વિન્ટરમાં સ્કિન-કૅર માટે પુરુષોએ શું કરવું જોઈએ એ જાણી લો

Published: 24th December, 2018 20:30 IST | Varsha Chitlia

ત્વચાની આંતરિક અને બાહ્ય કાળજી માટે શિયાળામાં પુરુષોએ ફેસવૉશની પસંદગીમાં તકેદારી રાખવાની સાથે સુગંધિત દ્રવ્યોથી બનાવેલા તેલથી બૉડી મસાજ કરવો જોઈએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં ત્વચાની સંભાળ માત્ર સ્ત્રીઓનો વિષય નથી રહ્યો, હવે પુરુષો પણ મહિલાઓની જેમ જ પોતાની ત્વચાની દેખભાળને લઈને સભાન થયા છે. સ્કિન-કૅર માટે તેઓ નિયમિતપણે મેન્સ પાર્લર અને મસાજનો સહારો લેતા જ હોય છે, પરંતુ શિયાળામાં ત્વચાની વધુ કાળજી લેવી પડે છે. આ સીઝનમાં ત્વચા ફાટી જવાની અને ડ્રાયનેસની સમસ્યા તેમને પણ ફેસ કરવી પડે છે. પુરુષોની સ્કિન હાર્ડ હોય છે તેથી એક્સ્ટ્રા કૅર લેવી જોઈએ એવું ત્વચા નિષ્ણાતોનું કહેવું છે. ચાલો જોઈએ વિન્ટરમાં પુરુષોએ શું કરવું જોઈએ.

શિયાળામાં ત્વચાની કાળજી રાખવા પુરુષોએ પોતાની રૂટીન પ્રોડક્ટ્સને સાઇડ પર મૂકી દેવી જોઈએ એવી ભલામણ કરતાં ચોપાટીસ્થિત ધ બૉમ્બે સ્કિન ક્લિનિકના ડર્મેટોલૉજિસ્ટ બતુલ પટેલ કહે છે, ‘વિન્ટરમાં સ્કિનની ડ્રાયનેસ વધી જાય છે. તેથી શરૂઆતથી જ સ્કિન બૅરિયરને ફોકસમાં રાખી કાળજી લેવી જોઈએ. પુરુષોની સ્કિન-કૅર માટેની પ્રોડક્ટ્સ અલગ હોય એ જરૂરી છે. સૌથી પહેલાં આપણે ચહેરાની વાત કરીએ. આખું વર્ષ તમે જે ફેસવૉશ વાપરો છો એ જ ફેસવૉશ વિન્ટરમાં ન ચાલે. મોટા ભાગના મેન્સ ફેસવૉશમાં સૅલિસિલિક ઍસિડ ઉમેરવામાં આવે છે જે તમારી ત્વચાને ઑઇલ-ફ્રી કરવાનું કામ કરે છે. ઉનાળા અને ચોમાસામાં ત્વચાને ઑઇલ-ફ્રી કરવી પડે, જ્યારે શિયાળામાં ઑઇલિંગ કરવું પડે. સૅલિસિલિક ઍસિડવાળાં ફેસવૉશ આ સીઝનમાં વાપરવાથી ત્વચાની ડ્રાયનેસ વધી જાય છે. પુરુષોએ વિન્ટર ફેસવૉશ વાપરવાનો જ આગ્રહ રાખવો. આફ્ટર શેવમાં પણ આ જ રીતે તકેદારી રાખવી જોઈએ. આફ્ટર શેવમાં લેમન, મિન્થેલ વગેરે ઉમેરવામાં આવે છે. એનું કારણ છે ખુશ્બૂ. ફ્રેગ્રન્સ માટે એમાં આલ્કોહૉલ નાખવામાં આવે છે. આ સીઝનમાં આલ્કોહૉલ-ફ્રી આફ્ટર શેવ વાપરવું જોઈએ. શેવિંગ કરવાનું હોય એના અડધા કલાક પહેલાં ચહેરા પર ક્રીમ લગાવી રાખવાથી ત્વચા નરમ થશે અને શેવિંગ સ્મૂધ થશે. જો બિઅર્ડ રાખતા હો તો ટ્રિમ કરાવી લેવી હિતાવહ છે. જો વાળનો વધુ જથ્થો રાખવો જ હોય તો માઇલ્ડ શેમ્પુથી બિઅર્ડને વૉશ કરવી. બાથ લીધા બાદ બિઅર્ડના હેરને સૉફ્ટ રાખવા આફ્ટર શેવ ઑઇલ લગાવી દેવું. ચહેરાને ટૉવેલથી રબ ક્યારેય ન કરવો.’

મૉઇરાઇઝરની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતાં તેઓ કહે છે, ‘વિન્ટરમાં વિટામિન ચ્ ધરાવતા મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાથી ત્વચાને પોષણ મળે છે. આ ઉપરાંત ઍક્ને-ફ્રી ક્રીમનો ઉપયોગ પણ કરી શકાય. આ સીઝનમાં સ્ક્રબિંગ બિલકુલ ન કરવું જોઈએ. સ્ક્રબિંગથી ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે અને ફાટી જાય છે. દિવસમાં બે વાર મૉઇરાઇઝર લગાવવાથી ત્વચા મુલાયમ રહેશે. વિટામિન ઘ્થી સ્કિન બ્રાઇટ થાય છે. સામાન્ય રીતે આપણે શિયાળામાં સનસ્ક્રીન વાપરવાનું ટાળીએ છીએ. આ સદંતર ખોટું છે. સનસ્ક્રીનનો ઉપયોગ બારે માસ કરવો જોઈએ. વિન્ટરમાં જો સનસ્ક્રીન ન વાપરો તો સ્કિન ડાર્ક થઈ જાય છે. બૉડી સ્કિન માટે નહાવાના સાબુની પસંદગીમાં ચીવટ રાખવી. અહીં પણ શક્ય હોય ત્યાં સુધી ફ્રેગ્રન્સ-ફ્રી સોપ વાપરવો. પગની ત્વચામાં ક્રૅક્સથી બચવા રાતે સૂતાં પહેલાં યુરિયા બેઝ્ડ ક્રીમથી હળવા હાથે મસાજ કરી લેવો.’

ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્કિન-કૅર માટે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ એવી સલાહ આપતાં તેઓ કહે છે, ‘શિયાળામાં આહારમાં સીડ્સ અને ઑલિવ ઑઇલનું પ્રમાણ વધારી દેવું જોઈએ. પુરુષોએ રોજ બદામ, અખરોટ, સનફ્લાવર સીડ્સ અને ઑમેગા ટૅબ્લેટનો ડાયટમાં ઉમેરો કરવો જોઈએ. ઑમેગા ટૅબ્લેટ લેવી અનિવાર્ય છે, કારણ કે એનાથી ત્વચા હાઇડ્રેટેડ રહેશે. પુરુષો જો આટલી સામાન્ય કાળજી લેશે તો વિન્ટરમાં સ્કિન સારી રહેશે.’

આયુર્વેદમાં શિયાળાને તંદુરસ્તી બનાવવાની મોસમ કહી છે. આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારની તંદુરસ્તી માટે આ મોસમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તંદુરસ્તીને સ્કિન-કૅર સાથે સીધો સંબંધ છે એમ જણાવતાં બોરીવલીના વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આપણું શરીર એક જાતનું મશીન છે. એને અંદરથી અને બહારથી ઑઇલિંગ કરવું પડે. પુરુષોની ત્વચા પહેલેથી જ કડક હોય છે. શિયાળામાં ત્વચા વધુ કડક થઈ જાય છે એનું મુખ્ય કારણ છે વાયુનો પ્રકોપ. વાયુના પ્રકોપને શાંત કરવા શરીરને વધુ માત્રામાં પોષણ જોઈએ. આ •તુમાં ભૂખ વધુ લાગે છે. જો પર્યાપ્ત માત્રામાં પોષકતત્વો લેવામાં ન આવે તો ત્વચા શુષ્ક અને કડક થઈ જાય. સામાન્ય રીતે આપણે સૌ એવું માનીએ છીએ કે અડદિયો, ગુંદરપાક, તલની ચિક્કી, મેથીપાક, બદામપાક, મૂસળી, સૂંઠપાક વગેરેમાં ઘી અને ગોળનું પ્રમાણ વધુ હોય તેથી શારીરિક તંદુરસ્તી બને. તમામ પ્રકારનાં વસાણાંમાં શરીરમાં શક્તિ સંગ્રહ કરવાનો ગુણ તો છે જ સાથે વાયુના પ્રકોપને શાંત કરવાની શક્તિ પણ છે. ઘી પેટમાં જાય એટલે શરીરના અંદરના અવયવોનું ઑઇલિંગ થાય. વાયુ શાંત થાય એટલે ત્વચાને પોષણ મળે. ઑઇલિંગથી ત્વચાની મુલાયમતા જળવાઈ રહે છે. આંતરિક તંદુરસ્તી માટે શિયાળુ પાકની સાથે લીલી શાકભાજી, તાજાં ફળ, આમળાં તેમ જ શતાવરી, અશ્વગંધા, વાસકપૂર, કાળી દ્રાક્ષ, મજીઠ, તજ, લવિંગ, તમાલપત્ર, સુવા વગેરે દ્રવ્યોમાંથી બનાવેલી ઔષધિનો સમાવેશ કરવો જોઈએ. પ્રકૃતિ અનુસાર લસણનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ. આનાથી શરીરમાં ગરમાવો રહે છે તેમ જ ત્વચાને પોષણ મળે છે. ચ્યવનપ્રાશના સેવનથી ત્વચા ગુલાબી થાય છે. શરીર અંદરથી સારું રહેશે તો બાહ્ય સુંદરતા બની રહેશે.’

આ ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા તેમ જ ત્વચાની સંભાળ લેવા માલિશ શ્રેષ્ઠ છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આયુર્વેદમાં સુગંધિત દ્રવ્યોથી સિદ્ધ કરેલા તેલથી માલિશ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. માલિશથી લોહીનું પરિભ્રમણ વધે. શુષ્ક ત્વચામાં ચેતનાનો સંચાર થાય છે અને વાયુ પણ શાંત થઈ જાય છે. પુરુષોએ વહેલી સવારે આખા શરીરે તેલથી માલિશ કરી શરીરનો વધુમાં વધુ ભાગ ખુલ્લો રહે એ રીતે સૂર્યસ્નાન લેવું. માલિશ કરીને વહેલી સવારના કુમળા તડકામાં અડધો કલાક બેસી હૂંફાળા પાણીથી સ્નાન કરવું. હવે તો બજારમાં સહેલાઈથી ઔષધિયુક્ત તેલ મળી રહે છે. જો ન હોય તો તલના તેલથી માલિશ કરી શકાય. માલિશથી હાડકાં પણ મજબૂત થાય છે. શક્ય હોય તો ખુલ્લી હવામાં યોગ અને પ્રાણાયામ કરવા. શિયાળાની ઋતુમાં સૉના બાથ પણ લઈ શકાય. એનાથી ત્વચા સ્વચ્છ થાય છે. સૉના બાથ લેતી વખતે વરાળ આંખ અને મગજ સુધી ન પહોંચે એની તકેદારી રાખવી. આ ઋતુમાં કડવા, તીખા અને તૂરા રસવાળા આહારનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ફ્રિજનું પાણી અને ઠંડાં પીણાંથી દૂર રહેવું. શિયાળાની •તુમાં ત્વચાની સાચી સંભાળ લેવી હોય તો ઉપવાસ ન કરવાની સલાહ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK