Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કલ્યાણજી-આણંદજીએ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું

કલ્યાણજી-આણંદજીએ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું

10 February, 2019 02:18 PM IST |
રજની મહેતા

કલ્યાણજી-આણંદજીએ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વો જબ યાદ આએ

જીવનમાં સફળતા મોટે ભાગે નિષ્ફળતાના માર્ગ પર મળતી હોય છે. એટલે જ તો કહેવાય છે, Success is a journey, not a destination. કામ પ્રત્યેનો તમારો અભિગમ અને આવડત, આ બે વસ્તુ પર સફળતાનો આધાર રહેતો હોય છે. છેવટે તો તમે પોતે જ તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદર હો છો.



સંગીતકાર કલ્યાણજી-આણંદજીની સંગીતની કારકિર્દી સફળ થઈ એમાં કેવળ તેમની સંગીતની સૂઝબૂજ નહીં પણ એ સાથે બાપુજીએ આપેલી સોનેરી શિખામણનો મહત્વનો ફાળો છે. કરિયાણાની દુકાને બેસીને જીવનના જે અમૂલ્ય પાઠ ભણવા મળ્યા એમાં એક લેસન એ હતું કે ગ્રાહકને પોતાની કોઠાસૂઝ વડે ખુશ કરવો. ધીરજથી કામ લઈ અને પોતાના અહમને વચ્ચે લાવ્યા વિના આ કામ કરવાનું હતું. આ વાતને તેઓ સફળ સંગીતકાર બન્યા પછી પણ ભૂલ્યા નહોતા. આનો દાખલો આપતાં આણંદજીભાઈ કહે છે,


‘કોઈ વખત એવું બનતું કે ગીતકાર ગમેતટલાં મુખડાં સંભળાવે તો પણ પ્રોડ્યુસરને પસંદ ન આવે. બેત્રણ સિટિંગ થાય એ પછી પણ વાત ન બને. ફરી પાછી સિટિંગ થાય અને ગીતકાર એકબે નવાં મુખડાં સંભળાવે એ છતાં પ્રોડ્યુસર ખુશ ન થાય. એટલે અમે વાણિયાગીરી કરીએ. ગીતકારને કહીએ, ‘અમને લાગે છે કે પહેલી સિટિંગમાં પ્રોડ્યુસરે જે મુખડું સંભળાવ્યું હતું એ જ આ સિચુએશન માટે બેસ્ટ લાગે છે, એના પર જ કામ શરૂ કરીએ.’ આમ કહીએ એટલે અમને જે યોગ્ય લાગતું હોય એ મુખડું ગીતકાર સંભળાવતાં કહે, ‘ઉસ પર હી કામ કર કે યે ગાના બનાયા હૈ.’

પ્રોડ્યુસર મનમાં વિચાર કરે કે આ વાત સાચી છે કે નહીં. એટલે અમે કહીએ, ‘શેઠજી, ભૂલ ગયે? વો દિન આપને હી યે મુખડા સુનાયા થા. ક્યા બાત હૈ! ઇસસે અચ્છા મુખડા લાખ કોશિશ કરો ફિર ભી મિલના મુશ્કિલ હૈ.’


સિટિંગ દરમ્યાન તેણે એકાદબે સજેશન આપ્યાં હોય એ છતાં તેના મનમાં થોડીઘણી શંકા હોય એ પણ આ વાત સાંભળી દૂર થઈ જાય અને તે સાચું માની લે કે ખરેખર આ મુખડું તેનું જ છે. કહેવાય છેને કે ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે. આમ પ્રોડ્યુસર ખુશ થાય અને અમારું કામ થાય. તેનો અહમ સચવાય અને જે યોગ્ય રચના હોય એ ઓકે થાય. ખરી જોવાની મજા તો ત્યારે આવે કે રેકૉર્ડિંગના દિવસે તે કૉલર ઊંચો કરતાં દરેકને કહેતો જાય, ગાને કા મુખડા અપના હૈ.

‘એક વસ્તુ તમે માર્ક કરજો, જે ગીતમાં ‘હવા’ કે ‘પવન’ કે પછી ‘ગંગા’ શબ્દ હોય એ ગીત મોટા ભાગે હિટ જાય. જેમ કે ‘પવન દીવાની ન માને, ઉઠાએ મોરા ઘૂંઘટા’ (ડૉ. વિદ્યા), ‘સાવન કા મહિના, પવન કરે સોર’ (મિલન), ‘ઠંડી હવાએં લહરા કે ગાએ, રુત હૈ જવાં તુમ કો યહાં, કૈસે બુલાએં’ (નૌજવાન), ‘ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ’ (સંગીત સમþાટ તાનસેન), ‘તૂ ગંગા કી મૌજ મૈં જમના કી ધારા, હો રહેગા મિલન’ (બૈજુ બાવરા), ‘મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં (સંગમ), ‘છોરા ગંગા કિનારેવાલા’ (ડૉન), ‘ગંગા મેરી માં કા નામ, બાપ કા હિમાલા’ (તુમ સે અચ્છા કૌન હૈ), ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપિયોં કે પાપ ધોતે ધોતે’ (રામ તેરી ગંગા મૈલી)... આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય. એટલે અમે ગીતકારને ઘણી વખત સજેશન કરીએ કે શક્ય હોય તો આમાંના એકાદ શબ્દનો પ્રયોગ તમે ગીતમાં કરજો.’

આણંદજીભાઈની આ વાતો સાંભળી મને તો એવું જ લાગ્યું કે જીવનની અમુક ફિલોસૉફી કોઈ પણ ક્ષેત્રમાં કામિયાબી અપાવે છે. શરત ફક્ત એટલી છે કે યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ તમે એનો ઉપયોગ કરો. પોતાના ફીલ્ડમાં મોટી-મોટી ડિગ્રીઓ મેળવનારા લોકોને આપણે નિષ્ફળ થતા જોયા છે એનું મુખ્ય કારણ એટલું જ હોય છે કે એ પોપટિયું જ્ઞાન હોય છે. તેમના માટે કહેવાય કે ભણ્યા, પણ ગણ્યા નહીં. આયુષ્યની યુનિવર્સિટીમાં જે શિક્ષા ગળથૂથીમાં મïળે એનો કોઈ પર્યાય નથી. કલ્યાણજી-આણંદજીએ ડગલે અને પગલે બાપુજીની શિખામણનો યોગ્ય ઉપયોગ કરીને મુશ્કેલ પરિસ્થિતિને આસાન બનાવી છે એટલું જ નહીં, તેમના સાથીદારો સાથે એ વહેંચી છે.

કારકિર્દીની ટોચ પર પહોંચીને પોતાના મૂળ અને માતૃભાષાને ભૂલી જનારા અનેક કલાકારોને આપણે જોયા છે. કલ્યાણજી-આણંદજીની જોડી આ બાબતમાં અપવાદ હતી. હિન્દી ફિલ્મોમાં સફળ સંગીતકાર તરીકે નામના મેળવી એ છતાં પોતાની ભાષા અને સંસ્કૃતિને તેઓ ભૂલ્યા નહોતા. ઘણી વાર એવી ગેરસમજ થાય કે કલાકાર હિન્દી ફિલ્મો છોડી પ્રાદેશિક ભાષાની ફિલ્મો કરવા લાગે ત્યારે લોકો એમ જ માને કે હવે હિન્દી ફિલ્મોમાં કામ મળતું ઓછું થયું લાગે છે. આવાં ભયસ્થાનોને ગણકાર્યા વિના આ જોડીએ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું એ આપણા સૌ માટે ગર્વની વાત છે. એ સમયની યાદ તાજી કરતાં આણંદજીભાઈ કહે છે,

‘ગુજરાતીના મશહૂર શાયર શયદાના પુત્ર રજબ શયદા નિર્મિત ‘અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) સિલ્વર જ્યુબિલી હિટ હતી. ગુજરાતી ફિલ્મ હોય એટલે બજેટ સાવ ઓછું હોય, પરંતુ આપણી ભાષાની ફિલ્મ માટે સંગીત આપવાનો મોકો મળે એની વાત જ કંઈક ઓર હોય. આ ફિલ્મમાં અમે ઇન્ડસ્ટ્રીના ટોચના દરેક ગાયકના અવાજમાં ગીત રેકૉર્ડ કર્યાં. ફિલ્મ અને એનું સંગીત ખૂબ જ લોકપ્રિય થયાં. ગુજરાત સરકારે પહેલી વાર કોઈ ફિલ્મને કરમુક્તિ આપી હોય તો એ આ ફિલ્મ હતી. ત્યાર બાદ મનુભાઈ ગઢવીની ફિલ્મ ‘કસુંબીનો રંગ’ (૧૯૬૫), ધીરુભાઈ અને બાબુભાઈ દેસાઈની ‘કુળવધૂ’ (૧૯૭૭), મનુભાઈ ગઢવીની ‘કંકુ પગલાં’ (૧૯૭૯) અને પુષ્પા રાવળ અને રજની નંદલાલની ‘અબીલ ગુલાલ’ (૧૯૮૪)માં અમે સંગીત આપ્યું.’

ગુજરાતી ફિલ્મોની વાત ચાલતી હતી એટલે મેં આણંદજીભાઈને પૂછ્યું કે હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મ આ બન્નેમાં સંગીત આપવાની બાબતમાં કઈ ફરક ખરો?

‘હા, ફરક તો પડે જ.’ આણંદજીભાઈ કહ્યું, ‘‘અખંડ સૌભાગ્યવતી’નો વિષય વર્તમાન સમયનો હતો એટલે સંગીત પણ આજનું હતું. પરંતુ બીજી ફિલ્મોના વિષય એવા હતા કે એમાં લોકસંગીતનો વધુ ઉપયોગ કરવો પડે. પારંપરિક ગીતસંગીતને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ભેળવીને લોકભોગ્ય થાય એ રીતે રજૂઆત કરવી પડે. આ સમયે અમને દેશી નાટક સમાજનાં ગીતો ઘણાં કામમાં આવતાં. લોકસંગીત અને ફિલ્મસંગીતની ભેળસેળ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. આ ઉપરાંત બિનગુજરાતી ગાયકો પાસેથી કામ લેવાનું હોય એટલે તેમના ઉચ્ચારણમાં વધુ ધ્યાન આપવું પડે. ધારો કે એક શબ્દ છે ‘ઓઢી’. બિનગુજરાતી ગાયકો આને ‘ઓડી’ જ બોલે. ‘ડ’ અને ‘ઢ’નો જે ફેર છે એ કેવળ બોલવામાં નહીં, પરંતુ એના લહેકામાં જે ફરક છે એ ખાસ સમજાવવો જોઈએ. તેમને પૂરતાં રિહર્સલ કરાવવાં પડે. શ્રોતાઓને એમ ન લાગવું જોઈએ કે બિનગુજરાતી કલાકારો ગીત ગાય છે. આ કામ ધીરજ અને મહેનતનું છે. આ ફિલ્મોમાં કામ કરતા ઘણા કલાકારો હિન્દીભાષી હતા એટલે તેમની સાથે સંવાદલેખકે ખૂબ જ ધ્યાન આપવું પડે જેથી ડાયલૉગ સરખી રીતે બોલાય. દરેકને માટે આ એક નવી ચૅલેન્જ હતી અને એટલે જ આ ફિલ્મો કરવાનો એક જુદો જ આનંદ હતો.’

મને અહીં આશા પારેખની એક વાત યાદ આવે છે. અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે જ્યારે અમે તેમનું અભિવાદન કર્યું ત્યારે તેમણે તેમની કરીઅરના અનેક અનુભવો અમારી સાથે શૅર કર્યા હતા. ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ના શૂટિંગના દિવસોની એક મજેદાર ઘટના યાદ કરતાં તેમણે કહ્યું હતું,

‘આ ફિલ્મના શૂટિંગ સમયે મારે ગુજરાતીમાં ડાયલૉગ બોલવાના હતા. આમ તો અમે ઘરમાં ગુજરાતીમાં જ વાતો કરતાં એટલે મને બહુ તકલીફ નહોતી પડતી. જોકે અમુક શબ્દો હું જે રીતે બોલતી એના કારણે સંવાદલેખક ખૂબ જ પરેશાન થઈ જતો. મારે ‘ભવરા’ શબ્દ બોલવાનો હોય અને હું ‘ભંવરા’જ બોલું, કારણ કે હિન્દીમાં હંમેશાં ‘ભંવરા’ બોલવાની આદત હતી. હું અંગ્રેજી મીડિયમમાં ભણી છું. મારી સ્કૂલમાં ઘણી પારસી છોકરીઓ હતી એટલે મારું ગુજરાતી પારસી સ્ટાઇલનું હતું. આને કારણે શુદ્ધ ગુજરાતી બોલવામાં ઘણી ગરબડ થતી. સેટ પર બિચારો અસિસ્ટન્ટ કંટાળી જતો. મને કહેતો, ‘બહેન, તમે ગુજરાતી થઈને કેમ આટલી ભૂલો કરો છો?’ જોકે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની મને ખૂબ જ મજા આવી હતી.’

ગુજરાતી ફિલ્મોની વાત નીકળી છે તો મને લાગે છે કલ્યાણજી-આણંદજીની આ ફિલ્મોનાં યાદગાર ગીતોને આપણે ફરી એક વાર સ્મૃતિપટમાંથી બહાર કાઢીને ગણગણવાં જોઈએ. ‘અખંડ સૌભાગ્યવતી’ ડિરેક્ટર-મનહર રસકપૂર, કલાકાર : આશા પારેખ, મહેશકુમાર, અરવિંદ પંડ્યા, ગીતકાર-બરકત વીરાણી.

તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી (લતા મંગેશકર અને સાથીઓ), નૈને નૈન મળે જ્યાં છાનાં, (મુકેશ-સુમન કલ્યાણપુર), નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે (મુકેશ), મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો (લતા મંગેશકર), મેં તો સોળે સજી શણગાર (સુમન કલ્યાણપુર), ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે (મન્ના ડે-કમલ બારોટ) ‘અખંડ સૌભાગ્યવતી’ રાજકોટમાં એક જ થિયેટરમાં સળંગ ૭૫ અઠવાડિયાં સુધી ચાલી હતી.

‘કસુંબીનો રંગ’ ડિરેક્ટર જી. કે. મહેતા, કલાકાર - પદ્મારાણી, પ્રશાંત, દેવિકા રૉય, ગીતકાર-મનુભાઈ ગઢવી.

એ પીધો કસુંબીનો રંગ (હેમુ ગઢવી), હંસલો હાલો રે હવે મોતીડાં નહીં રે મળે (લતા મંગેશકર).

‘કુળવધૂ’ ડિરેક્ટર હરીશ પટેલ, કલાકાર - આશા પારેખ, નવીન નિલ, કિરણકુમાર, ગીતકાર-બરકત વીરાણી, કાન્તિ અશોક, મનુભાઈ ગઢવી.

ચાલતો રહેજે હે તું ચાલતો રહેજે (કિશોરકુમાર), મને ઘેલી ઘેલી જોઈ મને પૂછશે જો કોઈ (લતા મંગેશકર), રૂડી રૂડી રઢિયાïળી, અંગે અજવાળી આવી પૂનમની રાત (આશા ભોસલે), હે ઢોલીડા રે, આજ આવો રે વાગડ (મહેન્દ્ર કપૂર-ઉષા મંગેશકર).

‘કંકુ પગલાં’ ડિરેક્ટર-મનુભાઈ ગઢવી, કલાકાર-મનુભાઈ ગઢવી, રાગિણી, અરવિંદ પંડ્યા, સુષમા વર્મા, ગીતકાર-મનુભાઈ ગઢવી.

આ પણ વાંચો : દાદનો આભાર કિન્તુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

કઈ દેજો તમે સારી દુનિયાને, અવતાર ધરીને આવું છું (મનહર ઉધાસ), પૂછું રાધાને મીરાને એક વાતલડી (મનહર ઉધાસ-કાંચન), ‘અબીલ ગુલાલ’ ડિરેક્ટર-રજની નંદલાલ, કલાકાર-રીટા ભાદુરી, નરેશ કનોડિયા, ગીતકાર-કાન્તિ અશોક.

પ્યાર પુકારે, મારો પ્યાર પુકારે (સાધના સરગમ), ઓ રંગરસિયા તારી મારી પ્રીત બંધાણી (અલકા યાજ્ઞિક-પ્રફુલ્લ દવે).

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 02:18 PM IST | | રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK