આફ્રિકાના આ સ્ટાઇલિશ ભાઈએ માસ્કનું મૅચિંગ કલેક્શન પર વસાવી લીધું

Published: Aug 06, 2020, 08:16 IST | Mumbai correspondent | Mumbai Desk

૧૬૦ સૂટ, ૨૦૦ જોડી જૂતાં અને ૩૦૦ હૅટ ધરાવતા આફ્રિકાના આ સ્ટાઇલિશ ભાઈએ માસ્કનું મૅચિંગ કલેક્શન પર વસાવી લીધું

કેન્યાના નૈરોબીમાં રહેતા જેમ્સ મેઇના મવાંગી નામના ભાઈ પોતાને ફક્ત નૈરોબી કે કેન્યા જ નહીં, સમગ્ર આફ્રિકાના મોસ્ટ સ્ટાઇલિશ મૅન તરીકે ઓળખાવે છે. તેને ભડક રંગનાં કપડાં ગમે છે. સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર જેમ્સ પાસે ૧૬૦ સૂટ, બસો જોડી જૂતાં અને ૩૦૦ હૅટ છે. તેની પાસે મૅચિંગ કલરની પેન અને સ્માર્ટફોનનાં કવર્સ પણ છે. હવે જ્યારથી કોરોનાનો રોગચાળો ફેલાયો છે ત્યારથી મૅચિંગ કલરના ડઝનબંધ ફેસ માસ્ક્સ પણ તેણે વસાવ્યા છે. એ ફેસ મોસ્ક્સ પણ સસ્તી ક્વૉલિટીના નથી. મવાંગીની ફૅશન ઍક્સેસરીઝમાં હવે કોરોના સંબંધી સામગ્રીનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. તેની ખાસિયત છે કે તે દરેક વખતે બધું મૅ‌ચિંગ કલર્સનું જ વાપરે છે. તેનાં વસ્ત્રો, સ્માર્ટફોન કવર્સ, બૂટનાં મોજાં અને ફેસ માસ્ક્સ બધું જ સરખું હોય.
તેનો પરિવાર ગરીબ હોવાથી જેમ્સે બાર વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધું હતું. ત્યાર પછી દુકાનો અને કારખાનાંમાં અનેક પ્રકારનાં કામો શીખ્યો. હવે તે જે મળે એ કામ કરીને સારી કમાણી કરે છે અને ફૅશનેબલ વસ્ત્રો, જૂતાં વગેરેનો શોખ પૂરો કરે છે. તેનું કહેવું છે કે તેનો પરિવાર નૈરોબી શહેરમાં આવ્યો ત્યારે તેની પાસે એક જ શર્ટ હતું. લોકો તેની મશ્કરી કરતા હતા, કારણ કે સૌ જાણતા હતા કે જેમ્સના પિતા સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. સમાજમાં આ હાંસીપાત્ર સ્થિતિથી છુટકારો મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરતાં-કરતાં જેમ્સ ખૂબ મહેનત કરીને પૈસા કમાવા માંડ્યો. હવે તે સરસ મજાના સૂટ પહેરીને રસ્તા પર ઊભો રહે ત્યારે સૌનું ધ્યાન એ તરફ આકર્ષાય છે. જેમ્સ ફૅશનેબલ વસ્ત્રોને કારણે સોશ્યલ મીડિયા દ્વારા આખી દુનિયામાં જાણીતો બન્યો છે. જેમ્સ તેના ચર્ચના સાથીઓને ક્યારેક એકાદ-બે દિવસો માટે પહેરવા માટે તેના સૂટ આપે છે. જેમ્સના સૂટની કિંમત 10,000 કેન્યન શિલિંગ્સ (અંદાજે 7000 રૂપિયા)થી 80,000 કેન્યન શિલિંગ્સ (અંદાજે 56,000 રૂપિયા) સુધી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK