શા માટે સંગીતકાર ખય્યામ પ્રોડ્યુસરને લઈને કલ્યાણજી-આણંદજી પાસે આવ્યા?

Published: Jun 30, 2019, 10:51 IST | રજની મહેતા - વો જબ યાદ આએ | મુંબઈ

મને યાદ છે કે જ્યારે અમે દારા સિંઘની ફિલ્મનું કામ હાથમાં લીધું એ દિવસોમાં મારી દીકરીનાં લગ્ન લેવાયાં હતાં.

સંગીતકાર લક્ષ્મીકાંત, આર. ડી. બર્મન, આનંદજી ભાઈ અને પ્યારેલાલ.
સંગીતકાર લક્ષ્મીકાંત, આર. ડી. બર્મન, આનંદજી ભાઈ અને પ્યારેલાલ.

કલ્યાણજી-આણંદજીની જોડીએ જ્યારે હિન્દી ફિલ્મોની દુનિયામાં સંગીતકાર તરીકે પ્રવેશ કર્યો એે સમયે સંગીતકાર નૌશાદ, એસ. ડી. બર્મન, સી. રામચંદ્ર, ઓ. પી. નૈયર, શંકર-જયકિશન, ખય્યામ અને બીજા અનેક સંગીતકારો તેમનાથી સિનિયર હતા. એ દરેક સંગીતકારની એક અલગ ઓળખાણ હતી. દરેકને એકમેકની કામ કરવાની શૈલી માટે માન હતું. આજના સમયની જેમ ગળાકાપ હરીફાઈ નહોતી. નવા સંગીતકારની પ્રતિભાને તેઓ પૂરતું માન આપતા. કલ્યાણજી-આણંદજીના સમયમાં પણ વત્તેઓછે અંશે આ પ્રણાલિકા ચાલુ રહી હતી. આણંદજીભાઈ તેમના સાથી સંગીતકારોને યાદ કરતાં કહે છે...

‘એક દિવસ સંગીતકાર ખય્યામ અમારે ઘેર આવ્યા. સાથે એક પ્રોડ્યુસર હતો જે તેમનો મિત્ર હતો. અમારી સાથે તેની ઓળખાણ કરાવી અને તેને કહે, ‘આપકી ફિલ્મ કે લિએ પૂરી ઇન્ડસ્ટ્રી મેં સહી સંગીતકાર હૈ તો એક યે જોડી હૈ.’ વાત એમ હતી કે તે પ્રોડ્યુસર સંગીતકાર ખય્યામ પાસે ગયો અને કહે કે મારી ફિલ્મનો જે સબ્જેક્ટ છે એ માટે તમે મને યોગ્ય લાગ્યા છો. આમ પણ ખય્યામ ફિલ્મોની પસંદગી માટે બહુ જ પર્ટિક્યુલર હતા. તેમણે ફિલ્મની વાર્તા સાંભળીને કહ્યું, ‘ચાલો હું તમને આ ફિલ્મ માટે જે યોગ્ય સંગીતકાર છે તેની પાસે લઈ જાઉં.’ એ દિવસોમાં આવો માહોલ હતો.’

સંગીતપ્રેમીઓને એ વાતની યાદ અપાવી દઉં કે ૧૯૬૮માં મ્યુઝિક ડિરેક્ટર અસોસિએશન (સીએમએ)ની સ્થાપનાના પહેલા જ વર્ષે ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં’ના સંગીત માટે કલ્યાણજી-આણંદજીને પૃથ્વીરાજ કપૂરના હસ્તે બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. આ અવૉર્ડની પસંદગી દિગ્ગજ સંગીતકારોએ કરી હોવાને કારણે એનું ખૂબ જ મહત્વ હતું. આણંદજીભાઈની આ વાત સાંભળીને મને એક બીજો કિસ્સો યાદ આવે છે. અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે અમે સંગીતકાર ખય્યામનું અભિવાદન કર્યું હતું એ દરમ્યાન તેમની સાથે થયેલી અનેક મુલાકાતોની વાતો ભવિષ્યમાં લખવાનો ઇરાદો છે. આજે તેમણે કહેલો એક કિસ્સો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

‘અભિનેતા ભારત ભૂષણના ભાઈ આર. ચંદ્રા જેઓ ફિલ્મ ‘બરસાત કી રાત’ના પ્રોડ્યુસર હતા તેઓ મારી પાસે આ ફિલ્મના સંગીત માટે આવ્યા. આ ફિલ્મની વાર્તા સાંભળીને મેં કહ્યું કે આ ફિલ્મમાં કવ્વાલીનો ભરપૂર ઉપયોગ છે, જેને મારા કરતાં સંગીતકાર રોશન વધુ સારી રીતે ન્યાય આપી શકશે.’ તેમનો આગ્રહ હોવા છતાં મેં આ ફિલ્મનો સ્વીકાર ન કર્યો.’

Kalyanji, Aanandji, Asha Bhosle and R.D.Barmanકલ્યાણજીભાઈ, આશા ભોસલે, આર. ડી. બર્મન અને આણંદજીભાઈ.

અહીં મને સંગીતકાર પ્યારેલાલની એક વાત યાદ આવે છે. તેમની સાથે ચાર-પાંચ મહિને એકાદ મુલાકાત તો થાય જ. એમાં જે વાતો થાય એની મજા ઓર છે. પંચમદાને યાદ કરતાં તેઓ કહે છે, ‘ફિલ્મ ‘ફર્ઝ’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક રેકૉર્ડ કરતા હતા ત્યારે અમે જેમ્સ બૉન્ડની ફિલ્મનું પૉપ્યુલર મ્યુઝિક રેકૉર્ડ કર્યું. આ સાંભળીને અમારા એક સિનિયર મ્યુઝિશ્યને કહ્યું કે આ જ મ્યુઝિક ગઈ કાલે આર. ડી. બર્મને પોતાની ફિલ્મના એક ટ્રૅક માટે રેકૉર્ડ કર્યું છે. પંચમ સાથે અમારી સારી મૈત્રી હતી. મેં તરત તેમને ફોન કર્યો અને કહ્યું કે ફિલ્મ ‘ફર્ઝ’ એક ક્રાઇમ થ્રિલર છે જેમાં આ મ્યુઝિક વધારે સૂટ થાય છે, તો હવે શું કરીએ?’ પંચમે તરત જવાબ આપ્યો, ‘યે બાત હૈ તો આપ હી વો પીસ રખ લો. મૈં દૂસરા કુછ રેકૉર્ડ કર લૂંગા.’ તેઓ ખૂબ દિલદાર માણસ હતા. અમારી ફિલ્મ ‘દોસ્તી’નાં ગીતો માટે તેણે હાર્મોનિકા (માઉથ ઓર્ગન) પર સુંદર પીસ વગાડ્યા છે. અમે હમેશાં એકમેકને પૂછતા રહીએ કે નયા ક્યા કર રહે હો.’

એ દિવસોના માહોલની વાતો યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘કેટલાયે પ્રોડ્યુસર પાસેથી અમારે મહેનતાણારૂપે છેલ્લો હપ્તો બાકી રહેતો. અમે પણ આ વાતને નજરઅંદાઝ કરતા. પ્રોડ્યુસર કહે કે ફિલ્મ રિલીઝ થાય પછી આપીશ. ફિલ્મ રિલીઝ થાય તો કહે, હમણાં હાથ ટાઇટ છે, થોડા દિવસ રાહ જુઓ. પછી કહે કે મને નફો નથી થયો, ખોટ જાય એવું લાગે છે.’ અમને આ બધી વાતોની ખબર હોય એટલે આ વાતને મનમાં લાવીએ નહીં. સંબંધની સામે પૈસા ગૌણ હોય છે. જોકે આમાં અપવાદરૂપે ઘણા લોકો હોય છે. મને યાદ છે કે જ્યારે અમે દારા સિંઘની ફિલ્મનું કામ હાથમાં લીધું એ દિવસોમાં મારી દીકરીનાં લગ્ન લેવાયાં હતાં. દારા સિંઘને આ વાતની ખબર પડી તો કામ શરૂ થતાં પહેલાં જ મારા હાથમાં પૈસા મૂકતાં કહે, ‘બેટી કી શાદી હૈ ના, કામ આએગા.

‘આર. ડી. બર્મન સાથેનો કોઈ યાદગાર કિસ્સો યાદ આવે છે?’ મારા પ્રશ્નના જવાબમાં આણંદજીભાઈ પંચમદાને યાદ કરતાં કહે છે...

‘ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં અમારો કિશોરકુમાર સાથેનો એક ચૅરિટી શો હતો. એ શોમાં અનિવાર્ય સંજોગોને કારણે કિશોરકુમાર આવી શકે એેમ નહોતા. આયોજકો મુશ્કેલીમાં આવી ગયા. તેમને ચિંતા થઈ કે કદાચ પબ્લિક પૈસા પાછા માગશે. એ સમયે લતા મંગેશકરે અમને સામેથી ફોન કર્યો કે મારી જરૂર હોય તો વિનાસંકોચ મને બોલાવજો. પંચમને એ વાતની ખબર પડી એટલે તેઓ અને આશા ભોસલે આવી પહોંચ્યાં અને શોમાં જાન આવી ગઈ.’

સંગીતકાર મદન મોહન સાથે અમારી મુલાકાત થાય એટલે અમને કહે, ‘કહો કલ્યાણ, કૈસે હો? આનંદ કૈસે હૈ?’ એટલે હું કહું, ‘મોટા ભાઈનું સાચું નામ કલ્યાણજી છે અને મારું આણંદજી છે.’ તો કહે, ‘મૈં તો તુમસે બડા હૂં. તુમ લોગોં કો જી લગાએ બિના બુલા સકતા હૂં.’ મેં સમજાવ્યું કે ‘આ ‘જી’ માનવાચક શબ્દ નથી; અમારા નામનો જ એક હિસ્સો છે. તો કહે, ‘ઐસા કૈસે હો સકતા હૈ? કિસી કે નામ મેં જી શબ્દ આતા હી નહીં.’ મેં તરત કહ્યું, ‘આપને તાનાજી, શિવાજી, ભિખાજી, યે સબ નામ સુને હોંગે. ચૅટરજી, બૅનરજી, યે સરનેમ ભી સુની હોગી.’ મારી વાત સાંભળીને તેઓ હસતાં-હસતાં કહે, ‘તુમ્હારી બાત સહી હૈ.’

‘તમારી પસંદગીના સંગીતકાર કોણ હતા?’ મારા આ પ્રશ્નના જવાબમાં આણંદજીભાઈ કહે છે,

‘સચિન દેવ બર્મન. તેમના સંગીતના કેવળ અમે નહીં, બીજા સંગીતકારો પણ દીવાના હતા (સંગીતકાર ઓ. પી. નય્યર, નૌશાદ અને ખય્યામ પણ આ વાતનો એકરાર મારી સાથે કરી ચૂક્યા છે). સચિનદાના અતરંગી સ્વભાવને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે,

‘તેમનો સ્વભાવ નાના બાળક જેવો હતો. એક દિવસ કલ્યાણજીભાઈને કહે, ‘પરસોં મેરા રેકૉર્ડિંગ હૈ. મેરા ગાને (ગીત) મેં ફ્લુટ હૈ. મેરે કો એક અચ્છા ફ્લુટિસ્ટ (વાંસળી વગાડનાર કલાકાર) ચાહિએ.’ કલ્યાણજીભાઈએ કહ્યું, ‘ક્યા હુઆ, આપકો કોઈ ફ્લુટિસ્ટ નહીં મિલ રહા હૈ?’ તો કહે, ‘મુઝે પંચમ કા ફ્લુટિસ્ટ ચાહિએ.’

‘તો ફિર ઉસસે માંગ લો.’ કલ્યાણજીભાઈએ કહ્યું,

‘મૈં પંચમ કે પાસ ક્યું માંગું? વો મેરા બેટા હૈ. તુમ ઉસકો બોલો, દાદા કો તુમ્હારા ફ્લુટિસ્ટ ચાહિએ.’

મોહમ્મદ રફીને એક દિવસ કહે, ‘તેરા ગોલા (ગલા-ગળું) કૈસા હૈ?’ રફીસાહેબે જવાબ આપ્યો, ‘ઠીક હૈ. આપ ક્યોં ઐસા પૂછ રહે હો?’ તો કહે, ‘દો મહિને બાદ તેરા ગાના રેકૉર્ડ કરને કા હૈ. આજકલ તુમ બહુત ચિલ્લાકે ગાના ગાતા હૈ. દો મહિને બાદ મૈં વાપીસ ચેક કરુંગા.’ આટલું કહી જે દિવસે રેકૉર્ડિંગ હોય એના પહેલાં પૂછે, ‘દો દિન કિસી કા ગાના નહીં ગાના. મેરા ગાના હોને સે પહેલે મુઝે તુમ્હારા આવાઝ બિલકુલ ફ્રેશ ચાહિએ.’ આવી જ રીતે લતા મંગેશકર, કિશોર કુમાર જેવા દરેકને રેકૉર્ડિંગના બે-ત્રણ દિવસ પહેલાં ફોન કરતા. કિશોરકુમારને એક વખત મધરાતે કેવળ ‘હેલો’ સાંભળવા ફોન કર્યો હતો. ‘હેલો’ સાંભળીને એટલું જ કહે, ‘ઠીક હૈ. અબ તુ સો જા.’ કિશોરદા કહે, ‘દાદા, ઇતની રાત ગયે ક્યું ફોન કિયા?’ તો કહે, ‘કલ તેરા રેકૉર્ડિંગ હૈના? તેરી આવાઝ ચેક કરને કો ફોન કિયા થા.’ લતા મંગેશકરને એક વાર કહે, ‘દો દિન કે બાદ તુમ્હારા ગાના લેને કા હૈ તો અભી દો દિન સી. રામચન્દ્ર કા ગાના નહીં ગાના.’ સિંગર્સના અવાજની ક્વૉલિટી માટે તેઓ ખૂબ સજાગ હતા.

એક રિહર્સલમાં તેમના અસિસ્ટન્ટ મનોહરી સિંઘને કહે, ‘ગાના લીખ (એટલે કે ગીતના નોટેશન લખ), એટલું કહીને લાઇટ ઑફ કરી નાખી. મનોહરીદા કહે, ‘દાદા, લીખુન્ગા કૈસે? બજાઉંગા કૈસે?’ તો કહે, ‘મેરે કો નહીં માલૂમ.’ છેવટે મનોહારીદા ગૅલરીમાં ગયા અને ત્યાં લખવા માંડ્યા.

આ પણ વાંચો : સંગીત, ભક્તિ, નૃત્યના ત્રિવેણીસંગમમાં ડૂબકી મારીને તમે ઉત્સવ ઊજવી શકો

સચિનદાના આવા અનેક મજેદાર કિસ્સા હજી બાકી છે.

ગયા રવિવારે ૨૩ જૂનના લેખમાં લખાયું હતું કે સ્વામીનારાયણના ફંક્શનમાં પ્રમુખસ્વામી મહારાજશ્રી (બાપજી) ભક્તિરસમાં તરબોળ થઈને નૃત્ય કરવા લાગ્યા. હકીકતમાં તેઓ સ્વામીનારાયણ, મણિનગર સંસ્થાના શ્રી પુરુષોત્તમદાસ મહારાજ હતા. સરતચૂક બદલ ક્ષમા માગું છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK