Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં

ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં

18 August, 2019 10:42 AM IST | મુંબઈ ડેસ્ક
રજની મહેતા - વો જબ યાદ આએ

ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં

કલ્યાણજી આણંદજી (ફાઇલ ફોટો)

કલ્યાણજી આણંદજી (ફાઇલ ફોટો)


વો જબ યાદ આએ

વિધાઉટ મ્યુઝિક લાઇફ વુડ બી અ મિસ્ટેક- ફ્રેડરિક નિત્શે (ફિલોસૉફર)



સંગીત વિનાની દુનિયાની કલ્પના કરવી જ મુશ્કેલ છે. સંગીતની ભાષાને લિપિના સીમાડા નડતા નથી, કારણ કે સંગીત હૃદયની ભાષા છે. કમાલ તો એ છે કે સંગીત જ એક એવી ભાષા છે જેમાં તમે કોઈને ગાળ ન આપી શકો. સંગીત છે એટલે તો મારું, તમારું, આ સૃષ્ટિનું અસ્તિત્વ છે.


આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ યુગમાં શ્વાસ લીધા જેમાં હિન્દી ફિલ્મસંગીતના અનેક દિગ્ગજ સંગીતકારોની હયાતી હતી અને છે. આવા જ એક મહાન સંગીતકાર કલ્યાણજી– આણંદજીની સંગીત સફરની શરૂઆત ૧ જુલાઈ, ૨૦૧૮ના દિવસે થઈ ત્યારે ખબર નહોતી કે કેટલું લખાશે કે પછી ૫૯ એપિસોડ સુધી સતત લખ્યા બાદ પણ અનેક વાતો અધૂરી રહેશે? જેટલી વાતો તમારી સાથે શૅર કરી એના કરતાં ત્રણગણી વાતો હજી બાકી છે. પરંતુ એ ફરી કોઈ વાર. આજે આ શ્રેણીનું સમાપન કરું છું ત્યારે આ સંગીતકાર જોડીના અચીવમેન્ટ અને તેમને મળેલા અવૉર્ડની વાત કરવી છે.

કલ્યાણજી–આણંદજીની જોડીએ ૧૯૫૮થી ૧૯૯૧ એટલે કે ૩૩ વર્ષમાં ૨૫૦થી વધુ ફિલ્મોમાં (જેમાં ૬ ગુજરાતી ફિલ્મ સામેલ છે) સંગીત આપ્યું. મોટા ભાગે દરેક સંગીતકારની કોઈ ને કોઈ ગીતકાર સાથે જોડી બનતી હોય છે જેમ કે નૌશાદ–શકીલ બદાયૂંની, શંકર-જયકિશન અને શૈલેન્દ્ર–હસરત, લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ અને આનંદ બક્ષી. જ્યારે આ ભાઈઓએ ૬૬ ગીતકારો સાથે કામ કર્યું જેમાં ઇન્દીવર, અનજાન, ગુલશન બાવરા અને આનંદ બક્ષી તેમના માનીતા હતા. આ ઉપરાંત વધુમાં વધુ નવા ડિરેક્ટર અને ૭૮ સિંગર્સ સાથે તેમણે કામ કરીને એક નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. અમિતાભ બચ્ચન, અશોકકુમાર, નૂતન, માલા સિંહા અને બીજા અનેક કલાકારોએ તેમના સંગીતમાં પ્લેબૅક આપ્યું છે. તેમની ૩૮ ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી અને ૧૧ ફિલ્મોએ ગોલ્ડન જ્યુબિલી ઊજવી છે.
તેમને મળેલા અવૉર્ડ્સની યાદી આ પ્રમાણે છે.
૧. સિને મ્યુઝિક ડિરેક્ટર્સ અવૉર્ડ -- ૧૯૬૫ – હિમાલય કી ગોદ મેં
૨. પહેલો નૅશનલ અવૉર્ડ -- ૧૯૬૮ -- સરસ્વતીચંદ્ર
૩. ફિલ્મફેર અવૉર્ડ –- ૧૯૭૪ –- કોરા કાગઝ
૩. પ્રથમ પ્લેટિનમ ડિસ્ક બાય એચ.એમ.વી. — ૧૯૭૮ – મુકદ્દર કા સિકંદર
૪. પ્રથમ પ્લૅટિનમ ડિસ્ક બાય પોલિડોર --- ૧૯૮૦ – કુરબાની
૫. ઇમ્પા અવૉર્ડ -- ૧૯૯૨ -– ફિલ્મસંગીતમાં વિશેષ યોગદાન બદલ
૬. લતા મંગેશકર અવૉર્ડ (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) – ૧૯૯૨ -– ફિલ્મસંગીતમાં વિશેષ યોગદાન બદલ.
૭. આઇ.આઇ.એફ.એ. (સાઉથ આફ્રિકામાં) -- ૨૦૦૩ – લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ
૮. સહારા પરિવાર (યુ.કે.માં) -- ૨૦૦૪ –- લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ
૯. બી.એમ.આઇ. અવૉર્ડ – ગ્રૅમી અવૉર્ડ – (લૉસ ઍન્જલસમાં) –- ૨૦૦૬ -– ડોન્ટ ફન્ક વિથ માય હાર્ટ
૧૦. લતા મંગેશકર અવૉર્ડ (મહારાષ્ટ્ર સરકાર દ્વારા) -– ૨૦૧૨ -– લાઇફટાઇમ અચીવમેન્ટ
૧૧. રેડિયો મિર્ચી અવૉર્ડ -- ૨૦૧૪ –- લાઇફટાઇમ અચીવમેન્ટ
૧૨. ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિક (જિમા) અવૉર્ડ -– ૨૦૧૫ -– લાઇફટાઇમ અચીવમેન્ટ


મોટા ભાગે એવું બનતું હોય છે કે અવૉર્ડ મળવાથી વ્યક્તિનું મહત્ત્વ વધે. બહુ જૂજ કિસ્સામાં એવું બનતું હોય છે કે લાયક વ્યક્તિને અવૉર્ડ મળવાથી અવૉર્ડનું સન્માન વધતું હોય છે. આવી ઘટના બની જ્યારે ભારત સરકારે કલ્યાણજી–આણંદજીને ૧૯૯૨માં પદ્મશ્રી અવૉર્ડ આપ્યો. (જે બહુ પહેલાં મળવો જોઈતો હતો) એક પત્રકારે એ સમયે પ્રશ્ન કર્યો કે આ અવૉર્ડ મળ્યો છે ત્યારે કેવું લાગે છે? ત્યારે ‘ટંગ ઇન ચીક’ કલ્યાણજીભાઈએ તેમની ટિપિકલ સ્ટાઇલમાં એટલું જ કહ્યું, ‘મોટી ઉંમરે સુવાવડ આવી હોય એવું લાગે છે.’

આ ઉપરાંત અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓએ સંગીતના ક્ષેત્રમાં અને ચૅરિટી માટેના તેમના યોગદાનની નોંધ લઈને તેમને અવૉર્ડ્‍સ આપ્યા છે. મહત્ત્વની વાત એ છે કે સંગીતપ્રેમીઓના દિલમાં આજે પણ તેમનાં ગીતો જીવંત છે. આનાથી મોટો બીજો કયો અવૉર્ડ હોઈ શકે?

બહુ ઓછા સંગીતપ્રેમીઓને એ વાતની ખબર હશે કે ‘ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના’ની ધૂન વિખ્યાત સંગીતકાર પૉલ મોરિઅન્ટને એટલી પસંદ હતી કે આ ધૂનનું ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન તેના આલબમ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’માં સામેલ કર્યું છે. બ્લૅક આઇડ પીઝ ગ્રુપનું એક આલબમ છે, જેમાં ‘અપરાધ’ ફિલ્મના એક ગીત ‘એ નૌજવાન હૈ સબ કુછ યહાં’ (આશા ભોસલે)ની ધૂન પર આધારિત એક ગીત છે ‘ડોન્ટ ફન્ક વિથ માય હાર્ટ. આ ગીતને ‘બેસ્ટ રૅપ સૉન્ગ ઑફ ધ યર’નો ગ્રૅમી અવૉર્ડ મળ્યો હતો. (આ બન્ને ગીત આપ યુટ્યુબ પર જોઈ શકો છો)

‘તમારા હૃદયમાં રહેલાં એવાં કયાં પાંચ ગીતો છે જે અત્યંત પ્રિય છે? એનું કારણ શું એ પણ મારે જાણવું છે.’
મારા પ્રશ્નના જવાબમાં આણંદજીભાઈ કહે છે, ‘પાંચ નહીં, લગભગ ૨૫-૩૦ ગીતો અત્યંત પ્રિય છે. એમાંથી પાંચ જ પસંદ કરવાં હોય તો એ છે.’
૧. મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા (કોરા કાગઝ)
૨. ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં (સફર)
૩. છોડ દે સારી દુનિયા કિસી કે લિએ યે મુનાસિબ નહીં આદમી કે લિએ ‍(સરસ્વતીચંદ્ર)
૪. સમઝૌતા ગમોં સે કર લો (સમઝૌતા)
૫. ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના (મુકદ્દર કા સિકંદર)

આ ગીતોમાં જીવનના પ્રશ્નો છે, એના જવાબ પણ છે. જીવન જીવવાની ફિલોસૉફી છે અને એનું મહત્ત્વ અને અને મિથ્યાત્વ પણ છે. આપણા દરેકની જિંદગીમાં એવી પરિસ્થિતિ આવતી હશે જ્યાં તમે આ ગીતને, એમાં વ્યક્ત થતી સંવેદનાને અનુભવી શકો. આ ગીતની ઉત્પત્તિ સમયે, રિહર્સલ વખતે, રેકૉર્ડિંગ સમયે અમે સૌ એમાંથી પસાર થયા છીએ એટલે આ ગીત મારા અસ્તિત્વની નજીક રહ્યાં છે.

‘જીવનમાં કોઈ ફરિયાદ નથી, કારણ કે જે માન–સન્માન, દોલત અને શોહરત મળ્યાં છે એની કલ્પના નહોતી કરી. સુખદુઃખમાં સમતાથી જીવવાની સમજણ આપવા બદલ માતા–પિતાનો અને શક્તિ આપવા બદલ ઈશ્વરનો ઋણી છું. સંગીતપ્રેમીઓનો અનહદ પ્રેમ અને માન મળે છે એનાથી ગદ્ગદ થઈ જવાય છે. ઉંમરના આ પડાવ પર બસ, એક નાની પીડા છે. કલ્યાણજીભાઈ, ઇન્દીવર, અનજાન, રેકૉર્ડિસ્ટ કૌશિક બાવા અને મારા ફ્રેન્ડ, ફિલોસૉફર ગાઇડ બિપિનભાઈને ખૂબ મિસ કરું છું.’

૮૬ વર્ષની ઉંમરે આણંદજીભાઈના શરીર પર થોડીઘણી કાળની કરચલીઓ પડી હશે, પરંતુ હૃદયથી તે જુવાન છે. વૃદ્ધ થવું એટલે વૃદ્ધિ પામવું આ વાતને તેમણે સાબિત કરી છે. થોડાં વર્ષ પહેલાં ડૉક્ટર ઉદવાડિયા તેમનો કાર્ડિયોગ્રામ જોઈને કહે, ‘તમારું હાર્ટ ૪૦ વર્ષના માણસ જેવું યંગ છે.’ બીજા રિપોર્ટ આવ્યા બાદ એક ગંભીર ઑપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. ડૉક્ટરને કહે, ‘તમે શું કામ સિરિયસ થઈ જાઓ છો. બીમારી મને છે.’ ડૉક્ટર કહે, ‘તમે આટલા નચિંત કેમ રહી શકો?’ તો કહે, ‘જે કંઈ કરવાનું છે એ તમારે કરવાનું છે. મારે શું કામ ચિંતા કરવી જોઈએ?’ ઑપરેશન થયા બાદ ડૉક્ટર કહે, ‘તમને ઍનેસ્થેશિયા આપતા હતા ત્યારે તમે ‘મેરે દેશ કી ધરતી’ ગાતા હતા. એ કયું ગીત છે?’ તમે માનશો? કેવળ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક સાંભળતા ડૉક્ટરને આણંદજીભાઈએ હિન્દી ફિલ્મોનાં ગીતોના શોખીન બનાવી દીધા. જેની પાસે સંગીત નામની જડીબુટ્ટી હોય અને જીવનને માણવાની હથોટી હોય, તેની સામે વધતી વય કેવળ એક સંખ્યા બનીને નિસહાય બેસી જાય છે.

જિજ્ઞાસુઓ ઘણી વાર પ્રશ્ન કરે કે દર અઠવાડિયે આણંદજીભાઈને મળો છો? કેટલો સમય તમને આપે? એનો જવાબ આપી દઉં. લગભગ દર ત્રણ અઠવાડિયે સાંજે ચાર–પાંચ વાગ્યે અમારી મુલાકાત શરૂ થાય. એ મોટે ભાગે રાતના બાર વાગ્યા સુધી ચાલે. (અમે બન્ને મોડી રાત અથવા એમ કહેવાય કે વહેલી સવારે સૂવાવાળા છીએ. તેમની સાથેની મુલાકાત બાદ હું ઘેર આવું અને લખવાનું શરૂ કરું. અડધી રાતે કંઈ પૂછવું હોય તો ફોન કરું.) ચા-નાસ્તાના બે રાઉન્ડ ઉપરાંત મોટે ભાગે ડિનર તેમની સાથે જ હોય. આ દરમ્યાન સંગીતની વાતો ઉપરાંત બીજી ઘણી વાતો તેમની સાથે થાય. એ સાંભળી થોડોઘણો એ રહસ્ય પરથી પડદો ઊઠે કે શા માટે દરેક પ્રશ્નના તેમની પાસે જવાબ છે. મને કહે, ‘જીવનના ભવસાગરમાં તરવા માટે સ્વિમિંગની થિયરી યાદ રાખવી જરૂરી છે. તરતી વખતે આપણે શું કરીએ છીએ? હાથથી પાણી પકડીને ખેંચીએ છીએ અને અંદરથી લાત મારીએ છીએ. મોહમાયાને ભલે પકડો, પણ અંદરથી તો એને લાત મારવાની છે. સંસારમાં રહીએ એટલે મોહમાયા સાથે પનારો તો પડવાનો, પણ અંદરથી નકાર ભાવ હોય તો જ મુક્તિ મળે.’

આણંદજીભાઈની વાત સાંભળી મને વિનોબા ભાવેની એક વાત યાદ આવી ગઈ. કોઈએ તેમને પ્રશ્ન કર્યો કે આ જીવનમાં ડગલે અને પગલે પ્રલોભનો સામે આવે છે. એનાથી બચવા શું કરવું? તેમણે જવાબ આપ્યો, સમુદ્રના ખારા પાણીમાં એક ગંગાજળ ભરેલી શીશીને જો સરસ રીતે સીલ કરીને નાખીએ તો સમુદ્રની ખારાશ એમાં પ્રવેશી ન શકે. પ્રલોભનોથી ભરપૂર આ જીવનરૂપી ભવસાગરમાં તમારું જીવન સંયમરૂપી સીલની મદદથી બચાવવાનું છે. મોહમાયા સાથે જીવવું પડે એ અનિવાર્ય છે, પરંતુ એમાં રચ્યાપચ્યા રહેવાને બદલે અલિપ્ત ભાવે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આણંદજીભાઈના પરિવાર સાથે જે ઘરોબો થયો છે એ મને મળેલી મોટી ભેટ છે. એક પ્રસંગ હું કદી નહીં ભૂલું. એક દિવસ હું તેમની સાથે વાત કરતો હતો ત્યારે મને કહે, ‘તમે આજે કમ્ફર્ટેબલ નથી લાગતા.’ મેં કહ્યું, ‘બે દિવસથી બૅકપેઇન છે.’ એટલે તે ઊભા થયા. ડ્રૉઅરમાંથી એક શીશી કાઢી અને કહે, ‘ઊભા થાઓ.’ હું સમજી ગયો. કહ્યું, ‘દવાનું નામ શું છે, હું મંગાવી લઈશ.’ તો કહે, ‘આમાં કંઈ કરવાનું નથી, ખાલી બૉટલને પીઠ પર ઘસવાની છે. બે મિનિટમાં રિલીફ થઈ જશે. હું ઘસી આપું છું.’ એકદમ સહજ ભાવે તેમણે કહ્યું અને સાચે જ મને તરત રાહત મળી. મને કહે, ‘આ ઘેર લઈ જજો. ઘરમાં બે શીશી રાખી છે.’
ગયા અઠવાડિયે તેમને મળ્યો એટલે કહે, ‘અવારનવાર આવતા રહેજો. સ્મરણોની કુંજગલીઓમાં ફરી એક વાર લટાર મારવાનો તમે મને મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.’ ધીરેનભાઈ અને શાંતાબહેન કહે, ‘તમે આવો છો એટલે ફરી પાછા તે ૪૦ વર્ષના થઈ જાય છે.’ અને આટલું કહી શાહપરિવારે મને એક સુરીલી, ભક્તિમય શ્લોક અને ભજનથી પ્રચુર સંગીતમય ભગવદ્ગીતા ભેટમાં આપી.

શાંતાબહેન, ધીરેનભાઈ અને કોમલબહેન દરેકે પરિવારના સ્વજન જેટલું માન-સન્માન આપ્યું એ બદલ તેમનો ઋણ છું. કોઈ પણ માહિતી અથવા ફોટોગ્રાફ્સ માટે ધીરેનભાઈ ને ગમે ત્યારે ફોન કરું તો સહેજ પણ અકળામણ વિના કહું એટલા ફોટો મોકલાવી આપે. ભરતભાઈ, દીપકભાઈ અને ભાવનાબહેન સાથે જ્યારે મુલાકાત થઈ છે ત્યારે એટલો જ ઉમળકો મળ્યો છે. એક ફિલ્મી માહોલ નહીં, પણ સાહજિક વાતાવરણ જાળવવા માટે પરિવારના દરેક સભ્ય શાંતાબહેનને શ્રેય આપે છે. આજે કરીઅર વુમનની બોલબાલા છે ત્યારે જે કુશળતાથી શાંતાબહેને આ પરિવારનું જતન કરીને, મિડલ ક્લાસ વૅલ્યુની માવજત કરીને દરેકના પગ ધરતી પર રહે એવી પરવરિશ કરી છે એ યોગદાનની નોંધ લેવાવી જ જોઈએ.

‘મિડ–ડે’ના એડિટર મયૂરભાઈ જાની, બાદલ પંડ્યા, રુચિતા શાહ, અતુલ સાંગાણી, દિનેશ પટેલ, જયશ્રી વોરા અને સમગ્ર સ્ટાફ ઉપરાંત અસંખ્ય વાચકો માટે આણંદજીભાઈ આભાર વ્યક્ત કરે છે; જેની સાથે હું પણ સંમત થઈને મારા હસ્તાક્ષર કરું છું. આણંદજીભાઈએ કોઈ પણ જાતના છોછ વગર દિલ ખોલીને સ્મરણોનો પટારો ખોલ્યો ન હોત અને સંગીતપ્રેમીઓએ ફોન, વૉટ્સઍપ, ફેસબુક અને ઈ-મેઇલ દ્વારા અને રૂબરૂ મળ્યો ત્યારે મને પોરસાવ્યો ન હોત તો આટલું લખાયું ન હોત એ હકીકત છે. આ બદલ સૌનો ઋણસ્વીકાર કરું છું.

જ્યારે-જ્યારે આણંદજીભાઈ સાથે ફોન પર વાત થાય અથવા મુલાકાત થાય ત્યારે કહે, ‘દરેક મને અભિનંદન આપે છે ત્યારે હું તમારો ઉલ્લેખ કરીને કહું છું કે આ કેવળ મારી નહીં, રજનીભાઈની પણ કમાલ છે. ભલે સામગ્રી મારી છે, પણ રજૂઆત એટલી જ મહત્ત્વની છે. સૌથી પહેલાં તો કાચી સામગ્રીમાંથી સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવી એ સહેલું નથી. ત્યાર બાદ એને છાપાની પસ્તીમાં પીરસીએ તો મજા ન આવે. પૅકિંગ વ્યવસ્થિત હોય અને સરસ ડિશમાં પીરસાય તો જ એની લિજ્જત આવે. તમારી શૈલીમાં સાહિત્ય છે, સહજતા છે અને શાલીનતા છે. અઘરું લખવું સહેલું છે, પરંતુ સહેલું લખવું અઘરું છે. અમારી ફિલ્મલાઇનમાં પણ સારી સ્ટોરી નબળા સ્ક્રીનપ્લે અને ડાયલૉગને કારણે માર ખાઈ જાય છે. તમે પહેલાં મળ્યા હોત તો ફિલ્મોમાં સ્ક્રીનપ્લે, ડાયલૉગ રાઇટર તરીકે જરૂર કામ અપાવત.’

આણંદજીભાઈની આ વાત મારા માટે એક મોટો અવૉર્ડ છે. એક રૂપિયાની સફળતામાં કેવળ ૧૦ પૈસાની જ ક્રેડિટ લેવી એ કલ્યાણજી–આણંદજીની પરંપરા છે. જોકે આ કૉલમની સફળતામાં તેમનો ૯૯ ટકા અને મારો ૧ ટકાનો ફાળો છે એની પૂરી સભાનતા છે. કોઈ પણ જાતની ગૉસિપમાં પડ્યા વિના કેવળ કલાકારની સર્જનયાત્રાને રજૂ કરવાનો આ પ્રયાસ હતો. કલાકાર અને ભાવક વચ્ચે એક સેતુ બનવાનો મારો હેતુ હતો એ સિદ્ધ થયાનો મને આનંદ છે.

જ્યારે-જ્યારે સંગીતના મહારથીઓ વિશેની વાતોનું સમાપન થાય છે ત્યારે વિદાયની ઘડીઓમાં હું થોડો ઇમોશનલ થઈ જાઉં છું. વ્યક્તિવિશેષની સાથે તેના કામ, અંગત જીવની અને સર્જનની પ્રક્રિયા વિષે લખતાં-લખતાં જાણે-અજાણે તેમની જિંદગીનો એક હિસ્સો હું જીવતો હોઉં તેવો અહેસાસ થાય છે. ડેસ્ટિનેશન પર પહોંચ્યાનો આનંદ તો હોય છે સાથે એક પીડા પણ મનમાં હોય કે હવે અહીંથી પાછા ફરવાનું છે. ‘પાર્ટિંગ ઇઝ ઑલવેઝ સૅડ બિકોઝ સમથિંગ ગુડ ઇઝ ઓવર’નો સ્વીકાર કરતાં જે થોડોઘણો વિષાદ મનોસ્થિતિને જકડે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે નવી મંઝિલની તલાશ શરૂ કરવાનો પ્રયાસ શરૂ થઈ જાય છે. ટોચ પરથી પાછા આવતાં જે પ્રવાસ કર્યો એનો રોમાંચ જ મારે માટે બીજા પ્રવાસની શરૂઆત માટેનું ટૉનિક બને છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

વિદાયવેળાએ મકરંદ દવેની પંક્તિઓ દ્વારા એટલું જ કહેવું
પર્યાપ્ત રહેશે -
રજા ત્યારે હવે દિલબર અમારી વાત પૂરી થઈ
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત પૂરી થઈ

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 10:42 AM IST | મુંબઈ ડેસ્ક | રજની મહેતા - વો જબ યાદ આએ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK