દેશની રાજધાની દિલ્હીમાં હવાની સાથે પીવાનું પાણી પણ શુદ્ધ નથી

Published: Nov 17, 2019, 09:54 IST | New Delhi

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાણીની ગુણવત્તા સૌથી શ્રેષ્ઠ, ૨૧ શહેરો મોટાં શહેરોમાં પ્રથમ ક્રમે, હૈદરાબાદ બીજા અને ભુવનેશ્વર ત્રીજા સ્થાને : પાણીની ગુણવત્તાની તપાસ આગળ પણ ચાલુ રહેશે, ૨૦૨૪ સુધીમાં દરેક ઘરને શુદ્ધ પાણી પહોંચાડીશું: રામ વિલાસ પાસવાન

રામ વિલાસ પાસવાન
રામ વિલાસ પાસવાન

સમગ્ર દેશમાં રાજધાની દિલ્હીમાં હવાની સાથે હવે પીવાના પાણીની ગુણવત્તા પણ સાવ તળિયે ગઈ છે. દેશનાં ૨૧ મોટાં શહેરોમાંથી લેવાયેલા પીવાના પાણીના નમૂનાની ચકાસણીમાં દિલ્હીનું પીવાનું પાણી સૌથી ખરાબ પ્રદૂષિત સાબિત થયું છે, જ્યારે આખા દેશમાં જ્યાં સૌથી વધારે ગીચોગીચ વસ્તી છે એ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાણીની ગુણવત્તા સૌથી સારી પુરવાર થઈ છે. દેશભરનાં ૨૧ શહેરોના પાણીના નમૂનાઓની લૅબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને આજે શનિવારે પાણીની ગુણવત્તાના આધારે દેશનાં ૨૧ શહેરોની યાદી બહાર પાડી હતી.
આ યાદીમાં મુંબઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુર પાણીની સારી ગુણવત્તામાં પ્રથમ પાંચ શહેરો તરીકે ઊભરી આવ્યાં છે. એ જ રીતે, બાકીનાં શહેરોમાં અનુક્રમે અમરાવતી, સિમલા, ચંડીગઢ, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બૅન્ગલોર, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદૂન, ચેન્નઈ, કલકત્તા અને સૌથી છેલ્લે ૨૧મા ક્રમે રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે ભારતીય ધોરણોના બ્યુરો (બીઆઇએસ)ને દેશનાં વિવિધ શહેરોમાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કરવા માટે એની તપાસ કરવા અને એ મુજબ શહેરોની રૅન્કિંગ જારી કરવાની સૂચના આપી હતી. આજે પાણીની ગુણવત્તાના અહેવાલ અને રૅન્કિંગ બહાર પાડ્યા બાદ પ્રેસ કૉન્ફરન્સને સંબોધન કરતાં પાસવાને જણાવ્યું હતું કે પાણીના નમૂનાઓનાં ૧૦ ધોરણો પર પરીક્ષણ કરાયું હતું જેમાં મુંબઈનું પાણી દરેક માપદંડમાંથી સફળ રીતે પસાર થયુ હતું એટલે કે મુંબઈના પીવાના પાણીની ગુણવત્તા કે શુદ્ધતા સૌથી સારી પુરવાર થઈ છે, જ્યારે રાજધાની દિલ્હીમાં પીવાના પાણીના નમૂના આ માપદંડની કસોટીમાં નિષ્ફળ સાબિત થતાં દિલ્હીમાં પીવાના પાણીની શુદ્ધતા સૌથી ખરાબ પુરવાર થઈ છે. અન્ય રીતે કહીએ તો દિલ્હીનું પાણી પીવાલાયક નથી.
દિલ્હીમાં આપ પાર્ટીની મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલની સરકાર કાર્યરત છે અને પાણીપુરવઠાની જવાબદારી કેજરીવાલ સરકારના માથે છે ત્યારે કદાચ તેને ધ્યાનમાં રાખીને રાજકીય આક્ષેપોથી બચવા એનડીએના પ્રધાને દિલ્હીમાં પાણીની સૌથી ખરાબ સ્થિતિ અંગે એવો ખુલાસો પણ કરતાં કહ્યું કે ‘અમે કોઈ (આપ) સરકારને દોષી ઠેરવી રહ્યા નથી. દિલ્હી સરકારે સમજી લેવું જોઈએ કે અમે આ મુદ્દે કોઈ રાજકારણ કરી રહ્યા નથી, પરંતુ અમારો આશય લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. જ્યાં સુધી અમારી પાસે મંત્રાલય છે ત્યાં સુધી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવી વ્યવસ્થા અને પ્રણાલિ હોવી જોઈએ. દિલ્હી સરકાર કે અન્ય કોઈ પણ રાજ્ય સરકાર પીવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે અમારી પાસેથી જે મદદ માગશે એ અમારી પાસેથી લઈ શકે છે.’
તેમણે કહ્યું હતું કે પાણીની ગુણવત્તાનું પરીક્ષણ આગળ પણ ચાલુ રહેશે. પાસવાને જણાવ્યું હતું કે વધુમાં હવે પીવાના પાણીની તપાસ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં તમામ રાજધાનીઓના પાણીની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ સિટી વૉટરનું પરીક્ષણ કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં દેશના તમામ જિલ્લાઓમાં પીવાના પાણીની તપાસ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેઓ દરેક ઘરને શુદ્ધ પાણી પહોંચાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું, ‘પીએમ મોદીએ કહ્યું હતું કે ૨૦૨૪ સુધીમાં અમે દરેક ઘરને શુદ્ધ પાણી પહોંચાડીશું. અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.’

પીવાના પાણીના રૅન્કિંગ્સમાં કોણ ક્યાં?

૧. મુંબઈ, ૨. હૈદરાબાદ ૩. ભુવનેશ્વર
૪. રાંચી ૫. રાયપુર ૬. અમરાવતી
૭. સિમલા ૮. ચંડીગઢ ૯. ત્રિવેન્દ્રમ
૧૦. પટણા ૧૧. ભોપાલ ૧૨. ગુવાહાટી
૧૩. બૅન્ગલોર ૧૪. ગાંધીનગર ૧૫. લખનઉ
૧૬. જમ્મુ ૧૭. જયપુર ૧૮. દેહરાદૂન
૧૯. ચેન્નઈ ૨૦. કલકત્તા ૨૧. દિલ્હી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK