવી તેને સમજાવી. ત્યાં તો તેમણે જોર-જોરથી હસવાનું શરૂ કર્યું. મેં કહ્યું, ‘શું કરો છો?’ તો કહે, ‘ફ્રૉઇડ (વિખ્યાત માનસશાસ્ત્રી) કહે છે કે જ્યારે ડર લાગે ત્યારે જોરથી હસવું એટલે ડર ભાગી જાય.’

લંડન ઍરર્પોટ પર તેમનો પાસર્પોટ ચેક થતો હતો ત્યારે પાછા હસવા લાગ્યા. ઇમિગ્રેશન ઑફિસરને કહે, ‘વેઇટ.’ આટલું કહી પોતાની વિગ કાઢી કોટ ઉતારીને પેલાને કહે, ‘ધિસ ઇઝ રિયલ મી.’ ઑફિસર પણ હસવા લાગ્યો.

હોટેલમાં તે ટૉઇલેટમાં જાય તો આખા ટૉઇલેટમાં કાગળ પથરાયેલો હોય. કહે, ‘ટૉઇલેટ રોલ વાપર્યો, પણ મને સંતોષ નથી થતો એટલે આખો રોલ ખલાસ કરી નાખ્યો.’ ત્યાર બાદ રોલ ટૉઇલેટમાં નાખે અને ફ્લશ કરે એટલે આખો રોલ બહાર આવે. અમે તો હસી-હસીને લોટપોટ થઈ જઈએ.

શૉપિંગ કરવા ગયા તો એસ્કેલેટરમાં વિગ ફસાઈ ગઈ. અમે આગળ હતા અને તે પાછળ. અમે જોયું તો તે હસતા હતા. અમે કહ્યું, શું થયું? તો કહે, પાછો મને ફ્રૉઇડ યાદ આવે છે. એક દુકાનમાં ગયા. ખરીદી કરીને બહાર નીકળતા હતા ત્યાં તેમની વિગ રિવૉલ્વિંગ ડોરમાં ફસાઈને પડી ગઈ. બહાર એકદમ ઠંડી હતી એટલે ખબર પડી કે વિગ નથી. એટલે પાછા ફર્યા. સ્ટોર બંધ થવાની તૈયારીમાં હતો એટલે જે છોકરી દરવાજો લૉક કરતી હતી તેને કહે, ‘માય લવ, મારા હેર ઇઝ ઇનસાઇડ.’ પેલી આવું સાંભળી ગભરાઈ ગઈ. તેણે સિક્યૉરિટી ગાર્ડને બોલાવ્યો. અમે ત્યાં પહોંચી ગયા હતા એટલે પેલાને સમજાવ્યો કે આમની વિગ અંદર રહી ગઈ છે એ લેવા આવ્યા છીએ.

આ પણ વાંચોઃગુજરાતી રસોઈના શોખીન મુકેશ કલ્યાણજી-આણંદજીના ઘરમાં પગ મૂકતાં જ સીધા કિચનમાં પહોંચી જતા

સૌથી વધુ મજા તો ત્યારે આવી કે અમે ફરતા હતા ત્યાં જિલેટનો શોરૂમ જોયો. સૌ અંદર ગયા. ઇન્દીવર બ્લેડનાં પૅકેટ્સ જોતા હતા. પછી સેલ્સમૅનને પૂછયુંં, ‘આ ઈમ્પોર્ટેડ છે કે લોકલ?’ પેલાએ જવાબ આપ્યો, ‘ધિસ ઇઝ લોકલ.’ એટલે તેમણે કહ્યું. ‘નો નો. આઇ વૉન્ટ ઇમ્પોર્ટેડ.’ એમ કહીને કંઈ પણ લીધા વિના ત્યાંથી ચાલવા માંડ્યા. આણંદજીભાઈ જે રીતે આ કિસ્સાઓનું વર્ણન કરી રહ્યા હતા એ સાંભળતાં મારું હસવું રોકાતું નહોતું. મને કહે, ‘ઇન્દીવરની વાતો પર તો એક આખું પુસ્તક લખી શકાય. ક્યારની મસાલા ચા અને નાસ્તો આપણી રાહ જુએ છે.’

અને અમે અહીં ઇન્દીવરની વાતોને વિરામ આપ્યો. ચા-નાસ્તો કરતાં આણંદજીભાઈએ ઇન્દીવર સાથેના બીજા અનેક કિસ્સાઓ યાદ કર્યા એ આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2019 01:40 PM IST | | રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK