Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એવું શું બન્યું કે ધર્મેન્દ્ર ત્રણ દિવસ સુધી વિશ્વજિતના ઘેર સૂતા રહ્યા!

એવું શું બન્યું કે ધર્મેન્દ્ર ત્રણ દિવસ સુધી વિશ્વજિતના ઘેર સૂતા રહ્યા!

22 September, 2019 05:45 PM IST | મુંબઈ ડેસ્ક
રજની મહેતા

એવું શું બન્યું કે ધર્મેન્દ્ર ત્રણ દિવસ સુધી વિશ્વજિતના ઘેર સૂતા રહ્યા!

બિશ્વજિત

બિશ્વજિત


વો જબ યાદ આએ

મશહુર નવલકથાકાર અને નાટ્યકાર ગ્રેહામ ગ્રીન આત્મકથાની શરૂઆતમાં એક સરસ વાત કરે છે, ‘મને કોઈએ પ્રશ્ન કર્યો કે શા માટે માણસે પોતાના કે અન્યના ભૂતકાળમાં જવું જોઈએ? તો એના જવાબમાં હું સોરેન કીકેગાર્ડનું એક અવતરણ ટાંકું છું; ‘કેવળ લુંટારાઓ ને જીપ્સીઓ જ પોતે જ્યાં એક વખત ગયા હોય ત્યાં પાછા જતા નથી.’



ગ્રેહામ ગ્રીનની વાત સાથે ભાગ્યે જ કોઈ અસમંત થાય. મારી સાથે ભૂતકાળની યાદો તાજા કરતાં વિશ્વજિત એટલે જ એની લિજ્જત લેતા હોય, તેમ આગળ વધતા કહે છે.
‘હું, પંચમ અને મહેમૂદ સારા મિત્રો હતા. તે દિવસોમાં અમારી સૌની કારકિર્દીની શરૂઆત હતી. ઘણી વાર રાતે અમે સૌ રખડવા નીકળતા. અમારી આંખમાં ભવિષ્યનાં રંગીન સપનાં હતાં. એકમેક સાથે દિલ ખોલીને વાત કરતા. મેં વેસ્ટ ઇન્ડીઝમાં મહેમૂદ સાથે લાઇવ શોઝ કર્યા છે. ત્યાનું સ્ટીલ બેન્ડ ખૂબ જ પોપ્યુલર છે. અમારી સાથે વિખ્યાત તબલા પ્લેયર ભવાની પ્રસાદ આવતા. આ બેન્ડ સાથે તે જુગલબંદી કરતા. એ આઇટમ એટલી હિટ હતી કે ભવાની પ્રસાદ સ્ટાર બની ગયા હતા. એ ટૂરમાં મહેમૂદ દરેકને સવારે વહેલાં ઉઠાડે, ‘ચાલો, રીહર્સલ કરવાનું છે!’ આગલી રાતે શો પૂરો કરીને, અથવા શો ન હોય તો હરી–ફરીને સૌ મોડા સૂતાં હોય, એટલે બીજે દિવસે વહેલાં ઉઠવાનો કોઈને મૂડ ન હોય પણ મહેમૂદ કોઈને છોડે નહીં. આવી સાચી લગન હોય તો જ સફળતા મળે.’
‘મહેમૂદની બહેન મીનૂ મુમતાઝ, તેના પિતા મૂમતાઝ અલીની જેમ, એક કુશળ ડાન્સર હતી. જ્યારે અંધેરીમાં અશોક સ્ટુડિયોમાં અમારું શુટિંગ હોય, ત્યારે મીનુ અચૂક પોતાના ઘેરથી બિરયાની મોકલાવે, કારણ કે તેનું ઘર નજીકમાં જ હતું. પૂરા પરિવાર સાથે મારે ફૅમિલી રીલેશન હતા. હીરો હોન્ડા એવૉર્ડ ફંકશનમાં મહેમૂદને ‘કોમેડિયન ઓફ ધ યર’નો એવૉર્ડ મળ્યો ત્યારે અમે મળ્યા હતા. એ મારી તેની સાથેની છેલ્લી મુલાકાત હતી. એકદમ વૃદ્ધ અને સફેદ વાળ-દાઢીમાં તે અશક્ત લાગતો હતો. મને કહે, ‘અરે બિશુ, કૈસા હૈ તુ? અબ તો મેરે જાને કા સમય આ ગયા.’ આટલું કહીને રડવા લાગ્યો. અમે સ્ટેજ શોમાં અનેક ગીતો સાથે ગાયાં છે. એ હેમંત કુમાર, સચિનદાના અવાજમાં ગીતો ગાય ત્યારે લોકોને ખૂબ નવાઈ લાગતી, હું એને કહું કે તું ગ્રેટ કોમેડિયન છે, તો કહે, ‘ના. આ દુનિયામાં કોમેડિયન તો એક જ છે; કિશોરકુમાર... એ ન હોત તો હું કદી પડોસન બનાવત નહીં.’ મહેમૂદ એક ગ્રેટ સ્ટેજ આર્ટિસ્ટ હતો. ખૂબ જ હેલ્પફૂલ નેચરનો હતો. અમિતાભ બચ્ચન જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેના ભાઈ મહેમૂદ અલીના ઘેર તેના રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. પોતે દરેક ભગવાનમાં માને. તિરુપતિ બાલાજી અનેક વાર ગયો છે. એ ખૂબ જ ઇમોશનલ વ્યક્તિ હતો. એની સ્મૃતિઓ આજે પણ એટલી જ તાજી છે.
વિશ્વજિત પોતે પણ આ વાતો કરતાં ઇમોશનલ થઈ જાય છે. એટલે મેં વિષયાંતર કરતાં એક પ્રશ્ન કર્યો, વેસ્ટ ઇન્ડીઝની ટૂરમાં જે સ્ટેજ શો થયા તે અનુભવ કેવો રહ્યો?’
‘હું પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝ ગયો ત્યારે મનમાં હતું કે ત્યાં કેવો રિસ્પોન્સ મળશે? પરંતુ લોકોનું જે રીએક્શન હતું તે માનવામાં ન આવે તેવી હતી. ત્યાંના લોકો આપણાં ગીત-સંગીત પાછળ પાગલ છે. ઇન્ડિયન ઓરિજીન સાથે ત્યાંના નેટીવ્સને હિન્દી ફિલ્મોનો ક્રેઝ છે. તેમને રીધમ બેઝ્ડ ગીતો ખૂબ જ ગમે. જોકે દર્દીલાં ગીતો માટેની ફરમાઇશ આવે ત્યારે ખબર પડે કે આપણા સંગીતની કેટલી અસર પડે છે. એક આડ વાત. મોહમ્મદ રફીનું ‘સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે’ આ ગીત બ્રિટિશ ગુયાનામાં ત્યાંના રાષ્ટ્રગીત જેટલું પોપ્યુલર હતું. જ્યોર્જટાઉનમાં અમારો શો હતો. શો પૂરો થયો એટલે ૮૦-૮૫ વર્ષની એક વૃદ્ધા મને મળવા આવી. કહે, ‘બીસ્વજિત, કેન આઇ ટચ યુ?’ ‘મારી આંખમાં આંસુ આવી ગયાં. મને કહે, ‘યુ આર માય ફૅવરિટ. તારી ઘણી ફિલ્મો જોઈ છે. આજે ખબર પડી કે તું આવવાનો છે એટલે તને મળવાનો, અને સ્પર્શ કરવાનો મોકો મારે ગુમાવવો નહોતો. હવે તો ઉપર જવાનો સમય થઇ ગયો.’ આટલો પ્રેમ તો નસીબદારને જ મળે. બીજા એક શોમાં એક ઉંમરલાયક વ્યક્તિ હાથમાં અનેક લોંગ પ્લે રેકોર્ડ્સ લઈને આવ્યા. મને કહે, ‘તમારી ફિલ્મોનાં ગીતોનો હું મોટો ચાહક છું. વર્ષોથી આ રેકોર્ડ્સ મારી પાસે છે. પ્લીઝ મને આ રેકોર્ડ્સ પર તમારો ઓટોગ્રાફ જોઈએ છે.’ દૂર દૂર વિદેશોમાં આવા ચાહકો મળી જાય, એમનો આવો પ્રેમ મળે, ત્યારે એમ લાગે કે લાઇફ ઇઝ વર્થ લીવિંગ.’
ધર્મેન્દ્ર સાથે મારે સારી દોસ્તી છે. તે દિવસોમાં અમે દરેક પાર્ટીમાં સાથે જતા. ત્યારે તે એકદમ શરમાળ હતો. આજકાલ, વાતવાતમાં શાયરી કરે છે, એવું નહોતું. તેને શરાબનો ખૂબ શોખ હતો. એક દિવસ એવું બન્યું કે એક પાર્ટીમાં તેણે એટલો પીધો કે ઘેર જઈ શકે એવી સ્થિતિમાં નહોતો. એટલે હું તેને મારે ઘેર લઈ આવ્યો. સવારે સની તેને લેવા આવ્યો પણ તે ઊઠે જ નહિ. આખો દિવસ સૂઈ રહ્યો. તે સમયે ‘જીવનમૃત્યુ’માં કામ કરતો હતો. શુટિંગ માટે પ્રોડક્શનના માણસો આવ્યા અને ઉઠાડે પણ ઊઠે જ નહિ. ત્રીજે દિવસે સવારે પાછો સની તેડવા આવ્યો. પણ આ તો ઉઠવાનું નામ ન લે! મેં સમજાવ્યો કે ઘેર જા, સૌને ચિંતા થાય છે. અને આટલો શરાબ પીવો એ સારી વાત નથી. તો મને કહે, ‘તુ બંગાલી હૈ ઔર મૈં હું જાટ. હમ કમ નહીં પીતે.’ થોડા સમય પહેલાં મળ્યા ત્યારે મેં એ દિવસોની યાદ અપાવી. મને કહે, ‘અબ મૈંને શરાબ બિલકુલ છોડ દી હૈ. મેરા બાર દેખો તો એક મ્યુઝિયમ બન ગયા હૈ.’
રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ, દરેક સાથે મારા સારા સંબંધ હતા. ઋષિકેશ મુખરજીની એક ફિલ્મમાં દિલીપ કુમારનો ગેસ્ટ રોલ હતો. આવા મહાન કલાકાર સાથે, ભલે નાનો તો નાનો, સીન કરવા મળ્યો, એ મારું અહોભાગ્ય હતું. આ ફિલ્મમાં પહેલી વાર મુકેશે મારા માટે પ્લેબેક આપ્યું.’ ‘કહીં કરતી હોગી, વો મેરા ઇન્તઝાર’ આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. મને મુકેશના ગળાની મીઠાશ અત્યંત પસંદ હતી. કાશ! તેમણે મારા માટે વધારે ગીત ગયાં હોત.
એક સારા ગાયક હોવાને કારણે વિશ્વજિત, મુકેશના અવાજના કાયલ હોય તે સમજી શકાય છે. મને ઘણી વાર એવો વિચાર આવે કે વિશ્વજિતની ઈમેજ એક સોફ્ટ રોમાન્ટિક હીરોની હતી. આ ઈમેજ વિરુદ્ધ જઈ, એક ચેલેન્જ સ્વીકારીને, તેમણે અનેક પ્રકારના રોલ કર્યા અને વત્તે–ઓછે અંશે સફળ પણ થયા. એમાં કોઈ આઉટ એન્ડ આઉટ એક્શન ફિલ્મ નહોતી. મેં તેમને પ્રશ્ન કર્યો કે એક્શન ફિલ્મ માટેની કોઈ ઑફર આવી હતી કે પછી તમે જ એવા રોલથી દૂર રહ્યા?’ એના જવાબમાં તે કહે છે,
‘બંગાળી ફિલ્મ ‘રક્ત તિલક’ મારી પહેલી એક્શન ફિલ્મ હતી; જેમાં હું ડાકુનો અને ઉત્તમ કુમાર પોલીસનો રોલ ભજવતા હતા. મારા દીકરા પ્રસન્નજિતની આ પહેલી ફિલ્મ હતી. મારે માટે આ નવો અનુભવ હતો. જંગલમાં, ખુલ્લા પગે ભાગદોડનાં દૃશ્યો કરતાં મારા પગમાં લોહી નીકળતું પરંતુ હું પરવા ન કરતો. ઉત્તમ કુમાર સાથેની એક બંગાળી ફિલ્મ ‘ચૌરંગી’માં મારો રોલ થોડો નેગેટિવ હતો. તે મારા કરોડપતિ પિતાના રોલમાં અને હું તેમના દીકરાના રોલમાં હતો. સુપ્રિયા દેવી એક એસ્કોર્ટ ગર્લના રોલમાં હતી જેને હું પ્રેમ કરતો હતો. આ ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ કોલકાતાની ગ્રાન્ડ હોટેલમાં થયું હતું એટલે હું હોટેલમાં જ રહેતો. બીજી એક બંગાળી ફિલ્મ ‘દુઈ ભાઈ’માં તે મારા મોટા ભાઈના રોલમાં હતા. તે દિવસોમાં મોટા ભાગના લોકો મને સાચે જ તેમનો નાનો ભાઈ સમજતા.’
‘એક્શન ફિલ્મની વાત નીકળી છે તો મને એક કિસ્સો યાદ આવે છે. ફિલ્મ ‘યે રાત ફિર ના આયેગી’ના એક સીનમાં મારે મુક્કો મારીને કાચની બારી તોડવાની હતી. મારી અંદર એકદમ જોશ હતો. મેં કહ્યું, ‘આ સ્ટંટ હું જાતે કરીશ’. સેટ પર દરેકે ના પાડી પણ હું માનવા તૈયાર નહોતો. ડાયરેક્ટર કહે, ‘આ સીન ડુપ્લિકેટ કરશે’, પણ મગજમાં ભૂત ભરાયું હતું કે આ સીન હું જ કરીશ.’ ધડામ દઈને મેં જોરથી મુક્કો માર્યો અને હાથમાં કાચની કરચો ઘૂસી ગઈ. હાથ લોહીલુહાણ થઈ ગયો. તરત ડૉક્ટરને બોલાવ્યા અને પાટાપિંડી કરી આવો જોશ ઘણી વાર આપણને ભારે પડે; એ વાત તે દિવસે મને સમજાઈ. તે દિવસથી નક્કી કર્યું કે આવા સમયે, અંદરના જોશને કન્ટ્રૉલ કરવો જરૂરી છે. સમય આવે, દિલથી નહીં, દિમાગથી કામ લેવું જોઈએ.’
ગાયક કલાકાર અને અભિનેતા વિશ્વજિતના વ્યક્તિત્વનું બીજું એક અજાણ્યું પાસું છે, જેની બહુ ઓછાને જાણ છે. બંગાળીમાં તેમણે ફિલ્મોનું નિર્માણ કર્યું છે; એ વાતની મને ખબર હતી. મેં તેમને એ બાબતે પૂછ્યું ત્યારે મને ખબર પડી કે એક એવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ સાથે તે જોડાયેલા છે; જેને માટે પાડોશી દેશમાં તેમનું બહુમાન થયું છે. એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે,
‘બાંગલા દેશ આઝાદ થયો ત્યારે મેં ‘ધેર ફ્લોવ્ઝ પદ્મા–ધ મધર’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી, જે તેમની ફ્રીડમ સ્ટ્રગલ પર આધારિત હતી... આ ફિલ્મમાં નરગીસે ‘મધર બેંગાલ’નો રોલ કર્યો હતો. એ સમયે તે ફિલ્મોમાંથી રિટાયર્ડ થઈ ગયાં હતાં. જ્યારે અમે આ પ્રોજેક્ટ લઈને તેમની પાસે ગયા ત્યારે અમે કહ્યું કે તમારા સિવાય, આ પાત્રને કોઈ ન્યાય નહીં આપી શકે. તેમણે મોટું મન રાખીને અમારી વિનંતી સ્વીકારી. આ ફિલ્મમાં દિલીપ કુમાર અને સાયરાબાનુએ પણ કામ કર્યું છે. જે દૃશ્યમાં તેઓ બાંગલાદેશનો ઝંડો ફરકાવે છે; તે દૃશ્ય જોઈને બાંગ્લાદેશીઓ થિયેટરમાં હર્ષની ચિચિયારીઓ પાડતા. મેં ફિલ્મમાં એક લીબરેશન આર્મી ઑફિસરની ભૂમિકા ભજવી હતી. કૈફી આઝમીએ આ ફિલ્મ માટે એક હિન્દી ગીત લખ્યું હતું. સચિન દેવ બર્મને એક બંગાળી ગીત આ ફિલ્મ માટે ગાયું હતું. રિત્વિક ઘટકના ડાયરેકશનવાળી આ ફિલ્મ એટલી સરસ હતી કે ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાએ તે અમારી પાસેથી ખરીદી લીધી.’
‘બાંગલા દેશમાં જ્યારે આ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે હું ઢાકા ગયો હતો. ફિલ્મની પહેલી પ્રિન્ટ મેં શેખ મુજીબ ઉર રહેમાનના હાથમાં આપી ત્યારે તે ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા. તેમના નિવાસસ્થાન બંગ ભવનમાં અમારો ઉતારો હતો. બાંગલા દેશના રહેવાસીઓ પર અને ત્યાંની સંસ્કૃતિ ઉપર, પાકિસ્તાનના અત્યાચાર અને તેની સામે બાંગ્લાદેશીઓની લડતની ગાથા આ ફિલ્મમાં ખૂબ સારી રીતે કહેવાઈ છે. આજે પણ ત્યાંના અગત્યના પ્રસંગોએ આ ફિલ્મનું પ્રસારણ થાય છે. આજની તારીખમાં પણ શેખ હસીના સાથે મારા સારા સંબંધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 05:45 PM IST | મુંબઈ ડેસ્ક | રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK